જુલિયન દિનાંક (Julian day number, JD) : ઈ. પૂ. 4713ના 1 જાન્યુઆરીની બપોરે 12 UTથી પ્રચલિત થયેલ સૌર દિનની અસ્ખલિત શ્રેણીમાં ઇષ્ટ સમયને દર્શાવતો દિનાંક. ગ્રેગરિયન તિથિપત્રની શરૂઆત થઈ તે વર્ષે, 1582માં જૉસેફ જે. સ્કૅલિજરે આ દિનાંકપદ્ધતિ સૂચવી હતી. રોમન પ્રમુખસત્તાધીશ જુલિયસ સીઝરના માનમાં રોમન સેનેટે જુલિયન તિથિપત્રને એ નામ આપ્યું હતું, જ્યારે જૉસેફે પોતાના પિતા જુલિયસ સ્કૅલિજરની યાદમાં આ દિનાંકપદ્ધતિને જુલિયન નામ આપ્યું છે.
આપણો સામાન્ય, રોજિંદો કારભાર (વહીવટી કચેરીની કામગીરી, વેપારરોજગાર વગેરે) મુખ્યત્વે દિવસના ભાગમાં ચાલે છે, જ્યારે રાત્રિ દરમિયાન આવો કારભાર નહિવત્ થાય છે; એટલે રોજિંદા વ્યવહારમાં ઓછામાં ઓછી અગવડ પડે તે માટે રાત્રિના 12 વાગ્યે તારીખ બદલાય છે; પરંતુ આને કારણે મુખ્યત્વે સમગ્ર રાત્રિ દરમિયાન લેવાતાં ખગોલીય અવલોકનોની નોંધ 2 તારીખોમાં વહેંચાઈ જાય છે. ખગોળશાસ્ત્રીઓને નડતી આ રોજિંદી મુશ્કેલીને ટાળવા માટે જુલિયન દિનાંકપદ્ધતિમાં નવો દિનાંક બપોરના 12 UTએ બદલાય છે. તદુપરાંત 12 UT પછી વીતેલા કલાક–મિનિટ–સેકન્ડના સમયગાળાને સૌર દિવસ(24 કલાક)ના દશાંશ તરીકે લખવામાં આવે છે. એટલે કોઈ પણ અલગ અલગ વર્ષ અને માસ દરમિયાન નોંધાયેલી બે ખગોલીય ઘટનાઓ વચ્ચેનો સમયગાળો શોધવા માટે પ્લુત વર્ષ (leap year) તેમજ જુદા જુદા માસના 28થી 31 જેટલા દિવસોની જંજાળમાં પડ્યા વગર, જુલિયન દિનાંકપદ્ધતિ અનુસારના બે JD વચ્ચેનો તફાવત જ ગણવો પડે છે.
જુલિયન દિનાંકનાં કેટલાંક ઉદાહરણ નીચે મુજબ છે :
1900 | જાન્યુઆરી | 1 | 12 UT = JD | 24,15,021.0 |
1950 | જાન્યુઆરી | 1 | 12 UT = JD | 24,33,283.0 |
1975 | જાન્યુઆરી | 1 | 12 UT = JD | 24,42,414.0 |
1995 | જાન્યુઆરી | 1 | 12 UT = JD | 24,49,719.0 |
1995 | ઑક્ટોબર | 9 | 12 UT = JD | 24,50,000.0 |
2000 | જાન્યુઆરી | 1 | 12 UT = JD | 24,51,545.0 |
રૂપાન્તરિત (modified) જુલિયન દિનાંકપદ્ધતિમાં સરળતા ખાતર JDનાં દશાંશચિહન પહેલાંના ફક્ત 5 અંક લખાય છે, જ્યારે લાખ-સૂચક પહેલા 2 અંક અધ્યાહાર રખાય છે.
પ્ર. દી. અંગ્રેજી