જૅક (jack) : યાંત્રિક ઇજનેરીમાં ઓછા બળથી ભારે વજનનો પદાર્થ ઊંચકવા માટેનું ખાસ ઉપકરણ. જૅકની મદદથી ભારે વજનનો દાગીનો ઓછા અંતર માટે ઊંચકી શકાય છે. જૅકના મુખ્યત્વે બે પ્રકાર છે : (1) સ્ક્રૂ-જૅક, (2) દ્રવચાલિત જૅક.
(1) સ્ક્રૂ-જૅક આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે સ્ક્રૂને નટની અંદર ફેરવવાથી ભારે વજનનો દાગીનો ઓછા અંતર માટે ઊંચો કરી શકાય છે. સ્ક્રૂમાં ચોરસ આંટા હોય છે. સ્ક્રૂને ફેરવવા માટે હાથાનો ઉપયોગ કરવામાં આવે છે. હાથાની લંબાઈ વધારે રાખવાથી ઉચ્ચાલનના નિયમ અનુસાર ઓછું બળ લગાડવું પડે છે. આ જૅકની ક્ષમતા આશરે 5 ટનની હોય છે. આ જૅકનો મુખ્ય ઉપયોગ, મોટરગાડી અથવા ખટારાનાં ટાયર બદલવાં હોય કે સમારકામ કરવું હોય ત્યારે, તે વાહનને ઊંચું કરવા માટે થાય છે.
(2) દ્રવચાલિત જૅક (hydraulic jack) : આ જૅક પાસ્કલના નિયમ પ્રમાણે કાર્ય કરે છે. પાસ્કલના નિયમ પ્રમાણે કોઈ પણ બિંદુએ
[F1 = નિમજ્જક પર લગાડાતું બળ
F2 = રૅમ પર પેદા થતું બળ
A1 = નિમજ્જકનું ક્ષેત્રફળ
A2 = રૅમ અથવા મુખ્ય નળાકારનું ક્ષેત્રફળ]
પ્રવાહીની દાબતીવ્રતા (pressure intensity) P = (F1/A1) દરેક દિશામાં એકસરખી હોય છે. આ સાધનમાં તેલના માધ્યમ દ્વારા ખૂબ જ મોટું બળ પેદા કરવામાં આવે છે, જે ભારે વજનના દાગીનાને ઊંચકવામાં ઉપયોગી થાય છે.
આકૃતિ 2 દ્રવચાલિત જૅકનો કાર્યસિદ્ધાંત દર્શાવે છે.
F2 = pA2 = F1 [A2/A1]
ઉપરનું સમીકરણ દર્શાવે છે કે રૅમનું ક્ષેત્રફળ વધારીએ તો રૅમ પર મોટું બળ ઉત્પન્ન થાય છે અને પરિણામે જૅકની વજન ઊંચકવાની ક્ષમતા વધે છે.
આ જૅકમાં એક બાજુ નિમજ્જક વડે ચાલતો હાથપમ્પ હોય છે. જૅકની બીજી બાજુ નળાકારની અંદર રૅમ બેસાડેલો છે. રૅમ નળાકારની અંદર ઉપર-નીચે ગતિ કરી શકે છે. રૅમ ઉપર મંચ હોય છે. જે સાધનને ઊંચકવાનું હોય તેને મંચ ઉપર મૂકી શકાય છે. નિમજ્જક સાથે જોડેલા હાથા વડે પમ્પને ચલાવીને તેલને વાલ્વ દ્વારા મુખ્ય નળાકારમાં ધકેલવામાં આવે છે. તેલના દબાણથી પાસ્કલના નિયમ પ્રમાણે રૅમ પર મોટું બળ લાગે છે અને રૅમને ઉપરની દિશામાં ગતિ મળે છે અને અંતે મંચ પર રાખેલો દાગીનો ઊંચકાય છે.
મોટરગાડી અથવા ટ્રકનું સમારકામ કરવાનું હોય ત્યારે તેને ઊંચકવા માટે દ્રવચાલિત જૅક ઘણો ઉપયોગી થાય છે.
એમ. જે. સાંગાણી