જુગાર : માત્ર પ્રારબ્ધ અજમાવીને લાભ પ્રાપ્ત કરવા માટે મારવામાં આવતી શરતો. આવો લાભ મેળવવા માટે નુકસાન વેઠવાનું જોખમ ખેડવું એ જુગારનું લાક્ષણિક અંગ ગણવામાં આવે છે. માનવજાતિના ઉદગમકાળથી માનવસંસ્કૃતિના ભાગ તરીકે તે અત્યાર સુધી એક યા બીજા સ્વરૂપે જળવાઈ રહ્યું છે તથા સમગ્ર વિશ્વમાં વ્યાપેલું છે. તાત્કાલિક લાભની લોલુપતા તથા તેની સાથે સંકળાયેલ રોમાંચનો અનુભવ લેવાની મહેચ્છા : એ બે જુગારીઓ માટે મુખ્ય પ્રેરક તત્વો હોય છે. જોખમ લેવામાં રહેલો આનંદ, આગાહી કરવાના પોતાના કૌશલની અજમાયશ, નસીબની કસોટી, તાત્કાલિક અને તે પણ કોઈ પણ જાતના પરિશ્રમ વિના ધન મેળવવાની ઇચ્છા અને ક્યારેક તો માત્ર મિત્રાચારને વશ થઈ જુગાર રમાતો હોય છે.
જુગાર જુદા જુદા સ્વરૂપે રમાય છે. દા. ત., પત્તાંની કેટલીક રમતો, પાસાની રમતો, આંકડાની આગાહી, લૉટરી, ઘોડદોડ, મરઘાં–કૂકડા–સાંઢ જેવાં પ્રાણીઓની લડાઈ, મુક્કાબાજી (boxing), રમતોમાં હારજીતની આગાહી, ચૂંટણીઓનાં પરિણામોની આગાહી ક્રિકેટમાં મૅચ ફિક્સિગં વગેરે. તાજેતરનાં વર્ષો દરમિયાન સ્લૉટ મશીન તથા વીડિયો પોકર ગેમ્સનો પણ તેમાં સમાવેશ થયો છે. જુગારમાં મોટા ભાગે નાણાંની રકમ દાવ પર લગાડાય છે. ક્યારેક નાણાં સિવાયની ચીજવસ્તુઓ પણ દાવ પર લગાડવાના કિસ્સા બને છે. મહાભારતમાં પાંડવોએ પોતાની પત્ની દ્રૌપદીને દાવ પર લગાડી એ વિલક્ષણ ઘટના લેખાય.
ભારતમાં ખાનગી ક્ષેત્રની લૉટરીઓ ઉપરાંત નાણાકીય સાધનો મેળવવાના પ્રયાસ રૂપે કેટલીક રાજ્ય સરકારોએ પણ લૉટરીઓ દાખલ કરી છે. આમ, જુગાર એ સામાન્ય રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ માન્યતા સાચી ઠરતી નથી. વિશ્વના ઘણા દેશોમાં અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં સરકારના નિયંત્રણ અને નિયમન હેઠળ જુગારની પ્રવૃત્તિ ચાલતી હોય છે. દા. ત., અમેરિકાનાં કેટલાંક સંલગ્ન રાજ્યોમાં રમાતો જુગાર, ઇંગ્લૅન્ડમાં બિંગો, યુરોપના જુદા જુદા દેશોમાં કૅસિનો નામથી ઓળખાતા જુગારના ચાલતા અડ્ડામાં રમાતો જુગાર, રાજ્ય-સંચાલિત લૉટરીઓ – આ બધી રાજ્યના નિયંત્રણ હેઠળની જુગારની પ્રવૃત્તિઓ ગણાય. ઘાના, ચેકોસ્લોવૅકિયા, યુગોસ્લાવિયા, નૉર્વે, ડેનમાર્ક અને સ્વીડન જેવા દેશોમાં જુગાર ગેરકાયદે ગણાતો જ નથી.
જુગાર એક અનિષ્ટ પ્રવૃત્તિ છે એમ માનનારાની કેટલીક દલીલો નોંધપાત્ર છે : (1) જુગારમાં હારજીતનો ફેંસલો કૌશલ પર નહિ પરંતુ માત્ર પ્રારબ્ધ દ્વારા કરવામાં આવે છે, (2) જુગાર વ્યક્તિ અને કુટુંબને આર્થિક રીતે પાયમાલ કરી મૂકે છે, (3) જુગારની પ્રવૃત્તિઓ પર ગુનેગારોનો અંકુશ હોય છે, એટલું જ નહિ પરંતુ જુગાર ગુનેગારીમાં વધારો કરે છે, (4) જુગારીઓ વચ્ચેનો સતત સંઘર્ષ સામાજિક અશાંતિ પેદા કરે છે. આ બધું હોવા છતાં લૉટરી જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રાજ્ય નાણાકીય સાધનો પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ધંધા તરીકે રમાતો જુગાર ગેરકાયદે ગણાય છે.
જુગારને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાના અત્યાર સુધીના બધા જ દેશોના પ્રયાસો નિષ્ફળ થયેલા હોવાથી તેમાં રહેલ અનિષ્ટનું તત્વ ઘટાડવાના હેતુથી જ તેનું નિયમન અને નિયંત્રણ કરવામાં આવે છે. ભારતમાં 1863માં પસાર કરવામાં આવેલા કાયદામાં ત્યાર પછી થોડા-ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે અને હવે આ કાયદો ભારતનાં બધાં જ રાજ્યોમાં લાગુ પાડવામાં આવ્યો છે.
ભારતમાં પ્રાચીન કાળથી જુગાર રમાતો એવા પુરાવા સાંપડ્યા છે. સંસ્કૃત ભાષામાં તેના પર ગ્રંથો લખાયા છે, જેમાં આચાર્ય શૂલપાણિનો ગ્રંથ ‘ચતુરંગદીપિકા’ જાણીતો છે.
ઘનશ્યામ પંડિત