જેનિંગ્ઝ, સર વિલિયમ આઇવર (જ. 16 મે 1903; અ. 19 ડિસેમ્બર 1965) : કાયદાશાસ્ત્ર અને બંધારણના આંગ્લ અભ્યાસી. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સ તથા લંડન યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લૉઝની ઉપાધિ પ્રાપ્ત કરી. 1928માં તેઓ બૅરિસ્ટર બન્યા. 1929–30માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં બ્રિટિશ કાયદાના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. 1930–41 દરમિયાન તેમણે યુનિવર્સિટી ઑવ્ લંડનમાં બ્રિટિશ કાયદાના રીડર તરીકે કામગીરી બજાવી. આ ગાળા દરમિયાન (1931–40) તેમણે ‘લોકલ ગવર્નમેન્ટ ક્રૉનિકલ’નું તંત્રીપદ પણ સંભાળ્યું. એક વર્ષ માટે (1938–39) તેમની રાજ્યશાસ્ત્રના વિશેષ વ્યાખ્યાતા તરીકે યુનિવર્સિટી ઑવ્ બ્રિટિશ કોલંબિયામાં નિમણૂક થઈ. 1941–42માં તેમણે સિલોન યુનિવર્સિટીની કૉલેજના આચાર્ય તરીકે ફરજ બજાવી. 1942થી 1955 સુધી સિલોન યુનિવર્સિટીના ઉપકુલપતિનો હોદ્દો સંભાળ્યો. 1961–63 દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંકળાયેલા રહ્યા.
વિવિધ યુનિવર્સિટી દ્વારા તેમને અપાયેલી માનાર્હ ઉપાધિઓ પણ તેમનાં જ્ઞાન તથા પ્રદાનના સંદર્ભમાં ધ્યાન ખેંચે છે. બ્રિસ્ટલ, સાઉધમ્પટન, બેલફાસ્ટ, લીડ્ઝ, હૉંગકૉંગ અને સિલોનની યુનિવર્સિટીઓ દ્વારા તેમને ડૉક્ટર ઑવ્ લૉઝની માનાર્હ ઉપાધિ એનાયત કરવામાં આવી. આ જ પ્રમાણે પૅરિસ યુનિવર્સિટી દ્વારા તેમને માનાર્હ ડૉક્ટરની ઉપાધિ આપવામાં આવી.
બ્રિટનની સરકાર દ્વારા પણ તેમને ‘કે.બી.ઈ.’ (Knight Commander of the Order of the British Empire) તથા ‘ક્યૂ.સી.’ (Queen’s Counsel) તેમજ ‘સર’ના ખિતાબ એનાયત કરવામાં આવ્યા.
તેમણે સ્થાનિક સરકારની સંસ્થાઓ, સરકારી તંત્ર, બંધારણો, બંધારણીય કાયદા વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પોતાના ચિંતનને પ્રકાશનો દ્વારા રજૂ કરેલું છે.
બંધારણના ઊંડા અભ્યાસી તરીકે તેમણે ઘણાં રાજ્યોનાં બંધારણ ઘડાતાં હતાં ત્યારે નિષ્ણાત બંધારણીય સલાહકારની ભૂમિકા પણ ભજવી હતી. આ સંદર્ભમાં તેમણે પાકિસ્તાન (1954), માલ્ટા (1957), નેપાળ(1958)નાં બંધારણ ઘડવામાં મહત્વનું પ્રદાન કર્યું હતું. ‘સમ કૅરેકટરિસ્ટિક્સ ઑવ્ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન’ (1953) તેમનું નાનું પણ ભારતીય બંધારણની નોંધપાત્ર લાક્ષણિકતાઓ રજૂ કરતું પુસ્તક છે.
હસમુખ પંડ્યા