જીંડવાંનો કોહવારો : કપાસમાં જીવાણુથી થતો ખૂણિયાં ટપકાંનો રોગ. શરૂઆતની અવસ્થામાં તે પાન પર આક્રમણ કરે છે. આ જ જીવાણુઓ કપાસમાં જીંડવાં બેસવાની શરૂઆત થતાં જીંડવાં પર આક્રમણ કરે છે. તેથી જીંડવાં પર પ્રથમ પાણીપોચાં વર્તુળ આકારનાં ચાઠાં પેદા થાય છે. પાછળથી તે બદામી અથવા કાળા રંગનાં, અનિયમિત આકારનાં અને બેસેલાં હોય છે. નવાં આક્રમિત જીંડવાં અકાળે સડી ખરી પડે છે. પૂર્ણવિકસિત જીંડવાંમાં સડો પેદા થાય છે; તેથી રૂની ગુણવત્તા ઉપર માઠી અસર થાય છે.

પ્રાથમિક આક્રમણ બી મારફત થાય છે. આપમેળે ઊગી નીકળેલા છોડ અથવા લામ પાક અને રોગગ્રસ્ત અવશેષોથી પણ પ્રાથમિક આક્રમણ થાય છે. રોગનું દ્વિતીય આક્રમણ ભેજ અને પવનમય વાતાવરણમાં હવા, પાણી, વરસાદ અથવા મનુષ્ય મારફત ફેલાય છે. સતત વરસાદથી રોગની તીવ્રતામાં વધારો થાય છે.

રોગને અટકાવવાના ઉપાયો : આ રોગ બીજજન્ય હોવાથી બીની માવજત ઘણી જ અગત્યની બાબત છે. બીની માવજત માટે 100 મિલી. ગંધકનો તેજાબ 1 કિગ્રા. બીમાં નાખી 2થી 3 મિનિટ સતત હલાવી બીજ ઉપરની રુવાંટી દૂર થતાં બીને સાદા પાણીથી 5થી 6 વાર ધોઈ તેજાબની અસર દૂર કરવામાં આવે છે. ત્યારબાદ બીને છાંયડામાં સૂકવી અને પારાયુક્ત દવા એટલે એગ્રોસાન, સેરેસાન (મીસાન) વગેરે દવાઓના (એક) કિલોગ્રામ બીજમાં 2થી 3 ગ્રામ દવાના પ્રમાણમાં પટ આપે છે. પ્રાથમિક આક્રમણથી અસર પામેલાં પાન વીણીને તેમનો નાશ કરાય છે. દ્વિતીય આક્રમણ વખતે સ્ટ્રેપ્ટોમાયસિન (પોષમાયસિન અથવા સ્ટ્રેપ્ટોસાઇક્લિન) 0.005 % (50 પી.પી.એમ.) વત્તા 50 %વાળી તાંબાયુક્ત (બ્લૂ કૉપર) 0.3 % દવાના મિશ્રણનો 15 દિવસના અંતરે 2થી 3 વખત છંટકાવ કરવામાં આવે છે. પાક પૂરો થતાં પાન, ડાળી, જીંડવાં વગેરે રોગગ્રસ્ત અવશેષો વીણી બાળી મૂકવામાં આવે છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