જૈન ધર્મ
જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકોના આધારે જણાય છે કે પ્રાચીન ભારતમાં મૂળ બે ધર્મપરંપરાઓ હતી – બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરા એટલે વૈદિક પરંપરા. બ્રાહ્મણ પરંપરામાં અહિંસાની પ્રતિષ્ઠા એટલી બધી ન હતી, જ્યારે શ્રમણ પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા હતી. બ્રાહ્મણ ધર્મ અંતે સર્વસ્વ ત્યાગ કરનાર ગૃહસ્થને કેન્દ્રમાં રાખતો હતો, જ્યારે શ્રમણ ધર્મ ગૃહત્યાગને (પ્રવ્રજ્યાને) કેન્દ્રમાં રાખતો હતો. બ્રાહ્મણ ધર્મ નિવૃત્તિફલક પ્રવૃત્તિપ્રધાન હતો જ્યારે શ્રમણ ધર્મ નિવૃત્તિપ્રધાન હતો. બ્રાહ્મણ ધર્મનું ધ્યેય ઐહિક સુખસંપત્તિ યા સ્વર્ગ અને અંતે મોક્ષ હતું જ્યારે શ્રમણ ધર્મનું ધ્યેય આત્યંતિક દુ:ખમુક્તિ યા મોક્ષ હતું. બ્રાહ્મણ ધર્મ સૃષ્ટિની ઉત્પત્તિમાં અને તેના સર્જક ઈશ્વરમાં માનતો હતો જ્યારે શ્રમણ ધર્મ સૃષ્ટિને અનાદિ-અનંત માનતો હતો અને તેના સર્જક ઈશ્વરનો પ્રતિષેધ કરતો હતો. બ્રાહ્મણ ધર્મમાં સંસાર, પુનર્જન્મ, મુક્તિ અને કર્મસિદ્ધાન્તના તાત્ત્વિક વિચારો મૂળમાં હતા જ્યારે તે વિચારો શ્રમણ ધર્મના પ્રાણભૂત હતા. બ્રાહ્મણ ધર્મમાં દેવોનું મહત્વ હતું, તેમની આરાધના થતી, જ્યારે શ્રમણ ધર્મમાં આધ્યાત્મિક ઉન્નતિના શિખરે પહોંચેલા મનુષ્યની આરાધના થતી, ઇન્દ્રાદિ દેવો પણ આવા ઉત્તમ મનુષ્યની પૂજા કરે છે એમ મનાતું.
શ્રમણ પરંપરાની અનેક શાખાઓ હતી. તે બધી શાખાઓના પ્રમુખપુરુષો જિન, અર્હત્ કે તીર્થંકર કહેવાતા. તે શાખાઓમાંની જ એક નિર્ગ્રન્થને નામે પ્રસિદ્ધ હતી. તે જ આજે જૈન ધર્મને નામે ભારતમાં વિદ્યમાન છે. ‘જિન’ શબ્દનો અર્થ છે વિજેતા – રાગ, દ્વેષ, મોહનો વિજેતા. આથી જે વીતરાગ થયો હોય તે જિન કહેવાય. એવા જિનના અનુયાયીઓ તે જૈન અને એવા જિને પ્રરૂપેલો ધર્મ તે જૈન ધર્મ.
જૈનદર્શન અનુસાર કાળચક્ર નિરન્તર ફર્યા કરે છે. તેના બે અર્ધભાગોની કલ્પના કરવામાં આવી છે. એક અર્ધભાગ ઉત્સર્પિણી (અવનતિથી ઉન્નતિ તરફ ગતિ કરતો) અને બીજો અર્ધભાગ અવસર્પિણી (ઉન્નતિથી અવનતિ તરફ ગતિ કરતો) છે. પ્રત્યેક અર્ધચક્રને છ આરાઓમાં વિભક્ત કરવામાં આવેલ છે. દરેક અર્ધચક્રના ત્રીજા અને ચોથા આરામાં જિનો (તીર્થંકરો) થાય છે. આ તીર્થંકરોની સંખ્યા 24ની હોય છે. વર્તમાન અર્ધચક્રમાં જે 24 તીર્થંકરો થયા તેમાં મહાવીર છેલ્લા છે. તે ઈ. પૂ. 599માં જન્મ્યા હતા. મહાવીર પૂર્વે 23મા તીર્થંકર પાર્શ્ર્વનાથ થઈ ગયા હતા. તે મહાવીર પહેલાં અઢીસો વર્ષે નિર્વાણ પામ્યા હતા. તેમને વિદ્વાનો ઐતિહાસિક પુરુષ ગણે છે. બૌદ્ધપિટકોમાં પણ તેમનો અને તેમના ચાતુર્યામ ધર્મનો ઉલ્લેખ છે. ચાર યામ એટલે ચાર યમો (મહાવ્રતો) અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ. પાર્શ્વનાથે બ્રહ્મચર્યનો અલગ સ્વીકાર કર્યો ન હતો પરંતુ તેનો અપરિગ્રહમાં જ સમાવેશ કર્યો હતો. મહાવીરે સ્પષ્ટતા ખાતર અસંદિગ્ધપણે બ્રહ્મચર્યને અપરિગ્રહથી અલગ કરી તેનો એક સ્વતંત્ર મહાવ્રત તરીકે સ્વીકાર કર્યો.
બિહારના વૈશાલીનગર નજીકના કુંડગ્રામમાં ઈ. પૂ. 599માં મહાવીર કુંડગ્રામના અધિપતિ જ્ઞાતૃકુળના ક્ષત્રિય સિદ્ધાર્થને ત્યાં તેમની પત્ની ત્રિશલાદેવીની કૂખે જન્મ્યા. માતા-પિતાએ તેમનું નામ વર્ધમાન રાખ્યું. 30 વર્ષની વયે તેમણે દીક્ષા લીધી અર્થાત્ સાંસારિક સંબંધોનો ત્યાગ કરી પોતાની બધી જ સંપત્તિ છોડી ઘરબારવિહોણા થઈ સામાયિક વ્રત (સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવાનો નિયમ) લઈ એકાકી વિચરવાનું કઠોર જીવન સ્વીકાર્યું. દીક્ષા પછી સાડા બાર વર્ષ સુધી તેમની સાધના ચાલી. આ સાધના મુખ્યત્વે ધ્યાનસ્થ થઈ આંતરનિરીક્ષણ કરી આત્મામાં રહેલા રાગ-દ્વેષનું નિવારણ કરવાની હતી. તેને પોષક એવી બાહ્ય તપસ્યા કરી તે દીર્ઘતપસ્વી તરીકે પ્રસિદ્ધ થયા. આમ સાડા બાર વર્ષ સુધી આંતર અને બાહ્ય તપસ્યા કરી તે વીતરાગ બન્યા, તત્વના જ્ઞાતા બન્યા, સર્વજ્ઞ બન્યા.
મહાવીર સાધના કરી વીતરાગ બન્યા. તેમને વીતરાગ થવાનો માર્ગ મળ્યો, એટલે એ માર્ગે બીજાંઓને પણ વાળવા તેમણે સતત 30 વર્ષ સુધી ઉપદેશ આપ્યો અને જૈનસંઘની સ્થાપના કરી અને તીર્થંકર તરીકે પ્રસિદ્ધ થયા. 72 વર્ષની વયે ઈ. પૂ. 527માં તે નિર્વાણ પામ્યા.
મહાવીરનો ઉપદેશ માનવને વીતરાગ બનાવવા માટેનો છે. તેથી તે ભોગનો નહિ પણ અહિંસા, ત્યાગ અને વૈરાગ્યનો હોય એ સ્વાભાવિક છે.
