જેમિની (ઉપગ્રહશ્રેણી) : 1960ના દાયકાનો અમેરિકાનો ચંદ્ર ઉપરના સમાનવ સફળ ઉતરાણ માટેનો અંતરિક્ષ કાર્યક્રમ. તેનો મુખ્ય ઉદ્દેશ તે દાયકાના અંત સુધીમાં ચંદ્ર ઉપર માનવીને મોકલીને તેને સહીસલામત પાછો લાવવાનો હતો. આ ઉદ્દેશને પાર પાડવા માટે પહેલા તબક્કામાં, અમેરિકાએ મર્ક્યુરી ઉપગ્રહશ્રેણી દ્વારા સફળતાપૂર્વક શરૂઆત કરી હતી. જેમિની ઉપગ્રહશ્રેણી આ ઉદ્દેશને પાર પાડવાની યોજનામાં અત્યંત ઉપયોગી બીજા તબક્કાનો કાર્યક્રમ હતો. આ શ્રેણીમાં કુલ 12 ઉયન કરવામાં આવ્યાં હતાં જેમાંનાં 10 સ-માનવ હતાં. મર્ક્યુરી યાનમાં ફક્ત એક જ અંતરિક્ષયાત્રી પ્રવાસ કરી શકે તેવી વ્યવસ્થા હતી, જ્યારે જેમિની યાન 2 યાત્રી સાથેના અંતરિક્ષપ્રવાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ કારણથી જેમિની મિથુન રાશિની તારકબેલડી ઉપરથી ઉપગ્રહનું નામકરણ કરવામાં આવ્યું હતું.
તેના મુખ્ય ઉદ્દેશો હતા – મર્ક્યુરી શ્રેણી પછી તેનાથી વધારે સુવિધાવાળા અંતરિક્ષયાનની રચના, તેને ભ્રમણકક્ષામાં મૂકવા માટે વધુ શક્તિશાળી પ્રક્ષેપક રૉકેટની રચના, ભૂમિનિયંત્રણ તંત્ર અને જીવનરક્ષક ઉપતંત્રમાં સુધારા, ભૂમિમથક અને અંતરિક્ષયાત્રી વચ્ચેના રેડિયો સંપર્કની ઉચ્ચતમ વ્યવસ્થા અને 2 અંતરિક્ષયાનનું મુકરર સમયે અને નિર્ધારિત સ્થળે મિલન અને જોડાણ.
ઉપરના ઉદ્દેશો સિદ્ધ કરવા જેમિની યાનમાં હજારો કિમી. દૂર બીજા અંતરિક્ષયાનને શોધી તેનો સંપર્ક સાધી તેની પાસે જઈ 2 યાનનું એક જ કક્ષામાં મિલન (rendezvous) અને બીજા યાન સાથે જોડાણ (docking) કરી શકાય તેવા યંત્રની રચના સફળતાપૂર્વક કરવામાં આવી હતી. તે માટે યાનમાંના અંતરિક્ષયાત્રી યાનની ગતિ વધારી અથવા ઓછી કરી પોતાની મરજી મુજબ તેને ગતિમાન કરી શકે તથા એક દિશામાંથી બીજી દિશામાં વાળી શકે અને એ રીતે એક ભ્રમણકક્ષામાંથી બીજી ભ્રમણકક્ષામાં જવાની યાન-સંચાલન કામગીરી (navigation) બજાવી શકે તેવી યાંત્રિક ગોઠવણ હતી. મર્ક્યુરી યાન એક માનવયાત્રીને ફક્ત થોડાક કલાકની જ જીવનસુવિધા પૂરી પાડવા શક્તિમાન હતું. તેની સરખામણીમાં જેમિની યાનમાં 2 યાત્રીને 2 અઠવાડિયાંથી પણ વધુ સમય અંતરિક્ષમાં ગાળવા માટેની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમિની યાનમાંથી યાત્રી બહાર અવકાશમાં લટાર મારી શકે અને પાછો યાનમાં દાખલ થઈ શકે તેવી વ્યવસ્થા પણ હતી. આ રીતે જેમિની શ્રેણીના ઉપગ્રહો માનવીને ચંદ્ર પર મોકલતાં પહેલાં તે કાર્યક્રમમાં ઉપયોગી 2 યાનનું મિલન અને જોડાણ તંત્ર, ધારેલી કક્ષામાં યાનને લઈ જવાની સંચાલન કામગીરી અને યાનમાંથી બહાર નીકળી લટાર મારવાની અને અંતરિક્ષમાં કામ કરવાની શક્યતા વગેરે કામગીરીના તંત્રની ચકાસણી કરવાની પ્રયોગશાળા હતી.
