જીવાવશેષશાસ્ત્ર (palaeontology) : જીવાવશેષોના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખા. તેમાં ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓ અને વનસ્પતિનાં જીવનસ્વરૂપોના ઇતિહાસનો એટલે કે તેમના પ્રકારો, ઉત્ક્રાંતિ, વિલોપ, વિસ્તરણ, વિતરણ, સ્થળાંતર, સ્થળકાળ મુજબના પ્રવર્તમાન સંજોગો વગેરેનો સમાવેશ થાય છે. આજે ખડકોમાં જોવા મળતાં સૂક્ષ્મ બૅક્ટેરિયાનાં 3 × 109 = 300 કરોડ વર્ષ જૂનાં બીબાં(moulds)થી માંડીને માત્ર થોડાં હજાર વર્ષ અગાઉના હિમયુગ દરમિયાન તૈયાર થયેલા ગ્રેવલ સ્તરોમાંથી પ્રાપ્ત થયેલા માનવઅવશેષોનાં બિન-પરિવર્તિત અસ્થિ સુધીના ઇતિહાસની નોંધ પણ આ વિજ્ઞાનશાખા પૂરી પાડે છે. આ શાખાના નિષ્ણાતને જીવાવશેષશાસ્ત્રી કહે છે. તે એવી સંકલ્પના આગળ ધરે છે કે આજે પૃથ્વીના પટ પર જે પ્રકારના સંજોગો પ્રવર્તમાન છે અને તે અનુસાર જે પ્રવિધિઓ કાર્યરત છે તે ભૂતકાળમાં પણ કાર્યરત હતી. ‘વર્તમાન એ ભૂતકાળની ચાવીરૂપ છે’ એ કથન એકરૂપતાવાદની આ અંગેની સમજ માટે આગળ ધરવામાં આવે છે.

આજથી અગાઉના જુદા જુદા ભૂસ્તરીય કાળગાળાઓમાં જુદાં જુદાં જીવનસ્વરૂપો અસ્તિત્વ ધરાવતાં હતાં, જેમના અવશેષો કે છાપો એ વખતના ખડકોમાં જળવાયેલાં આજે મળી આવે છે, જે જીવાવશેષ તરીકે ઓળખાય છે. જે તે જીવાવશેષો તે તે કાળના પ્રવર્તમાન પ્રાચીન ભૌગોલિક સંજોગોની ક્રમબદ્ધ ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે, ઉત્ક્રાંતિ અને વિલોપનો ખ્યાલ આપે છે, તેમની મદદથી ભૂસ્તરીય યુગો, કાળ, કાલખંડ, શ્રેણીઓ, કક્ષાઓ અને વિભાગોમાં વર્ગીકરણ શક્ય બને છે, કયા પ્રકારનું જીવન ક્યારે શરૂ થયું, કેવી રીતે વિકસ્યું અને વિસ્તર્યું, ક્યારે અને કેવી રીતે કયું જીવન વિલોપ પામ્યું તેની માહિતી આ શાખા પૂરી પાડે છે.

પ્રાચીન જીવનસ્વરૂપોનાં ઘણાં બધાં સમૂહો, વર્ગો, ગણ, જાતિઓ, ઉપજાતિઓ, તેમના પ્રકારો અને પ્રકારભેદો તેમજ લક્ષણોની વિવિધતા આ વિજ્ઞાનશાખા પૂરી પાડતી હોઈ, આ શાખાનું પણ વિભાગીકરણ કરી શકાય છે :

(1) પ્રાચીન પ્રાણીવિદ્યા (palaeozoology) : પ્રાચીન પ્રાણીઓના અવશેષો સંબંધિત પ્રશાખા.

(2) પ્રાચીન વનસ્પતિવિદ્યા (palaeobotany) : પ્રાચીન વનસ્પતિના અવશેષો સંબંધિત પ્રશાખા.

(3) સૂક્ષ્મ-પ્રાચીન અવશેષવિદ્યા (micropalaeontology : સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવનસ્વરૂપો સંબંધિત પ્રશાખા. તેનું ઔદ્યોગિક ઉપયોગિતામાં મહત્વનું સ્થાન અને પ્રદાન રહ્યું છે.

