જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC શસ્ત્રસરંજામનો ઉપયોગ કરી મોટા પાયે જાનહાનિ, તારાજી અને નુકસાન પહોંચાડવું તેમજ લડવાની ક્ષમતા તોડી પાડવી. આવાં શસ્ત્રોની ભયાનક વિનાશકતાને લીધે આધુનિક યુદ્ધમાં નવું પરિમાણ દાખલ થયું છે. જોકે આ પ્રકારનું યુદ્ધ હજુ મોટા ભાગે લડાયું નથી અને તેથી તેનું સાચું સામર્થ્ય નાણી શકાયું નથી. NBC શસ્ત્રો નહિ વિકસાવવાની ભારત સરકારની નીતિવિષયક જાહેરાત છતાં ભારતના સંભવિત અને સમર્થ દુશ્મનો દ્વારા આવાં શસ્ત્રોના ઉપયોગની સંભાવના ઉવેખી શકાય નહિ.
ઘણા દેશોમાં આવાં શસ્ત્રોના ઉત્પાદન માટે 1930થી સક્રિય સંશોધન હાથ ધરાયેલું છે. આવી યુદ્ધસામગ્રીના ઉપયોગ અંગેના આછાપાતળા ઉલ્લેખ અગાઉના ઇતિહાસમાં મળે છે. કૂવાના પાણીમાં ઝેર નાખવાની જૂની પદ્ધતિ બહુ જાણીતી છે. એવું પણ નોંધાયેલું છે કે સંસ્થાનો સ્થાપવાના પ્રારંભિક દિવસોમાં યુરોપિયન વેપારીઓ ઉત્તર અમેરિકાના રેડ ઇન્ડિયનોની લડાયકતા ક્ષીણ કરી નાખવા તેમને શીતળાના રોગીઓએ વાપરેલા ધાબળા આપતા હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને ચીનમાં મર્યાદિત જૈવિક યુદ્ધનો અખતરો કરી જોયો હતો. અફઘાનિસ્તાનમાં ‘પીળા વરસાદ’ (yellow rain) રૂપે ફૂગમાંથી મળતા કીટાણુજન્ય વિષનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે રોગચાળો ઝડપથી ફેલાતો હોય છે પણ કુદરતી રીતે ફાટી નીકળતા આવા મોટા ભાગના રોગો પ્રમાણમાં ધીમે ફેલાય છે અને ઘણી વાર તો તેની શરૂઆત એકાદ માનવીથી થાય છે. જૈવિક યુદ્ધ સમગ્ર વસ્તીને એકીસાથે અસર કરી શકે. 2021-22ના વર્ષમાં રશિયા અને યુક્રેનના યુદ્ધમાં રશિયા તરફથી જૈવિકશસ્ત્રોનો ઉપયોગ થયો હોવાનું મનાય છે.
જૈવિક યુદ્ધ માટેના સૂક્ષ્મ સજીવો(microorganisms)ના ચાર પ્રાથમિક સમૂહો છે. તેમનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય :
(ક) જીવાણુઓ (bacteria) : તે બારીક, મુક્ત અને સૂક્ષ્મ સજીવો (organisms) છે, તેમાંના મોટા ભાગના પ્રયોગશાળામાં ઉછેરી શકાય છે. અન્ય સજીવોના કોષોથી તેમને એ રીતે અલગ પારખી શકાય કે તે અવિકસિત કેન્દ્રો ધરાવે છે અને તેથી અસીમકેન્દ્રકીય (procaryotic) હોવાનું કહેવાય છે. તેમનાં કદ અને આકાર ભિન્ન હોય છે પણ તેમાં દંડાકાર, ગોળાકાર અને સર્પિલ (spiral) – એ ત્રણ પ્રકારો નોંધપાત્ર છે. જીવાણુની મૂળભૂત રચનામાં કોષદીવાલ, કોષરસાત્મક (cytoplasmic) ત્વચા, કોષરસ અને ક્રોમેટિન કાયાને ગણાવી શકાય.
તે અનુપ્રસ્થ (transverse) દ્વિવિભાજન (binary fission) (એક કોષનું બે એકસરખા નાના કોષમાં વિભાજન) દ્વારા વૃદ્ધિ પામે છે. E-કોલી પ્રકારના જીવાણુ 20 મિનિટમાં એકમાંથી બે, 40 મિનિટમાં બેમાંથી ચાર અને એમ વિભાજન પામે છે. 12 કલાકમાં તેમની સંખ્યા 680 લાખ કરતાં વધુ થઈ જાય.
