જૈનદર્શન : ‘દર્શન’ શબ્દનો અર્થ અહીં તત્વજ્ઞાન છે. જૈનદર્શન એટલે જૈન તત્વજ્ઞાન. જૈનદર્શન અનુસાર સત્ (Reality) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. સત્ દ્રવ્ય-પર્યાયાત્મક છે. પર્યાયનો અર્થ છે પરિવર્તન, આકાર, અવસ્થા. કોઈ પણ વસ્તુ કેવળ દ્રવ્યરૂપ નથી કે કેવળ પર્યાયરૂપ નથી. દ્રવ્ય પર્યાય વિના હોતું નથી અને પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. દ્રવ્ય એકનું એક રહેવા છતાં તે અનેક પર્યાયો (અવસ્થાઓ, આકારો) ધારણ કરે છે. તેથી સત્ યા વસ્તુ નિત્યાનિત્ય છે, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય. ગુણ અને પર્યાયનો આશ્રય દ્રવ્ય છે. ગુણો સહભાવી છે અને પર્યાયો ક્રમભાવી છે. દ્રવ્યમાં સદા એકસાથે રહેનાર શક્તિઓ ગુણો છે. ઉદાહરણાર્થે, માટીના રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણો છે. શકોરું, હાંડલી વગેરે તેના પર્યાયો છે. ગુણોના પણ પર્યાયો થાય છે. રૂપના પર્યાયો છે લાલ, કાળો વગેરે. દ્રવ્યમાં અનંત શક્તિઓ (ગુણો) છે. તેથી તે અનંત શક્તિઓની પર્યાયધારાઓ પણ અનંત એકસાથે દ્રવ્યમાં ચાલુ રહે છે; પરંતુ એક દ્રવ્યમાં એક શક્તિના બે પર્યાયો એક સમયે સંભવતા નથી, ક્રમથી જ સંભવે છે. વસ્તુનું દ્રવ્ય ધ્રુવ છે પણ તેના પર્યાયોનો ઉત્પાદ-વ્યય થયા કરે છે. તેથી વસ્તુને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત કહી છે. ઉમાસ્વાતિએ નિત્યનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે : तदभावाव्ययं नित्यम् । પોતાની જાતિમાંથી અવિચ્યુતિ એટલે નિત્યતા. પોતાની જાતિને છોડ્યા વિના પરિવર્તન પામતી વસ્તુને નિત્ય કહેવાય. આમાં પરિવર્તનની મર્યાદા છે. આ મર્યાદા ન સ્વીકારીએ તો બ્રહ્મપરિણામવાદ આવીને ખડો થાય. દ્રવ્ય પોતાની જાતિમાં શક્ય બધાં જ પરિવર્તનો ધારણ કરી શકે; પરંતુ તે એટલી હદ સુધી પરિવર્તન ન પામી શકે કે તે પોતાની જાતિ છોડી બીજી જાતિનું બની જાય. ચેતન કદી જડમાં પરિવર્તન ન પામી શકે.
