જીવાવરણ : તમામ પ્રકારના જીવનનું અસ્તિત્વ જ્યાં જોવા મળે છે એવો, પૃથ્વીની સપાટી સાથે સંકળાયેલો આવરણરૂપ વિભાગ. પૃથ્વીના શિલાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જીવંત સ્થિતિમાં રહેલાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોથી બનેલા આવરણને જીવાવરણ તરીકે ઓળખાવી શકાય. આ ત્રણે આવરણો અને જીવાવરણ વચ્ચે ભૌતિક અને રાસાયણિક આંતરસંબંધો રહેલા છે. જીવાવરણ ખાસ કરીને ભૂપૃષ્ઠનાં બિનજીવંત સેન્દ્રિય તેમજ અસેન્દ્રિય દ્રવ્યો સાથે ઘણો જ સંબંધ ધરાવે છે. સેન્દ્રિય ભૂરાસાયણિક તત્વોનું મુખ્ય કેન્દ્રીય પરિબળ કાર્બન આવરણમાં રહેલું છે. જીવાવરણ અને તેની આજુબાજુનું પર્યાવરણ પણ આપલે પ્રકારના સંબંધો ધરાવે છે. પ્રાણીજીવન મુખ્યત્વે પ્રાણવાયુ પર અને વનસ્પતિજીવન કાર્બન પર નભે છે; આ ઉપરાંત પૃથ્વી પરનાં અન્ય જરૂરી તત્વો દ્વારા પણ બંને જીવનસ્વરૂપોનો નિભાવ થાય છે. આમ એક પ્રકારનું જીવભૂરાસાયણિક ચક્ર ચાલુ રહે છે.

અવકાશી પદાર્થોના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે CH4, CO, CO2, NH3  અને H2O જેવા સાદા વાયુ વિશ્વમાં વિપુલ પ્રમાણમાં રહેલા છે. પ્રાયોગિક ધોરણે મળેલી માહિતી પરથી નિર્દેશ સાંપડ્યો છે કે આવા વાયુ જટિલ સેન્દ્રિય અણુઓમાં ઘનીભૂત થઈ શકે છે અને એમાંથી ઍમિનોઍસિડ બને છે. કોઈ પણ અવકાશી પદાર્થનું ઘનીભવન થવાના લાંબા કાળગાળામાં આ પ્રકારના સંજોગો ઉદભવ્યા હશે એમ ધારવામાં આવેલું છે, જે પ્રારંભિક જીવન ઉત્પન્ન થવા માટેનાં જરૂરી તત્ત્વો તૈયાર કરવા માટે જવાબદાર લેખાય છે.

ગિરીશભાઈ પંડ્યા