જીવાજીવાભિગમસુત્ત : જૈન શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમગ્રંથોમાં ગણાતું ત્રીજું ઉપાંગ. તેના ટીકાકાર મલયગિરિએ તેને સ્થાનાંગસૂત્રનું ઉપાંગ ગણાવ્યું છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીર અને ગણધર ગૌતમના પ્રશ્નોત્તર રૂપે જીવ અને અજીવના ભેદપ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે. આ ઉપાંગ પર પૂર્વાચાર્યોએ ટીકાઓ લખી હતી પરંતુ તે ગંભીર અને સંક્ષિપ્ત હોવાથી દુર્બોધ હતી. આથી મલયગિરિ આચાર્યે વિસ્તૃત ટીકા રચી હતી. અનેક સ્થળોમાં વાચનાભેદ હોવાનો ઉલ્લેખ મલયગિરિએ કર્યો છે.

જીવાજીવાભિગમ સૂત્રમાં 9 પ્રતિપત્તિ (પ્રકરણો) અને 272 સૂત્રો છે. પ્રથમ જીવાજીવાભિગમ પ્રતિપત્તિમાં સંસારી જીવોના બે પ્રકાર ત્રસ અને સ્થાવર તેમજ તેના ભેદ દર્શાવ્યા છે. બીજા પ્રકરણમાં સંસારી જીવોના ત્રણ પ્રકાર તિર્યંચ–મનુષ્ય–દેવ દર્શાવ્યા છે. ત્રીજું પ્રકરણ સૌથી વિસ્તૃત છે તેમાં દેવો તથા દ્વીપો અને સાગરોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં અસ્ત્રશસ્ત્રો, ધાતુઓ, મદ્યના પ્રકારો, ભોજનાદિનાં વિવિધ પાત્રો, આભૂષણો, વિવિધ પ્રકારનાં ભવનો, વસ્ત્રો, મિષ્ટાન્નો, ગ્રામોના પ્રકારો, રાજાઓ અને દાસોના પ્રકારો, તહેવારો–ઉત્સવો, નટો, યાનો અનર્થકારણો, કલહના પ્રકારો, રોગો આદિ અનેક પ્રકારની સાંસ્કૃતિક સામગ્રી મળે છે.

ચોથા પ્રકરણમાં સંસારી જીવોના એકેન્દ્રિય આદિ પાંચ પ્રકારો, પાંચમા પ્રકરણમાં પૃથ્વીકાયિક આદિ છ પ્રકારો, છઠ્ઠા પ્રકરણમાં નૈરયિક આદિ જીવોના સાત પ્રકારો, સાતમા પ્રકરણમાં સંસારી જીવના આઠ પ્રકારો, આઠમા પ્રકરણમાં નવ પ્રકારો અને નવમા પ્રકરણમાં જીવોના સિદ્ધ-અસિદ્ધ આદિ પ્રકારો દર્શાવ્યા છે.

આમ જીવાજીવાભિગમ સૂત્ર જૈન ર્દષ્ટિએ જીવોનું વિવિધ રીતે વર્ગીકરણ કરી જીવો વિશે સૈદ્ધાંતિક નિરૂપણ કરતો આગમિક ગ્રંથ છે. આ ગ્રંથની આવૃત્તિ દે. લા. જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ દ્વારા 1919માં પ્રગટ થઈ હતી. તેની બીજી અનેક આવૃત્તિઓ પણ ઉલપબ્ધ છે.

રમણિકભાઈ મ. શાહ