જૈવ-ઇજનેરી ઉપકરણન : (biomedical instrumentation) રોગનાં નિદાન અને સારવાર માટે વપરાતાં ભૌતિક સાધનો અને યંત્રો સંબંધિત અભ્યાસ. પુરાતન કાળમાં વૈદ્યો તબીબો પોતાના સાદાં ઓજારો સોય, ચપ્પુ વગેરે બનાવવા માટે ગામના કારીગરોની સહાય લેતા થયા, ત્યારથી આયુર્વિજ્ઞાન અને તકનીકી વિદ્યા (technology) વચ્ચે સહકારનાં મંડાણ થયાં. સમય જતાં તબીબી ઓજારો વધુ જટિલ, વધુ કાર્યક્ષમ, વધુ વૈવિધ્યવાળાં થવા લાગ્યાં, ત્યાં સુધી આ સહકારને સ્વાભાવિક જ ગણવામાં આવતો હતો, પણ ત્યારપછી આવાં ઓજારોના નિર્માણમાં વિશેષ નિપુણતા કેળવવાની જરૂર જણાવા લાગી. આવા નિપુણ કારીગરોને વૈદ્યો સાથે બેસી તેમની જરૂરિયાતો સમજીને ઓજારો, સાધનો, યંત્રો તૈયાર કરવા પડતાં. આ રીતે આયુર્વિજ્ઞાનમાં જ વપરાતાં યંત્રો વગેરે બનાવનારા કારીગરો અને તજ્જ્ઞોનો તો એક જુદો વર્ગ બનવા લાગ્યો, જે ઇજનેરી અથવા તકનીકી જ્ઞાન સાથે સારા પ્રમાણમાં આયુર્વિજ્ઞાનનું પણ જ્ઞાન ધરાવતો હતો.

યુરોપમાં તબીબી તથા ઇજનેરી (engineering) વિદ્યાનો વિકાસ થયો તે પહેલાં ભારતમાં વૈદ્યો અનેક જાતનાં ઓજાર તથા યંત્રો વાપરતા હતા. આયુર્વેદના સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય વગેરે ગ્રંથોમાં જુદા જુદા ઉપયોગ માટે જુદાં જુદાં સાધનોનું વર્ણન છે. આ ઓજાર અત્યારનાં સાધનોને બહુ મળતાં આવે છે. આપણે ત્યાં તબીબી તાંત્રિક વિજ્ઞાન કેટલું આગળ વધ્યું હતું તેનું એક સુંદર ર્દષ્ટાંત ઋગ્વેદમાં મળે છે. તેમાં વિશાલા નામની સ્ત્રી સૈનિક, જે રાજાની માનીતી હતી, તેનો યુદ્ધમાં પગ કપાઈ ગયાની વાત છે. રાજાએ તાત્કાલિક દેવોના વૈદ્ય અશ્વિનીકુમારને બોલાવ્યા. તેમણે સારવાર કરી તે વિશાલાને લોખંડનો પગ બેસાડી આપ્યો તેવું વિધાન મળે છે. કૃત્રિમ અંગો (prosthesis) બનાવવા તથા બેસાડવાની કુશળતા તે લોકોમાં હતી તેવું આ પરથી ફલિત થાય છે.

યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તથા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તંત્રવિદ્યા (technology) ઇજનેરી વિદ્યા વગેરેમાં ઝડપભેર પ્રગતિ થવા લાગી. તેની સીધી અસર આયુર્વિજ્ઞાન માટે વપરાતાં સાધનોની ગુણવત્તા તથા ભરોસાપાત્રતા પર થવા લાગી અને સાધનો, યંત્રો, ઓજારો વધુ ને વધુ જટિલ, વધુ કાર્યક્ષમ તથા વધુ મોંઘાં પણ થવા લાગ્યાં. આ કારણે ધીરે ધીરે જૈવ-ઇજનેરી વિદ્યાનું ક્ષેત્ર વિકસતું ગયું, અને વિસ્તરતું ગયું.

આજના યુગમાં ભૌતિકશાસ્ત્ર, વિદ્યુત ઇજનેરીશાસ્ત્ર, વીજાણુ- વિદ્યા(electronics) વગેરે ક્ષેત્રોમાં જ એટલી બધી પ્રગતિ થઈ છે કે એક વ્યક્તિ બધું જ્ઞાન હસ્તગત કરી શકે જ નહીં. પરિણામે નવી શોધખોળોમાં સમૂહકાર્ય અથવા સંસ્થાકીય કાર્યક્રમની જરૂર પડી. ‘ઝાઝા હાથ રળિયામણા’ તે કહેવત આ ક્ષેત્રમાં તદ્દન યોગ્ય ઠરી છે. ઇજનેરી, ભૌતિક તથા આનુષંગિક બીજાં ક્ષેત્રોમાં પ્રગતિ હરણફાળ ભરવા લાગી, જેનો સીધો ફાયદો તબીબી ક્ષેત્રમાં મળવા લાગ્યો.

આજે સાદાં યંત્રો અને ઓજારો ઉપરાંત ક્ષ-કિરણ, અશ્રાવ્ય ધ્વનિ (ultra sound) લેસરકિરણો (laser) વગેરેની મદદથી અનેક પ્રકારનાં ઉપકરણો કામ કરતાં થયાં છે જેને બનાવવા તથા સમારકામ કરી ચાલુ હાલતમાં રાખવા માટે પણ નિષ્ણાત ઇજનેરોની જરૂર પડે છે અને પરિણામ-સ્વરૂપે આયુર્વૈજ્ઞાનિક તંત્રવિદ્યાનો વિકાસ પણ ઝડપભેર થઈ રહ્યો છે. રોગનાં નિદાન તેમજ ચિકિત્સામાં આવાં સાધનોને કારણે ઘણી સરળતા તથા ચોકસાઈ આવી શકી છે, જેને લીધે સ્વાસ્થ્યનું સ્તર ઊંચું લાવવામાં આ ક્ષેત્રનો ફાળો અમૂલ્ય છે.

ભારતમાં આ વિષયનું મહત્વ સમજાયું ત્યારથી 1968માં The Biomedical Engineering Society of Indiaની સ્થાપના થઈ. દસ વર્ષ પછી ગુજરાતમાં 1976માં The Biomedical Engineering Societyની સ્થાપના થઈ, જેનું 1991માં નામ બદલીને National Biomedical Engineering Society રાખવામાં આવ્યું.

આ વિષયનું શિક્ષણ ડિપ્લોમા, પોસ્ટ-ડિપ્લોમા તથા ડિગ્રી-કક્ષાએ એક ફરજિયાત વિષય તરીકે અમુક ઇજનેરી કોર્સમાં ગુજરાતમાં ઉપલબ્ધ છે. આ વિષયનું જ્ઞાન મેળવનાર દવાખાનાં, ઉત્પાદક કારખાનાં, પ્રયોગશાળા વગેરેમાં નોકરી કરી શકે છે અથવા સ્વતંત્ર રીતે સમારકામ વગેરેની સેવા આપી વ્યવસાય તરીકે પણ તેને અપનાવી શકે છે. આવા નિષ્ણાતોની માંગ સર્વત્ર હોવાથી પરદેશમાં પણ નોકરી અથવા અભ્યાસની તકો તેમને મળે છે.

કિશોર મ. માંકડ