જુવે, લુઈ  (જ. 24 ડિસેમ્બર 1887 ક્રોઝોન, ફ્રાંસ; અ. 16 ઓગસ્ટ 1951, પેરિસ, ફ્રાંસ) :  ફ્રાંસિસી નટ અને દિગ્દર્શક; નાટ્યકાર ગિરોદો(Giraudoux)ના સહકાર્યકર-દિગ્દર્શક તરીકે કીર્તિપ્રાપ્ત. 1913માં દિગ્દર્શક કોપો(Copeau)ની નટમંડળીમાં જોડાયા; 1922માં થિયેટર શૅપ્સ ઍલિસીસમાં પોતાની મંડળી સ્થાપી. એમાં જુલે રોમાંનાં નાટકો ‘મશ્યું ટ્રૉબેડસ’ અને ‘નૉક’ ખૂબ સફળ થયાં; વિશેષે ‘નૉક’ નાટક એમની કારકિર્દીના કીર્તિકળશ સમું બની રહ્યું.

1927માં ગિરોદોનું પ્રથમ નાટક ‘સિગફ્રાઇડ’ પ્રસ્તુત થયું અને ત્યારપછી એનાં બધાં નાટકોના લેખનમાં દિગ્દર્શક તરીકેની નમૂનેદાર સર્જનાત્મક ભૂમિકા નિભાવતાં એ નાટકો તખ્તે પેશ કર્યાં. મૉલિયેરના ‘લિકોલ દી ફેમ’ નાટકનેય તેમણે સંપૂર્ણ વફાદારીથી પ્રસ્તુત કર્યું હતું. એ રીતે તેમણે ફ્રાંસિસી પ્રશિષ્ટ નાટ્યપ્રસ્તુતિ-પ્રણાલી-શૈલી વિકસાવી આપી. પરિણામે કોમેદિ ફ્રાન્સિસ થિયેટરમાં નિવાસી દિગ્દર્શક તરીકે તેમની વરણી થઈ. ખુદ ગંભીર વ્યક્તિ હોવા છતાં તખ્તે તો મૉલિયેરનાં ‘તારત્યૂફ’, ‘દોન જુઆન’ અને ‘અફઑલ્ફે’ જેવાં હાસ્યરસિક પાત્રોના નટ તરીકે લુઈ જુવે નાટ્યરસિકોમાં જાણીતા બન્યા હતા.

હસમુખ બારાડી