કેટલાક જીવાણુ સાનુકૂળ સંજોગો ન હોય તો એક પ્રકારની સ્થગિત (suspended) ચેતના (animation) ધારણ કરે છે. તે બીજાણુ (spores) કહેવાય છે. આવા બીજાણુ નાના અંડાકાર અથવા ગોળાકાર હોય છે. જે જીવાણુઓ બીજાણુ બનાવે તેમને ર્દઢાગ્રહી (persistent) જૈવિક યુદ્ધ-કારકો કહેવાય છે. વિરોધ સામે ટક્કર લેનારા બૅસિલસ એન્થ્રાસિસના લીધે કાલસ્ફોટ અથવા લાંબો સમય સુધી પીડા કરનારું બહુમુખી ગૂમડું (anthrax) થાય છે. બીજાણુ ઉત્પન્ન કરનાર તે બહુ અગત્યનો જૈવિક યુદ્ધકારક છે.
જીવાણુમય (bacterial) કારકો, કૉલેરા, મરડો, પ્લેગ, ટાઇફૉઇડ અને સુકારો (sugarcane wilt) જેવા રોગો ઉત્પન્ન કરે છે.
(ખ) રિકેટ્સિયા : આ સૂક્ષ્મકીટાણુઓ (micro-organisms) ખૂબ નાના, ગ્રામ નૅગેટિવ કોકૉઇડ કોષો અથવા ટૂંકા દંડરૂપ (વ્યાસ 0.5થી 1 માઇક્રૉન અને લંબાઈ ભાગ્યે જ 5 માઇક્રૉનથી વધુ) હોય છે. તે માનવી અને અન્ય પ્રાણીઓ માટે રોગજનક (pathogenic) હોય છે. ઘણા રિકેટ્સિયાઇ રોગો ઉગ્ર અને ઘણી વાર પ્રાણઘાતક હોય છે. તે કોષદીવાલ અને ત્વચા ધરાવે છે. પ્રતિજૈવિક (antibiotic) ઉપચારની તેના પર અસર થાય છે. ફક્ત જીવંત કોષોમાં જ તે વાઇરસની માફક ઊછરે છે. મૂળભૂત રીતે તે જીવડાં ઉપરના પરોપજીવી ઘટકો છે અને માનવી અને અન્ય પ્રાણીઓમાં પાછળથી દેખા દે છે.
રોગજનક રિકેટ્સિયાની કેટલીક પ્રજાતિઓ કરડવાથી સંધિપાદોની લાળગ્રંથિમાં જોવા મળે છે. ત્યાંથી તે માનવીમાં દાખલ થાય છે. બીજા કેટલાક તેમનાં આંતરડાંમાં હોય છે, અને કરડવાથી અથવા તેમનો મળ ચામડી સાથે ઘસાવાથી માનવી કે પ્રાણીમાં દાખલ થઈ Q-જ્વર અને સંક્રામક (epide) ટાઇફસ જેવા રોગો ઉત્પન્ન કરે છે.
(ગ) વાઇરસ (વિષાણુ) : 1892માં છોડવામાંથી સૌપ્રથમ શોધાયેલ વાઇરસ તે ટોબેકો મોઝેક વાઇરસ. 1900માં માનવીને થતો ‘પીળિયો તાવ (yellow fever)’ નામનો વાઇરસ રોગ શોધાયો. વાઇરસ સામે રસી અસરકારક ઉપાય છે. વાઇરસનું કદ ઘણું નાનું (કેટલાક ને.મી.) હોવાથી તેના અભ્યાસ માટે ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. વાઇરસ કોષીય નથી, એટલે તે કોષની લાક્ષણિક રચના ધરાવતા નથી. લગભગ બધા જ વાઇરસમાં ન્યૂક્લિઇક ઍસિડ એકલા અણુ તરીકે હોય છે અને સામાન્ય રીતે કૅપ્સિડ તરીકે ઓળખાતા પ્રોટીન કવચમાં તે રહેલા હોય છે. આ કવચ ન્યૂક્લિઇક ઍસિડનું રક્ષણ કરે છે અને રોગસંચાર-(infection)માં મદદરૂપ બને છે.
