જીવાણુથી થતો ઝાળ : ડાંગરના કે તેનાં પાનના સુકારા નામે પણ જાણીતો આ રોગ xanthomonas compestris pv.oryzae નામના જીવાણુથી થાય છે. ભારતમાં સૌપ્રથમ 1951માં જોવા મળ્યા પછી 1963થી ઘણાં રાજ્યોના ડાંગર ઉગાડતા વિસ્તારમાં વત્તાઓછા પ્રમાણમાં જોવા મળે છે. વધુમાં વધુ ફૂટના તેમજ કંટી આવવાના સમયે આ રોગનો હુમલો તીવ્ર થતો જોવા મળે છે. પાન ટોચના ભાગથી, બંને ધાર કે એક ધાર અથવા વચ્ચેના ભાગથી, ઊભી પટ્ટી આકારે સુકાય છે. તેની ધાર વાંકીચૂકી હોય છે. પાન બંને ધારોની ટોચથી ચીપિયા આકારે નીચે તરફ સુકાતું આવે છે. રોગના તીવ્ર ઉપદ્રવના કારણે આખું ખેતર જાણે સળગાવી મૂકેલું હોય તેવું સફેદ જણાય છે. આથી છોડની વધ અટકી જાય છે અને છોડ સુકાઈ જાય છે.
કાબૂમાં લેવાના ઉપાય : (1) ધરુ નાખતાં પહેલાં બીજને 20 લિટર પાણીમાં, 1.25 ગ્રામ સ્ટ્રેપ્ટોસાઇક્લિન વત્તા 12 ગ્રામ સેરેસાન વેટના મિશ્રણમાં 8થી 10 કલાક બોળી રાખી છાંયડે સૂકવ્યા બાદ ઉપયોગમાં લેવું. (2) રોપાણ ડાંગરમાં વધુમાં વધુ ફૂટ અને અને કંટી નીકળવાના સમયે 1.0 ગ્રામ સ્ટ્રેપ્ટોસાઇક્લિન અથવા 4 ગ્રામ પોસામાઇસિન વત્તા 10 ગ્રામ તાંબાયુક્ત દવા 20 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી રોગ કાબૂમાં આવે છે. (3) રોગવાળા ખેતરનું પાણી બાજુના ખેતરમાં જવા દેવું નહિ. (4) પાકમાં ભલામણ કરતાં વધારે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરવો નહિ. (5) રોગપ્રતિકારક શક્તિ ધરાવતી મસૂરી, રત્ના, આઈ.આર. 22, આઈ.આર. 28, આઈ.આર. 66, જી. આર. 103 જેવી જાતોની ખેતી કરવી.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