જીવાણુમુક્ત પ્રાણી : માનવશરીરના વિવિધ ભાગોમાં વસતા સૂક્ષ્મજીવોની મનુષ્યશરીર પર થતી અસરો તપાસવા માટે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓ. પ્રયોગશાળામાં પસંદ કરવામાં આવેલાં મરઘી, ઉંદર તેમજ ગિની-પિગ જેવાં પ્રાણીઓને સૌપ્રથમ જીવાણુમુક્ત પર્યાવરણમાં ઉછેરવામાં આવે છે. દાખલા તરીકે જીવાણુમુક્ત મરઘીના ઉછેર માટે 20 દિવસનાં ફલિત થયેલાં મરઘીનાં ઈંડાંને બહારથી જીવાણુનાશક રસાયણથી સાફ કરી જંતુરહિત વાતાવરણ ધરાવતા પાંજરામાં સેવન માટે મૂકવામાં આવે છે. આવાં ઈંડાંમાંથી પેદા થતાં બચ્ચાં જીવાણુમુક્ત હોય છે. આ બચ્ચાંની શ્વસનક્રિયા માટે પાંજરામાં જંતુમુક્ત હવા દાખલ કરવામાં આવે છે. આવાં બચ્ચાં માટે માત્ર જીવાણુમુક્ત ખોરાકનો પ્રબંધ કરવામાં આવે છે. ઉછેર દરમિયાન જીવાણુમુક્ત મરઘીનાં મળમૂત્ર, પીંછાં, ઉચ્છવાસવાયુ વગેરેની ચકાસણી કરતાં જીવાણુમુક્ત જણાય તેવાં જ પ્રાણીઓને પ્રયોગશાળામાં પસંદ કરવામાં આવે છે. આવાં જીવાણુમુક્ત પ્રાણીઓ રોગનો સામનો કરવા અસમર્થ હોય છે. ઉપર્યુક્ત જીવાણુમુક્ત પ્રાણીઓનો ઉપયોગ સૂક્ષ્મજીવો દ્વારા મનુષ્યમાં થતા રોગોનો અભ્યાસ કરવા માટે થાય છે.

પ્રમોદ રતિલાલ શાહ