સર્વ દુ:ખનું મૂળ તૃષ્ણા છે. તેનું નિવારણ કરવાનો ઉપદેશ આપતાં ભગવાને કહ્યું છે કે તૃષ્ણાવાળાને આ સમગ્ર લોકની સંપત્તિ આપવામાં આવે તોપણ તેને સંતોષ થાય નહિ, કારણ કે લોભ – તૃષ્ણાની પ્રકૃતિ એવી છે કે જેમ જેમ કંઈ લાભ થાય – મળતું જાય તેમ તેમ લોભ (વધુ ને વધુ મેળવવાની ઇચ્છા) વધતો જાય. તૃષ્ણાનો ખાડો કદી પુરાય એવો નથી. લોકમાં દાનનો મહિમા હતો એટલે કોઈ ઇચ્છે કે પરિગ્રહ વધારીને દાન દઈશું, તો મહાવીરે કહ્યું છે : જે મહિને મહિને દસ લાખ ગાયોનું દાન કરે છે તેના કરતાં પણ કશી બાહ્ય ચીજનું દાન ન કરનાર અકિંચન માણસનો સંયમ અધિક શ્રેયસ્કર છે. માણસ એમ સમજે છે કે આસપાસનાં બધાંનું યુદ્ધમાં દમન કરીને સૌ ઉપર હકૂમત કરું અને સુખી થાઉં; પરંતુ ભગવાન મહાવીરે કહ્યું છે કે હજારો દુર્જય સંગ્રામોને જીતનારના કરતાં એક પોતાના આત્માને જીતનાર ચડી જાય છે, બહારના બધા જયો કરતાં આત્મજય શ્રેષ્ઠ છે, પોતાના આત્મા સાથે યુદ્ધ કર, બાહ્ય યુદ્ધ કરવાથી શું ? પોતાને – આત્માને જીતવાથી પરમસુખ પ્રાપ્ત થાય છે. આત્મામાં ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો રહેલા છે. તે બહુ અનર્થકારી છે. તેમનો નાશ કરવાનો ઉપાય બતાવતાં મહાવીરે કહ્યું કે શાંતિથી (ઉપશમથી) ક્રોધને હણો, મૃદુતાથી માનને, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જીતો. મહાવીરના સમયમાં જાતિવાદ વકર્યો હતો. મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો ભેદભાવ તેમને સ્વીકાર્ય ન હતો. જાતિભેદ તેમને કઠતો હતો. તેમણે પોતાના સંઘમાં બધી જ કહેવાતી હીન જાતિઓના લોકોને સમાન ભાવે સ્થાન આપ્યું હતું. તેઓ કહેતા કે જન્મથી કોઈ ઊંચ નથી કે કોઈ નીચ નથી, કર્મથી જ મનુષ્ય ઊંચ કે નીચ બને છે; તે કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર બને છે. તે કાળે નામધારી મુનિ, તાપસો વગેરે ઘણા વિચરતા હતા. તેથી તેમના બાહ્ય દેખાવ કે ક્રિયાથી લોકો ઠગાય નહિ એ ખાતર મહાવીરે તેમનું યથાર્થ સ્વરૂપ કેવું હોય તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે કહે છે : માથું મૂંડાવવા માત્રથી કોઈ શ્રમણ થતો નથી, ઓમકારના જાપ માત્રથી કોઈ બ્રાહ્મણ થતો નથી, નિર્જન વનમાં રહેવા માત્રથી કોઈ મુનિ થતો નથી અને ઘાસનું ચીવર કે વલ્કલ ધારણ કરવા માત્રથી કોઈ તાપસ થતો નથી. સમતાથી શ્રમણ થવાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય છે, વિવેકજ્ઞાનથી મુનિ થવાય છે અને વિવેકયુક્ત, નિષ્કામ, સ્વપરહિતસાધક તપથી તાપસ થવાય છે. તે વખતે ક્રિયાકાંડની બોલબાલા હતી. યજ્ઞોમાં પશુહિંસા થતી હતી, તેનું નિવારણ કરી તેને સ્થાને મહાવીરે આધ્યાત્મિક યજ્ઞો કરવાનો ઉપદેશ આપ્યો. યજ્ઞો કરવા જ હોય તો તપસ્યાની જ્યોતિ જલાવો, એ જ્યોતિનો અગ્નિકુંડ સ્વયં તમારા આત્માને માનો, સ્રુવનું સ્થાન મન-વચન-કાયાની વિશુદ્ધ પ્રવૃત્તિને આપો, અને એમાં ઇંધનને બદલે પોતાનાં પાપકર્મોની આહુતિ આપો. આ પ્રકારનો યજ્ઞ જ ઋષિઓ માટે પ્રશસ્ત યજ્ઞ છે. વળી, તે કહે છે કે અહિંસા આદિ પાંચ યમોથી સંવૃત, વૈષયિક જીવનને નહિ આકાંક્ષતા, શરીર ઉપરની મોહ-મમતા વગરના, કલ્યાણરૂપ સત્કર્મોમાં સમર્પિત શરીરવાળા એવા સચ્ચરિત્રશાળીઓ આવા સચ્ચરિતરૂપ વિજયકારક શ્રેષ્ઠયજ્ઞને યજે છે. બાહ્ય આચરણમાં લોકો ધર્મ માનતા થઈ ગયા હતા. તેથી આંતરિક મળત્યાગને બદલે બાહ્ય શૌચ – શારીરિક મળત્યાગનું મહત્વ વધી ગયું હતું અને તેથી તીર્થસ્નાનનું પણ તે કારણે મહત્વ વધ્યું હતું. આને સ્થાને મહાવીરે પારમાર્થિક ધર્મનો, પારમાર્થિક શૌચનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે ધર્મ જ ખરું જલાશય છે અને બ્રહ્મચર્ય જ શાન્તિદાયક તીર્થ છે. એમાં સ્નાન કરવાથી આત્મા નિર્મળ અને શાન્ત થાય છે. વળી, સ્નાન કરવાથી જ જો મુક્તિ મળતી હોય તો જલચર પ્રાણીઓ જે સદૈવ સ્નાન કરી રહ્યાં છે તે બધાંને શીઘ્ર મોક્ષ મળી જાય. સમત્વીનો વ્યવહાર કેવો હોય તે જણાવતાં તે કહે છે : સંત યા સુજ્ઞ માનવ ધનાઢ્ય યા રાજા જેવાની આગળ જેમ વાણીવ્યવહાર કરે તેમ દીન, હીન, ગરીબની આગળ વાણીવ્યવહાર કરે અને જેમ દીન, હીન, ગરીબની આગળ વાણીવ્યવહાર કરે તેમ ધનાઢ્ય કે રાજાની આગળ વાણીવ્યવહાર કરે. મહાવીર સત્યને અનુસરવાનો અને અપ્રમત્ત રહેવાનો ઉપદેશ કરે છે. તે કહે છે : મનુષ્યો! સત્યને સમજો, સત્યની આજ્ઞાએ ચાલનાર મેધાવી મૃત્યુને તરી જાય છે. પ્રમાદીને સર્વત્ર ભય છે, અપ્રમત્તને ક્યાંય ભય નથી. ભગવાન મહાવીરે નાનામોટા તમામ જીવો સાથે સંયમપૂર્વક વ્યવહાર કરવાની પ્રવૃત્તિમાં નિપુણ-તેજસ્વી અહિંસા દેખેલી છે; અર્થાત્ એવી અહિંસાને તેમણે પ્રથમ સ્થાને સ્થાપી છે.
મહાવીરે વીતરાગ થયા પછી લોકકલ્યાણ માટે જે ઉપદેશ આપ્યો તે તેમના પ્રમુખ શિષ્ય ગણધર સુધર્માએ જંબૂને કહી સંભળાવ્યો અને એમ ઉત્તરોત્તર શિષ્યપરંપરામાં એ ઉપદેશ ઊતરી આવ્યો. એ ઉપદેશનો સંગ્રહ અંગગ્રંથોમાં થયો. તે બાર અંગો છે : આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત અને ર્દષ્ટિવાદ. કેવળ અગિયાર અંગો જ ઉપલબ્ધ છે. બારમું અંગ ર્દષ્ટિવાદ લુપ્ત થયું છે. મહાવીરે જે ઉપદેશ આપ્યો તે તદ્દન નવો ન હતો; પરંતુ તેમને પરંપરાથી પ્રાપ્ત થયેલ ‘પૂર્વ’ નામે પ્રસિદ્ધ શ્રુતને આધારે હતો. તે પૂર્વો ચૌદ હતા. તે બધા જ લુપ્ત થઈ ગયા છે, એટલું જ નહિ પણ આ ચૌદ પૂર્વોનો જેમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો તે ર્દષ્ટિવાદ નામનું બારમું અંગ પણ ઉપલબ્ધ નથી. બાર અંગોને દ્વાદશાંગી કે ગણિપિટક પણ કહેવામાં આવે છે.