જૈન તત્વજ્ઞાન છ મૂળભૂત દ્રવ્યોને સ્વીકારે છે : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. જીવદ્રવ્ય એ આત્મતત્વ યા ચેતનતત્વ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન (એક પ્રકારનો બોધ), અનંત ચારિત્ર અને અનંત વીર્ય એ આત્માનો સ્વભાવ છે. તે અનાદિ કાળથી સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક કર્મરજથી આવરિત છે — બદ્ધ છે. તેથી તેમનું આનન્ત્ય પ્રગટ થતું નથી અને આવરણની તરતમતાને કારણે જીવોમાં તેમની તરતમતા થાય છે. પ્રવૃત્તિને કારણે કર્મરજ આત્મા ભણી આવે છે અને તેને લાગે છે. આને આસ્રવ અને બંધ કહે છે. લાગેલી કર્મરજ પોતાનું ફળ આપી દૂર થાય છે અને પ્રવૃત્તિને લીધે બીજી કર્મરજ લાગે છે. આમ કર્મરજનું આવવું અને દૂર થવું ચાલ્યા કરે છે. વ્રત, તપ આદિ ઉપાયો દ્વારા આવતી કર્મરજને અટકાવવી તે સંવર છે અને ખાસ આત્મિક પ્રયત્ન દ્વારા તેમજ તપથી લાગેલી કર્મરજને ખેરવી નાખવી તે નિર્જરા છે. સંવર અને નિર્જરાની બંને પ્રક્રિયા દ્વારા જ્યારે કર્મરજનો સંબંધ સર્વથા આત્યંતિકપણે છૂટી જાય ત્યારે આત્માના જ્ઞાન આદિ સ્વભાવનું આનન્ત્ય પ્રગટ થાય છે તે મોક્ષ છે. આત્માનો કર્મરજ સાથેનો સંબંધ (બન્ધ) અનાદિ હોવા છતાં તેને અન્ત છે. આત્મા સાથે બદ્ધ કર્મરજ કેટલા વખત સુધી આત્માની તે તે શક્તિને ઢાંકશે અને કેટલું કટુ ફળ આપશે તેનો આધાર પ્રવૃત્તિ કરતી વખતે રાગદ્વેષની માત્રા કેટલી છે તેના ઉપર છે. રાગદ્વેષનો જ વિસ્તાર ક્રોધ, માન, માયા અને લોભ છે. તેમને કષાય કહેવામાં આવે છે. પ્રવૃત્તિ નહિ પણ કષાયો છોડવા ઉપર ભાર છે તેથી જ કહ્યું છે કે —
कषायमुक्तिः किल मुक्तिरेव ।
આત્મા પરિણામી છે. તે સ્વદેહપરિમાણ છે – જે શરીર ધારણ કરે છે તેના જેવડો થઈને રહે છે. એક સમયે જેટલાં શરીરો છે તે બધાંમાં જુદો જુદો આત્મા છે. આત્માઓ અનન્ત છે. આત્મા કર્તા પણ છે અને ભોક્તા પણ છે. તેની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વગતિ છે. આત્માના મુખ્ય બે ભેદ છે — સંસારી અને મુક્ત. સંસારી આત્માના મુખ્ય બે ભેદ છે – ત્રસ અને સ્થાવર. જે પોતાની ઇચ્છાથી એક સ્થાનથી બીજે સ્થાને જાય છે તે ત્રસ અને જે પોતાની ઇચ્છાથી એક સ્થાનથી બીજે સ્થાને નથી જઈ શકતા તે સ્થાવર. સ્થાવર જીવોને માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. ત્રસ જીવોના ઇન્દ્રિયોની સંખ્યા પ્રમાણે ચાર ભેદ છે – દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય.
પુદગલ એ ભૌતિક તત્વ છે. તેના ગુણો રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. તે પરમાણુ અને સ્કન્ધના રૂપમાં મળે છે. પરમાણુઓમાં જાતિભેદ નથી. પરમાણુઓમાં સ્નિગ્ધતા અને રુક્ષતા હોય છે. તે સ્નિગ્ધતા અને રુક્ષતાની અમુક ચોક્કસ માત્રાને કારણે પરમાણુઓ પરસ્પર જોડાય છે અને તેમનો સ્કંધ બને છે.
જીવો અને પુદગલોમાં ગતિ કરવાની શક્તિ સ્વાભાવિક હોવા છતાં તેમને ગતિ કરવામાં સામાન્ય સહાય કરનાર જે દ્રવ્ય છે તેને ધર્મ કહેવામાં આવે છે.
જીવો અને પુદગલોમાં સ્થિર થવાની શક્તિ સ્વાભાવિક હોવા છતાં તેમને સ્થિર થવામાં સામાન્ય સહાય કરનાર જે દ્રવ્ય છે તેને અધર્મ કહેવામાં આવે છે.