જીવાવશેષ જાળવણીની ગુણવત્તા જીવનસ્વરૂપોના નરમ, સુંવાળા શરીરભાગો(ચામડી, પીંછાં વગેરે જેવા)ની વિરલ પ્રાપ્તિથી માંડીને કવચછાપ, કવચઅસ્થિ, વનસ્પતિના નરમ કે સખત ભાગોની સુલભ પ્રાપ્તિ, ખડક જમાવટના સંજોગો પર આધાર રાખે છે. સર્વસામાન્ય મળતા જીવાવશેષોમાં વિવિધ પ્રાણી-સમૂહોના સખત ભાગોનો સમાવેશ થાય છે. જીવાવશેષોનો પ્રાપ્ત અહેવાલ કાંઈ પ્રાચીન જીવનનો પૂર્ણ ચોકસાઈભર્યો માહિતીપ્રદ હોઈ શકતો નથી, તે ક્યારેક તો હાડપિંજર (અસ્થિમાળખાં) પરથી કે કવચ પરથી મૂળ સ્વરૂપની વધુ પડતી રજૂઆત કરી દે છે. કીટક અવશેષો તદ્દન વિરલ છે, પણ તેથી તે ન હતા કે ઓછા હતા એવો અર્થ તો ન જ ઘટાવી શકાય કે એવી ધારણા પણ ન મૂકી શકાય. જીવાવશેષશાસ્ત્ર દ્વારા ઉપલબ્ધ માહિતીમાં જીવનસ્વરૂપોના ભાગો જ માત્ર નહિ; તેમની પ્રવૃત્તિઓ(હલનચલનના માર્ગો, છોડી જવાયેલ છાપ, બનાવાયેલ દર)નો અહેવાલ પણ આવે. દા. ત., ઘણી જગાઓમાં જોવા મળેલાં ડાયનોસૉરનાં પાદચિહનો, કૃમિભાગો ક્યારેક કેટલાંક જીવનસ્વરૂપો ખડકદ્રવ્ય શોષીને રાસાયણિક સંયોજનો બનાવે છે. તેમને પણ જીવાવશેષ કહી શકાય; તે પુરાતત્વશાસ્ત્રીઓને જરૂરી આધારભૂત માહિતી પૂરી પાડીને માનવસંસ્કૃતિના અભ્યાસમાં મદદરૂપ નીવડે છે. આ રીતે આ શાખા જીવવિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્ર વચ્ચે કડીરૂપ બની રહે છે.

ભૂસ્તરશાસ્ત્ર જેવા ઐતિહાસિક વિજ્ઞાનનું મહત્વનું યોગદાન ઘટેલી ઘટનાઓને સમયના માળખામાં ક્રમ પ્રમાણે ગોઠવવાનું અને તેની સમજ આપવાનું બની રહે છે. તેમાં જીવાવશેષોની મદદ મહત્વની ગણાય છે.

