જીવાણુનાશકો (bacteriophage) : જીવાણુઓ પર વાસ કરતા અને તેમનો ભોગ લેતા વિષાણુઓ (viruses)ની 1915થી 17ના અરસામાં ઇંગ્લૅન્ડમાં ટ્વોર્ટ અને ડી’ હેરેલે જીવાણુનાશકોની શોધ કરી. જુદા જુદા જીવાણુનાશકો વિશિષ્ટ જીવાણુઓને યજમાન તરીકે પસંદ કરી તેમના શરીરમાં વૃદ્ધિ પામે છે અને એમ નવા વિષાણુ પેદા કરે છે.

T1થી T7; λ; ΦX 174 fd પ્રકારના જીવાણુનાશકો કદ અને આકારની ર્દષ્ટિએ એકબીજાથી સાવ જુદા પડે છે. આમાંના કેટલાક અત્યંત સૂક્ષ્મ અને બીજા કેટલાક સહેજ મોટા હોય છે. કેટલાક આકારે રેસા જેવા અને બીજા કેટલાક આકારે માછલી જેવા હોય છે. પ્રોટીનથી બનેલ આવરણથી સધાયેલ ન્યૂક્લિઇક ઍસિડના અણુ તરીકે જીવાણુનાશકોને ઓળખાવી શકાય. મોટા ભાગના જીવાણુનાશકોમાં DNAનો અણુ આવેલો છે, જ્યારે શેષ જીવાણુનાશકો RNAના અણુયુક્ત હોય છે.

ઈ. કોલીના T2, T4 અને T6 શ્રેણીના જીવાણુનાશકો માછલી જેવા આકારના હોય છે. તેમનો ઉપરનો ભાગ માથું અને શેષ ભાગ પૂંછડી તરીકે ઓળખાય છે. પૂંછડીના તલસ્થ ભાગમાં રકાબી જેવું આધારબિંબ હોય છે. આધારબિંબ પરથી પુચ્છતંતુઓ નીકળે છે. વળી તેની નીચેના ભાગમાં કંટકો આવેલા હોય છે.

જીવાણુનાશકોના ચેપની બધા જીવાણુ યજમાન પર એકસરખી અસર હોતી નથી. નવા જીવાણુનાશક સંતાનની ઉત્પત્તિ દરમિયાન RNA- જીવાણુનાશકો ચેપ પામેલા યજમાનના કોષનું હંમેશાં લયન (lysis) કરે છે. DNA-જીવાણુનાશકો 2 પ્રકારના હોય છે. કેટલાક

જીવાણુનાશકો

જીવાણુનાશકો RNA-જીવાણુનાશકની જેમ યજમાનના લયન માટે જવાબદાર હોય છે. શેષ DNA-જીવાણુનાશક બે પ્રકારના હોય છે. એક પ્રકારમાં તેઓ જીવાણુનાશકનો પ્રતિરોધ કરી ચેપરહિત રહે છે. બીજા પ્રકારમાં જીવાણુનાશકના DNA યજમાનના રંગસૂત્રમાં ભળે છે. આ સંયુક્ત રંગસૂત્ર પ્રતિકૃતિ-વિધિ(replication method) દ્વારા નવા સંતાનને જન્મ આપે છે. આવી સંતતિ પ્રજનકથી જુદા કેટલાક નવા ગુણધર્મો ધરાવે છે.

પ્રમોદ રતિલાલ શાહ