જીવાત : મનુષ્યને વિવિધ ક્ષેત્રે નુકસાન પહોંચાડતા મુખ્યત્વે સંધિપાદ સમુદાયના કીટક વર્ગનાં ઉપદ્રવી પ્રાણીઓ. તે સમગ્ર જીવન દરમિયાન કે જીવનચક્રની અમુક અવસ્થામાં માનવીને ઉપયોગી વસ્તુઓ, ઊભા પાક, બાગબગીચા, અનાજ કે ધાન્ય પદાર્થને નુકસાન પહોંચાડે છે. તેના નિકંદન માટે વિવિધ પદ્ધતિઓ હોવા છતાં આ જીવો તેની સામે પ્રતિકારક શક્તિ મેળવી ટકી રહે છે. જીવાત સામાન્યત: ખોરાકરૂપે દરેક પ્રકારના કાર્બનિક પદાર્થનો ઉપયોગ કરે છે તેથી તે મનુષ્યના ખાદ્ય પદાર્થને ઘણું નુકસાન પહોંચાડે છે. અમુક જીવાત રોગજન્ય જીવો, જીવાણુ (microbe) કે વિષાણુના વાહક હોવાને કારણે માનવીના આરોગ્યને અને માનવી સાથે સંકળાયેલ પ્રાણીઓને પણ નીચે મુજબ નુકસાન પહોંચાડે છે :
(1) ઊભા પાકને નુકસાનકારક જીવાત : મકાઈ, કપાસ, ઘઉં, તમાકુ જેવા પાક સાથે અનેક જીવાત સંકળાયેલી હોય છે. ચર્વક કીટ, કોબીના કીડા અને બટાકાની જીવાત વનસ્પતિનાં બાહ્ય અંગોને ચાવી ખાય છે. તીતીઘોડા અને તીડ ખેતરના ઊભા પાકને નુકસાન કરે છે જ્યારે કાલાનું જીવડું (boll weevil) કપાસને પાકતાં પહેલાં નુકસાન પહોંચાડે છે. વનસ્પતિ પર આશ્રિત એફિડ (મોલો), મશી, શલ્કી કીટ જેવા ચૂસક કીટ પોતાની તીણી અણીદાર સૂંઢથી વનસ્પતિનાં અંગોમાંથી રસ મેળવે છે.
(2) વનસ્પતિ પરની પરોપજીવી જીવાત : છાલ ભમરો (વલ્ક ભ્રમર) કાષ્ઠ અને જંગલી ઊધઈ વિવિધ વનસ્પતિનાં થડ અને પર્ણને નુકસાન પહોંચાડે છે. જિપ્સી પતંગિયાં, ફૂદાં, જાપાની ભમરો જેવા કીટકો છાંયડો આપતી વનસ્પતિને વ્યાપક નુકસાન કરે છે.
(3) પાળેલાં પ્રાણીઓ પર પરોપજીવી જીવન ગાળતી જીવાત : ચાંચડ, જૂ, જિંગોડા, મચ્છર અને માખી જેવા બાહ્ય પરજીવી કીટકો મનુષ્ય અને મનુષ્ય સાથે સંકળાયેલ પ્રાણીઓ પર પરોપજીવી જીવન ગુજારે છે. દંશ દેનારી જૂ (mallophaga) મરઘીનાં પીંછાંનો ખોરાકરૂપે ઉપયોગ કરી મરઘીનું માંસ ઓછું કરે છે. ઘોડામાખી ઘોડાઓને અને શૃંગમાખી ઢોરને નુકસાન પહોંચાડે છે. ઑક્સ વારબલ માખી પશુની ત્વચામાં છિદ્ર પાડીને તેના શરીરને નુકસાન પહોંચાડે છે.
(4) સંઘરેલા અનાજમાં વાસ કરતી જીવાત : આ જીવાત ઘઉં, જવ, ચોખા, મકાઈ, ફળ, યવ અને વિવિધ બીજને નુકસાન પહોંચાડે છે. ભૂંડ આદિ જીવડાં આ જૂથમાં આવે છે.
(5) માનવીના ઘરમાં વાસ કરતી જીવાતો : કીડી, કંસારી, વંદા, ફળમાખી, ચમરી (silver fish), માખી, ગરમ કપડાંની માખી અને ભમરા કપડાં, પુસ્તકો, ફર્નિચરને નુકસાન પહોંચાડે છે.