15 મે 1963ના મર્ક્યુરી યાનના છેલ્લા ઉડ્ડયનમાં ગયેલા અંતરિક્ષયાત્રી ગૉર્ડન કૂપરે જણાવ્યું હતું કે તે અંતરિક્ષમાં પૃથ્વીથી 160 કિમી. ઊંચાઈથી ધરતીની સપાટી પરની નદીઓ, રસ્તા અને કારખાનાંની ચીમનીઓમાંથી નીકળતા ધુમાડા સ્પષ્ટ જોઈ શક્યો હતો. ગૉર્ડન કૂપરનું આ વિધાન, વાતાવરણના અવરોધને કારણે અંતરિક્ષમાંથી પૃથ્વી પરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય નહિ, એવી તે વખતની પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ હતું. જેમિની શ્રેણીનાં ઉડ્ડયનોમાં આ વિધાનનું સત્ય તપાસવાનો કાર્યક્રમ પણ હતો. જેમિની–5 ઉડ્ડયનમાં ગૉર્ડન કૂપરે પેટ કૉનરાડ સાથે ફરીથી અંતરિક્ષ પ્રવાસ કર્યો અને કૅમેરાની મદદથી પૃથ્વીની છબીઓ લઈ પોતાના અગાઉના વિધાનને સાબિત કર્યું. છબીઓ પૃથ્વી પરની વસ્તુઓ પારખવા માટે ઘણી સ્પષ્ટ હતી. તે વખતે અમેરિકા મિનિટમૅન પ્રક્ષેપન અસ્ત્ર(missile)ના પરીક્ષણ-પ્રયોગો કરતું હતું. તે પણ અંતરિક્ષમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે તેમ પુરવાર થયું. આમ, જેમિની કાર્યક્રમ દ્વારા, ભવિષ્યના ઉપગ્રહ સ્થિત દૂરસંવેદન અને શત્રુનાં લશ્કરી મથકો, પ્રક્ષેપન–અસ્ત્રોની કામગીરી અને આ પ્રકારનાં જાસૂસી માટેનાં નિરીક્ષણોની કાર્યવાહીનો પાયો નંખાયો.
જેમિની યાનનો આકાર મર્ક્યુરી યાન જેવો જ ઘંટાકાર હતો; પરંતુ કદ મોટું, ઊંચાઈ 3.3 મીટર અને તળિયાના પાયાનો વ્યાસ 2.3 મીટર હતાં. આ ઘંટાકાર યાન 3 મુખ્ય વિભાગોનું બનેલું હતું : સૌથી નીચે યંત્રસામગ્રી વિભાગ, વચ્ચે પશ્ચગતિ રૉકેટ વિભાગ (retrograde section) અને છેક ઉપર યાત્રીઓનાં રહેઠાણ અને પૃથ્વીના વાતાવરણમાં પુન:પ્રવેશ ઉપયાન વિભાગ (re-entry module).
