જૈન લાક્ષણિક સાહિત્ય : વિવિધ શાસ્ત્રોને લગતા જૈન લેખકોએ રચેલા ગ્રંથો. પ્રાચીન ભારતની જ્ઞાન-વિજ્ઞાનની બધી શાખાઓમાં જૈનોનું આગવું પ્રદાન રહ્યું છે. લાક્ષણિક કે શાસ્ત્રીય સાહિત્યમાં પણ જૈનોનું પ્રદાન ગણનાપાત્ર છે. વ્યાકરણ, અલંકાર, કોશ, છંદ જેવા ભાષા-સાહિત્યશાસ્ત્રના વિષયો હોય કે નાટ્ય, સંગીત, શિલ્પ, ચિત્ર, વાસ્તુ જેવી કળાઓ હોય; ગણિત, જ્યોતિષ કે સામુદ્રિક શાસ્ત્ર હોય યા આયુર્વેદ, રસાયણ કે ધાતુવિજ્ઞાન હોય – દરેકમાં જૈનોએ પોતાનો વિશિષ્ટ ફાળો આપ્યો છે. અનેક પ્રકાશિત અને તેથીય અનેકગણા અપ્રકાશિત ગ્રંથોની જૈન જ્ઞાનભંડારોમાં પ્રાપ્ત થતી હસ્તપ્રતો પરથી આ વાત સિદ્ધ થાય છે.
છેક ભગવાન મહાવીરના સમયમાં બારમા અંગગ્રંથ ર્દષ્ટિવાદમાં ‘સદ્દપાદુડ’ (શબ્દપ્રાભૃત) નામે પ્રકરણમાંથી વ્યાકરણનો ઉદભવ થયો હોવાની જૈન માન્યતા છે. વ્યાકરણગ્રંથોની શરૂઆત તો વિક્રમ સં. છઠ્ઠી શતાબ્દીના દિગમ્બરાચાર્ય દેવનંદિના ‘જૈનેન્દ્ર વ્યાકરણ’થી થાય છે. ત્યારપછી આચાર્ય શાકટાયને વિ. સં. 900 લગભગમાં લખેલ ‘શબ્દાનુશાસન’ જે ‘શાકટાયન વ્યાકરણ’ નામે પ્રસિદ્ધ છે તે મળે છે. બુદ્ધિસાગરસૂરિએ વિ. સં. 1080માં રચેલ ‘પંચગ્રંથી વ્યાકરણ’ શ્વેતામ્બરોની સૌપ્રથમ ઉપલબ્ધ વ્યાકરણવિષયક રચના છે. આ પછી પ્રસિદ્ધ હેમચન્દ્રાચાર્યનું ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ આવે છે જે વ્યાકરણવિષયક જૈન રચનાઓમાં શિરમોર છે અને વ્યાકરણનાં પાંચે અંગોયુક્ત છે. આ બધાં વ્યાકરણો ઉપર ત્યારપછીના જૈનાચાર્યો, સાધુઓ અને ગૃહસ્થોએ વિવિધ પ્રકારના અનેક ટીકાગ્રંથો રચ્યા છે. જૈનેતરોએ વિરચિત સંસ્કૃત વ્યાકરણ જેવાં કે કાતંત્ર વ્યાકરણ, સારસ્વત વ્યાકરણ વગેરે પર પણ જૈનોએ અનેક વ્યાખ્યાદિક રચનાઓ કરી છે.
સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ અને ત્યારબાદની દેશી ભાષાઓનાં વ્યાકરણો પણ જૈનોએ રચ્યાં છે. જેવાં કે હેમચન્દ્રાચાર્યનું (સિદ્ધહેમના આઠમા અધ્યાયનું) પ્રાકૃત અને અપભ્રંશ વ્યાકરણ, ચંડનું ‘પ્રાકૃતલક્ષણ’, ત્રિવિક્રમનું ‘પ્રાકૃત શબ્દાનુશાસન’, સાધુસુંદરગણિનું દેશીભાષાવિષયક ‘ઉક્તિરત્નાકર’ (વિ. સં. 1680), અકલંક મુનિનું કન્નડ ભાષાનું વ્યાકરણ ‘કર્ણાટકશબ્દાનુશાસન’ (વિ. સં. 1661), વિક્રમસિંહનું ફારસી ભાષાનું વ્યાકરણ ‘પારસીકભાષાનુશાસન’ (વિક્રમની સોળમી સદી પછી).