મુખ્ય જીવાતો નીચે મુજબ છે :
(1) તીડ : ટોળામાં સ્થળાંતર કરતી નાના તીતીઘોડા જેવી દેખાતી આ જીવાત ઊભા પાકનો નાશ કરીને ખેતરોને ઉજ્જડ બનાવી દે છે. અનુકૂળ પરિસ્થિતિ એટલે કે વરસાદની ઋતુમાં ભૂમિમાં ઈંડાં મૂકી પ્રજનન કરે છે. મુખ્ય જાતિ રણની શિસ્ટોસકૉ ગ્રિગેરિયા, મુંબઈનાં તીડ પટાંગા સક્સિનેટા L. (Bombay locust) અને સ્થળાંતરી તીડ (Locusta migratoria L.) છે.
(2) મોલો (મોલો–મશી – aphids) : તડબૂચ, સાગ, ભીંડા, બટાટા, કપાસ, મરચી, રીંગણી જેવા પાકનાં પર્ણની નીચેની સપાટી પર સમૂહમાં મશી જોવા મળે છે. 7થી 8 દિવસનું આયુષ્ય ધરાવતી આ જીવાત ચીકણા, ગળ્યા પદાર્થનો સ્રાવ કરે છે જેથી વનસ્પતિ પર કીડી અને ફૂગનો ઉપદ્રવ થાય છે. કપાસ પર જીવતી મોલો, કપાસની મોલો (Aphis gossypii) તરીકે ઓળખાય છે. (મશી = સફેદ માંખ)
(3) તડતડિયાં (jassids) : શ્રેણી હેમિપ્ટેરા. ડાંગરનાં તડતડિયાં 8.0 મિમી. જેટલાં લાંબાં અને સફેદ રંગનાં હોય છે. તે સફેદ ચીકાશવાળા પ્રવાહીનો સ્રાવ કરીને ફૂગનો ઉપદ્રવ વધારે છે. મુખ્ય જાતિ : Segotella furcifera અને Nephotethic – bipuctatus. કપાસનાં તડતડિયાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી અને કઠોળમાં જોવા મળે છે. વનસ્પતિનો રસ ચૂસીને પોષણ મેળવે છે.
(4) થ્રિપ : શ્રેણી થાયસોપ્ટેરા. મૂળા, કોબી, મોગરી, હળદર, ટમેટાં, કેરી, ઘિલોડી, દૂધી, રજકો, જામફળ, મરચી, દ્રાક્ષ, ડાંગર, કપાસ અને ડુંગળીના પાકને નુકસાન કરે છે. 25 દિવસનો જીવનકાળ ધરાવતી આ જીવાત ફિક્કી પીળા કે કાળાશ પડતી અને નાની હોય છે, પુખ્તાવસ્થામાં રુવાંટીવાળી પાંખોની બે જોડ ધરાવે છે.
(5) ડોળ (grubs) : શ્રેણી કોલિયોપ્ટેરા. મગફળી, મકાઈ, બાજરી, કપાસ, જુવાર વગેરે પાકને નુકસાન કરે છે. ઘાસ અને ઢોરનું છાણ જ્યાં કોહવાતું હોય ત્યાં ડોળ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તે મુંડા, ધૈણ કે વ્હાઇટ ગ્રબના નામથી પણ ઓળખાય છે. મુખ્ય જાતિ Holotrichia consanguinea 3થી 4 મિમી. લાંબાં અને બે મિમી. પહોળાં ઈંડાં મૂકે છે. પખવાડિયે કથ્થાઈ રંગની ઇયળ બહાર આવે છે. આના ઉપદ્રવથી જમીન પરની લીલોતરી સુકાઈ જાય છે કારણ કે તે વનસ્પતિનાં મૂળ કોતરી ખાય છે.
(6) આંબાનો મધિયો (mango hopper) : શ્રેણી હેમિપ્ટેરા. આ જીવાત આંબા ઉપરાંત બીજાં ફળાઉ ઝાડમાં પણ જોવા મળે છે; ખાસ કરીને તે પુષ્પવિન્યાસ પર જોવા મળે છે. તેની જાતિઓ ઈડીઓસ્કોપસ અટકોન્સોની અને ઈડીઓસ્કોપસ નીવિયોસ્પારસસ છે.
