જીવાશ્મ (fossil) : કરોડો વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા સજીવોના પાષણવત્ અવશેષો. આ અવશેષો મુખ્યત્વે જળકૃત (sedimentary) ખડકોમાં જોવા મળે છે. પૃથ્વીના પડને અગ્નિજ કે આગ્નેય (igneous) ખડકો અને જળકૃત અથવા અવસાદી ખડકોમાં વિભાજિત કરી શકાય. અગ્નિજ ખડકો જ્વાળામુખીને લીધે પ્રસરેલ દ્રાવ્ય પદાર્થના ઘનીકરણ અને સ્ફટિકીકરણથી થયેલા હોય છે. આવા ખડકો પર્યાવરણની પ્રતિકૂળ અસર હેઠળ ઘસાઈને ચૂર્ણ રૂપે ઘસડાઈને સમુદ્રને તળિયે આવેલ કાદવ અને મૃતાવશેષો સાથે મિશ્રણ પામે છે. કાદવમાં ધોવાણથી આવેલા પદાર્થો તેમજ મૃતદેહોના અવશેષો સારા પ્રમાણમાં એકત્ર હોય છે. આ કુદરતી પ્રક્રિયા છે. તેને કારણે નવા સ્તરો રચાતાં દબાણથી જૂના સ્તરો ઘનસ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આવી રીતે ઉપરના સ્તરે નવાં પડો બંધાતાં જળકૃત ખડકોની રચના થાય છે. સજીવ ઉત્ક્રાંતિની ર્દષ્ટિએ, આ જળકૃત ખડકોને જે તે કાળની માહિતી આપતા પુસ્તક સાથે સરખાવી શકાય. સ્તરોમાં રહેલ સજીવોના અવશેષો જે તે કાળમાં વસતા સજીવોનો સચોટ ખ્યાલ આપે છે.
વિશિષ્ટ સંજોગોમાં અવશેષો પર પ્રક્રિયા થવાથી પથ્થરો પર એની છાપ જોવા મળે છે. ભારે શરીરવાળાં (દા. ત., વિશાળકાય સરીસૃપો) પ્રાણીઓના પ્રચલનને લીધે તેમના પગની છાપ પણ જીવાશ્મ રૂપે મળી આવે છે.
મૃત વનસ્પતિ કે પ્રાણીઓના પોલા ભાગોમાં અને તેની ફરતે રજકણો ભેગા થવાથી ત્યાં તેની મુદ્રા (casts) અંકિત થાય છે. કેટલીક વાર આ મુદ્રા ક્રમશ: ઘન સ્વરૂપ ધારણ કરતી ખનિજ ધાતુઓથી ભરાઈ જાય છે અને તેનું પાષાણીકરણ (petrification) થાય છે.
હિમમય પ્રદેશોમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સજીવોના મૃતદેહો બરફમાં દટાઈ જવાથી સચવાઈ રહે છે; દાખલા તરીકે લાખો વર્ષ પૂર્વે હોલૅર્ટિક પ્રદેશમાં અને આફ્રિકામાં વાસ કરતા હાથીના જેવાં પ્રાણીઓના મૃતદેહો મળી આવ્યા છે.
વિશિષ્ટ સંજોગોમાં પ્રાણીઓના મળ પણ ખડકમાં ફેરવાય છે. તેને કોપ્રોલાઇટ કહે છે. કોપ્રોલાઇટના નિરીક્ષણ પરથી પ્રાણીઓના ખોરાક વિશેની જાણકારી મળે છે. કઠણ સ્વરૂપની ચામડી પણ જીવાશ્મ રૂપે ફેરવાયેલી જોવા મળે છે. તેના સૂક્ષ્મ અભ્યાસ પરથી ઘાટ અને રંગ વિશે પણ માહિતી મળી શકે છે.