મહાવીર પછી લગભગ 250 વર્ષે જૈન ધર્મના બે ફાંટા પડ્યા : શ્વેતાંબર અને દિગંબર. ‘સ્ત્રીઓને મુક્તિ મળે કે નહિ’, ‘દેહધારી કેવલી ભોજન કરે કે નહિ’, ‘સાધુએ વસ્ત્ર પહેરવું કે નહિ’ આવી બાબતોને લઈ તે ભેદ થયો. આ મતભેદોને બાદ કરતાં એ બન્ને ફિરકાઓનું ધર્મસાહિત્ય અને દર્શનસાહિત્ય પ્રાય: પૂર્ણ સમાન છે.
જૈનોમાં નવકારમંત્રનું સ્થાન અદ્વિતીય છે. તેમાં પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવેલ છે. તે નમસ્કાર મંત્ર આ પ્રમાણે છે. ‘નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં’ આ મંત્રનો જાપ સૌ જૈનો કરે છે અને તેનું પ્રયોજન છે તે પરમેષ્ઠીના ગુણોની પ્રાપ્તિ. આ મંત્રમાં અરિહંત (અર્હત્), સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પદોનો નિર્દેશ કરી નમસ્કાર કરાયેલો છે. એ પાંચે પદોનો નિર્દેશ ગુણવાચક છે, એમાં વ્યક્તિનો નિર્દેશ નથી.
જે આધ્યાત્મિક વિકાસની પરાકાષ્ઠાએ પહોંચી વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી સંઘની રચના કરે છે અને લોકો વચ્ચે વિચરી મોક્ષમાર્ગનો ઉપદેશ દે છે તે તીર્થંકર (= અરિહંત) છે. તેને આપણે જીવન્મુક્ત ઉપદેષ્ટા કહી શકીએ. દેહ પડતાં તે મોક્ષ પામે છે, અર્થાત્ વિદેહમુક્ત બને છે. જે આધ્યાત્મિક વિકાસની પરાકાષ્ઠાએ પહોંચી વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી સંઘની સ્થાપના કરતા નથી અને મોક્ષમાર્ગના ઉપદેષ્ટા બનતા નથી પણ તેમ કર્યા વિના મોક્ષ પામે છે તે સિદ્ધ. અરિહંતના નિર્વાણ બાદ તેમના ઉપદેશને અનુસરી ગૃહત્યાગ કરી જૈનદીક્ષા લઈ સાધુ (શ્રમણ) થયેલાઓના સંઘનું નેતૃત્વ કરનાર અગ્રણી તે આચાર્ય. તેમણે મુનિ બની વિશિષ્ટ આધ્યાત્મિક યોગ્યતા પ્રાપ્ત કરી હોય છે. શ્રમણસંઘમાં જે અધ્યયન-અધ્યાપનની જવાબદારી વહન કરે તે ઉપાધ્યાય. અન્ય શ્રમણો સાધુને નામે ઓળખાય છે.
જૈન ધર્મમાં ઈશ્વરનું સ્થાન તીર્થંકરે અને સિદ્ધે લીધું છે. તેમાંય તીર્થંકરે ઉપદેશ આપી મોક્ષમાર્ગ બતાવ્યો હોઈ તેમની આરાધના કે પૂજા વિશેષે થાય છે. તીર્થંકર અને સિદ્ધમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યરૂપ ઐશ્વર્ય સંપૂર્ણ પ્રગટ, વ્યક્ત હોય છે. કોઈ પણ જીવ સાધના કરી ઈશ્વર બની શકે છે. જૈનોનો ઈશ્વર નિત્ય-મુક્ત કે જગત્કર્તા નથી.
જૈન ધર્મ અનુસાર જડ અને ચેતન એમ બે તત્ત્વો છે. જડ તત્વને અજીવ કહેવામાં આવે છે, જ્યારે ચેતન તત્વને જીવ કહેવામાં આવે છે. અજીવ તત્વમાં પાંચ દ્રવ્યોનો સમાવેશ છે, જ્યારે જીવ તત્વમાં માત્ર એક જ દ્રવ્ય જીવ છે. આમ કુલ છ દ્રવ્યો માનવામાં આવ્યાં છે. તે છ દ્રવ્યો છે – જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. પ્રથમ પાંચને અસ્તિકાય કહેવામાં આવે છે, કારણ કે એમના પ્રદેશોનો પ્રચય સંભવે છે. કાલ અસ્તિકાય નથી કારણ કે એના પ્રદેશોનો પ્રચય સંભવતો નથી. પ્રદેશ એટલે પરમાણુ જેટલી જગા રોકતો હોય તેટલી જગા કે તેટલો ભાગ.
પ્રથમ જીવદ્રવ્યને છોડી બાકીનાં દ્રવ્યોનો પરિચય કરીશું. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોવું એ પુદગલદ્રવ્યનું લક્ષણ છે. આમ પુદગલદ્રવ્ય એ matter છે. તેના મુખ્ય બે ભેદ છે – અણુ અને સ્કન્ધ. પુદગલનો જે અવિભાજ્ય અંતિમ ભાગ તે અણુ. સ્કન્ધ અણુઓનું સંઘટન છે. જે પુદગલ સ્કન્ધરૂપમાં હોય તેને અણુરૂપમાં લાવવા વિભાજનની પ્રક્રિયા જરૂરી છે. સ્કન્ધની ઉત્પત્તિ ત્રણ રીતે થાય છે – ભેદપૂર્વક, સંઘાતપૂર્વક અને ઉભયપૂર્વક. અણુઓનો સંઘાત થવામાં કારણભૂત છે અણુગત સ્નિગ્ધતા અને રુક્ષતાની અમુક નિયત માત્રાઓ.
જીવ અને પુદગલની ગતિમાં સહાયક બનનાર દ્રવ્ય ધર્મ છે. જેમ માછલી પાણીના માધ્યમથી ગતિ કરે છે તેમ જીવ અને પુદગલ ધર્મદ્રવ્યના માધ્યમથી ગતિ કરે છે. ધર્મદ્રવ્ય લોકવ્યાપી છે, વ્યક્તિશ: એક છે અને ગતિરહિત છે.
જીવ અને પુદગલની સ્થિતિમાં સહાયક બનનાર દ્રવ્ય અધર્મ છે. તે પણ લોકવ્યાપી છે, વ્યક્તિશ: એક છે અને ગતિરહિત છે.
જે દ્રવ્ય જીવ, પુદગલ, ધર્મ, અધર્મ અને કાલને સ્થાન દે છે – અવગાહ દે છે તે આકાશ છે. તે પણ વ્યક્તિશ: એક છે અને ગતિરહિત છે; પરંતુ સર્વવ્યાપી અર્થાત્ અનંત છે. જે ભાગમાં જીવ આદિ પાંચ દ્રવ્યો રહે છે તેને લોકાકાશ કહેવામાં આવે છે અને દ્રવ્યો રહિતના ખાલી આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે.
બધાં દ્રવ્યોમાં પ્રતિક્ષણ થતા પરિવર્તનને વર્તના કહેવામાં આવે છે. આ વર્તનામાં સહાય કરનાર દ્રવ્યને કાળ કહે છે. નવીનતા અને જીર્ણતાનું કારણ કાળ મનાયેલ છે. કાળના બે પ્રકાર છે – મુખ્ય કાળ અને વ્યવહાર કાળ. મુખ્ય કાળ મણિઓના ઢગલા જેવો છે. તેના અસંખ્યાત પ્રદેશો છે; પરંતુ તેના પ્રદેશોનો સંચય થતો નથી. સમય, આવલિકા આદિ વ્યવહારકાલ છે. મંદ ગતિએ એક આકાશ પ્રદેશ ઉપરથી બીજા આકાશ પ્રદેશ ઉપર જતાં પરમાણુને જેટલો વખત લાગે તે સમય. વ્યવહારકાલ ક્રિયોપાધિક છે. કેટલાક જૈન ચિંતકો કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારતા નથી. જીવ ચેતનતત્વ છે. તેને આત્મા પણ કહેવામાં આવે છે. જૈન ધર્મ અનુસાર અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય એ આત્માનો મૂળભૂત સ્વભાવ છે. આત્મા પરિણામિનિત્ય છે, કૂટસ્થનિત્ય નથી. આત્માઓ પરિણામી હોવા છતાં તેઓ પોતાના સ્વરૂપથી કદી ચ્યુત થતા નથી. અને બીજાનું સ્વરૂપ ધારણ કરતા નથી. અર્થાત્ આત્માનું પુદગલમાં પરિણમન કદી થતું નથી, તેવી જ રીતે પુદગલનું પરિણમન પણ આત્મામાં થતું નથી. આમ હોવાથી આત્મવ્યક્તિઓમાં એકનો વધારો કે ઘટાડો અસંભવ છે. અર્થાત્ આત્મવ્યક્તિઓની સંખ્યા સ્થિર છે. આત્મવ્યક્તિઓ અનંત છે. આમાંથી ફલિત થાય છે કે આત્મા સ્વતંત્ર તત્વ છે, છ દ્રવ્યોમાંનું મૂળભૂત સ્વતંત્ર દ્રવ્ય છે, તેમજ તેની ઉત્પત્તિ પણ નથી અને નાશ પણ નથી.