(7) ફૂદું (moth) : શ્રેણી લેપિડોપ્ટેરા. લોટનું ફૂદું (Indian meal moth) : આ ફૂદાંની ઇયળ લોટ ખાઈને પોષણ મેળવે છે. ફૂદાંની લંબાઈ 1થી 1.5 સેમી. હોય છે. કીટકની ઇયળઅવસ્થા સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. જાતિ મુખ્ય પ્લોડિયા ઇન્ટરપંકટેલ્લા છે. અનાજના ફૂદા(anguomois grain moth)ની જાતિ સિટોટ્રોગા સિરિયાલીલા છે. ડાંગરનું ફૂદું (rice moth) : ભાતનો સૂરમો તરીકે પણ ઓળખાય છે. 1થી 2.5 સેમી. લાંબું, ભૂખરા અને છીંકણી રંગનું હોય છે. તેની ઇયળ પીળાશ પડતા સફેદ રંગની હોય છે. ઇયળ દાણા ખાઈ પોતાનું પોષણ મેળવે છે. મુખ્ય જાતિ કોરિરા ઇફાલોનિકા છે. આ ઉપરાંત અંજીરના ફૂદા(fig moth)ની જાતિ એફીસ્ટિયા કોટેલા અને શાકભાજીનાં ફૂદાંની કેટલીક જાતો પણ ઉપદ્રવ કરે છે.
(8) માખી (fly) : રાઈની માખી (mustard sow fly, Athalia proxima મુખ્ય જાતિ) : તેના શરીર પર રંગીન ટપકાં અને પાંખો જોવા મળે છે. તેની ઇયળ પાન ખાઈ પોષણ મેળવે છે અને રાઈ ઉપરાંત પાનવાળાં શાકભાજીને પારાવાર નુકસાન કરે છે.
લીંબુ પરની સફેદ માખી (citrus white fly) : શ્રેણી હેમિપ્ટેરા. તેની મુખ્ય જાતિ ડાયાલ્યૂરોડિસ સિટ્રી છે. તે 0.5 મિમી. લાંબી હોય છે. ઈંડાંના વિકાસથી ત્રણ જોડ પગવાળાં બચ્ચાં બહાર આવે છે. તે વનસ્પતિનો રસ ચૂસીને પોષણ મેળવે છે અને નિર્મોચનની ક્રિયા દર્શાવે છે. આ કીટકો મધ જેવા મીઠા પદાર્થનો સ્રાવ કરે છે અને તેને લીધે ફૂગનો ઉપદ્રવ થાય છે.
સાંઠાની માખી (શેરડીની સફેદ માખી) : શેરડી અને ધાન્ય પાકો પર વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેની બે મુખ્ય જાતો એલ્યુશોબોલસ બેરાડેન્સીસ અને નીઓમસ્કેલિયા બરગી જોવા મળે છે. પુખ્ત કીટક વનસ્પતિનો રસ ચૂસીને પોષણ મેળવે છે. તે મુખ્યત્વે ચોમાસા અને શિયાળામાં ઉપદ્રવ કરે છે. પુખ્ત કીટક સફેદ રંગની પાંખો ધરાવે છે.
(9) કાતરા ઇયળ (caterpillar) : તે પતંગિયા કે ફૂદાંની ઇયળ અવસ્થા છે. પાન ખાઈને પોષણ મેળવે છે. તેની વિવિધ જાતો નીચે મુજબ છે :
રૂંછાવાળા કાતરા (hairy caterpillar): 4 સેમી. લાંબા હોય છે અને શરીર ઉપર પુષ્કળ રૂંછાં આવેલાં હોય છે. તેની કોશેટા (pupa) અવસ્થા લગભગ એક વર્ષ સુધી સુષુપ્ત રહે છે અને વરસાદ પડતાં કોશેટામાંથી ફૂદું બહાર આવે છે. તેની મુખ્ય જાતિઓ એમસ્ટેકા મુરાઈ, એ. લેક્ટિનિયા અને આલ્બિસ્ટ્રાઇગા છે.
નારિયેળીની કાળા માથાવાળી ઇયળ (મુખ્ય જાતિ : નેફાન્ટિસ સેરિનોવા) : શ્રેણી લેપિડોપ્ટેરા. આ જાતિ લગભગ 25.4 મિમી. પહોળી અને 12.7 મિમી. લાંબી હોય છે. ઇયળ લગભગ 1.15 સેમી. જેટલી લાંબી હોય છે. તે નારિયેળીનાં કુમળાં પાન ખાઈ પોષણ મેળવે છે; તેથી પર્ણ સુકાઈ જાય છે અને વધારે ઉપદ્રવથી ઝાડ પણ સુકાઈ જાય છે.
