જૈવિક નિયંત્રણ

January, 2014

જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.

કૅલિફૉર્નિયામાં નારંગીઓને અત્યંત નુકસાન પહોંચાડતા મિલી બગ નામના કીટકના જૈવિક નિયંત્રણ માટે ઑસ્ટ્રેલિયાથી Coccophagus gurneyi અને Tetracnemuspretiosus નામની કેલ્શિડ ભમરાની બે જાતિઓ લાવવામાં આવી હતી; પરંતુ ડી.ડી.ટી.ના થતા આડેધડ ઉપયોગથી લક્ષ્યરૂપ નાશક જીવ(target pest)ની સાથે ઉપયોગી ભમરાની જાતિઓ પણ નાશ પામી. થોડા સમયગાળા બાદ ફરીથી મિલી બગનો નારંગીઓ પર ઉપદ્રવ વધી ગયો. કૅલિફૉર્નિયામાં ફરી પાછો પેલા ભમરાઓની જાતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો અને ડી.ડી.ટી.નો વપરાશ બંધ કર્યો; જેથી આર્થિક અને પરિસ્થિતિકીય સમતુલા પ્રાપ્ત થઈ. જાપાની ભમરાઓના નિયંત્રણ માટે Bacillus popilliae નામના જીવાણુઓનો ઉપયોગ થાય છે; તે ભમરાઓને ‘દૂધિયો’ રોગ (milky disease) લાગુ પાડે છે. ‘ઑસ્ટ્રેલિયન લેડી બર્ડ’ ભમરા કે ‘વેડાલીઆ’ ભમરા (Rodolia cardinalis) દ્વારા ‘કોટની કુશન સ્કેલ’ કીટકનું અસરકારક ભક્ષણ થાય છે. મિક્સોમા વાઇરસ (જે મિક્સોમેટોસિસ રોગ ઉત્પન્ન કરે છે) દ્વારા ઑસ્ટ્રેલિયામાં થતી યુરોપિયન સસલાની જાતિની વસ્તીનું નિયંત્રણ થાય છે.

ટ્રાઇકોગામા નામના કીટકો અન્ય કીટકોનાં ઈંડાંમાં જ પોતાનું જીવન શરૂ કરે છે અને તેની ઇયળ તેમજ કોષિત અવસ્થા જીવાતનાં ઈંડાંના ભોગે જ થાય છે. કોલંબિયા અને મેક્સિકોમાં તેની જાતિઓનો ઉપયોગ નાશક જીવોના નિયંત્રણ માટે બહોળા પ્રમાણમાં થાય છે. ‘કેપ્સિડ’ ભમરાની જાતિ પણ અનેક નાશક જીવોના નિયંત્રણ માટે ઉપયોગી છે.

Coelomyces નામની ફૂગ મલેરિયાના વાહક એનૉફિલીઝનું નિયંત્રણ કરી શકે છે. Empusa musca નામની ફૂગ ઘર-માખી પર પરોપજીવી છે અને તે જીવલેણ નીવડે છે. ઉષ્ણ પ્રદેશોમાં થતી શ્વેત માખીઓ અને ‘સ્કેલ’ કીટકના જૈવિક નિયંત્રણમાં Aschersoniaનો ઉપયોગ થાય છે. Cercospora rodmanii, Eichhornia crassipesના જૈવિક નિયંત્રણમાં ઉપયોગી પુરવાર થઈ શકે તેમ છે. ઇમારતી લાકડા પર Fomes annosus નામની ફૂગ દ્વારા સડો થાય છે. આ પરોપજીવી ફૂગનું નિયંત્રણ અન્ય ફૂગ Peniphora giganteaના બીજાણુઓનો લાકડા પર છંટકાવ કરવામાં આવતાં શક્ય બન્યું છે. Entomophagus નામની ફૂગ કીટકો પર પરોપજીવી છે. Entomophthorales અને Laboulbeniales કુળ તેમજ Deuteromycetes વર્ગની કેટલીક ફૂગ કીટકો પર પરોપજીવી છે. Bacillus thuringiensis નામના જીવાણુનો પણ નાશક જીવના નિયંત્રણ માટે ઉપયોગ થાય છે. જમીનમાં મૂળ પર થતા કેટલાક કૃમિઓનો નાશ કરવા માટે ફૂગનો ઉપયોગ થઈ શકે તેમ છે. Datyhlaria candida, D. bronchopaga, D. cianopaga, Arthrobotrys oligospora જેવી Deuteromycetes વર્ગની ફૂગ કૃમિઓ પર પરોપજીવી છે.

Xanthium strumarium(ગાડરિયું)ના પર્ણનો રસ કીટકોની વૃદ્ધિ અટકાવી શકે છે. તળાવોમાં થતી સિરેટોફાઇલમ નામની વનસ્પતિ એનૉફિલીઝ મચ્છરની ઇયળ અને તેની કોષિત અવસ્થાનો વિકાસ અટકાવે છે. Azadirachta indica(લીમડો)નું તેલ અને ખોળનો વપરાશ ચોખા પર થતાં ‘બદામી ટપકાં’ (brown spots) અને ‘પર્ણ-આવરકનો સડો’ (sheath rot disease) જેવા રોગોને અટકાવે છે, જેથી પાકનું ઉત્પાદન વધે છે. અડદ પર થતા ‘ડાઉની મિલ્ડ્યૂ’ની માત્રા પણ ઘટે છે. મગ પર થતાં ‘યલો મોઝેઇક’ વાઇરસના નિયંત્રણ માટે લીમડાનો ઉપયોગ થાય છે. લીમડાનાં ગુંદર, છાલ, પર્ણો, ફળ અને બીજ વનસ્પતિ પર પરોપજીવી રહેતા અનેક કૃમિઓના ઉપદ્રવને ઘટાડે છે.

કીટકોના અંત:સ્રાવોને ઉત્તેજિત કરવામાં આવતાં તેઓ તેમનું જીવનચક્ર પૂર્ણ કરી શકતા નથી અને નાશ પામે છે. કીટકોમાં નર અને માદાને આકર્ષવા સંમોહકો (pheromones) વાપરવામાં આવે છે. આ રસાયણો જૈવિક પ્રક્રિયાઓમાં ફેરફારો કરે છે. નર-કીટકોને વિકિરણ કે રસાયણોથી વંધ્ય બનાવીને છૂટા મૂકવામાં આવતાં તેમનું લિંગી પ્રજનન અટકે છે અને કીટકોની વસ્તીનું નિયંત્રણ થાય છે.

કૃષિપદ્ધતિમાં મુખ્ય પાક સાથે ગૌણ પાક અથવા કીટકોને આકર્ષતી અન્ય વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે; જ્યાં કીટકો જઈ શકે અને પાકને બચાવી શકાય. કીટકોના ઉપદ્રવને નાથવા પાકની ફેરબદલી, તેમની વાવણીનો સમય બદલવો વગેરે પદ્ધતિઓ પણ ઉપયોગી પુરવાર થઈ છે.

હવે, જંતુનાશકોના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. જૈવિક નિયંત્રણ દ્વારા આર્થિક અને પરિસ્થિતિકીય સમતુલા જાળવી શકાય તેમજ પ્રદૂષણનું નિવારણ થઈ શકે; જેથી પૃથ્વી પરનાં અનેક સજીવો(મનુષ્ય સહિત)ના અસ્તિત્વને ટકાવી શકાય.

બળદેવભાઈ પટેલ