જીવાવશેષશાસ્ત્રનો અંગ્રેજી પર્યાય સર્વપ્રથમ 1834ના અરસામાં ફ્રાન્સ અને રશિયા બંનેમાં એકીસાથે પ્રયોજાયો. અઢારમી અને ઓગણીસમી સદીના ગાળામાં જીવાવશેષો પર ઘણું સંશોધનકાર્ય થયું; પરંતુ આ અગાઉ નિકોલસ સ્ટેનો(1638–1687)એ આ શાખાને આગળ લાવવા ખૂબ જહેમત કરી. 1669માં તેમણે પ્રકાશિત કરેલા પુસ્તકમાં નદી-સરોવરના તેમજ સમુદ્રોના જીવાવશેષો ખડકસ્તરોમાં મળી આવતા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. જેમ્સ હટને (1726–1779) એકરૂપતાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો, આ તેમજ અન્ય પ્રદાનોને કારણે તે ખૂબ પ્રસિદ્ધિ પામ્યો. વિલિયમ સ્મિથે (1769–1839) જણાવ્યું કે જીવાવશેષધારક પ્રત્યેક સ્તરમાં કોઈ એક જીવાવશેષ લાક્ષણિક બની રહે તો તેને વિભાગીય જીવાવશેષ (zone fossil) કહેવાય અને તેનાથી તે સ્તરની વિશેષ પરખ થાય તથા તે જીવાવશેષથી તેનું નામ અપાય. બ્રોગ્નીઆર્ટ (1776–1847) નામના સ્તરવિદે જીવાવશેષોથી પરખાતા સ્તરોનો નિયમ સ્થાપિત કર્યો, સ્તરસમૂહોને અલગ અલગ એકમોમાં વહેંચ્યા, તેમને રચના તરીકે ઓળખાવ્યા. આમ, અઢારમી સદીના અંત સુધીમાં તો જીવાવશેષશાસ્ત્ર એક સ્વતંત્ર વિજ્ઞાનશાખા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું. જીવાવશેષોની સેન્દ્રિય ઉત્પત્તિને પણ નિષ્ણાતો દ્વારા સ્વીકૃતિ મળી ચૂકી હતી. તે પછીના ગાળામાં ડાર્વિને (1809 –1882) પરવાળાં રચનાનો સિદ્ધાંત રજૂ કર્યો. હૉલે (1811–1898) સ્તરવિદ્યાના વ્યવસ્થિત અભ્યાસ દ્વારા પૅલિયોઝોઇક યુગનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ પર ઘણું કામ કર્યું. કોપે (1840–1897) પૃષ્ઠવંશીનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેના સમકાલીન માર્શે પ્ટેરોડક્ટાઇલ્સ, દંતરચનાવાળાં પક્ષીઓ, બ્રોન્ટોસૉરસ, યુનિટાથેરિયમ અને ઘોડાઓના જીવાવશેષો પર સંશોધન કર્યું. વીસમી સદી દરમિયાન પણ વાનર અને માનવજીવાવશેષો પર ઘણું સંશોધન થયું છે અને થઈ રહ્યું છે. વિજ્ઞાનની આ શાખાએ ઓગણીસમી સદીમાં જીવાવશેષો પર આધારિત સંપૂર્ણ કાળગણનાક્રમ સ્થાપિત થયો ત્યારે જ, અર્વાચીન વિજ્ઞાનનો દરજ્જો મેળવ્યો. અઢારમી સદીના ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓએ વયના સંદર્ભમાં જૂના-નવા ખડકોનાં કાલાનુસારી અનુમાનો બાંધેલાં, એમ સમજીને કે ગ્રૅનાઇટ ભારે હોઈ જૂનો ગણાય. રેતીખડકો-ચૂનાખડકો હલકા હોઈ નવા ગણાય. આ રીતે તો કૅમ્બ્રિયન-ગ્રૅનાઇટ અને કેનોઝોઇક-ગ્રૅનાઇટ વચ્ચે વય-તફાવત ન નીકળે. આ સમસ્યાનો ઓગણીસમી સદીમાં ઉકેલ મળી ગયો. કોઈ લાક્ષણિક ઉપજાતિની પ્રાપ્તિ એક અને અજોડ હોઈ, સમયમર્યાદાવાળી હોઈ, તે કાં તો ઉત્ક્રાંતિના વલણમાં ફેરફાર પામતી જાય, કાં તો વિલુપ્ત થઈ જાય. તે કારણે સ્તરોના સહસંબંધનું વયનિર્ધારણનું કાર્ય સરળ થઈ ગયું. આ બાબત જીવાવશેષશાસ્ત્રની અનેરી સિદ્ધિ અને દેણગી કહેવાય !