દાડમની ઇયળ (anar caterpillar) : મુખ્ય જાતિ વિરાકોલા આઇસોક્રેટસ છે. તેની ઇયળ ફળની કુમળી અવસ્થામાં ફળમાં છિદ્ર પાડી અંદર પ્રવેશ કરે છે જેથી ફળનો વિકાસ અટકે છે અને ફળ કોહવાઈ જાય છે.
ડાંગરની ટોળાબંધ ઇયળો (swarming caterpillar of paddy) : મુખ્ય જાતિ સ્પોડોટોરા મેરિશિયા. રાત્રિ દરમિયાન પર્ણ કાતરી ખાઈ નુકસાન પહોંચાડે છે.
તમાકુનાં પાન ખાનારી ઇયળ (tobacco leaf eating caterpillar) : મુખ્ય જાતિ પ્રોડેનિયા બિટુરા. 40 મીમી. લાંબી હોય છે.
જુવારની ગાભમારાની ઇયળ : મુખ્ય જાતિ કાયબોઝોનેલસ. શરૂઆતમાં પાન ખાય છે અને પછી પ્રકાંડ કોરીને તેમાં દાખલ થાય છે; તેથી ઝાડ સુકાઈ જાય છે.
(10) ચાંચવું : આ જીવાતની વિવિધ જાતો છે જે વિવિધ વનસ્પતિના ભાગોને ખોરાક રૂપે આરોગી વનસ્પતિને નુકસાન પહોંચાડે છે.
થડનું ચાંચવું : પેમિફિરસ એફિનિસ જાતિ પ્રકાંડનાં જીવડાં તરીકે ઓળખાય છે અને કપાસને નુકસાન પહોંચાડે છે. આંબાનો મેઢ (mango stemborer) : બેટાસેરા રૂબસ, બે. રુફોરાક્યુલેટા જાતિની આ ઇયળ આંબાના પ્રકાંડમાં છિદ્ર પાડી અંદર દાખલ થાય છે અને વિકાસ માટે 5થી 6 મહિના અંદર રહેતી હોય છે.
સ્કિપોફેગા નિવેલા શેરડીને કોરતી કીટકની જાતિ છે, જ્યારે કાયબોટ્રિયા ઇનફસકાટેલસ તેની ગાંઠ અથવા શાખાને કોરે છે. વનસ્પતિનાં વિવિધ અંગોને નુકસાન કરતી કીટકની જાતિઓમાં કાયબોટ્રિયા, ઓરિસિલિયા વનસ્પતિની ગાંઠને અને ઇમેલોએરા વનસ્પતિના મૂળને કોરે છે.
તમાકુની ગાંઠિયા ઇયળ(tobacco stemborer)ની મુખ્ય બે જાતિ નોરિચોસ્ચિમા હેલિયોપા અને નોરિચોસ્ચિમા ઓપરક્યુલેટા છે. તેની ઇયળ ભૂખરા રંગની 1.3 સેમી. લાંબી કાળા માથાવાળી હોય છે. તેના ઉપદ્રવથી છોડની વૃદ્ધિ અટકી જાય છે.
(11) કીડા (worms) : શ્રેણી લેપિડોપ્ટેરા. આ જૂથમાં વિવિધ જાતોનો સમાવેશ થાય છે. સૈનિક કીટ (army worm – જાતિ સરફિસ યુનિપન્કટા)ની ઇયળની લંબાઈ 3.5 સેમી. અને રંગ આછો લીલો હોય છે. તે એક ખેતરથી બીજા ખેતરમાં ઊતરી પડે છે, જેથી લશ્કરી ઇયળ કહેવાય છે. કાપી ખાનારી (ઇયળ) કીટ (cut worm – જાતિ એગ્રોટિસ યિપ્સિ બોન) : તે શાકભાજી, તમાકુ, કપાસ વગેરે પર ઉપદ્રવ કરે છે. ટપકાંવાળા કીટ (ઇયળ) (spotted ball worms) : એરિયાસ ફેલિયા અને એરિયાસ ઇન્સ્યુબાના તેની મુખ્ય જાતિઓ છે. તે શરૂઆતમાં કુમળી ડાળીઓ અને ત્યાર પછી કળીઓ અને જીંડવાંને પણ કોરી ખાય છે. ગુલાબી ઇયળ (pink ball worms, જાતિ પ્લેટિયેટ્રા ગોસિપિયેલ્લા) : તે ફૂલ કે જીંડવાંમાં પેસી અંદરનો ગર્ભ ખાઈ જાય છે.