જૈનોએ આત્માને પરિણામી માન્યો હોઈ, તેઓ આત્માને કર્તા માની શકે છે. તેમના મતે આત્મા પોતાના સુખ કે દુ:ખનો કર્તા છે. સૂત્રકૃતાંગ કહે છે કે જેઓ આત્માને અકર્તા માને છે તેઓના મતમાં સંસાર ઘટી શકતો નથી. જૈનોના મતે આત્મા ભોક્તા પણ છે. કર્મસિદ્ધાન્તની સંગતિ માટે કર્મોનો જે કર્તા હોય તે જ તે કર્મોનાં ફળોનો ભોક્તા હોવો જોઈએ. જૈનોના મતે આત્મા પ્રતિશરીર ભિન્ન છે. આમ જૈનો આત્મબહુત્વ સ્વીકારે છે. જૈનો શરીરભેદે આત્મભેદ માને છે. એનો અર્થ એ થાય કે સંસારી અવસ્થામાં આત્માઓ દેહે દેહે જુદા છે; પરંતુ જ્યાં દેહો જ નથી એવી મુક્તિની અવસ્થામાં આત્માની અનેકતા કેવી રીતે સંભવે એવો પ્રશ્ન કોઈને થાય. જૈનોએ તે મુક્ત આત્માઓના છેલ્લા જન્મના શરીરના આકારો મુક્ત આત્માઓમાં માનીને આ અનેકત્વ મુક્તિમાં પણ ઘટાવ્યું છે. મુક્ત થયેલો આત્મા ફરી સંસારમાં પ્રવેશતો નથી.
જૈનોને મતે આત્મા સંકોચવિકાસશીલ છે. જેમ દીવાનો પ્રકાશ નાના ઓરડાઓમાં હોય ત્યારે નાના ઓરડાને અને મોટા ઓરડામાં હોય ત્યારે મોટા ઓરડાને પ્રકાશિત કરે છે, તેમ આત્મા પણ જે દેહમાં હોય છે તે દેહને ચૈતન્યથી વ્યાપ્ત કરે છે. આત્મા જે શરીરને ધારણ કરે છે તે શરીરના જેવડો થઈને રહે છે.
સંસારી અવસ્થામાં તેને પૌદગલિક (ભૌતિક) કર્મો લાગેલાં છે. મનવચનકાયાની પ્રવૃત્તિરૂપ કર્મને કારણે આત્મામાં જે ખાસ પ્રકારના સંસ્કાર પડે છે તે કર્મસંસ્કારને પણ કર્મ કહેવામાં આવે છે. તે કર્મસંસ્કાર પૌદગલિક અણુસંઘાતરૂપ હોય છે. આ કર્મસંસ્કારને કર્મ કહેવામાં આવ્યા છે.
જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. જે પુદગલ પરમાણુઓ કર્મ રૂપે પરિણત થાય છે તેમને ‘કર્મવર્ગણા’ કહે છે. આ પ્રકારના પરમાણુઓ લોકાકાશમાં સર્વત્ર ભર્યા પડ્યા છે. પણ એ પરમાણુઓ જીવની ક્રિયા-પ્રવૃત્તિ દ્વારા ખેંચાઈને જીવને ચોંટે છે – જીવ સાથે બંધાય છે ત્યારે ‘કર્મ’ સંજ્ઞાથી અભિહિત થાય છે. મનવચનકાયાની પ્રવૃત્તિ ત્યારે જ થાય છે જ્યારે જીવની સાથે કર્મ સંબદ્ધ હોય. અને જીવની સાથે કર્મ ત્યારે જ બંધાય છે જ્યારે મનવચનકાયાની પ્રવૃત્તિ હોય. આ પ્રકારે કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી કર્મની પરંપરા અનાદિ કાળથી ચાલતી આવે છે.
આત્મા સ્વભાવથી અમૂર્ત છે; પરંતુ પૌદગલિક કર્મ સાથે દૂધ-પાણી જેવો સંબંધ અનાદિ હોઈને સંસારી અવસ્થામાં તેને કથંચિત્ મૂર્ત માનવામાં આવેલ છે. આત્માના કર્મ સાથેના સંબંધને લઈને આત્માની ચાર પ્રકારની મુખ્ય અવસ્થા થાય છે – ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔદયિક. કર્મના ઉપશમથી ઉત્પન્ન થનાર ઔપશમિક, કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ક્ષાયિક, કર્મના ક્ષય અને ઉપશમ ઉભયથી ઉત્પન્ન થનાર ક્ષાયોપશમિક અને કર્મના ઉદયથી પેદા થનાર ઔદયિક. આ ઉપરાંત પાંચમી અવસ્થા (ભાવ) પારિણામિક છે જે આત્માનું સ્વાભાવિક પરિણમન જ છે.
કર્મનું જીવ ભણી આવવાનું (આસ્રવનું) કારણ છે મનવચનકાયાની પ્રવૃત્તિ, જેને જૈનો યોગ કહે છે. આત્મા ભણી આકર્ષાયેલાં આ કર્મોનો આત્માના પ્રદેશો સાથે નીરક્ષીર સંબંધ થવો તે બંધ છે. બંધનાં કારણો છે : મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય (= ક્રોધ, માન, માયા, લોભ) અને યોગ; પરંતુ ખાસ તો આ પાંચમાંથી કષાય જ બંધનું મુખ્ય કારણ છે.
આત્માને લાગેલાં કર્મો આત્માની અમુક શક્તિને ઢાંકે છે. તે શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે. તે જુદી જુદી માત્રાની તીવ્રતાવાળાં ફળો આપે છે અને તે અમુક જથ્થામાં આત્માને લાગે છે; પરંતુ અહીં પ્રશ્ન થાય કે તે આત્માની કઈ શક્તિને ઢાંકશે, કેટલા વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો કયાં છે ? જૈન મતે તે કર્મોને આત્મા ભણી લાવવામાં આત્માની જે પ્રવૃત્તિ કારણભૂત છે તે પ્રવૃત્તિના પ્રકાર આત્માની કઈ શક્તિને તે કર્મો ઢાંકશે તે નક્કી કરે છે. જો તેની પ્રવૃત્તિ જ્ઞાનનાં સાધનોનો નાશ કરનારી, જ્ઞાનીનો અનાદર કરનારી હશે તો એવી પ્રવૃત્તિથી આત્માને લાગનારાં કર્મો આત્માની જ્ઞાનશક્તિને ઢાંકશે. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મોના જથ્થાનું પ્રમાણ નક્કી કરશે. કર્મો કેટલા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે તેનો આધાર અને કર્મના ફળની તીવ્રતા-મંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વેળાની કષાયની તીવ્રતા-મંદતા પર છે. જેમ વધારે તીવ્ર કષાયપૂર્વકની પ્રવૃત્તિ તેમ તે પ્રવૃત્તિથી લાગતાં કર્મો વધારે લાંબા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે અને વધારે તીવ્ર ફળ આપશે. આમ, જૈનો કષાયને છોડવા ઉપર વિશેષ ભાર મૂકે છે, પ્રવૃત્તિને છોડવા ઉપર નહિ. જૈનોએ સાંપરાયિક અને ઈર્યાપથિક કર્મબંધ સ્વીકાર્યા છે અને જણાવ્યું છે કે કષાયપૂર્વક પ્રવૃત્તિ કરનારને સાંપરાયિક બંધ થાય છે. કષાયરહિત પ્રવૃત્તિ કરનારને ઈર્યાપથિક બંધ થાય છે. સાંપરાયિક બંધને સમજાવવા તેઓ ભીના ચામડા ઉપર પડેલી રજના ચોંટવાનું ર્દષ્ટાંત આપે છે અને ઈર્યાપથિક કર્મબંધને સમજાવવા માટે તેઓ સૂકી ભીંત ઉપર ફેંકવામાં આવેલા લાકડાના ગોળાનું ઉદાહરણ આપે છે. અર્થાત્ જૈનો કહેવા માગે છે કે મનવચનકાયાની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં સ્થિતિ અને રસ(ફળની તીવ્રતા-મંદતા)નો બંધ થતો નથી. સ્થિતિ અને રસ બન્નેના બંધનું કારણ કષાય છે. તેથી કષાય જ સંસારની ખરી જડ (મૂળ) છે. માટે જ કહ્યું છે કે કષાયમુક્તિ જ ખરેખર મુક્તિ છે.