જીવ આદિ દ્રવ્યોને જે દ્રવ્ય સ્થાન આપે છે, અવકાશ આપે છે તે આકાશ છે. આકાશ અનંત છે; પરંતુ તેના જે ભાગમાં દ્રવ્યો રહે છે તેને લોકાકાશ કહે છે અને બાકીના ખાલી ભાગને અલોકાકાશ કહે છે.
દ્રવ્યમાં સૂક્ષ્મ પરિવર્તન, સ્થૂલ પરિવર્તન, ગતિક્રિયા, નવાપણું, જૂનાપણું થાય છે. તેમનું સહાયક કારણ કાળદ્રવ્ય છે. આ એક મત છે. બીજા મત અનુસાર દ્રવ્યોમાં થતાં પરિવર્તનો (પર્યાયો) જ કાળ છે તેમનાથી અતિરિક્ત કાળ નામનું કોઈ દ્રવ્ય નથી.
જૈન તત્વજ્ઞાન જગત્કર્તા નિત્યમુક્ત એક ઈશ્વરને માનતું નથી. જે કોઈ રાગને જીતી વીતરાગ બની કેવલી (શુદ્ધ) અને કેવલજ્ઞાની (શુદ્ધ જ્ઞાનવાળો) બને છે તેનામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય પ્રગટે છે. આ પૂર્ણ પુરુષ જ ઈશ્વર છે. આવા પુરુષોમાં પણ જે વીતરાગ અને કેવળજ્ઞાની બન્યા પછી લોકોને વીતરાગી કેમ થવાય તેનો ઉપદેશ આપે છે તેને જૈનો પરમ ઉપકારી ગણી પૂજે છે. તેઓ તેમના જેવા થવા તેમને પૂજે છે. આમ જૈનોના ઈશ્વરો અનેક છે. કોઈ પણ ઈશ્વર થઈ શકે છે. ઈશ્વર નિત્યમુક્ત નથી પણ પહેલાં બદ્ધ હતા અને પછી સાધના દ્વારા મુક્ત બનેલ છે. તે જગત્કર્તા નથી. જગત અનાદિ-અનંત છે.
જૈનદર્શન અનુસાર પાંચ પ્રકારનાં જ્ઞાન છે : મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. કારણ કે એ બંને, ઇન્દ્રિય અને મનની સહાયથી ઉત્પન્ન થાય છે. જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતા સિવાય ફક્ત આત્માની યોગ્યતાના બળે ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. અવધિ, મન:પર્યાય અને કેવળ એ ત્રણ પ્રત્યક્ષ પ્રમાણ છે. વસ્તુનો સમ્યક્ નિર્ણય પ્રમાણ છે. મતિ, શ્રુત અને અવધિ અજ્ઞાનરૂપ (અપ્રમાણ, અસમ્યક્) પણ સંભવે છે.
મતિજ્ઞાનમાં જૈનો ઇન્દ્રિયપ્રત્યક્ષ (લૌકિક પ્રત્યક્ષ), સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક અને અનુમાનનો સમાવેશ કરે છે. ઇન્દ્રિયપ્રત્યક્ષની ચાર ભૂમિકાઓ છે : અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા. ઇન્દ્રિયનો વસ્તુ સાથે સંયોગ થતાં વસ્તુનો સામાન્ય બોધ થવો તે અવગ્રહ છે. પછી એ જ વસ્તુ પરત્વે નિશ્ચયગામી વિશેષ વિચારણા થવી તે ઇહા છે. ઇહા પછી વસ્તુનો નિશ્ચય થવો તે અવાય છે. અવાયનું સંસ્કાર રૂપે ટકી રહેવું તે ધારણા છે. ધારણા સ્મૃતિનું કારણ બને છે.
સૂક્ષ્મ, અન્તરિત અને દેશ તેમજ કાળની ર્દષ્ટિએ દૂરની વસ્તુઓનું જ્ઞાન અવધિજ્ઞાન છે. બીજી વ્યક્તિના મનમાં ઊઠતા આકારોનું (પર્યાયોનું) જ્ઞાન મન:પર્યાયજ્ઞાન છે.