જેમિની શ્રેણીમાં પ્રક્ષેપન માટે જેમિની-ટાઇટન નામનું રૉકેટ વાપરવામાં આવ્યું હતું. આ ટાઇટન રૉકેટ 3600 કિગ્રા. વજનના ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવાની ક્ષમતા ધરાવતું 2 તબક્કાનું રૉકેટ છે; તેનો પહેલો તબક્કો 1,95,220 કિગ્રા.ના ધક્કા (thrust) અને બીજો તબક્કો 45,400 કિગ્રા.ના ધક્કાની ક્ષમતા ધરાવે છે. અંતરિક્ષમાં 2 યાનના જોડાણના પ્રયોગ માટે વપરાયેલા એજેના યાન માટે ઍટલાસ-એજેના પ્રક્ષેપન–રૉકેટ વપરાયું હતું. આ ઍટલાસ-એજેના પણ 2 તબક્કાનું રૉકેટ છે. 20.1 મીટર લાંબો ઍટલાસ રૉકેટ વિભાગ 1,76,152 કિગ્રા. ધક્કાની ક્ષમતા ધરાવે છે અને બીજા તબક્કાનું રૉકેટયાન એજેના 7264 કિગ્રા. ધક્કાની ક્ષમતા ધરાવે છે. આ એજેના રૉકેટ-યાનનું એન્જિન અનેક વખત મરજી પ્રમાણે ચાલુ-બંધ કરી શકાય છે. આ જાતની વ્યવસ્થાને લીધે જેમિની યાનના એજેના-યાન સાથેના જોડાણ પછી જેમિની યાત્રી એજેનાના એન્જિનની શક્તિની મદદથી અંતરિક્ષમાં કક્ષા બદલી અને મરજી પ્રમાણે ગમન (manoeuvre) કરી શક્યા હતા.
જેમિની શ્રેણીનાં સ-માનવ ઉયનોથી અમેરિકાએ સિદ્ધ કર્યું કે માનવી અંતરિક્ષમાં યાનને મરજી પ્રમાણે મોકલી શકે છે અને તે પ્રકારની યંત્રસામગ્રી બની શકે છે. માનવી યાનમાંથી બહાર નીકળી અંતરિક્ષમાં લટાર મારી શકે છે, કામ કરી શકે છે અને બીજા યાન સાથે મિલન અને જોડાણ કરી શકે છે, બે અઠવાડિયાંથી વધુ સમય અંતરિક્ષમાં ઉયન કરી સ્વસ્થતાથી પૃથ્વી પર પાછો આવી શકે છે અને તે વખતે યાનને અંકુશમાં રાખી અગાઉથી નક્કી કરેલા સ્થળ નજીક ઉતરાણ કરી શકે છે. જેમિની યાત્રીઓએ લીધેલી પૃથ્વીની છબીઓથી દૂરસંવેદન(remote sensing)ની શક્યતા સિદ્ધ થઈ તથા યાત્રીઓની દાક્તરી તપાસની માહિતીની મદદથી તબીબી જ્ઞાનમાં પણ વધારો થયો છે.
જેમિની ઉપગ્રહ શ્રેણી અને સિદ્ધિઓ દર્શાવતી સારણી | |||||
અભિયાન | તારીખ | અંતરિક્ષ–
યાત્રીઓનાં નામ |
કક્ષા | સમય
ક. મિ. |
કાર્યસિદ્ધિ |
જેમિની-1 | 8-4-1964 |
માનવ- રહિત |
માનવરહિત
પરીક્ષણ ઉડ્ડયન |
||
જેમિની-2 | 19-1-1965 |
માનવ- રહિત |
પરીક્ષણ ઉડ્ડયન,
ઉષ્ણતાનિરોધક તક્તાનું પરીક્ષણ |
||
જેમિની-3 | 23-3-1965 |
વર્જિલ ગ્રિસમ અને જ્હૉન યંગ |
3 | 4-53 | યાત્રીની ઇચ્છા
મુજબ ભ્રમણકક્ષા બદલવાની સિદ્ધિ – પ્રથમ 2 યાત્રી સાથેની અંતરિક્ષયાત્રા સિદ્ધ. |
જેમિની-4 |
3-6-1965 થી 7-6-1965 |
જેમ્સ મૅકડિવિટ અને ઍડવાઇટ |
62 | 97-56 | અંતરિક્ષમાં બીજા
