જુલિયન કાલાવધિ : રોમન ગણરાજ્યના જુલિયન અને ગ્રેગરિયન તિથિપત્ર અનુસારના ત્રણે વર્ષમાનના લઘુતમ સમાન ગુણક (least common multiple) મુજબ 7980 વર્ષની અવધિ.

રોમન ગણરાજ્યના તિથિપત્રમાં સામાન્ય વર્ષ 355 સૌરદિનનું ગણાતું અને દર ત્રીજા વર્ષે એક અધિક માસ 23 ફેબ્રુઆરી પછી ઉમેરવાનો રિવાજ હતો. એટલે તેની સરેરાશ વર્ષમાન 365 સૌર દિનની આવે છે. જુલિયન તિથિપત્ર અનુસાર ઈસવી સનના જે અંકને 4 વડે નિ:શેષ ભાગી શકાય તે વર્ષને (ફેબ્રુઆરી માસના 28ને બદલે 29 દિવસવાળું) પ્લુત વર્ષ ગણવામાં આવે છે; એટલે તેનું વર્ષમાન 365.25 સૌર દિવસનું ગણાય. ગ્રેગરિયન તિથિપત્ર અનુસાર પ્લુતવર્ષ માટેના ઉપરના નિયમમાં એક અપવાદ રાખવાનું ઠરાવાયું; જે શતાબ્દી વર્ષને 400 વડે નિ:શેષ ભાગી શકાય તેને જ પ્લુત વર્ષ ગણવામાં આવે અને 400 વડે ભાગતાં શેષ વધે તેવા શતાબ્દી વર્ષને સામાન્ય વર્ષ ગણાય. એ મુજબ ગણતાં સરેરાશ વર્ષમાન 365.2425 સૌર દિન જેટલું આવે છે.

1582માં જૉસેફ સ્કૅલિજરે જણાવ્યું કે ઈ. સ. પૂ. 4713ના 1 જાન્યુઆરીના 12 UTએ ઉપર્યુક્ત ત્રણે તિથિપત્ર અનુસારનાં વર્ષોનો એકસાથે આરંભ થયો હતો. તેવી જ પરિસ્થિતિ 7980 વર્ષની એક જુલિયન કાલાવધિ પછી ફરીથી જોવા મળશે.

પ્ર. દી. અંગ્રેજી