(12) કાંસિયા : શ્રેણી કોલિયોપ્ટેરા. વિવિધ પ્રકારના બાજરીના કાંસિયા (blister beetle) : જાતિ સિબિન્ડ્રોથૉરેક્સ રુફિકોલિસ છે. ઇયળ જમીનમાં રહેલાં તીતીઘોડાનાં ઈંડાં ખાઈ પોષણ મેળવે છે. તે બાજરી સિવાય શાકભાજી અને ફૂલ-ઝાડને નુકસાન પહોંચાડે છે. ટપકાંવાળા ઢાલ-પક્ષ કાંસિયા (Epilachna beetle) : અર્ધગોળાકાર ઝાંખા ભૂખરા રંગનું પુખ્ત પ્રાણી અને પીળા રંગની ઇયળ પાન ખાઈને પોષણ મેળવે છે. ખાપરા કાંસિયું : ટ્રોગોડરમા ગ્રેનેરિલેમ તેની મુખ્ય જાતિ છે. આ ઉપરાંત દ્રાક્ષની ચાંચડી (grape vine flea beetle) અને નારિયેળીનો ગેંડો (rhinoceros beetle) પણ તેના પ્રકારો છે.
(13) ધનેડાં (rice weevil) : ચોખાનું ચાંચવું. સંઘરેલા ચોખામાં જોવા મળે છે.
(14) પાન વાળનારી ઇયળ (leaf roller) : વિકસિત ઇયળ પાનને ગોળ વાળી તેની અંદર કોશેટો બનાવે છે; તેમાંથી એક-બે અઠવાડિયાંમાં ફૂદું બહાર આવે છે. પાનનું ભક્ષણ કરી ઉપદ્રવ વધારે છે. પુખ્ત કીટકની પાંખો પીળા રંગની હોય છે. તેના ઉપર છીંકણી રંગની રેખાઓ આવેલી હોય છે.
(15) શેરડીની ચીકટો (mealy bugs) અને શેરડીનો શલ્ક કીટક (scale insect) : તેની જાતિઓ સિરોપ્લાસ્ટિસ એક્ટનિફોરમિસ, મિલેનાસિસ ગ્લોમેરેટા અને સેકેરિકોકસ સેકેરી મુખ્ય છે. તે શેરડીના પ્રકાંડમાંથી રસ ચૂસે છે અને પર્ણતલથી રક્ષાયેલા રહે છે. તે મીણ જેવા પદાર્થનો સ્રાવ કરે છે અને શરીરની ફરતે રક્ષક પડ બનાવે છે.
(16) ચૂસિયાં : તે હેમિપ્ટેરા શ્રેણીનાં છે. ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ પરથી તેમનું નામ ચૂસિયાં પડ્યું છે. તેની જાતોમાં મગફળીનાં ચૂસિયાં (groundnut podsucking bugs, જાતિ એફેનસ સોરડિડસ), કપાસનાં રાતાં ચૂસિયાં (red-cotton bugs), તુવેરનાં ચૂસિયાં અને નાગરવેલનાં ચૂસિયાં (જાતિ Disphinctus maesarum) મુખ્ય છે.
(17) પાનકથીરી (mite) – રાતી પાનકથીરી (red mite) : તે શેરડી, શાકભાજી, જુવાર, કપાસ, શણ, ગુલાબ, દ્રાક્ષ વગેરેમાં જોવા મળે છે. તે અષ્ટપાદ વર્ગનું પ્રાણી છે. તેનો ખોરાક વનસ્પતિનાં પર્ણ હોય છે.
(18) હેલિયોથિસ : શ્રેણી લેપિડોપ્ટેરા છે. તેની ઇયળ અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં કપાસ અને તમાકુને નુકસાન પહોંચાડે છે. તેની ઇયળ જીંડવામાં પોલાણ કરીને અંદર રહેલાં બીજ ખાઈ જાય છે અને વિકાસ પામી ‘પ્યુપા’માં ફેરવાય છે. ‘પ્યુપા’ જમીનમાં 15.24 સેમી. ઊંડે ‘શીત સમાધિ’માં જાય છે. ત્યારબાદ તેમાંથી ફૂદું બહાર આવે છે. તેની મુખ્ય જાતિ હેલિયોથિસ એસ્યુલેટા છે. તે મોટે ભાગે ખાખી રંગ અને અગ્ર પાંખ ઉપર ઘેરી લીટીઓ ધરાવે છે. પાછળની પાંખો પર સફેદ રંગ અને કાળાં ટપકાં હોય છે.
નયન કે. જૈન