ભૂસ્તરીય અતીતમાં પ્રવર્તેલા આબોહવાના સંજોગો મુજબ જીવનસ્વરૂપોનાં વિકાસ અને વિતરણ તેમજ ઉત્ક્રાંતિ અને વિલોપ થયેલાં છે. જેમ કે, અર્વાચીન સાગરગોટા (sea-urchins) દરિયાઈ સંજોગો હેઠળ જ નભી શકે છે. દક્ષિણ ઇંગ્લૅન્ડના ક્રિટેશિયસ ચૂનાખડકોમાં તેના અસંખ્ય જીવાવશેષ મળે છે; એનું અર્થઘટન એમ થાય કે તે વિસ્તાર ત્યારે સમુદ્રજળ નીચે હતો, જ્યાં તે વખતે થયેલી નિક્ષેપ જમાવટમાં તે દટાયેલા. આવી બાબત પરથી ખંડો અને મહાસાગરોનાં સ્થાન-સ્થિતિનો ખ્યાલ મેળવી શકાય. પનામાની સંયોગીભૂમિની રચનાનો કાળ ત્યાંના દરિયાઈ અને પાર્થિવ જીવાવશેષો પરથી નક્કી કરી શકાય છે. ઉત્તર-દક્ષિણ અમેરિકા આ સંયોગીભૂમિથી જોડાયા અગાઉ આટલાંટિક અને પૅસિફિક દરિયાઈ જીવાવશેષો એકસરખા હતા, પણ બંને ખંડોનાં સસ્તન પ્રાણીઓ તદ્દન અલગ હતાં, જે સૂચવે છે કે બંને ખંડો અલગ હતા, પછીથી ખંડીય પ્રવહનથી ખસતા જઈ જોડાયા. એ જ રીતે જીવાવશેષ-અભ્યાસ પરથી ગોંડવાના સમૂહના ખંડો એક હતા તે અને ઉત્તર-દક્ષિણ ગોળાર્ધ જુદા હતા તે પણ જાણી શકાય છે. ધ્રુવીય રીંછનું ઉત્તર ધ્રુવપ્રદેશમાંનું આજનું રહેઠાણ જેમ ઠંડી આબોહવાની સમજ આપે છે તે જ રીતે, ઉપલબ્ધ જીવનસ્વરૂપો જે તે સ્થાનની, તે તે કાળની પ્રવર્તમાન આબોહવાનો તાગ મેળવી આપે છે. છેલ્લાં દસેક લાખ વર્ષ દરમિયાન મહાસાગરો, જેમ જેમ હિમકાળ દરમિયાન હિમચાદરો અને હિમનદીઓ વૃદ્ધિ પામતી ગઈ અને પીગળતી ગઈ તેમ તેમ, ક્રમશ: ઠંડા પડતા ગયા અને ગરમ થતા ગયા છે; આ બાબતનો ખ્યાલ તે તે સમયના જીવાવશેષોના વળ(coiling)ની દિશા પરથી નક્કી કરી શકાય છે. ઊંડા મહાસાગરીય નિક્ષેપોમાંથી મળતા ઠંડા કે ગરમ પાણીના પ્લૅન્કટોન જીવોના અવશેષો પરથી તાપમાનના ફેરફારોનો ખ્યાલ આવી શકે છે.

જીવાવશેષ-અભ્યાસ એક બાબત ચોક્કસપણે બતાવે છે કે પૃથ્વીના સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન જીવનસ્વરૂપો બદલાતાં રહ્યાં છે અને પ્રત્યેક કાળ તેના આગવા લાક્ષણિક જીવાવશેષોથી ઓળખાવી શકાય છે; આ હકીકતની ખાતરી પ્રાચીન અને અર્વાચીન જીવાવશેષોમાં થતા જતા તફાવતો પરથી થાય છે. જેમ કે પશુપક્ષી ઑર્કિયોપ્ટેરિક્સ જેવું પીંછાંવાળું સરીસૃપ, સરીસૃપ અને પક્ષી વચ્ચેની કડીરૂપ બની રહે છે, જે 1860માં મળી આવેલું. સર્વપ્રથમ માનવજીવાવશેષ પણ તે પછી થોડાં જ વર્ષોમાં મળી આવેલો. આવા પુરાવા જીવનસ્વરૂપોમાં થતી ગયેલી ઉત્ક્રાંતિનો ખ્યાલ આપે છે.