બધી જ વસ્તુઓની ત્રૈકાલિક બધી જ અવસ્થાઓનું જ્ઞાન કેવળજ્ઞાન છે.
જ્ઞાન સ્વપરપ્રકાશક છે. તે પોતાને અને બાહ્ય પદાર્થને બંનેને જાણે છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે તે સ્વયં પોતાને પ્રકાશિત કરીને જ વસ્તુને પ્રકાશિત કરે છે.
જ્ઞાનના પ્રામાણ્યનું જ્ઞાન સફળ પ્રવૃત્તિ ઉપરથી અનુમિત થાય છે. દૂર પાણી છે એવું જ્ઞાન કોઈને થાય અને તે પાણી ભરી લાવવા માટે ત્યાં જાય અને તેને પાણી પ્રાપ્ત થાય તો તેની પ્રવૃત્તિ સફળ થઈ. માટે તેને થયેલું જ્ઞાન પ્રમાણભૂત હતું એ નિશ્ચિત થાય છે. તેમ છતાં જૈનો કહે છે કે અભ્યાસદશામાં (વારંવાર એકનું એક જ્ઞાન થતું હોય ત્યાં) જ્ઞાનનું પ્રામાણ્ય સ્વત: બીજા કોઈ પર આધાર રાખ્યા વિના જ્ઞાત થાય છે.
વસ્તુ અનંતધર્માત્મક છે. એટલે તેમાં પરસ્પર વિરોધી જણાતા ધર્મો પણ છે. પરસ્પર વિરોધી ધર્મોનું એક વસ્તુમાં જુદા જુદા ર્દષ્ટિબિંદુથી હોવું ઘટે છે, તેમાં કોઈ વિરોધ નથી. એકની એક વસ્તુ દ્રવ્યર્દષ્ટિથી નિત્ય છે અને પર્યાયષ્ટિથી અનિત્ય છે. એકની એક વસ્તુ પોતાના દ્રવ્યની ર્દષ્ટિએ સત્ છે અને પરદ્રવ્યની ર્દષ્ટિએ અસત્ છે. (જેમ કે) માટીનો ઘડો છે, સુવર્ણનો ઘડો નથી. ભિન્ન ભિન્ન ર્દષ્ટિએ વસ્તુનું પૂરું વર્ણન કરવું એ અનેકાન્તવાદ કે સ્યાદ્વાદ છે. કોઈ એક ધર્મને લઈને વસ્તુ વિશે પ્રશ્ન કરવામાં આવે તો તેનો ઉત્તર આપવાના સાત જ પ્રકારો (ભંગો) છે. આ સાતના સમૂહને સપ્તભંગી કહેવામાં આવે છે. દરેક ભંગમાં ‘અમુક અપેક્ષાએ કે ર્દષ્ટિબિંદુથી’ એવા અર્થનો સૂચક ‘સ્યાત્’ શબ્દ હોય છે. ઉદાહરણાર્થ, સત્ (અસ્તિત્વ) ધર્મને લઈને કોઈ (માટીના) ઘડા વિશે પ્રશ્ન કરે છે. ઘટ સત્ છે ? તેના સાત ભંગો નીચે મુજબ છે : (1) અમુક ખાસ ર્દષ્ટિબિંદુથી ઘટ સત્ જ છે. (2) અમુક ખાસ ર્દષ્ટિબિંદુથી ઘટ અસત્ જ છે. (3) અમુક ખાસ ર્દષ્ટિબિંદુથી જ ઘટ સત્ અને અસત્ છે. (4) અમુક ખાસ ર્દષ્ટિબિંદુથી ઘટ અવક્તવ્ય છે. (5) અમુક ખાસ ર્દષ્ટિબિંદુથી ઘટ સત્ છે અને અવક્તવ્ય છે. (6) અમુક ખાસ ર્દષ્ટિબિંદુથી ઘટ અસત્ છે અને અવક્તવ્ય છે. (7) અમુક ખાસ ર્દષ્ટિબિંદુથી ઘટ સત્ છે, અસત્ છે અને અવક્તવ્ય