યાન સાથે સંપર્ક સાધી તેની સાથે મેળાપનો પ્રયત્ન બળતણ ઘટવાથી નિષ્ફળ ગયો. ઍડ- વાઇટે યાનમાંથી બહાર આવી અવ- કાશમાં લટાર મારી. માનવીની સૌપ્રથમ અવકાશ-લટાર. |
જેમિની-5 |
21-8-1965 થી 29-8-1965 |
ગૉર્ડન
કૂપર અને પેટકૉનરાડ |
120 |
190- 55 |
અંતરિક્ષમાં લાંબા
સમય સુધી રહેવાની માનવીની શક્તિનું પરીક્ષણ. અંતરિક્ષમાં ઉપયોગમાં લઈ શકાય તેવી નવી જાતની બૅટરીનું પરીક્ષણ. કૅમેરાની મદદથી પૃથ્વીની છબીઓ પાડી. |
જેમિની-6 |
15-12-1965 થી 16-12-1965 |
વૉલ્ટર
શિરા અને ટૉમ સ્ટેફર્ડ |
16 | 25-51 | આ યાનનું
ઑક્ટોબર ઉડ્ડયન બંધ રહ્યું હતું. જેમિની-7 સાથે સંપર્ક સાધી કક્ષા બદલી નજીક જઈ જેમિની-7થી થોડાક મિમી. દૂર રહી મેળાપ થઈ શકે છે તે સિદ્ધ કર્યું. |
જેમિની-7 |
4-12-1965 થી 18-12-1965 |
ફ્રક
બોર્મન અને જેમ્સ લૉવેલ |
206 |
330- 35 |
અંતરિક્ષમાંના બીજા
યાન સાથે સંપર્ક સાધી તેની નજીક જઈ મેળાપ કરવાના તંત્રનું પરીક્ષણ. લાંબા સમય સુધી અવકાશમાં રહેવાનું પરીક્ષણ. |
જેમિની-8 | 16-3-1966 | નીલ
આર્મસ્ટ્રૉંગ અને ડૅવિડ સ્કૉટ |
6.6 | 10-41 | અંતરિક્ષમાં
અગાઉથી મોકલેલા એજેના યાન સાથે સફળ મેળાપ અને 2 યાનનું ઐતિહાસિક પ્રથમ જોડાણ (docking) |
જેમિની-9 |
3-6-1966 થી 6-6-1966 |
ટૉમ
સ્ટૅફર્ડ અને યુજિન સીમન |
45 | 72-21 | એજેના યાન સાથે
મેળાપ. સીમને યાનની બહાર જઈ પોતાના નાના અંગત જેટ સાધનની મદદથી અવકાશમાં હરીફરી શકાય છે તે સિદ્ધ કર્યું. 2 કલાક યાનની બહાર લટાર મારી. |
જેમિની-10 |
18-7-1966 થી 21-7-1966 |
જૉન યંગ
અને માઇકલ કૉલિન્સ |
43 | 70-47 | પ્રથમ એક એજેના
યાન સાથે જોડાણ કર્યું, પછી છૂટા પડી બીજા એજેના યાન સાથે જોડાણ કરી કૉલિન્સે અંતરિક્ષમાં બહાર આવી એજેના સાથે જોડેલા એક યંત્રને છૂટું કરી જેમિની યાનમાં મૂક્યું. આમ પ્રથમવાર અવકાશમાં એક યાનમાંથી બીજા યાનમાં યંત્રની અદલાબદલી કરી. |
જેમિની-11 |
12-9-1966 થી 15-9-1966 |
પેટ
કૉનરાડ અને રિચાર્ડ ગૉર્ડન |
44 | 71-17 | અંતરિક્ષમાં બીજા
યાન સાથે મિલન, જોડાણ અને અવકાશમાં લટાર મારવાનું વધુ એક પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું. |
જેમિની-12 |
11-11-1966 થી 15-11-1966 |
જેમ્સ
લૉવેલ અને એડવર્ડ એલ્ડ્રિન |
59 | 94-35 | બીજા યાનને શોધી
મિલન અને જોડાણ- એલ્ડ્રિને યાનમાં કડાં પકડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની રીત સિદ્ધ કરી અને બે દોરડાં બાંધી યાનની બહાર અવકાશમાં રહી ઓજારોની મદદથી કામ કરી શકાય છે તે સાબિત કર્યું. |
પ્રફુલ્લ દ. ભાવસાર