જીવપેશીપરીક્ષણ (biopsy) : સજીવ પેશીનો ટુકડો કાપીને કે તેના કોષોને સોય વડે શોષી લઈને સૂક્ષ્મદર્શક વડે નિદાન કરવું તે. મૃત્યુ પછી જો પેશીનો આવો અભ્યાસ કરવામાં આવે તો તેને મૃતપેશી-પરીક્ષણ (necropsy) કહે છે. વ્યક્તિના શંકાસ્પદ રોગગ્રસ્ત ભાગમાંથી પેશીનો ટુકડો લેવા માટે કાં તો સ્થાનિક નિશ્ચેતના દ્વારા તે ભાગ બહેરો કરાય છે અથવા દર્દીને દવા આપીને બેહોશ કરાય છે. જો કોષો શોષી લેવા માટે ઇન્જેક્શનની સોય અને સિરિંજનો ઉપયોગ કરાયો હોય તો તેમાં સ્થાનિક નિશ્ર્ચેતના પૂરતી થઈ પડે છે. આ પ્રકારની તપાસને તનુસૂચિ અભિશોષી કોષવિદ્યા (fine needle aspiration cytology, FNAC) કહે છે.
જીવપેશીપરીક્ષણ અથવા પેશીપરીક્ષણના વિવિધ પ્રકારો હોય છે; દા.ત., સ્કવૅમસ સેલ કૅન્સરમાં કાપો મૂકીને નાનો ટુકડો લેવાય છે અથવા ચામડીની 1 સેમી.થી નાની ગાંઠને પૂરેપૂરી કાઢી નાખીને તપાસ કરાય છે. તેમને અનુક્રમે ફાચર-પેશીપરીક્ષણ (wedge biopsy) અથવા છેદક (incisional) પેશીપરીક્ષણ અને ઉચ્છેદક (excisional) પેશીપરીક્ષણ કહે છે. ગર્ભાશયના મુખના કૅન્સરમાં વક્રકાપ (punch) પેશીપરીક્ષણ કરાય છે. યકૃત (liver), મૂત્રપિંડ વગેરે અવયવોની ઘન ગાંઠમાં સોય નાખીને ટુકડો કપાય છે. તેને સૂચિકીય અથવા સૂચિકૃત પેશીપરીક્ષણ (needle biopsy) કહે છે. ગર્ભાશયની અંદરની દીવાલ કે હાડકામાંના પોલાણમાં ખોતરીને કરાતા પેશીપરીક્ષણને ખોતરણકૃત પેશી પરીક્ષણ (curettage biopsy) કહે છે. ગર્ભાશયની અંદરની દીવાલથી આ પ્રકારની તપાસને ગર્ભાશયના મુખનું વિસ્ફારીકરણ અને ખોતરણ (dilatation and curettage, D & C) કહે છે. સ્તન, લસિકાગ્રંથિ (lymphnode), ચામડી નીચેની નાની ગાંઠો (ગંડિકાઓ, nodules), ગલગ્રંથિ (thyroid gland), ફેફસું, સ્વાદુપિંડ (pancreas), પુર:સ્થ (prostate) ગ્રંથિ વગેરેમાંથી પાતળી સોય વડે કોષો અને પ્રવાહીનું અભિશોષણ (aspiration) કરવામાં આવે છે અને નિદાન માટે તેનો ઉપયોગ કરાય છે. પેટના પોલાણમાં ભરાયેલ પ્રવાહી (જળોદર, ascites), ફેફસાંની આસપાસના આવરણમાંના પોલાણમાં ભરાયેલ પ્રવાહી (પરિફેફસી તરલ, pleural fluid) કે પ્રવાહી ભરેલી પોલી કોષ્ઠ(cyst)ના પ્રવાહીને સોય વડે શોષીને તેની પણ તપાસ કરાય છે.
છેદક-પેશીપરીક્ષણ અથવા ફાચર-પેશીપરીક્ષણમાં કાપો મૂકીને પેશીનો નાનો ટુકડો લેવાય છે, જ્યારે ઉચ્છેદક પેશીપરીક્ષણમાં નાની ગાંઠને પૂરેપૂરી કાઢી તેનું પરીક્ષણ કરાય છે. સૌમ્ય ગાંઠ હોય તો ઉચ્છેદક-પેશીપરીક્ષણ વખતે ગાંઠ નીકળી જવાથી સારવાર પણ થઈ જાય છે. જો ગાંઠ કૅન્સરની હોય અથવા કાપેલા ટુકડાની કિનારીમાં રોગના કોષો હોય તો વધારાની સારવારની જરૂર રહે છે. છેદક પેશીપરીક્ષણ પછી હંમેશાં અન્ય સારવારની જરૂર રહે છે. પાતળી સોય વડે કરાતી અભિશોષી કોષવિદ્યાની તપાસના મુખ્ય ઉપયોગોમાં સ્તનની સૌમ્ય કે કૅન્સરગ્રસ્ત ગાંઠ, લસિકાગ્રંથિઓનો સોજો, લાળની ગ્રંથિમાં ગાંઠ, ગલગંડ (goitre), યકૃતના રોગો, બરોળના રોગો, પેટ કે પરિતનગુહાની પાછળ આવેલી ગાંઠો, સ્વાદુપિંડનું કૅન્સર, અસ્થિ કૅન્સર, સ્નાયુ અને અન્ય મૃદુપેશીનું કૅન્સર, પ્રૉસ્ટેટની ગાંઠ, ગળામાં ઉદભવતી કોષ્ઠ, લોહીના રોગોમાં અસ્થિમજ્જાનું પેશીપરીક્ષણ (bone marrow biopsy) વગેરેનું નિદાન મુખ્ય ગણાય છે.