છે. પહેલા ભંગમાં ઘટ સ્વરૂપથી સત જ છે એમ કહ્યું છે. બીજા ભંગમાં ઘટ પરરૂપથી અસત જ છે એમ કહ્યું છે. ત્રીજા ભંગમાં ઘટ સ્વરૂપથી સત જ છે અને પરરૂપથી અસત જ છે એમ ક્રમથી કહ્યું છે. ચોથા ભંગમાં ઘટનું ‘સતપણું’ એટલું બધું ગહન – મહત્ છે અને તેનું ‘અસતપણું’ પણ અન્ય સમગ્ર દ્રવ્યોથી વ્યાવૃત્તત્વરૂપ હોઈ અતિગંભીર – મહત્ છે કે તેમનું યથાવત્ વર્ણન અશક્ય છે; તેથી આ ર્દષ્ટિએ ઘટને અવક્તવ્ય કહ્યો છે. પાંચમા ભંગમાં ઘટ અમુક અપેક્ષાએ અવક્તવ્ય હોવા સાથે સ્વરૂપથી સત્ પણ છે જ એમ કહ્યું છે. છઠ્ઠા ભંગમાં ઘટ અમુક અપેક્ષાએ અવક્તવ્ય હોવા સાથે પરરૂપથી અસત્ પણ છે જ એમ કહ્યું છે. સાતમા ભંગમાં ઘટ અમુક અપેક્ષાએ અવક્તવ્ય હોવા સાથે સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ પણ છે. વસ્તુ અનંતધર્માત્મક હોઈ, તે અનંતધર્મોને લઈ અનંત સપ્તભંગીઓ બની શકે.
વસ્તુગત અન્ય ધર્મોનો પ્રતિષેધ કર્યા વિના જે ધર્મનું પ્રયોજન હોય, અપેક્ષા હોય તેનું વિધાન કરવું તેને નય કહેવામાં આવે છે; પરંતુ વસ્તુગત અન્ય ધર્મનો પ્રતિષેધ કરી અમુક ધર્મ જ વસ્તુમાં છે એવું વિધાન કરવું એ દુર્નય છે. જેટલા વસ્તુગત ધર્મો છે તેટલાં ર્દષ્ટિબિંદુઓ સંભવે છે. અન્ય ર્દષ્ટિબિંદુનો નિષેધ કર્યા વિના પ્રસ્તુત યા અપેક્ષિત ર્દષ્ટિબિંદુને રજૂ કરવું તે નય છે. એથી ઊલટું, બીજાં ર્દષ્ટિબિંદુઓનો નિષેધ કરી પોતાનું ર્દષ્ટિબિંદુ જ સાચું છે એમ કહેવું એ દુર્નય છે. નય આંશિક સત્યને આંશિક સત્ય તરીકે સ્વીકારે છે, જ્યારે દુર્નય આંશિક સત્યને પૂર્ણ સત્ય માની લે છે. તેથી નય સમ્યક્ જ્ઞાન છે, દુર્નય મિથ્યાજ્ઞાન છે. નયોનો સમન્વય એ જ સ્યાદ્વાદ યા અનેકાન્તવાદ છે.
અહિંસામૂલક આચાર અને અનેકાન્તમૂલક વિચારનું પ્રતિપાદન જૈનદર્શનની વિશેષતા છે. જૈનાચારનો પ્રાણ અહિંસા છે. અહિંસક આચાર અને વિચારથી જ આધ્યાત્મિક ઉત્થાન થાય છે. અહિંસાનું સૂક્ષ્મ વિવેચન અને આચરણ જૈન પરંપરામાં ઉપલબ્ધ છે. અહિંસાનો મૂલાધાર આત્મૌપમ્ય યા આત્મસામ્ય છે. અહિંસાને કેન્દ્રબિંદુ માની સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો વિકાસ થયો છે.
નગીનભાઈ જીવણલાલ શાહ