કર્મની મૂળ આઠ પ્રકૃતિઓ છે : (1) જ્ઞાનાવરણીય કર્મ – આત્માની જ્ઞાનશક્તિને ઢાંકનાર કર્મ. (2) દર્શનાવરણીય કર્મ – અહીં દર્શનનો અર્થ નિરાકાર ઉપયોગ (બોધ) છે, તેને ઢાંકનાર કર્મ. (3) વેદનીય કર્મ – જે કર્મો સુખ-દુ:ખનો અનુભવ કરાવે છે તે. (4) મોહનીય કર્મ – આ કર્મના બે ભેદ છે : દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. તત્વપક્ષપાતને રૂંધનાર કર્મ દર્શનમોહનીય કહેવાય છે અને ચારિત્રને રૂંધનાર કર્મ ચારિત્ર્યમોહનીય કહેવાય છે. (5) આયુષ્ય કર્મ – જે કર્મ આયુષ્યની ઇયત્તાનું નિયમન કરે છે તે. (6) નામ કર્મ – જેનાથી એકેન્દ્રિયાદિ ભિન્ન જાતિઓ અને મનુષ્યાદિ ભિન્ન ભિન્ન ગતિઓ તેમજ શરીર, રૂપ, સ્વર આદિ બાહ્ય વ્યક્તિત્વને ઘડતી બાબતો નક્કી થાય છે તે કર્મ. (7) ગોત્ર કર્મ – જે કર્મ ઉચ્ચ-નીચ ગોત્ર અને સામાજિક મોભો, માનમરતબો નક્કી કરી આપે છે તે. (8) અન્તરાય કર્મ – દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં અન્તરાય ઊભો કરવાનું કાર્ય આ કર્મ કરે છે.
કર્મની દસ અવસ્થાઓ છે : (1) બંધ – કર્મની બંધાવસ્થામાં, કર્મપુદગલોનો આત્માની સાથે નીરક્ષીર સંબંધ હોય છે. (2) સત્તા – કર્મની સત્તાવસ્થામાં, બંધાયેલા કર્મપુદગલો પોતાનું ફળ ન આપતાં કેવળ સત્તા રૂપે રહે છે. (3) ઉદય – કર્મની ઉદયાવસ્થામાં, કર્મપુદગલો પોતાનું ફળ આપવા તત્પર થાય છે અને પોતાનું ફળ આપે છે. (4) ઉદીરણા – કર્મની ઉદીરણાવસ્થામાં, કર્મપુદગલોને ખાસ પ્રયત્નવિશેષથી આત્મા તેમના નિયત સમય પહેલાં ફળ આપવા ઉન્મુખ બનાવે છે. (5) સંક્રમણ – કર્મની સંક્રમણાવસ્થામાં, આત્માના પ્રયત્નવિશેષથી એક કર્મપ્રકૃતિનું અન્ય સજાતીય કર્મપ્રકૃતિમાં પરિવર્તન થાય છે. (6-7) ઉદ્વર્તના-અપવર્તના – કર્મની તે અવસ્થા કે જેમાં તેની સ્થિતિ અને રસમાં વધારો થાય તે ઉદ્વર્તના અને જેમાં ઘટાડો થાય તે અપવર્તના. અહીં પણ આ વધારો કે ઘટાડો આત્માના વિશેષ પ્રયત્નથી થાય છે. (8) ઉપશમના – આ અવસ્થામાં ઉદિત કર્મને ભસ્મચ્છન્ન અગ્નિની જેમ દબાવી શાંત કરી દેવામાં આવે છે. ઉપશમન પણ આત્માના ખાસ પ્રયત્નથી જ થાય છે. (9) નિધત્તિ – કર્મની નિધત્તિ અવસ્થામાં, ઉદીરણા અને સંક્રમણની સંભાવનાનો અભાવ હોય છે. (10) નિકાચના – કર્મની આ અવસ્થામાં ઉદીરણા અને સંક્રમણ ઉપરાંત ઉદ્વર્તના અને અપવર્તનાની સંભાવનાનો પણ અભાવ હોય છે.
કર્મની આ દસ અવસ્થાઓ ઉપરથી જોઈ શકાય છે કે કર્મસિદ્ધાન્તમાં પુરુષસ્વાતંત્ર્યને પૂરતો અવકાશ છે. ઉપાધ્યાય યશોવિજયજી તેમની 27મી દ્વાત્રિંશિકામાં ત્યાં સુધી કહે છે કે નિકાચિત કર્મો પણ ઉચ્ચ કોટિના તપથી — આધ્યાત્મિક સાધનાથી ભેદી શકાય છે.
શુભ કાર્યો કરવાથી શુભ કર્મ (પુણ્ય) બંધાય છે અને અશુભ કાર્યો કરવાથી અશુભ કર્મ (પાપ) બંધાય છે. તે કર્મોનાં ફળો રાગ-દ્વેષ કર્યા વિના સમતાથી ભોગવી લેતાં નવાં કર્મો બંધાતાં નથી, અન્યથા બંધાય છે.
બધાં જ કર્મોનો ક્ષય મોક્ષ છે. આના માટે પ્રથમ તો આવતાં કર્મોને અટકાવી દેવાં જોઈએ (સંવર) અને લાગેલાં કર્મોને સંકલ્પ કરી અટકાવી દેવાં જોઈએ (નિર્જરા). સંવરના ઉપાય તરીકે જૈનો ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપને ગણાવે છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સમ્યક્ નિગ્રહ એ ગુપ્તિ છે. કોઈ જીવને પીડા ન થાય એ રીતે સાવધાનીપૂર્વક સમ્યક્ રીતે ચાલવું, બોલવું, ભિક્ષા ગ્રહણ કરવી, ચીજવસ્તુ લેવી-મૂકવી, મળ-મૂત્ર ઇત્યાદિનો ત્યાગ કરવો એ સમિતિ છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સંયમ, સત્ય, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યરૂપ દશવિધ ધર્મ છે. શાંતભાવપૂર્વક કષ્ટો સહન કરવાં એ પરીષહજય છે. સમભાવ આદિ ચારિત્ર છે. રાગ-દ્વેષને શિથિલ કરનારું અને વૈરાગ્યપોષક કલ્યાણગામી ચિંતન (ભાવના) એ અનુપ્રેક્ષા છે. નિર્જરાનો ઉપાય તપ છે. તપના બે પ્રકાર છે : બાહ્ય તપ અને આંતર તપ. બાહ્ય તપના છ પ્રકાર છે : અનશન, ઊનોદરિકા (ભોજનમાં ઓછું ખાઈ પેટ ઊણું રાખવું), વૃત્તિસંક્ષેપ (ભોજનની ચીજોની સંખ્યા અને માત્રાને સંકોચવી – મર્યાદિત કરવી), રસત્યાગ (ઘી, દૂધ, મધ, માખણ વગેરે રસોનો ત્યાગ), કાયક્લેશ (કષ્ટો સહવામાં સમભાવ રહે એ ઉદ્દેશથી ટાઢમાં, તાપમાં કે વિવિધ આસન આદિ વડે શરીરને કસવું તે) અને વિવિક્તશય્યાસનસંલીનતા (આત્મલાભ માટે બાધા વિનાના એકાન્ત સ્થાનમાં વસવું તે). આંતર તપના પણ છ પ્રકાર છે : પ્રાયશ્ચિત્ત (દોષશોધનરૂપ ક્રિયા), વિનય, વૈયાવૃત્ત્ય (સેવાભક્તિ), સ્વાધ્યાય (જ્ઞાન-ધ્યાનમાં રમણતા), વ્યુત્સર્ગ (મમત્વનો, કાષાયિક વિકારોનો ત્યાગ) તથા કલ્યાણગામી એકાગ્રતારૂપ ધ્યાન. બાહ્ય તપ આંતર તપને સહાયક હોવું જોઈએ, અન્યથા તે વ્યર્થ છે.