વ્યાકરણની માફક જ કોશસાહિત્યમાં પણ જૈનોએ પ્રદાન કરેલું છે. સંસ્કૃત કોશોમાં હેમચન્દ્રાચાર્યના ‘અભિધાનચિન્તામણિ’, ‘અનેકાર્થ- સંગ્રહ’, ‘નિઘંટુશેષ’, ધનંજયકૃત ‘ધનંજયનામમાલા’, પદ્મસુંદરગણિકૃત ‘સુંદરપ્રકાશશબ્દાર્ણવ’, ઉપા. ભાનુચંદ્રગણિકૃત ‘નામસંગ્રહ’, હર્ષકીર્તિસૂરિકૃત ‘શારદીયનામમાલા’, સાધુસુંદરગણિકૃત ‘શબ્દરત્નાકર’, અમરચંદ્રસૂરિની ‘એકાક્ષરનામમાલિકા’, સુધાકલશમુનિની ‘એકાક્ષરનામમાલા’, દિગંબરાચાર્ય ધરસેનકૃત ‘વિશ્વલોચનકોશ’; પ્રાકૃત કોશોમાં ધનપાલનો ‘પાઈઅલચ્છીનામમાલા’, દેશી શબ્દોના કોશમાં હેમચંદ્રાચાર્યનો ‘દેશીશબ્દસંગ્રહ’ આદિ અનેક વિવિધ પ્રકારના કોશો દશમી શતાબ્દીથી છેક આધુનિક કાળ સુધી રચાતા રહ્યા છે. આધુનિક યુગમાં લગભગ સો વર્ષ પૂર્વે વિજયરાજેન્દ્રસૂરિ નામના આચાર્યે સાડાચાર લાખ શ્લોકપ્રમાણનો, સાઠ હજાર પ્રાકૃત શબ્દોનો, સંસ્કૃત અર્થ અને સમજૂતી તથા અવતરણો આપતો વિશિષ્ટ-કોશ ‘અભિધાનરાજેન્દ્ર’ નામે રચ્યો છે. એક જૈન મંત્રીએ રચેલ ‘યવનનામમાલા’ નામે પારસીકોશની વિ.સં. 1706માં લખાયેલ હસ્તપ્રત મળે છે જે દર્શાવે છે કે જૈનોએ કોશપ્રવૃત્તિમાં પણ કેવો વિશિષ્ટ ફાળો આપ્યો છે.
પ્રાકૃત ભાષામાં બારમી સદીમાં રચાયેલી ‘અલંકારદર્પણ’ નામક કૃતિ જૈનોની પ્રથમ અલંકારશાસ્ત્રીય રચના છે. અલંકારશાસ્ત્રમાં જૈનોની મહત્વપૂર્ણ દેન હેમચંદ્રાચાર્યનું ‘કાવ્યાનુશાસન’ છે. જૈન મંત્રી વાગ્ભટનું ‘વાગ્ભટાલંકાર’ પણ ગણનાયોગ્ય છે. અલંકારશાસ્ત્રના અનેક ગ્રંથોની સાથે જ કવિશિક્ષાના કેટલાક ગ્રંથો પણ નોંધવાયોગ્ય છે. જેવા કે વિજયચંદ્રસૂરિકૃત ‘કાવ્યશિક્ષા’, અમરચંદ્રસૂરિકૃત ‘કવિશિક્ષા’ અને તે પરની વૃત્તિ વગેરે.
હેમચંદ્રાચાર્યનું ‘છન્દોનુશાસન’ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ છંદશાસ્ત્રની અધિકૃત કૃતિ છે. આ ઉપરાંત અમરચન્દ્રસૂરિનું ‘છંદોરત્નાવલી’, જયદેવનું ‘જયદેવછન્દસ્’, સ્વયંભૂનું ‘સ્વયંભૂચ્છંદસ્’, વિરહાંકનું ‘વૃત્તજાતિસમુચ્ચય’, નંદિત્તાઢ્યનું ‘ગાથાલક્ષણ’, રત્નશેખરસૂરિકૃત ‘છંદકોશ’ વગેરે ગ્રંથો જાણીતા છે. ઉપર્યુક્ત ગ્રંથો તથા પ્રસિદ્ધ જૈનેતર છંદગ્રંથો ઉપર પણ જૈનાચાર્યોએ રચેલ ટીકાઓનું પણ વિશાળ સાહિત્ય મળે છે.