કેટલાક વિશિષ્ટ સંજોગોમાં વિશિષ્ટ પ્રકારનાં પેશીપરીક્ષણો કરાય છે; દા.ત., ક્યારેક સ્તનના કૅન્સરમાં શારડીસમ પેશીપરીક્ષણ (drill biopsy), મૃદુ પેશીના કૅન્સરમાં છેદક-પેશીપરીક્ષણ, ફાટી ગયેલી ગાંઠની સપાટીને છોલી કાઢીને છોલણ-પેશીપરીક્ષણ (shave biopsy), ગાંઠના ટુકડાને કાચની તકતી પર દબાવીને તેના જે કોષો કાચની તકતી પર ચોંટે (સિક્કાની છાપ પડે તેવું) તેના વડે નિદાન કરવા માટે છાપ-પેશીપરીક્ષણ (imprint biopsy), અંત:દર્શક વડે જઠર કે શ્વાસનળીમાંની ગાંઠ પર પીંછી ફેરવીને તેના પર ચોંટતા કોષોની તપાસ કરી શકાય તેવું પીંછી-પેશીપરીક્ષણ (brush biopsy) વગેરે.
તનુસૂચિ અભિશોષી કોષવિદ્યા (FNAC) : આ પ્રક્રિયા માટે 20 મિલી.ની પ્લાસ્ટિકની એક વપરાશ પછી ફેંકી દેવાય એવી સિરિંજ (નિક્ષેપક) અને 21 ગૅજની સોય લેવાય છે. જો યકૃતની તપાસ હોય તો સોયનું માપ મોટું રખાય છે. અને જો હાડકાની તપાસ હોય તો સોયને સ્થાને છિદ્રક (trocar) વપરાય છે. તપાસ કરવાની જગ્યાની ચામડીને ચોખ્ખી કરી, જીવાણુનાશક દવા ચોપડીને તથા અન્ય જરૂરી પૂર્વઔષધો (premedications) આપીને તૈયારી પૂરી કરાય છે. સોયને ધીમેથી અને સહેજ ત્રાંસી રાખીને પ્રવેશ કરાવાય છે. તે સમયે સતત સિરિંજમાંના દાબક(plunger)ને પાછળની તરફ ખેંચી રાખીને અભિશોષણ કરાય છે જેથી પેશીમાં આગળ વધતી સોયમાં પેશીનું દળ અને કોષો પ્રવેશે. સોયને રોગગ્રસ્ત પેશીમાં 3થી 4 જુદી જુદી દિશામાં નાખવામાં આવે છે. ક્રિયા સમાપ્ત થાય એટલે ધીમેથી સોય બહાર કાઢાય છે અને અભિશોષણને ધીરે ધીરે બંધ કરાય છે. ચામડીના છિદ્રને થોડોક સમય બેન્ઝોઇનવાળા રૂ વડે દબાવી રખાય છે. સોય અને સિરિંજમાંનું દ્રવ્ય તપાસ માટેની કાચની તકતી
પર ફેલાવી દેવાય છે. ત્યારબાદ તેનું સ્થાપન (fixation) કરાય છે અને વિવિધ અભિરંજકો વડે રંગીને સૂક્ષ્મદર્શક વડે તપાસ કરાય છે.
પેશીપરીક્ષણ વખતે ક્યારેક આનુષંગિક તકલીફો પણ થાય છે; દા.ત., મૂર્ચ્છા આવવી, લોહીની ગાંઠ જામવી, ચેપ લાગવો, કૅન્સરનો ફેલાવો થવો, મૂત્રપિંડના પરીક્ષણ પછી પેશાબમાં અને ફેફસાંના પરીક્ષણ પછી ગળફામાં લોહી પડવું, ક્યારેક ફેફસાંની આસપાસ હવા ભરાવી વગેરે. જોકે આ બધી તકલીફો ક્યારેક જ થાય છે અને મહદ્અંશે સારવારથી શમે છે. ક્યારેક જો પહેલા પેશીપરીક્ષણ વખતે રોગનું નિદાન થઈ ન શકે તો તેને ફરીથી કરવી જરૂરી બને છે. આવું 5 %થી 10 % કિસ્સામાં બને છે.
શિલીન નં. શુક્લ