તપથી સંવર પણ સધાય છે; પરંતુ નિર્જરા માટે તો મુખ્ય ખાસ ઉપાય તપ જ છે. આવતાં કર્મોને તદ્દન અટકાવી દેતાં અને લાગેલાં કર્મોને સંપૂર્ણપણે ખેરવી નાખતાં આત્મા સંપૂર્ણપણે કર્મરહિત બની જાય છે. સંપૂર્ણપણે કર્મથી મુક્તિ એ જ મોક્ષ છે.
આત્માની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વગતિ છે. આત્માને લાગેલાં બધાં કર્મો દૂર થતાં આત્મા કેવળ ઊર્ધ્વગતિ જ કરે છે, જેમ તુંબડાને લીંપેલી માટી દૂર થતાં પાણીમાં તુંબડું ઊર્ધ્વગતિ કરે છે તેમ; પરંતુ આ મુક્ત થતો આત્મા લોકના અગ્રભાગથી આગળ ઊર્ધ્વગતિ કરતો નથી કારણ કે ગતિનું સહાયક કારણ ધર્માસ્તિકાય (ધર્મદ્રવ્ય) ત્યાં હોતું નથી. આ ધર્માસ્તિકાય લોકમાં જ છે.
ગતિ બે પ્રકારની છે : વિગ્રહગતિ (વળાંકવાળી) અને ઋજુગતિ (વળાંક વિનાની). મોક્ષમાં જતા જીવની ગતિ ઋજુ હોય છે, જ્યારે જન્માન્તર માટે જતા જીવની ગતિ વળાંકવાળી કે વળાંક વિનાની હોય છે. વિગ્રહરહિત ગતિથી સ્થાનાન્તર જતા જીવને નવો પ્રયત્ન કરવો પડતો નથી કેમકે જ્યારે તે પૂર્વશરીર છોડે છે ત્યારે તેને પૂર્વશરીરજન્ય વેગ મળે છે. વિગ્રહગતિથી જનાર જીવને નવો પ્રયત્ન કરવો પડે છે કારણ કે પૂર્વશરીરજન્ય વેગ જ્યાં પ્રથમ વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે; વળાંકનું સ્થાન આવતાં જ તે સમાપ્ત થઈ જાય છે. માટે ત્યાંથી જીવની સાથે રહેલા કાર્મણ શરીરથી પ્રયત્ન થાય છે.
જીવ કષાયોને કારણે કર્મથી બંધાયેલો છે અને પોતાના પુરુષાર્થથી કષાયરહિત બની કર્મથી મુક્ત થાય છે. આમ જીવના મુખ્ય બે ભેદ છે : સંસારી અને મુક્ત. સંસારી જીવના વળી મુખ્ય બે ભેદ છે : ત્રસ અને સ્થાવર. જેઓ પોતાની ઇચ્છાથી એક સ્થાનથી બીજે સ્થાન જાય છે તે ત્રસ અને જેઓ પોતાની ઇચ્છાથી સ્થળાંતર કરી શકતા નથી તે સ્થાવર. સ્થાવર જીવોમાં પૃથ્વીકાય જીવો, અપકાય જીવો, વાયુકાય જીવો, તેજસકાય જીવો અને વનસ્પતિકાય જીવોનો સમાવેશ થાય છે. આ સ્થાવર જીવોને માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. ત્રસ જીવોના ઇન્દ્રિયોની સંખ્યાને આધારે ચાર ભેદ છે : દ્વીન્દ્રિય જીવો, ત્રીન્દ્રિય જીવો, ચતુરિન્દ્રિય જીવો અને પંચેન્દ્રિય જીવો. દ્વીન્દ્રિય જીવોને સ્પર્શન અને રસન, ત્રીન્દ્રિય જીવોને સ્પર્શન, રસન અને ઘ્રાણ, ચતુરિન્દ્રિય જીવોને સ્પર્શન, રસન, ઘ્રાણ અને ચક્ષુ, તથા પંચેન્દ્રિય જીવોને શ્રવણ સહિત પાંચ ઇન્દ્રિયો હોય છે. પંચેન્દ્રિય જીવોમાં દેવો, નારકો, મનુષ્યો અને કેટલાક તિર્યંચોનો સમાવેશ થાય છે.
જૈન સાધુ હિંસા, અસત્ય, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહમાંથી સર્વથા વિરતિરૂપ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. પાંચે ઇન્દ્રિયોને જીતવી અને કષાયોને નિર્મૂળ કરવા એ જ સાધુના ધર્મવ્યાપારનો ઉદ્દેશ હોય છે. કોઈ પણ જીવને પીડા ન થાય એ રીતે તે સાવધાનીપૂર્વક વ્યવહાર કરે છે. તેને રેલ, મોટર, ઍરોપ્લેન, સાઇકલ, ટ્રામ, ગાડી, ઘોડા, ઊંટ વગેરે કોઈ પણ વાહન પર સવારી કરવાનો નિષેધ છે. તેને પાદવિહાર કરવાનું ફરમાન છે. તેને પાણી ઉકાળેલું પીવાનો આદેશ છે. તેને અગ્નિ સળગાવવાનો, અગ્નિ તાપવાનો કે અગ્નિથી રસોઈ કરવાનો અધિકાર નથી. ભિક્ષા અર્થાત્ માધુકરીવૃત્તિ કરવાનું તેને ફરમાવવામાં આવ્યું છે. જુદાં જુદાં ઘરોથી ઘરવાળાઓને અડચણ કે સંકોચ ન થાય એ પ્રમાણે તેણે ભિક્ષા લેવાની છે. ખાસ સાધુને માટે રસોઈ બનાવવી અને તેવી રસોઈ સાધુએ લેવી શાસ્ત્રાનુકૂળ નથી. સાધુનો ધર્મ બિલકુલ અકિંચન – અપરિગ્રહી રહેવાનો છે. અર્થાત્ સાધુ પૈસાટકા ન રાખે, દ્રવ્યના સંબંધથી તે સર્વથા મુક્ત હોય. તેનાં ભોજનનાં પાત્રો પણ ધાતુનાં ન હોય. વર્ષાઋતુમાં તે એક જગ્યાએ રહી જાય. સ્ત્રીનો સ્પર્શ સુધ્ધાં ન કરે. ટૂંકમાં, સાંસારિક પ્રપંચોથી નિર્મુક્ત અને સદા અધ્યાત્મરતિપરાયણ રહેવાનો સાધુનો ધર્મ છે. આત્મકલ્યાણની સાધનામાં સતત પરોવાયેલા રહી નિ:સ્વાર્થભાવે પોતાના જીવનને પરકલ્યાણ માટે ઉપયોગી બનાવવું, જનતાને સન્માર્ગદર્શક થવું એ સાધુજીવન છે.