હેમચન્દ્રસૂરિશિષ્ય રામચંદ્ર–ગુણચંદ્રના ‘નાટ્યદર્પણ’ની ગણના નાટ્યશાસ્ત્રના પ્રસિદ્ધ અધિકૃત ગ્રંથોમાં થાય છે; તો મહાદેવાર્ય અને પાર્શ્વચન્દ્રરચિત ‘સંગીતસમયસાર’ અને સુધાકલશકૃત ‘સંગીતોપનિષદ’ તથા મંડતમંત્રીકૃત ‘સંગીતમંડન’ (વિ. સં. 1490) ઇત્યાદિ સંગીત-વિષયક જૈન કૃતિઓ છે.
જૈનશાસ્ત્રમાં ચાર અનુયોગ ગણાવ્યા છે તેમાં એક ગણિતાનુયોગ છે. કર્મસિદ્ધાંતના ભેદ-પ્રભેદ, કાળ અને ક્ષેત્રના પરિમાણ વગેરે સમજવા માટે ગણિતજ્ઞાનની આવશ્યકતા રહે છે. ગણિત જેવા સૂક્ષ્મશાસ્ત્રમાં અન્ય શાસ્ત્રોની અપેક્ષાએ જૈન વિદ્વાનોએ ઓછું ખેડાણ કર્યું છે. દિગંબર મહાવીરાચાર્ય(ઈ. સ. નવમી શતાબ્દી)ના ‘ગણિતસારસંગ્રહ’ અને ‘ષટ્ત્રિંશિકા’, ઠક્કર ફેરુ(ચૌદમી સદી)કૃત ‘ગણિતસારકૌમુદી’, અનંતપાલકૃત ‘પાટીગણિત’, અજ્ઞાતકર્તૃક ‘સિદ્ધભૂપદ્ધતિ’ અને તે પરની વીરસેન(વિ. સં. 795)ની ટીકા, અજ્ઞાત દિગંબરાચાર્યકૃત ગણિતસૂત્ર, શ્રીપતિકૃત ‘ગણિતતિલક’ પર સિંહત્તિમકસૂરિની ટીકા (વિ. સં. 1330) આદિ ગણિતવિષયક જૈન ગ્રંથો છે.
જૈન સાહિત્યમાં અંગબાહ્ય આગમોમાં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, જ્યોતિષકરંડક અને ગણિવિદ્યા એ ચાર કૃતિઓ પ્રાચીન જૈન ખગોળશાસ્ત્રીય રચનાઓ છે. પછીના સમયમાં ગણિત તથા ફલિત જ્યોતિષવિષયક ઢગલાબંધ ગ્રંથો મળે છે. ભદ્રબાહુ આચાર્યની ‘ભદ્રબાહુસંહિતા’, કાલકાચાર્યની ‘કાલસંહિતા’, હરિભદ્રસૂરિ-રચિત માનવામાં આવતી કૃતિ ‘લગ્નશુદ્ધિ’ પ્રાચીન રચનાઓ છે. વિ. સં. 1221માં આચાર્ય પદ્મપ્રભસૂરિએ રચેલ ‘ભુવનદીપક’ અને તે પરની અનેક ટીકાઓ મહત્વપૂર્ણ જ્યોતિષવિષયક રચનાઓ છે. નરચંદ્રગણિ(વિ. સં. તેરમી સદી)એ જ્યોતિષવિષયક અનેક ગ્રંથો રચ્યા છે. જન્મસમુદ્ર, બેડાજાતક, પ્રશ્નશતક, જ્ઞાનચતુર્વિશતિકા, જ્ઞાનદીપિકા, લગ્નવિચાર, જ્યોતિષપ્રકાશ વગેરે અનેક રચનાઓ અદ્યાવધિ અપ્રગટ છે.