જીવાશ્મનિર્માણને લગતી પ્રક્રિયા :
જે તે કાળે અસ્તિત્વમાં આવેલા સજીવસૃષ્ટિના સભ્યો
↓
કુદરતી અથવા અપમૃત્યુને પરિણામે એકઠા થયેલા સજીવોના મૃતદેહો
↓
મૃતજીવોનું આખું શરીર : વિઘટનથી અલગ થયેલ (કંટક, હાડકું, પાંદડું, જેવા) શરીરના ભાગો; ચયાપચયી ઉત્પાદનો; રાસાયણિક પ્રતિક્રિયાથી પામેલા શરીરના ઘટકો
↓
ધોવાણથી બીજા પ્રદેશમાં થયેલું સ્થળાંતર
↓
દટાવાની પ્રક્રિયા
↓
જળકૃત ખડકોના ભાગ રૂપે થયેલ રૂપાંતર
↓
ભૌતિક કે રાસાયણિક પ્રતિક્રિયાઓને કારણે થતા ફેરફારો, વિનાશ અથવા અસલ સ્વરૂપ
↓
અંતિમ સ્થાયી સ્વરૂપે આવેલા જીવાવશેષો
સંપૂર્ણ શરીરનું માળખું, દા. ત., કંકાલતંત્ર |
શરીરનો એકાદ
ભાગ દા. ત., પાંદડું, દાંત, અસ્થિ |
ઘસારાને
કારણે થયેલ વિકૃત સ્વરૂપ
|
રાસાયણિક પ્રતિ- ક્રિયાની અસર હેઠળ ઉદભવેલાં કાર્બનિક અને અકાર્બનિક ઘટકો (સંયોજનો) |
ઉત્તર અમેરિકાના ઍરિઝોના રાજ્યમાં આવેલ ગ્રૅન્ડ કૅન્યોન ખીણ સ્તરીય ખડકાળ પ્રદેશ માટે જાણીતી છે. ત્યાં ખડકોની સ્તરીય રચનાનું પ્રદર્શન સારી રીતે થયેલું છે. આ ખીણમાં આશરે 200 કરોડ વર્ષ દરમિયાન થયેલ સજીવ ઉત્ક્રાંતિનો ખ્યાલ મેળવી શકાય છે. ત્યાં મળી આવેલા જીવાશ્મોના અભ્યાસ પરથી ક્યારે અને કયા પર્યાવરણમાં કયા સજીવો અસ્તિત્વમાં આવ્યા, પ્રાણીઓનું સ્થળાંતર ક્યારે થયું, તે થવાનાં કારણો કયાં વગેરે માહિતી મળી શકે છે. ત્યાં આવેલ જીવાશ્મોના નિરીક્ષણથી એમ કહી શકાય કે આજથી આશરે 60થી 50 કરોડ વર્ષ પૂર્વે ત્યાં અપૃષ્ઠવંશીઓ વસતાં હતાં. તેમાં હાલમાં લુપ્ત થયેલા સમુદ્રના ટ્રાયલોબાઇટના જીવાશ્મો પણ જોવા મળે છે. આદિ માછલીઓના જીવાશ્મો 40 કરોડ વર્ષ પૂર્વેનાં પ્રાણીઓનાં છે. 30થી 26 કરોડ વર્ષ પૂર્વેના ખડકો આદિ સ્થળચર, ઉભયજીવી અને નાના સરીસૃપો વિશેનો પરિચય કરાવે છે.
C14 Pb210 જેવાના ઉપયોગથી જીવાશ્મનું ફિશન-ટ્રૅક સમયનિર્ધારણ નિશ્ચિતપણે કરી શકાય છે. સમયની જાણકારી હોય એવા જીવાશ્મો સાથે મળી આવતા જીવાવશેષોને સમય–સાપેક્ષ રીતે નિર્ધારણ કરી શકાય છે.
જીવંત જીવાશ્મ : કરોડો વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવેલા કેટલાક સજીવો આજે પણ પરિવર્તન પામ્યા વગર જીવતા હોય છે. આશરે 6.5 કરોડ વર્ષ પૂર્વે લુપ્ત થઈ હશે, તેમ મનાતી સીલૅકંથ લેટિમારિયા આલુમ્ની માછલી આકસ્મિક રીતે 1938માં આફ્રિકાના ઊંડા દરિયામાં મળી આવી. હાલ દરિયામાં વાસ કરતા આ પ્રાણીના પૂર્વજો મીઠાં જળાશયોમાં વાસ કરતા હતા. સંધિપાદ (horseshoe crab), સાધુ કરચલો (hermit crab), આદિસંધિપાદ પેરિપૅટસ, મૃદુકાય ખંડીય નૉટિલસ જેવાં પ્રાણીઓ ઉપરાંત અનાવૃત બીજધારી (gymnosperm) વનસ્પતિ (maidenhair tree – Ginkgo biloba) જેવા સજીવો આજે જીવંત રૂપે મળી આવતા કેટલાક જીવાશ્મો છે.
નયન કે. જૈન