વાઇરસ પોતે વધી શકતા નથી પણ ન્યૂક્લિઇક ઍસિડમાં સંકેત રૂપે પડેલી માહિતી યજમાન કોષને વાઇરસના વિવિધ ભાગો ઉત્પન્ન કરવાનું દિશાસૂચન કરે છે અને પછી એ બધા ભાગોને જોડીને સંપૂર્ણ, ચેપી વાઇરસનું કુળ ઊભું કરે છે. વાઇરસને લીધે ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યૂ ફીવર, હૉગ કૉલેરા અને શીતળા જેવા રોગો થાય છે. 2018-19ના સમયગાળામાં ચીન દ્વારા કોરોના વાઇરસનો ફેલાવો કરાયો હોવાનું મનાય છે.
(ઘ) ફૂગ (ક્વક) (fungi) : પ્રાથમિક રીતે આ પાકવિરોધી જીવો છે. તે અવાતિક વર્ધન (anerobic growth) માટે કોહવાતી વનસ્પતિમાંથી પોષણ મેળવે છે. મોટા ભાગની ફૂગ ખમીર (yeast) જેવી અવસ્થામાં અથવા પ્રતિરોધી (resistant) બીજાણુ (spores) તરીકે અસ્તિત્વ ધરાવે છે. જૈવ યુદ્ધની ર્દષ્ટિએ આવિષ (toxins) ઉત્પન્ન કરનારી ફૂગ અગત્યની હોય છે. ફૂગને લીધે બટાટાનો પાછલો સુકારો અને મરઘાનો એસ્પર્જિલ-આર્તિ નામના રોગો ઉત્પન્ન કરે છે.
યલો ફીવર માટે YEV, ટૂંટિયા ડેન્ગ્યૂ અથવા અસ્થિભંજક (3 દિવસનો તાવ) માટે dengie વાઇરસ, ઇન્ફ્લુએન્ઝા માટે ઇન્ફ્લુએન્ઝા વાઇરસ-2, શીતળા માટે Variola V, Q તાવ માટે કોક્સીએલા બર્નેટી, ઍથ્રેક્સ માટે મસ્રિકા બૅસિલસ ઍન્થ્રેસિસ, કૉલેરા માટે વિબ્રિયો કૉલેરી અને ટાઇફૉઇડ માટે સાલ્યોનેલા ટાઇફોસા એ જૈવિક યુદ્ધના રોગકારકો છે.
જૈવિક યુદ્ધકારકોની લાક્ષણિકતાઓ : રાત્રિના સમયે કોઈ પણ કારકનાં દીર્ઘસ્થાયીપણામાં વધારો થાય છે. સૂક્ષ્મ-જીવાણુઓ માટેની સૌથી વધુ અગત્યની લાક્ષણિકતા એ છે કે તે જીવતા હોવા જોઈએ. અન્ય લાક્ષણિકતામાં સંક્રામકતા (infectivity), ઉગ્રતા (virulence), ઉષ્માયન (incubation), સંચરણશીલતા (transmissibility) અને ઘાતકતા(lethality)નો સમાવેશ થાય છે.
અસરકારક જૈવિક યુદ્ધકારકની જરૂરિયાતો : અસરકારક જૈવિક યુદ્ધકારકમાં નીચેનાં જેવાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો (criteria) હોવાં જોઈએ : (i) રોગ અથવા મૃત્યુ જેવી એકાદી અસર સતત ઉત્પન્ન કરવી, (ii) મૃત્યુ અથવા રોગ માટે જરૂરી કારકની ઓછી સાંદ્રતા; (iii) અતિશય ચેપજનકતા; (iv) લક્ષ્ય વસ્તીમાં ઓળખવાની મુશ્કેલી તેમજ કારક દ્વારા ફેલાયેલા રોગ માટે કોઈ સારવારનો અભાવ અથવા સારવારની ઘણી ઓછી સુલભતા; (v) કારકના મોટા પાયાના ઉત્પાદનની શક્યતા; (vi) કારકના પરિક્ષેપણની કાર્યસાધકતા; આ પરિક્ષેપણ (dissemination) દરમિયાન તે સ્થાયી (stable) હોવા જોઈએ; (vii) છોડ્યા પછીની ટૂંકી દીર્ઘજીવિતા; જેથી આક્રમક દળો આક્રમિત વિસ્તારનો ઝડપથી કબજો લઈ શકે. આ દળો પણ આવા સંજોગોમાં કામ પાડી શકે તેવાં યોગ્ય ઉપકરણો વડે સજ્જ હોવાં જોઈએ.