જિનદત્તસૂરિરચિત ‘શકુનરહસ્ય’ (વિ. સં. 1270 આસપાસ), માણિક્યચંદ્રસૂરિકૃત ‘શકુનસારોદ્વાર’ (વિ. સં. 1338) અને બીજી કેટલીક શકુનશાસ્ત્રવિષયક રચનાઓ છે. તો નિમિત્તશાસ્ત્ર પર અજ્ઞાતકર્તૃક ‘જયપાહુડ’ (ઈ. સ. દશમી સદી પૂર્વ), ઋષિપુત્રકૃત ‘નિમિત્તશાસ્ત્ર’, ધરસેનાચાર્યકૃત ‘જોણિપાહુડ’ (ઈ. સ. પહેલી–બીજી સદી), દુર્ગદેવકૃત ‘રિટ્ઠસમુચ્ચય’ (ઈ. સ. 1032), નરપતિકૃત ‘નરપતિ જયચર્યા’ (વિ. સં. 1232), હેમપ્રભસૂરિકૃત ‘મેઘમાલા’ (વિ. સં. 1305) આદિ ઘણા જ ગ્રંથો પ્રાપ્ત છે.
સ્વપ્નના આધારે ભવિષ્યફળકથન કરનાર સ્વપ્નશાસ્ત્ર, પ્રશ્નના આધારે ફળકથન કરનાર ચૂડામણિશાસ્ત્ર અને શરીરનાં અંગોપાંગનાં લક્ષણોના આધારે ભાવિકથન કરનાર સામુદ્રિકશાસ્ત્રવિષયક પણ અનેક ગ્રંથો મળે છે —જેમકે સુમિણદાર (સ્વપ્નદ્વાર), સુમિણસત્તરિયા (સ્વપ્નસપ્તતિકા), સુમિણવિચાર (સ્વપ્નવિચાર), સ્વપ્નપ્રદીપ, અર્હચ્ચૂડામણિસાર, મન્દ્રોન્મીલન, કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ, અક્ષરચૂડામણિશાસ્ત્ર, અંગવિજ્જા (અંગવિદ્યા), કરલક્ખણ (કરલક્ષણ), સામુદ્રિકતિલક, હસ્તસંજીવન આદિ.
આયુર્વેદ વિષયમાં ઉગ્રાદિત્યરચિત ‘કલ્યાણકારક’ પ્રસિદ્ધ જૈન ગ્રંથ છે જેની રચના નવમી શતાબ્દીમાં થઈ હતી. વિ. સં. 1660માં આચાર્ય હર્ષકીર્તિસૂરિએ રચેલ ‘યોગચિન્તામણિ’ ‘વૈદ્યકસારસંગ્રહ’ નામે પણ પ્રસિદ્ધ છે. પદ્યાત્મક પ્રાકૃત ‘જમત્સુંદરી પ્રયોગમાલા’ (ઈ. સ. સોળમી સદી પૂર્વે), અકલંકસંહિતા, જ્વરપરાજય ઇત્યાદિ અનેક અન્ય ગ્રંથો મળે છે, જેમાંના કેટલાક પ્રાચીન વૈદ્યક ગ્રંથોના સારસંગ્રહરૂપ છે.
અગિયારમી સદીના જૈનાચાર્ય સોમદેવસૂરિએ રચેલ ‘નીતિવાક્યામૃત’ જૈન નીતિશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ છે.
શ્રીમાળવંશીય ઠક્કરફેરુએ ‘વાસ્તુસાર’ નામે વાસ્તુવિષયક કૃતિ રચી છે. તેણે જ વિ. સં. 1372માં ‘રત્નપરીક્ષા’ નામે રત્નવિષયક જાણકારી આપતા ગ્રંથની અને ‘દ્રવ્યપરીક્ષા’ નામે તત્કાલીન મુદ્રાઓવિષયક માહિતી આપતી કૃતિ ઉપરાંત ‘ધાતૂત્પત્તિ’ અને ‘ભૂગર્ભપ્રકાશ’ નામે વિવિધ ધાતુઓની ઉત્પત્તિ પર પ્રકાશ પાડતી રચનાઓ કરી છે. ચૌદમી શતાબ્દીના હંસદેવ નામક જૈન કવિએ ‘મૃગપક્ષીશાસ્ત્ર’ નામે ગ્રંથ રચેલ છે જેમાં પશુપક્ષીઓના પ્રકાર, સ્વભાવ વગેરે પર બહુમૂલ્ય પ્રકાશ પાડ્યો છે. એક જૈન મંત્રી દુર્લભરાજે (વિ. સં. તેરમી સદી) ‘તુરંગપ્રબંધ’ અને ‘હસ્તિપરીક્ષા’ નામે ગ્રંથો અનુક્રમે ઘોડા અને હાથીના વર્ણન વિશે રચ્યા હોવાનો ઉલ્લેખ મળે છે.
રમણિકભાઈ મ. શાહ