જૂથવીમો : સંસ્થાગત કર્મચારીનો સમૂહમાં લેવાયેલો વીમો, જેમાં જૂથના કારણે પ્રીમિયમ દર ઓછો હોય છે. સંસ્થા દ્વારા વીમા-કંપની સાથે ફક્ત એક સામુદાયિક કરાર કરવામાં આવે છે. જૂથવીમામાં દરેક સભ્યનું અંગત સ્વાસ્થ્ય ધ્યાનમાં લીધા વગર અને તેની તબીબી તપાસ કર્યા વગર સર્વ સભ્યોને વીમાનું રક્ષણ સમાન નિયમોથી મળે છે. જૂથવીમા પૉલિસીનું શુલ્ક (પ્રીમિયમ) વ્યક્તિગત વીમાપૉલિસીના શુલ્ક કરતાં ઓછું હોય છે, કારણ કે વીમા કંપનીને આવી પૉલિસી ઉતારવામાં વેચાણખર્ચ અને વહીવટી ખર્ચ ઓછું આવે છે. વીમા- કંપની તેના વિશાળ ગ્રાહકસમુદાયની શુભનિષ્ઠા ગુમાવવી ન પડે તે માટે સભ્યના મૃત્યુ પ્રસંગે દાવાની ચુકવણી સમયે ઉદાર વલણ રાખે છે. વળી જ્યાં સુધી જૂથવીમા પૉલિસી ચાલુ હોય ત્યાં સુધી એકલદોકલ સભ્યનું વીમારક્ષણ રદ કરી શકાતું નથી. જૂથવીમા યોજનામાં ઠરાવેલી ઓછામાં ઓછી સભ્યસંખ્યા હોવી જરૂરી છે. સામાન્ય સંજોગોમાં કર્મચારી આંશિક પ્રીમિયમ ભરે છે અને માલિક બાકીનું પ્રીમિયમ ભરે છે. છતાં કોઈ કોઈ વાર માલિક બધું પ્રીમિયમ ભરે છે. માલિકો સાથે વેતન અંગેના કરાર કરતી વખતે મજૂરસંઘો કર્મચારીઓ માટે આનુષંગિક લાભો (perquisites) મેળવવા માટે જૂથવીમાનો આગ્રહ રાખે છે. કર્મચારી યોજનામાં જોડાયેલો છે તેના પુરાવા રૂપે તેને પ્રમાણપત્ર આપવામાં આવે છે અને મૃત્યુ થતાં તેના આશ્રિતોને નિશ્ચિત રકમ આપવામાં આવે છે. આમ સામાજિક સુરક્ષાના હેતુથી જૂથવીમો ઉતારવામાં આવે છે. વિશ્વનાં 132 રાષ્ટ્રોમાં સામાજિક સુરક્ષાના ઉપાય તરીકે જૂથવીમા યોજના અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં મોટી ઔદ્યોગિક કંપનીઓ, યુનિવર્સિટીઓ, મ્યુનિસિપાલિટીઓ, રાજ્યસરકાર અને કેન્દ્રસરકારને હસ્તક ચાલતાં નિગમો અને સરકારનાં વિવિધ ખાતાંઓ જૂથવીમા યોજના દ્વારા તેમના કર્મચારીઓને વીમાનું રક્ષણ પૂરું પાડે છે.
સંદીપ ભટ્ટ