કયો કારક વાપરવો તેની પસંદગી લડાઈના સ્વરૂપ અને તેના તબક્કા, લક્ષ્યરૂપ જનસમુદાયની પ્રકૃતિ (nature) અને કયાં પરિણામો મેળવવાં છે તેના ઉપર આધાર રાખે છે. રોગને ફેલાવવા માટે જૈવિક યુદ્ધકારકોને માનવશરીરમાં દાખલ કરવાના ઘણા રસ્તા છે; જેમ કે, ત્વચા અને આંખ દ્વારા, ખોરાક-પાણી દ્વારા તેમજ શ્ર્વસન દ્વારા.
માનવી સામેના (antipersonnel) જૈવિક યુદ્ધકારકો જમીન ઉપરથી, હવામાંથી અથવા દરિયામાંથી ફેંકાતા દારૂગોળા દ્વારા છોડી શકાય છે; દા. ત., હવાઈ છંટકાવ કરીને અથવા અવકાશી નાના બૉંબ, રૉકેટો, વાહકો (સામાન્ય રીતે જીવડાં) અને ઇરાદાપૂર્વક ગુપ્ત ભાંગફોડ કરીને. સામાન્ય રીતે આવા કારકો વાપરવા માટેના સૌથી અનુકૂળ સંજોગો રાત્રે સૂર્ય આથમવાના એકાદ કલાક પહેલાંથી પરોઢ થયાના એક કલાક પછી જોવા મળતા હોય છે. આ ઉપરાંત તાપમાન, વાતાવરણની સ્થિરતા, પવન, સૂર્યપ્રકાશ, સાપેક્ષ આર્દ્રતા (humidity) અને જમીનથળ-(terrain)ની પણ આ કારકો ઉપર અસર થાય છે.
જૈવિક યુદ્ધનાં તબીબી પાસાં : અસરકારક જૈવિક હુમલા પછી તબીબી સારવારની ર્દષ્ટિએ ઈજાગ્રસ્તો તથા જાનહાનિને લીધે મોટા પ્રશ્નો ઊભા થાય છે. આ સામેનું બચાવકારક ઉપકરણ એ ચહેરા પરનો રક્ષણાત્મક મુખવટો (mask) છે. ખુલ્લામાં હોઈએ તો માથું ઢાંકી રાખવું, નાકની ફરતો હાથરૂમાલ કે કાપડનો ટુકડો વીંટાળી રાખવો. બને તો બંધ ઘર કે આશ્રયસ્થાનમાં આશરો લઈ લેવો. સામૂહિક બચાવ અર્થે માણસોને અસરકારક હવા-ગાળણ (air-filtration) પ્રણાલી ધરાવતા આશ્રયસ્થાનમાં રાખવા જોઈએ અને તેનાં બારીબારણાં બંધ કરી દેવાં જોઈએ.
આક્રમકોએ ઉપયોગમાં લીધેલાં જૈવિક યુદ્ધકારકો સામે બચાવ-પક્ષના લશ્કરના સૈનિકોને રક્ષણ આપવા રસીનો ઉપયોગ કરવો જોઈએ. આક્રમણ કરનાર પક્ષના સૈનિકોને માટે પણ આ લાગુ પડે છે. કુદરતી રીતે ફાટી નીકળતા રોગો સામે પણ લશ્કરને રક્ષણ આપવા રસીનો ઉપયોગ કરી શકાય છે.
જો હુમલો થયો હોય અને તેના જીવાણુઓ ઓળખી શકાયા હોય તો રસાયણ-રોગનિરોધ (chemoprophylaxis) ઉપયોગી નીવડી શકે. આ માટે જેની સામે રક્ષણ મેળવવાનું હોય તે રોગનું સંપૂર્ણ જ્ઞાન જરૂરી છે.