જેઓ હિંસા આદિમાંથી સર્વથા વિરત થવાની યોગ્યતા ધરાવતા નથી તેઓ ગૃહસ્થજીવનની મર્યાદા સ્વીકારી હિંસા આદિમાંથી અંશત: વિરતિરૂપ પાંચ અણુવ્રતોનું પાલન કરે છે. જૈન ગૃહસ્થને શ્રાવક કહે છે. અણુવ્રતોની રક્ષા તથા પુષ્ટિ માટે જૈન ધર્મે ત્રણ ગુણવ્રતોની વ્યવસ્થા વિચારી છે. તે ત્રણ છે : (1) દિગ્વ્રત – જુદી જુદી વ્યવસાયાદિ પ્રવૃત્તિઓ અંગેના કાર્યક્ષેત્રને સીમિત બનાવવા માટે દિશાઓની મર્યાદા બાંધવી એ આ વ્રતનો અર્થ છે. આ ગુણવ્રતથી ઇચ્છાપરિમાણ યા પરિગ્રહપરિમાણરૂપ પાંચમા અણુવ્રતની રક્ષા થાય છે. (2) ભોગોપભોગ-પરિમાણવ્રત – એક વાર ભોગમાં આવતા પદાર્થો ભોગ કહેવાય છે, જેવા કે અનાજ, પાણી, વગેરે. વારંવાર ઉપભોગમાં આવનાર વસ્ત્ર વગેરે પદાર્થો ઉપભોગ કહેવાય છે. આની મર્યાદા બાંધવી, જેમ બને તેમ જરૂરિયાતો સીમિત કરવી એ આ વ્રતનો અર્થ છે. એથી તૃષ્ણા અંકુશમાં રહે છે. (3) અનર્થદંડવિરમણવ્રત – ‘અનર્થ’ એટલે નિરર્થક અને ‘દંડ’ એટલે પાપ. એટલે આ વ્રતનો અર્થ થયો નિરર્થક પાપાચરણમાંથી વિરતિ. ગૃહસ્થને પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવા અનિવાર્યપણે કરવા પડતા સદોષ વ્યવહાર – વ્યાપારથી અતિરિક્ત સમસ્ત પાપરૂપ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થવાનું આ વ્રત છે. પાપોપદેશ કરવો, હિંસાનાં સાધનો પૂરાં પાડવાં, દુર્ધ્યાન કરવું, નિરર્થક જમીન ખોદવી, વ્યર્થ આગ લગાવવી, રસ્તે ચાલતાં પાંદડાં તોડવાં, ઊભેલા જાનવરને વગર કારણે લાકડી ફટકારવી વગેરે પાપરૂપ નિરર્થક પ્રવૃત્તિઓ છે. આ ઉપરાંત ગૃહસ્થને માટે ચાર શિક્ષાવ્રતો છે. તે આ પ્રમાણે છે : (1) સામાયિક વ્રત – રાગદ્વેષ રહિત શાન્ત સમભાવની સ્થિતિમાં બે ઘડી (48 મિનિટ) એક આસને રહેવું એનું નામ સામાયિક છે. એટલો વખત આત્મતત્વની વિચારણા, જીવનશોધનની પર્યાલોચના, આધ્યાત્મિક સ્વાધ્યાય કે પરમાત્માનું પ્રણિધાન કરવાનું છે. (2) દેશાવકાશિક વ્રત – દિગ્વ્રતમાં જીવનભરને માટે બાંધેલી દિશાઓની મર્યાદામાં કેટલાક કલાક, દિન કે મહિના માટે વિશેષ સંકોચ કરવો તે દેશાવકાશિક વ્રત છે. (3) પૌષધ વ્રત – ધર્મનું પોષણ કરનાર હોવાથી ‘પૌષધ’ કહેવાય છે. ઉપવાસ કે એકાશન કરી ચાર કે આઠ પહોર સુધી અથવા એથી વધુ વખત સાધુજીવનની જેમ સર્વ દોષવાળી પ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ કરી કેવળ ધર્મક્રિયાપરાયણ થવું એ પૌષધ વ્રત છે. સર્વવિરતિરૂપ સાધુધર્મના રસાસ્વાદ માટે આ વ્રત છે. (4) અતિથિસંવિભાગ વ્રત – આત્માની ઉચ્ચ કોટિની ઉન્નતિ સાધવા જેઓએ ગૃહત્યાગ કરી વિરતિપરાયણ જીવનનો સ્વીકાર કર્યો છે એવા અતિથિ સાધુસંતમુનિઓને તેમજ પરોપકારપરાયણ સજ્જનોને એમની જરૂરિયાત પૂરી પાડવા અને દીનદુ:ખીઓને મદદ કરવા પોતાની આવકમાંથી અમુક ભાગ આપવો કે ખર્ચવો તે આ વ્રતનો અર્થ છે. આમ, જૈન ગૃહસ્થે આ બાર વ્રતોનું પાલન કરવું જોઈએ.
તેણે આવશ્યક છ નિત્ય કર્મો કરવાં જોઈએ. તે છે : (1) દેવપૂજા– તીર્થંકર પરમાત્માનું ભક્તિપૂર્ણ સ્મરણ, સ્તવન. (2) ગુરુ-ઉપાસના – આચાર્ય આદિ ગુરુઓની ઉપાસના, સેવાભક્તિ કરવી તે. (3) સ્વાધ્યાય –અધ્યાત્મોન્નતિ સાધવામાં સહાયક ધર્મગ્રંથોનાં વાચન-શ્રવણ-મનન. ઉપરાંત, સ્વનું અર્થાત્ પોતાનું અધ્યયન-નિરીક્ષણ. આનો અર્થ છે આંતરનિરીક્ષણ કરી પોતામાં રહેલા દોષોને ખોળી કાઢવા. આત્મશુદ્ધિ માટે આ જરૂરી છે. (4) સંયમ. (5) તપ. (6) દાન. આ છ શ્રાવકનાં નિત્યકર્મો છે.
જીવોની હિંસા નિવારવાના પ્રયોજને શ્રાવકે સાંયકાળે (સૂર્યાસ્ત પહેલાં) ભોજન કરી લેવું જોઈએ. અર્થાત્ તેણે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.
ગૃહસ્થજીવનને અનિવાર્ય રૂપે વળગેલી હિંસા કર્યા વિના તો ગૃહસ્થનો છૂટકો જ નથી. પણ ઓછામાં ઓછી ર્હિસાથી કેમ ચલાવી લેવાય તે એણે શીખી લેવું જોઈએ અને તે માટે એણે સાવધાન રહેવું જોઈએ. જેમ બને તેમ અવિકસિત જીવોની અપેક્ષાએ વિકસિત જીવોને બચાવો અને અવિકસિત જીવોની પણ ઓછામાં ઓછી હિંસા થાય એમ જીવો એ જૈન ધર્મનો શ્રાવકને ઉપદેશ છે.
શ્રાવક મોક્ષમાર્ગને અનુસરનારો છે તેથી તેનામાં માર્ગાનુસારીના 34 ગુણો હોવા જોઈએ. તે નીચે મુજબ છે : (1) ગૃહસ્થે આજીવિકા કમાયા વિના ચાલતું નથી પરંતુ તે તેણે ન્યાયથી, પ્રામાણિકતાથી ઉપાર્જવી જોઈએ. (2) આવકથી વધુ ખર્ચ ન કરવો જોઈએ તેમજ અધર્મ કાર્યોમાં ખર્ચ ન કરવો જોઈએ. (3) તેણે અનુદભટ અને સજ્જનને છાજે એવાં કપડાં પહેરવાં જોઈએ. (4) તેણે એવા ઘરમાં રહેવું જોઈએ જે બહુ બારણાંવાળું ન હોય, બહુ ઊંડાણમાં કે જાહેરમાં ન હોય તેમજ સારા પાડોશવાળું હોય. (5) તેણે ભિન્ન ગોત્રવાળા અને સમાન કુળ અને આચારવાળા સાથે જ વિવાહસંબંધ બાંધવો જોઈએ. (6) પૂર્વે ખાધેલું અન્ન પચ્યું ન હોય ત્યાં સુધી ભોજન ન લેવું જોઈએ. (7) ભોજન નિયત કાળે અને પોતાની પ્રકૃતિને માફક આવે તે જ કરવું જોઈએ. (8) માતા-પિતાને જમાડ્યા પછી જમવું જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ. (9) પોતાની ઉપર આધાર રાખનાર પોષ્યવર્ગનું પોષણ કરવું જોઈએ. (10) સાધુ, સજ્જન, દીન-દુ:ખીની યથાયોગ્ય સેવા કરવી જોઈએ. (11) વડીલો, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રશીલની સેવાભક્તિ કરવી જોઈએ. (12) નિંદાનો ત્યાગ કરવો જોઈએ. (13) નિંદ્ય પ્રવૃત્તિ ન કરવી જોઈએ. (14) ઇન્દ્રિયોને દુષ્પ્રવૃત્તિ કરતાં અટકાવવી જોઈએ. (15) કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ આ ષડરિપુ ઉપર વિજય મેળવવો જોઈએ. (16) દુરાગ્રહ ન રાખવો જોઈએ. (17) આવેશ ને આવેગપૂર્વક ધર્મ, અર્થ અને કામને પરસ્પર બાધા પહોંચે એવું ન કરવું જોઈએ. ત્રણમાંથી એક પર એટલો બધો ભાર ન આપવો કે બાકીના બે અવહેલના પામે. (18) બળવો, પ્લેગ વગેરે ઉપદ્રવવાળાં સ્થાનનો ત્યાગ કરવો જોઈએ (19) અયોગ્ય દેશમાં અને અયોગ્ય કાળે ફરવું ન જોઈએ. (20) પાપનો ભય રાખવો જોઈએ. (21) અકાર્ય કરતાં શરમ આવવી જોઈએ. (22) હૃદય, વાણી અને આકૃતિ સૌમ્ય રાખવી જોઈએ. (23) સદગુણો વડે લોકોનો પ્રેમ સંપાદન કરવો જોઈએ. (24) કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેનાં દૂરગામી પરિણામોનો વિચાર કરવો જોઈએ. (25) કાર્ય પરિણામે લાભકારી હોય છતાં કાર્ય અને પરિણામ માટે પોતાનું ગજું કેટલું છે તે વિચારી લેવું જોઈએ. અન્યથા, આઘા જઈ પાછા પડવા જેવું થાય. (26) સદા સાર-અસાર, કાર્ય-અકાર્ય, વાચ્ય-અવાચ્ય, લાભ-નુકસાન વગેરેનો વિવેક કરવો જોઈએ તેમજ નવું નવું આત્મહિતકર જ્ઞાન મેળવતા રહેવું જોઈએ. (27) સર્વત્ર ગુણ તરફ રુચિ રાખવી, દોષ તરફ નહિ. (28) કૃતજ્ઞતા કેળવવી જોઈએ. (29) પરોપકાર કરવો જોઈએ. (30) હૈયું કૂણું રાખી તન-મન-ધનથી દયા કરતા રહેવું જોઈએ. (31) સત્સંગ કરવો જોઈએ. (32) સંતો પાસેથી ધર્મનું શ્રવણ કરતા રહેવું જોઈએ. (33) શુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઊહ, અપોહ, અર્થજ્ઞાન, તત્વજ્ઞાન – આ આઠ બુદ્ધિગુણો કેળવવા જોઈએ. (34) શિષ્ટાચારની પ્રશંસા કરવી જોઈએ.