ઉત્ક્રાંતિની ઘટના અને જીવનઇતિહાસ : ઉત્ક્રાંતિવાદને 2 બાબતોમાં વિશેષ રસ હોય છે : એક તો સતત કાર્યરત રહેતી ઉત્ક્રાંતિની પ્રક્રિયા, બીજું આ પ્રક્રિયા દ્વારા ઘટનાઓનું સંકલન અથવા તેનું અતીતમાંથી ઐતિહાસિક પગેરું કાઢવાનું કાર્ય. દા. ત., ઘોડો અને રહાઇનૉસિરસ આજે અલગ અલગ પ્રાણીઓ તરીકે ઓળખાય છે; પરંતુ તેમનો જીવાવશેષ ઇતિહાસ પ્રારંભિક કેનોઝોઇક યુગમાંના એક જ પ્રકારના પૂર્વજ તરફ દોરી જાય છે. આવા પુરાવા પરથી તેમના જીવનવૃક્ષનું માળખું તૈયાર કરી શકાય અને તેનાથી ઉત્ક્રાંતિના વલણવાળા બદલાતા જતા અવયવો વચ્ચેના આંતરસંબંધો સમજી શકાય. અવયવોમાં ફેરફારો લાવવાના અને પર્યાવરણની ગ્રહણક્ષમતા જેવાં લક્ષણોને માટે ઉત્ક્રાંતિને જવાબદાર ગણાવાય છે – જેમ કે પર્મિયન અને ક્રિટેશિયસ પ્રથમ અને દ્વિતીય જીવયુગના છેલ્લા કાળગાળા છે, જેના અંતિમ ચરણ વખતે કેટલીક ઉપજાતિઓ વિલોપ પામી જાય છે. આ સામ્ય માટે સમુદ્રસપાટીના ફેરફારોથી માંડીને વૈશ્વિક (બ્રહ્માંડમાંના) વિકિરણ (cosmic radiation) સુધીનાં કારણોને આગળ ધરવામાં આવેલાં છે. કોઈ પણ જીવનસ્વરૂપ તેની આસપાસના પર્યાવરણ મુજબ કેટલા પ્રમાણમાં અને કેવી રીતે ગોઠવાતું જઈને નભી શકે છે તેને ગ્રહણક્ષમતા કહેવાય. સરીસૃપ પૂર્વજમાંથી ન ઊડી શકે એવું પક્ષી પ્રથમ તૈયાર થતું ગયેલું. એ જ રીતે માનવના પૂર્વજ વાનરના અને આધુનિક થતા ગયેલા આદિમાનવથી માનવના મગજના કદમાં કેવી રીતે વિકાસ થતો ગયો તે બાબત પર્યાવરણની ગ્રહણક્ષમતા પર આધારિત હોવાનું માનવામાં આવે છે.

જીવનનો ક્રમબદ્ધ ઇતિહાસ : પૃથ્વીના ઉત્પત્તિકાળે (4.5 × 109 વર્ષ અગાઉ) જીવનનું અસ્તિત્વ ન હતું. તે પછી જીવન ઉત્પન્ન થવા માટેનાં જરૂરી દ્રવ્યો તૈયાર થતાં ગયાં. વીજનિર્વહન (discharge) અને પારજાંબલી વિકિરણથી મૂળભૂત (આદિ) વાતાવરણ ઉત્પન્ન થતું ગયું, જટિલ સેન્દ્રિય સંયોજનો ક્રમશ: બનતાં ગયાં, ત્યારબાદ જીવંત કોષનો પ્રાથમિક આદિ પ્રકાર બનતો ગયો; આમ જીવન પાંગર્યું અને વિકસ્યું.

અનુકૂલન – પૃષ્ઠવંશી પ્રાણીઓના ત્રણ સમૂહોનો ઉડ્ડયન માટે સ્વતંત્રપણે થયેલો વિકાસ: (a) પ્ટેરોડકટાઇલ (વિલુપ્ત સરીસૃપ-પ્ટેરોસોર), (b) પંખી, (c) ચામાચીડિયું