હાલમાં શ્રેષ્ઠ તબીબી નિદાનસૂચક (diagnostic) અને સંશોધન પ્રયોગશાળાઓને મોટા ભાગના જીવાણુઓ અને કેટલીક ફૂગને ઓળખવા માટે સામાન્ય રીતે 48 કલાક જેટલો સમય જોઈતો હોય છે અને મોટા ભાગનાં રિકેટશિયલ અને વાઇરસને ઓળખવા 2થી 6 અઠવાડિયાં જોઈએ છે. તબીબી બચાવકાર્યની સફળતા કે નિષ્ફળતાનો આધાર નિદાન માટેના પ્રયત્નોની ત્વરા અને ચોકસાઈ ઉપર હોય છે. બચાવ માટેનાં કેટલાંક પગલાંમાં ખોરાકને બરાબર ગરમ કરવો (પાણીના ઉત્કલનબિંદુ જેટલા તાપમાન સુધી 15 મિનિટ અથવા વધુ સમય માટે ગરમ કરવાથી ખોરાક વાપરવા માટે સલામત બને છે.), હુમલા પછી બધાં કપડાં બદલી નાંખવા, સાબુ લગાવીને નાહવું વગેરેનો સમાવેશ થાય છે. જૈવિક હુમલા પછી જીવડાં અને ઉંદર જેવાનું નિયંત્રણ ઘણું અગત્યનું બને છે કારણ કે તે ચેપના સતત ફેલાવા માટેનાં વાહક બની રહે છે.
જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરાયો હોય ત્યારે કારકનો પ્રકાર પારખવા અને કેટલા વિસ્તારમાં અસર થઈ છે તે નક્કી કરવા જૈવિક શોધ-તપાસ (reconnaissance) જરૂરી છે. ન સમજાય તેવી માંદગી દેખા દે અથવા જૈવિક અને પ્રસરણ માટેનાં ઉપકરણો મળી આવે ત્યારે કમાન્ડરો સામાન્ય રીતે જૈવિક શોધ-તપાસના હુકમ આપે છે. હવાઈસંરક્ષણ (defence) અને NBC સંત્રીઓ એક બ્રિગેડ સેક્ટરના વિસ્તારમાં દુશ્મનના વિમાનમાંથી અજ્ઞાત છંટકાવ થતો જુએ અને રાસાયણિક કારક અંગેના ભયસૂચક સંકેતો રણકી ન ઊઠે તો NBC અફસરને જૈવિક કારક વડે સંદૂષણ(contamination)ની શંકા ઉત્પન્ન થાય છે. તે બધી જ NBC પ્લેટૂનોને જૈવિક શોધ-તપાસ ચલાવવાનો હુકમ કરે છે. દરેક શોધતપાસ-ટુકડીને ચોક્કસ વિસ્તાર અને માર્ગ સોંપવામાં આવે છે. NBC સ્કાઉટ પૈકીના બે સ્કાઉટ નીચે ઊતરી અવશેષી બાષ્પ પરખક(residual vapour detector)ના નમૂનો લેવાના સાધનનો ઉપયોગ કરી હવાના તથા માટીના જૈવિક નમૂના લે છે. ટુકડીનો ત્રીજો સભ્ય મધ્યમ મશીનગનવાળા વાહનમાંથી સ્કાઉટો ઉપર ચાંપતી દેખરેખ રાખે છે. નીચે ઊતરેલી ટુકડી નમૂના માટે વરસાદ અથવા ભૂતળ જળ વડે ધોવાયા ન હોય તેવા છાંયડાવાળા (shady) આરક્ષિત (protected) વિસ્તારો પસંદ કરે છે. એક સ્કાઉટ વનસ્પતિમાંનો ભેજ એકત્રિત કરે છે, જ્યારે બીજો માટીના અને દારૂગોળાના નમૂના લે છે. દરેક નમૂનાને તારીખ, સમય, સ્થળ અને ક્રમાંક આપવામાં આવે છે. તે પછી ટુકડી પૂર્વનિર્ધારિત વિસંદૂષણ-(decontamination)ના સ્થળે જાય છે. વિસંદૂષણ પૂરું થઈ જાય તે પછી ટુકડીઓ NBC નિયંત્રણ કેન્દ્રમાં પાછી ફરે છે અને NBC ઑફિસર તેમની પાસેથી માહિતી મેળવી લે છે. નમૂના ધરાવતાં પાત્રો બ્રિગેડ/ડિવિઝનલ કોર વહીવટી ક્ષેત્રની NBC પ્રયોગશાળા કે તબીબી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે.
NBC શસ્ત્રોની અસર ઘટાડવા માટે કેટલાક વિશિષ્ટ એકમો જરૂરી છે અને તેમને આ કામો પાર પાડવાનાં હોય છે : (ક) (છૂપી) માહિતીની પ્રાપ્તિ; (ખ) શોધતપાસ, દેખરેખ-નિયંત્રણ અને નમૂનાનું ચયન; (ગ) વિસંદૂષણ માળખાની રચના; (ઘ) હાનિનિયંત્રક કામગીરી.
એચ. એમ. પટેલ
અનુ. જ. દા. તલાટી