જેન્શિયન (જેન્શિયન મૂળ)

જેન્શિયન (જેન્શિયન મૂળ) : મધ્ય અને દક્ષિણ યુરોપ તથા તુર્કીમાં ઊગતા Gentiana lutea Linn (કુળ: Gentianaceae)નાં સૂકવેલાં મૂળ અને પ્રકંદ. તે 10થી 20 સેમી. લાંબા અને મૂળ હોય તો 2.5 સેમી. સુધીના અને પ્રકંદ હોય તો 6 સેમી. સુધીના વ્યાસના નળાકાર ટુકડા તરીકે મળે છે. મૂળની સપાટી ઉપર ઊભી કરચલીઓ હોય છે. પ્રકંદના અગ્રભાગે એક અથવા વધુ કલિકા (buds) તથા પાન અને મૂળના અવશેષ હોય છે. સ્વાદ શરૂઆતમાં ગળ્યો પણ પછી ખૂબ જ કડવો હોય છે.

જેન્શિયનમાં કડવા ગ્લાયકોસાઇડ જેન્શિયોપિક્રિન અને અમારોજેન્ટિન છે. આ ઉપરાંત જેન્શિયોમેરિન, જેન્ટિન, જેન્ટિસિન, આઇસોજેન્ટિસિન, જેન્શિયાનિન, તેલ, પેક્ટિન, પીળા રંગના પદાર્થો વગેરે છે. જેન્શિયનનો ઉપયોગ કટુબલ્ય તરીકે તેમજ અરુચિ અને અપચામાં ભૂખ લગાડવામાં થાય છે.

કાશ્મીર તથા હિમાલયમાં 1,500થી 3,000 મી.ની ઊંચાઈએ ઊગતી જાતિ Gentiana kurroa(કુળ : Gentianaceae)નાં મૂળ તથા પ્રકંદ પણ જેન્શિયનની માફક જ વપરાય છે. તે 4 સેમી. લંબાઈ અને 1થી 1.5 સેમી. વ્યાસના નળાકાર ટુકડા રૂપે મળે છે. તેનો સ્વાદ કડવો છે પણ તેમાં જેન્શિયોપિક્રિન નથી.

ઇન્ડિયન જેન્શિયન અથવા કડુ (कुटकी) એ Picrorhiza kurroaના ભૂસ્તારી અને પ્રકંદ છે. હિમાલયમાં મળે છે અને તેનો ઉપયોગ જેન્શિયનની માફક કટુબલ્ય તથા ક્ષુધાવર્ધક તરીકે થાય છે. તે રેચક અને જ્વરહર હોવા ઉપરાંત યકૃતના શોથમાં તથા કમળામાં વપરાય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