આજ સુધીમાં શોધાયેલ પારખી શકાય એવું જૂનામાં જૂનું જીવનસ્વરૂપ દક્ષિણ આફ્રિકામાંથી મળેલા ચર્ટ(3.1 x 109 વર્ષ અગાઉ)માં પ્રાપ્ત બૅક્ટેરિયા જેવા કોષ છે. કૅનેડાના ગનફિલન્ટ ચર્ટ(2 × 109 વર્ષ અગાઉ)ની જમાવટ પહેલાં જટિલ લીલ ઉત્પન્ન થઈ ચૂકી હતી. 570 × 106 વર્ષ જૂના ખડકોમાંથી મળેલાં થોડાંક જીવનસ્વરૂપોને બાદ કરતાં હજી કૅમ્બ્રિયન-તળ કાળ (570 × 106 વર્ષ) સુધી તો કોઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓનો પ્રાદુર્ભાવ થયો જણાયો નથી; તેમ છતાં તરત પછીથી કૅમ્બ્રિયન કાળના ખડકોમાં કયા સંજોગોના અનુકૂલનથી અપૃષ્ઠવંશી પ્રાણીઓના ઘણા સમૂહો ઊભરાઈ આવ્યા તે હજી સુધી જાણી શકાયું નથી ! જીવંત કોષ તો વિકસી ચૂકેલા હતા જ; શક્ય છે કે પ્રાણીઓના સખત ભાગો પણ વિકસતા ગયા હોય !

આદિ માછલીઓ સ્વરૂપે સર્વપ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ નિમ્ન ઑર્ડોવિસિયન યુગ(47.5થી 42.5 કરોડ વર્ષ)માં શરૂ થાય છે, પૃષ્ઠવંશીઓ અંતિમ ડેવોનિયન યુગમાં (350+ × 106 વર્ષ) ઉભયજીવીઓની ઉત્ક્રાંતિની સાથે સાથે ભૂમિ પર પણ વસવાટ કરતાં જાય છે. સરીસૃપો થોડા સમય પછી તરત જ નિમ્ન કાર્બોનિફેરસ યુગ(350 × 106 વર્ષ)માં ઉત્ક્રાંત થાય છે. પર્મિયનથી ક્રિટેશિયસ યુગ સરીસૃપોનો કાળ ગણાય છે. સર્વપ્રથમ વાસ્તવિક સસ્તન પ્રાણીઓ જુરાસિક યુગ(195 × 106 વર્ષ – 135 × 106 વર્ષ)માં દેખાય છે. ચતુષ્પાદ પ્રાણીઓ ટર્શિયરી યુગ (65 × 106 – 12 × 106 વર્ષ)માં શરૂ થાય છે. માનવ અતિવિકસિત પ્રાણી રૂપે છેલ્લાં થોડાંક લાખ વર્ષની પેદાશ ગણાય; વળી તેની તો એક અને એકમાત્ર જ ઉપજાતિ છે, જેણે પૃથ્વીના પટને હતો તે કરતાં ઘણો બદલી નાખ્યો છે.

પ્રાણીસમૂહોના શુભારંભ ઉપરાંત કૅમ્બ્રિયન યુગ પ્રધાનપણે સંખ્યા અને વિપુલતામાં ત્રિખંડી(trilobites)થી આવરી લેવાયેલો છે. ઑર્ડોવિસિયન યુગ મુખ્યત્વે ગ્રેપ્ટોલાઇટ્સથી, ડેવોનિયન યુગ માછલીઓથી, કાર્બોનિફેરસ યુગ વનસ્પતિથી, પર્મિયન યુગથી ક્રિટેશિયસ યુગ સરીસૃપોથી, સમગ્ર કેનોઝોઇક યુગ વિવિધ પ્રકારનાં સસ્તન પ્રાણીઓથી ઊભરાય છે. છેલ્લે માનવ આવે છે, જે સમગ્ર પૃથ્વીપટ પર વિસ્તરી જાય છે.

જીવાવશેષશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્રની જ શાખા ગણાતી હોવાથી પરસ્પર ગાઢ સંબંધો હોય જ, ઉપરાંત તે પ્રાચીન ભૂગોળ, સ્તરવિદ્યા, વનસ્પતિવિદ્યા, પ્રાણીવિદ્યા જેવી વિજ્ઞાનશાખાઓ સાથે ઘણી રીતે સંકળાયેલું છે. જીવાવશેષોની મદદથી ભૂસ્તર એકમોનાં વયનિર્ધારણ નક્કી કરી શકાય છે તેથી પ્રાગૈતિહાસિક જીવનની ઝાંખી મેળવવા પુરાતત્વવિદો તેમજ જિજ્ઞાસુ અભ્યાસી વર્ગ ઘણો રસ દાખવે છે.

ગિરીશભાઈ પંડ્યા