જીવાવશેષ : ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોના અનુકૂળ કુદરતી સંજોગો હેઠળ નિક્ષેપોમાં જળવાઈ રહેલા મળી આવતા અવશેષો કે અવશેષઅંશો. જીવનસ્વરૂપોના આ પ્રકારના અવશેષોને જીવાવશેષ કે જીવાશ્મ તરીકે ઓળખવામાં આવે છે. જીવાવશેષ પર્યાય મૂળભૂત રીતે ખડકોમાં મળી આવતી વિરલ વસ્તુ માટે વપરાયેલો; પરંતુ સત્તરમી સદીના અંત સુધીમાં તો તે માત્ર સેન્દ્રિય વસ્તુઓ માટે જ મર્યાદિત બની રહ્યો, એટલું જ નહિ પરંતુ ભૂસ્તરીય અતીતમાં તૈયાર થયેલાં

ઉડ્ડયન માટે સ્વતંત્રપણે અલગ અલગ વિકસેલી પાંખોવાળા ત્રણ પૃષ્ઠવંશી સમૂહો

તરંગચિહનો, વર્ષાબિંદુછાપ, પંકતડ અને ખનિજઇંધન માટે પણ વપરાતો થયો છે. ‘સેન્દ્રિય અવશેષઅંશ’ પર્યાયમાં હાડપિંજર કે તેના ભાગ, જીવનસ્વરૂપોની છાપ, કૃમિમાર્ગો કે કીટકમાર્ગો – તેમનાં પાદચિહનો, પ્રાણીઓ દ્વારા બનાવાયેલાં – જળવાઈ રહેલાં દર વગેરેનો સમાવેશ કરી શકાય. આદિ માનવસર્જિત હથિયારો, ઓજારો, કલાકારીગરીની ચીજવસ્તુઓનો આ પર્યાયમાં સમાવેશ કરવામાં આવતો નથી. આમ નૈસર્ગિક ક્રિયાઓ દ્વારા નિક્ષેપોમાં કે સ્તરોમાં દટાઈને જળવાઈ રહેલાં જીવનસ્વરૂપો માટે ‘જીવાવશેષ’ પર્યાય ઉપયોગમાં લેવાય છે.

જીવાવશેષ જાળવણી નીચેનાં સ્વરૂપોમાં જોવા મળે છે : જાળવણીના જુદા જુદા અનેક પ્રકારો જાણીતા બનેલા છે. સામાન્ય રીતે પ્રાણીઓનાં અસ્થિ, દાંત કે આવરણ કવચ સારી રીતે જળવાયેલાં મળી આવે છે. વનસ્પતિનાં અશ્મીભૂત કાષ્ઠ કે નરમ પેશીઓ પણ ક્યારેક અખંડ કે ટુકડા રૂપે મળી આવેલાં છે.

(1) અપરિવર્તિત સખત ભાગો : આખાં હાડપિંજર માળખાં કે તેના અવયવભાગો, ટર્શિયરી યુગ અને મેસોઝોઇક યુગના નિક્ષેપોમાં મળતાં CaCO3નાં બનેલાં કવચ, દાંત અને એરગોનાઇટયુક્ત કવચ.

(2) અપરિવર્તિત નરમ ભાગો : સામાન્ય રીતે જાળવણીનું પ્રમાણ ઓછું હોય છે. અંબર(રાળ)માંથી સપડાયેલા જંતુઓ (દા. ત., માખી) નિર્જલીકરણ દ્વારા મળી આવેલા છે. ઊની મૅમથ જેવાં સસ્તન પ્રાણીઓ ધ્રુવપ્રદેશના બરફપટમાંથી મળી આવેલાં છે, તે કેટલાંક હજાર વર્ષ માટે ઠરેલા ભૂમિભાગના કુદરતી શીતાગારમાં જળવાઈ રહ્યાં હતાં. 1901માં પૂર્વ સાઇબિરિયામાં મળેલું બેરેસોવ્કા મૅમથ છાતીમાં લોહીના ગઠ્ઠા અને મોંમાં ગળ્યા વગરના ખોરાક સમેત લગભગ આખું ને આખું જળવાયેલું રહ્યું હતું. તેના શરીરના માંસલ ભાગ હજી લાલ હતા. ત્યાં સાથે લઈ જવાયેલા કૂતરાનું જૂથ એ ખોરાક પોતાને ક્યારે મળશે એની આતુરતાપૂર્વક રાહ જોતું હતું. પોલૅન્ડમાંથી વિલુપ્ત ઊની રાઇનૉસરસનું આખું મૃત શરીર તેલ-સ્રાવ (oil seeps) સ્થાનમાંથી જળવાયેલું મળી આવેલું. પ્રાણીઓની શારીરિક પેશીઓની આ પ્રકારની જાળવણી અંતિમ હિમયુગ અને પશ્ચાત્ હિમયુગ-નિક્ષેપો પૂરતી મર્યાદિત છે; આની સરખામણીમાં કાષ્ઠઅશ્મ વધુ ટકાઉ ગણાય; તેથી ક્રિટેશિયસ યુગ  જેટલા જૂના ખડકસ્તરોમાંથી તે બિનપરિવર્તિત સ્થિતિમાં મળેલાં છે.

 (3) અશ્મીભૂત પરિવર્તિત સખત ભાગો : કેટલાક સેન્દ્રિય પદાર્થો પાષાણમાં પરિવર્તિત થતા હોય છે. આ પૈકી અસ્થિ, કવચ અને કાષ્ઠ જેવા સખત ભાગોનો સમાવેશ થાય છે. સિલિકા, કૅલ્સાઇટ, લિમોનાઇટ, પાઇરાઇટ જેવાં વિવિધ જાતનાં દ્રવ્ય દ્વારા થતી બૅલેમ્નાઇટની કોથળી જેવા ભાગોની, કવચ કે કોષવાળાં વનસ્પતિદ્રવ્યમાંની છિદ્રજગાઓની પુરવણી; હાડપિંજર કે અસ્થિ-અવયવોનું ઉપર જણાવેલાં કે અન્ય દ્રવ્યો દ્વારા થતું અશ્મીભવન; કૅલ્શિયમદ્રવ્યયુક્ત કવચનું સ્ફટિકમય કૅલ્સાઇટ કે સિલિકા દ્વારા થતું વિસ્થાપન, તેમની જાળવણીના સંજોગો લેખાય છે. સ્થૂળ વિસ્થાપનને કારણે કેટલાક ભાગોનો નાશ થાય છે જ્યારે આણ્વિક વિસ્થાપનથી તે જળવાઈ રહે છે.

(4) પરિવર્તિત નરમ ભાગો : જીવનસ્વરૂપોના નરમ ભાગો મોટે ભાગે નાશ પામે છે; પરંતુ અનુકૂળ સંજોગોમાં તેમની છાપ રહી શકે, જેમ કે જેલી ફિશની છાપ, ગ્રૅપ્ટોલાઇટનું કર્બજનીકરણ, વનસ્પતિનું કર્બજનીકરણ.

જીવાવશેષ પર્યાય ભૂસ્તરીય વય, વિલોપ માટે પણ વપરાય છે. ‘અશ્વજીવાવશેષ’નો અર્થ ઘોડાનો કોઈ જૂનો પ્રકાર વિલુપ્ત થઈ ગયાનો અને ‘વર્ષાબિન્દુછાપ’નો અર્થ ધોવાણની સમભૂમિના અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે.

ગિરીશભાઈ પંડ્યા