જીવન્તી (ડોડી) : આયુર્વેદિક ઔષધિ. સં. जीवन्ती; હિં. डोडी शाक; ગુ. ખરખોડી, શિરકસિયો, રાડારૂડી; મ. खिरखोडी, शिरदोडी; લૅ. Leptadena reticulata. આંખના રોગો ખાસ કરીને ર્દષ્ટિમંદતા, આંખના નંબરો, રતાંધળાપણું તથા નબળાઈનાં દર્દોમાં ડોડી આયુર્વેદની બહુ જ વિશ્વસનીય ઔષધિ છે. તે મધુર, સ્નિગ્ધ, શીતવીર્ય, મધુર વિપાકી, વાતપિત્તદોષશામક, હૃદ્ય, દાહશામક, વીર્યવર્ધક, બળપ્રદ, રસાયન, મૂત્રલ, ર્દષ્ટિશક્તિવર્ધક, રક્તપિત્તશામક, કફનિ:સારક તથા તાવ હણનારી છે. પેટની સ્તબ્ધતા, રુક્ષતા, ગ્રહણી, હૃદયની નિર્બળતા, ઉધરસ, શુક્રમેહ, મૂત્રકૃચ્છ્ર, પૂયમોહ (પરમિયો), ક્ષય, સોજા, રતાંધતા, વ્રણ (ચાંદો), ઝાડા, વીર્યસ્રાવ, યોનિકંદ, વિસ્ફોટ જેવાં દર્દો મટાડે છે. તેમાંથી બનતી ‘જીવન્ત્યાદિ ઘૃત’ નામની દવા કષ્ટસાદ્ય ક્ષય(ટી.બી.)ની ઉમદા ઔષધિ છે. જીવન્તી સત્વમાંથી બનતી leptadin દવા સ્ત્રીઓના ગર્ભાશયનું શોધન કરી, ગર્ભસ્થાપનમાં મદદ કરે છે. તે જ રીતે તે પુરુષના વીર્યવિકારો દૂર કરે છે. રતાંધળાપણાના રોગમાં તેનાં પાનનું શાક ઘીમાં બનાવી ખાવાથી રોગ મટે છે.
બળદેવપ્રસાદ પનારા