જૈન ધર્મના અનુયાયીએ વ્રતપાલનમાં સદા જાગ્રત રહેવું જરૂરી છે. એ કારણે તેને માટે આવશ્યક છે કે તે સવાર અને સાંજ પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ એટલે સ્વીકારેલાં વ્રતોમાં જે દોષો થયા હોય તેમની વિચારણા કરી આત્મશુદ્ધિ કરવા યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરીને દોષોને દૂર કરવા અને જેમને તેમના આચરણ વડે દુ:ખ થયું હોય તેમની ક્ષમા માગીને અને પોતે પણ બીજાંને ક્ષમા કરીને મૈત્રીભાવની વૃદ્ધિ કરવી અને સામાયિકને નિર્મળ બનાવવું. ટૂંકમાં, થયેલ ભૂલનો અનુતાપ કરી તેમાંથી નિવૃત્ત થવું અને ફરી તે ભૂલ ન કરવા માટે સાવધાન થવું તે પ્રતિક્રમણ.
જૈન ધર્મ અનુસાર સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ ચારિત્ર ત્રણેય સાથે મળી મોક્ષનું સાધન બને છે. જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ઠા તે મોક્ષ. સર્વ પૌદગલિક કર્મોથી આત્યંતિક મુક્તિ તે મોક્ષ. સમ્યગ્દર્શન એટલે તત્વપક્ષપાત, આત્મકલ્યાણના તત્વમાં અભિરુચિ – શ્રદ્ધા. દરેકને પદાર્થોનું ઓછુંવત્તું જ્ઞાન હોય છે; પરંતુ તે જ્ઞાનના સમ્યક્પણાનો આધાર સમ્યગ્દર્શન છે. સમ્યગ્જ્ઞાન અને અસમ્યગ્જ્ઞાનનો તફાવત એ છે કે પહેલું સમ્યગ્દર્શનસહ ચરિત છે, જ્યારે બીજું સમ્યગ્દર્શનરહિત છે. જ્ઞાનથી વસ્તુ જણાય છે, એમાં સમ્યગ્દર્શન પાવિત્ર્ય આણે છે અને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એ ઉભયના આધાર પર સમ્યક્ ચારિત્ર ઘડાય છે.
જૈન ધર્મમાં સંસાર અને મોક્ષનાં કારણોની સમજ આપવાની ર્દષ્ટિએ નવ તત્વોનું વિવેચન કરવામાં આવ્યું છે. તે નવ તત્વો તે આ છે : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ નવ તત્વોમાં શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. આ નવ તત્વોનું પ્રમાણો (પ્રત્યક્ષ, અનુમાન આદિ) દ્વારા જ્ઞાન જે સમ્યગ્દર્શનપૂર્વક છે તે – સમ્યગ્જ્ઞાન. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પર અવલંબિત ચારિત્ર તે સમ્યક્ ચારિત્ર. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને રત્નત્રય કહેવામાં આવે છે.
જૈન શ્રાવક દેરાસરમાં પાટલા ઉપર ધ્યાન માટે અક્ષતથી એક પ્રતીક બનાવે છે. તેમાં એક સાથિયો, તેના ઉપર ત્રણ નાની ઢગલીઓ, તેના ઉપર બીજના ચંદ્રનો આકાર અને તેમાં એક નાની ઢગલી. સાથિયાનાં ચાર પાંખડાં મનુષ્ય આદિ ચાર ગતિઓ નિર્દેશે છે. તેના ઉપરની ત્રણ ઢગલીઓ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને સૂચવે છે. તેના ઉપરનો બીજના ચંદ્રનો આકાર મુક્ત જીવોના (સિદ્ધોના) સ્થાનનો સૂચક છે, તે સ્થાન સિદ્ધશિલા છે જે લોકના અગ્રભાગે છે. તેની અંદરની નાની ઢગલી મુક્ત જીવને નિર્દેશે છે. આ પ્રતીકનું તાત્પર્ય એ કે ચાર ગતિમાં ભમતો સંસારી જીવ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ રત્નત્રય પામીને મુક્ત થઈ ઊર્ધ્વગતિ કરતો લોકાગ્રે આવેલી સિદ્ધશિલામાં સ્થિર થઈને રહે છે.
જૈન ધર્મ અહિંસાપ્રધાન અને અહિંસામૂલક છે. તેના અનુસાર અહિંસા જ પરમ ધર્મ છે. એટલે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે અહિંસક ર્દષ્ટિ એ જ સમ્યક્ ર્દષ્ટિ છે. તેથી જૈન ધર્મ વૈચારિક અહિંસા અને સહિષ્ણુતાને ઘણું મહત્વ આપે છે તથા દરેક ર્દષ્ટિબિંદુને માન આપે છે. દરેક ર્દષ્ટિબિંદુ આંશિક સત્ય છે. આંશિક સત્યને પૂર્ણ સત્ય માની લેવાની ભૂલ કરનાર અસહિષ્ણુ અને હિંસક બની બેસે છે. બધાં ર્દષ્ટિબિંદુઓમાં રહેલાં આંશિક સત્યોને સ્વીકારી તેમનો સમન્વય કરવો તે જ જૈનોનો અનેકાન્ત છે. સ્યાદવાદ યા અનેકાન્તવાદ એ એક એવી વિશાળ ર્દષ્ટિ છે જે વસ્તુનું ભિન્ન ભિન્ન ર્દષ્ટિકોણોથી અવલોકન કરે છે. આ વ્યાપક ર્દષ્ટિના અવલોકને એકર્દષ્ટિબદ્ધ વિચારો સંકુચિત અને અધૂરા સાબિત થાય છે અને ભિન્ન ભિન્ન ર્દષ્ટિબિંદુસંગત ભિન્ન ભિન્ન અને વિરોધી જણાતા વિચારો પણ માળામાં મૌક્તિકોની જેમ સમન્વિત બની જાય છે. એટલે જ અનેકાન્તવાદ વસ્તુત: સમન્વયકલા છે જેનું પરિણામ અધૂરી ર્દષ્ટિઓથી ઊપજતા કલહોને શમાવી સમભાવના સર્જનમાં આવે છે. આમ, પરસ્પર સૌમનસ્ય સાધવાનો માર્ગ અનેકાન્તર્દષ્ટિના યોગે સરળ થાય છે. અહિંસામાંથી અનેકાન્તર્દષ્ટિ સ્ફુરે છે અને અનેકાન્તર્દષ્ટિના યોગે અહિંસા જાગ્રત થાય છે, પુષ્ટ થાય છે. આમ, એ બન્ને પરસ્પરોપકારક છે.
નગીનભાઈ જીવણલાલ શાહ