જૅકેરેન્ડા : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી વનસ્પતિકુળની એક પ્રજાતિ. તેના સહસભ્યોમાં : રગતરોહીડો, બૂચ, ખરખરિયો (કાઇજેલિયા) વગેરેનો સમાવેશ થાય છે. Jacaranda acutifolia syn mimosifolia ઝાડ આયુર્વિજ્ઞાનની ર્દષ્ટિએ અગત્યનું છે. તે સિફિલિસ જેવા જાતીય રોગને મટાડે છે. હાથા (tool handles) બનાવવામાં પણ તેને ઉપયોગમાં લેવાય છે. ઉનાળામાં પાન ખરી ગયાં હોય અને આખું ઝાડ ભૂરાં ભૂરાં (જાંબલી ઝાંયવાળું) નાનાં નાનાં ઘંટ આકારનાં ફૂલથી છવાઈ ગયું હોય છે.
આનાં પાન નાનાં હોય છે. વૃક્ષ 8થી 10 મી. ઊંચું થાય છે. ગુજરાતની આબોહવામાં મોટે ભાગે આ ઝાડનાં વધ અને ફેલાવો બરોબર થતાં નથી, જ્યારે સાપુતારા, આબુ, દિલ્હી, જયપુર, બૅંગાલુરુ વગેરે સ્થળોએ આ ઝાડ સારી રીતે વિકસે છે, અને ત્યાં એ રસ્તાની બે બાજુએ રોપવામાં આવે છે. અન્ય સ્થળોએ પણ તેને સમૂહમાં રોપી શકાય.
નાના છોડ કૂંડામાં શોભાના છોડ તરીકે પણ એકાદ-બે વરસ રાખી શકાય.
મ. ઝ. શાહ