જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ (જ. 11 નવેમ્બર 1938, ખાલપર, જિ. અમરેલી) : સાહિત્યકાર અને કટારલેખક. પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્રની પરીક્ષા પાસ કરી તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે 1961માં નિમણૂક મેળવી તથા બઢતી મેળવીને તાલુકા શાળામાં આચાર્યપદે કામગીરી બજાવી 1995માં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. તેમણે લખવાની શરૂઆત બાળવાર્તાઓથી કરી. પછી ટૂંકી વાર્તા, ધારાવાહી નવલકથા, સંતકથા, ઇતિહાસ અને કટાક્ષલેખો લખ્યા.
તેમણે આશરે 250 ટૂંકી વાર્તાઓ અને તે સાથે કેટલીક નવલકથાઓ પણ આપી છે. સૌરાષ્ટ્રનું ‘ફૂલછાબ’, ‘જયહિંદ’, ‘પ્રતાપ’, ‘ગુજરાતી ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘કચ્છમિત્ર’ વગેરે દૈનિકોમાં તેમની ધારાવાહી નવલકથાઓ પ્રગટ થતી હતી. વાચકોમાં તેઓ ઘણા પ્રિય લેખક છે.
સંતસાહિત્યની ચાર નવલકથાઓ ‘જયહિન્દ’ દૈનિકમાં તથા પ્રેમ, શૌર્ય અને સમર્પણની ઇતિહાસકથાઓની શ્રેણી ‘સંદેશ’ દૈનિકની રવિપૂર્તિમાં પ્રગટ થઈ હતી. હાસ્ય-કટાક્ષ શ્રેણી ‘અલખનો ઓટલો’, ‘ગામાયણ’ અને ‘ગાલપુરાણ’ ગ્રામપરિવેશનાં પાત્રો સાથે પ્રસિદ્ધ થઈ. આવી કથાઓ ‘ધકેલ પંચાં દોઢસો’ અને ‘સતયુગ આવ્યો’ સંગ્રહ-સ્વરૂપે પ્રગટ થઈ છે. ‘તરણાંનો ડુંગર’, ‘રંગ બિલોરી કાચના’, ‘ભીનાં ચઢાણ’, ‘સૂરજ ઊગ્યે સાંજ’ વગેરે તેમની નવલકથાઓ; ‘સથવારો’ અને ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’ તેમના વાર્તાસંગ્રહો; ‘આપા દાના’, ‘સંત મૂળદાસ’ વગેરે તેમની સંતકથાઓ અને ‘મૂઠી ઊંચેરા માનવી’, ‘માણસાઈના કાંઠે કાંઠે’ તથા ‘ઇતિહાસનું ઊજળું પાનું’ ભાગ 1થી 4 તેમની ઇતિહાસકથાઓ છે.
તેમને ટૂંકી વાર્તા-સ્પર્ધાના 1964 અને 1966ના ‘સવિતા’ સુવર્ણ ચંદ્રક, 1982ના વાવાઝોડાની દસ્તાવેજી નવલકથા માટે ‘હિંમતભાઈ પારેખ’ ઍવૉર્ડ અને વડોદરાનો ‘સંસ્કાર ઍવૉર્ડ’; નવલકથા ‘આયખું તો શમણાંનો દેશ’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો 1993નો ઍવૉર્ડ તથા ‘ઇતિહાસનું ઊજળું પાનું’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું 1993નું બીજું પારિતોષિક મળ્યાં છે.
રંગદર્શી ભાષાશૈલીમાં પ્રાસાનુપ્રાસ, ધ્વનિસ્પંદનો તથા ક્રિયાપદોનો ઉપયોગ કરી આગવી ભાષારીતિ દ્વારા પાત્ર તથા પ્રસંગને અનુરૂપ વાતાવરણ રચી, ઉપલબ્ધ વસ્તુસામગ્રીનો સ્વરૂપસિદ્ધિ વાસ્તે પ્રયોગ કરવાનો તેમનો અભિગમ રોચક અને પ્રશંસનીય છે. તેમની નવલકથાઓમાં સૌરાષ્ટ્રની ધરતીની તળપદી ફોરમ સાદ્યંત અનુભવાય છે. તેમની હાસ્યકથાઓમાં મૌલિકતા ધ્યાનાકર્ષક છે.
જયકુમાર ર. શુક્લ