જેન્શિયાનેસી

January, 2012

જેન્શિયાનેસી : સપુષ્પ વનસ્પતિના દ્વિબીજપત્રી (dicotyledon) સમૂહનું એક કુળ. આ કુળની વનસ્પતિ મોટે ભાગે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, ગાંઠામૂળી ધરાવતી, છોડ સ્વરૂપની અને ભાગ્યે જ ક્ષુપ સ્વરૂપની હોય છે.

પર્ણ સાદાં, સન્મુખી, ચતુષ્ક, ભાગ્યે જ એકાંતરિક, અન્-ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ પરિમિત પ્રકારનો, ક્યારેક દ્વિશાખીય; પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી, ચતુ: કે પંચઅવયવી, નિપત્રયુક્ત; વજ્રપત્રો 4થી 5, તલસ્થ ભાગે જોડાયેલાં, કલિકાન્તરવિન્યાસ કોરછાદી(imbricate), ચિરલગ્ન; દલપત્રો 4થી 5, ચક્રાકાર અથવા દીપ-આકાર અથવા ગળણી-આકારે ગોઠવાયેલાં, 4થી 5 ખંડીય, વ્યાવૃત(contorted) અથવા કલિકાન્તરવિન્યાસ વેષ્ટિત ધારાસ્પર્શી(valvate); પુંકેસરો દલપત્રો જેટલાં જ અને દલપત્રોને એકાંતરે ગોઠવાયેલાં, પરાગકોષ દ્વિખંડીય, અંતર્મુખી, પૃષ્ઠલગ્ન અથવા તલલગ્ન અને ઘણી વાર મધ્યડોલી; બીજાશય ઉચ્ચસ્થ, દ્વિસ્ત્રીકેસરી, યુક્તસ્ત્રીકેસરી, મોટે ભાગે એકકોટરીય, 2 ચર્મવર્તી જરાયુ પર ઘણાં અંડકો, બીજાંડ અધોમુખી, પરાગવાહિની સાદી, પરાગકોષ મુંડક પ્રકારનું અથવા દ્વિકોટરીય, ગ્રંથિમય અધોજાયી, ડિસ્ક ક્યારેક હાજર હોય છે; ફળ પ્રાવરીય અને ચર્મયુક્ત વાલ્વયુક્ત; બીજ માંસલ, પરિભ્રૂણપોષ(perisperm)વાળાં, ભ્રૂણ નાનો; પુષ્પસૂત્ર       K(45) C(45) A(45) G(2); આ કુળમાં સમાવિષ્ટ કરાતી વનસ્પતિઓનાં નામ આ પ્રમાણે છે : Gentiana dahurica; G. kurroo; હિં. करु; G. lutea ટૉનિક તરીકે ઉપયોગી, પાચનસહાયક. G. decumbens પાચનકારક.

ગજેન્દ્રવન ના. ગોસાંઈ