જીવન : બહારથી મેળવેલાં તત્વો વડે પોષણરક્ષણ અને સંચલન કરનારી પ્રજનનશીલ જીવંત પદાર્થોની અવસ્થા. વિષાણુ (virus) એક નિર્જીવ ન્યૂક્લિયોપ્રોટીનનો કણ છે; પરંતુ યોગ્ય સજીવ કોષના સંપર્કમાં આવતાં કોષમાં રહેલ જૈવિક ઘટકોની મદદથી વિષાણુ ક્રિયાશીલ બને છે અને પોતાના જેવા કણોનું સર્જન કરે છે.
સજીવોની વિશેષતાઓ : (1) ચયાપચય (metabolism) : ચય (anabolism) કોષમાં સંશ્લેષણાત્મક અને અપચય (catabolism) વિઘટનાત્મક પ્રક્રિયાઓ છે. આ બંને પ્રક્રિયાઓને સંયુક્ત રીતે ચયાપચય કહે છે. સજીવો રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જૈવી અણુઓ અને અણુઓમાં આવેલ કાર્યશક્તિનો ઉપયોગ કરી શકે છે અને ચયાપચયી પ્રક્રિયાઓ દ્વારા પોતાને જોઈતા શરીરરચનાલક્ષી ઘટકોનું ઉત્પાદન કરે છે. પરિણામે સજીવો વૃદ્ધિ સાધવા ઉપરાંત જીર્ણ થયેલ ભાગોનું પ્રતિસ્થાપન કરે છે. સજીવો જૈવિક કાર્યશક્તિને સૂર્યકિરણોમાંથી પ્રાપ્ત કરે છે. વનસ્પતિસૃષ્ટિ સૌર કિરણોમાં રહેલી કાર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે. બધા સજીવો તેનો ઉપયોગ જૈવી પ્રતિક્રિયાઓમાં કરતા હોય છે. ઑક્સિડેશન પ્રતિક્રિયાને અધીન મુક્ત થતી કાર્યશક્તિને ઉચ્ચ કાર્યશક્તિલક્ષી ઍડીનોસાઇન-ટ્રાઇ-ફૉસ્ફેટ (ATP) અણુમાં સંઘરવામાં આવે છે. ATPમાં સંઘરેલ કાર્યશક્તિને મુક્ત કરી સજીવો તમામ જૈવી ક્રિયાઓમાં તેનો ઉપયોગ કરે છે.
(2) ગતિ : બધા સજીવો એક યા બીજી રીતે હલનચલન કરતા હોય છે. વનસ્પતિમાં આ હલન આંતરિક છે (દા.ત., રસનું વહન). દિવસ દરમિયાન સૂર્યમુખી સૂર્યપ્રકાશ તરફ નમે છે, જ્યારે રાતરાણીનું ફૂલ રાતે ખીલે છે અને દિવસ દરમિયાન સંકોચાય છે. સ્પર્શ થતાંની સાથે લજામણીનાં પાંદડાંની પર્ણિકાઓ બિડાય છે. હલનચલન કરી પ્રાણીઓ ખોરાક મેળવે છે, સાથીના સંપર્કમાં આવે છે તેમજ સામાજિક જીવન વિતાવે છે.
(3) પ્રત્યાચાર : સજીવો પર્યાવરણના ફેરફારોથી ઉદ્દીપ્ત બની પ્રત્યાચાર દર્શાવે છે. વૃક્ષોનાં મૂળ જમીન અને પાણી તરફ આકર્ષાય છે. હરણ જેવાં વનસ્પત્યાહારી પ્રાણીઓ પોતાની જાતને બચાવવા હિંસક પ્રાણીઓથી દૂર ભાગે છે જ્યારે સિંહ જેવાં પ્રાણીઓ હરણ જેવાં પ્રાણીઓનું ભક્ષણ કરવા લલચાય છે. માનવી દુર્ગંધ પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે, જ્યારે સુવાસથી આકર્ષાય છે.
(4) વૃદ્ધિ : તાજા જન્મેલા સજીવો ક્રમશ: વૃદ્ધિ પામી પુખ્ત સ્વરૂપ પ્રાપ્ત કરે છે. વનસ્પતિસૃષ્ટિ પાણી, કાર્બન-ડાયૉક્સાઇડ જેવા સાદા અણુઓને સંકીર્ણ રૂપમાં ફેરવી પોતાની વૃદ્ધિ સાધે છે, જ્યારે પ્રાણીઓ વૃદ્ધિ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિસૃષ્ટિ પર અવલંબે છે.
(5) અનુકૂલન : પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણમાં રહેવા અનુકૂલન પામેલો છે અને પર્યાવરણમાં બદલાતાં પરિબળોને અનુકૂળ થવા પ્રયત્નશીલ રહે છે. જમીન પર વસતા સજીવો હવામાં રહેલ વાયુની મદદથી શ્વસનક્રિયા કરે છે, જ્યારે જળવાસી સજીવો શ્વસનક્રિયા માટે પાણીમાંના દ્રાવ્ય વાયુનો ઉપયોગ કરે છે. અનુકૂલન ક્ષણિક સમય માટે પણ હોઈ શકે છે. સમુદ્રસપાટીથી ઊંચાઈ, આબોહવા, વિવિધ સજીવોનું સામીપ્ય અને ખોરાક વગેરેમાં પ્રસંગોપાત્ત દેખાતા ફેરફારોથી પણ સજીવો અનુકૂળ થતા રહે તે અનિવાર્ય છે.
(6) પ્રજનન : સજીવો પ્રજનન દ્વારા જીવન ટકાવીને વંશવેલો ચાલુ રાખે છે. અજાતીય (asexual) કે જાતીય (sexual) – એમ બે પ્રકારનું પ્રજનન હોય છે. મોટે ભાગે નર અને માદા એવા બે પ્રજનનકોષોના (gamete) ફલનથી નવા સજીવો ઉદભવે છે. સામાન્યપણે માતા અને પિતા અનુક્રમે માદાકોષ અને નરકોષ પેદા કરે છે.
(7) રાસાયણિક જૈવી ઘટકો : સજીવોના શરીરના બંધારણના ભાગરૂપે અગત્યનાં તત્વો તરીકે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઑક્સિજન, ફૉસ્ફરસ અને ગંધક જેવા પરમાણુઓ તેમાં આવેલા છે. અલ્પ પ્રમાણમાં આવેલ પરમાણુઓમાં લોહ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, સોડિયમ, ક્લોરિન જેવાં તત્વોનો સમાવેશ થાય છે. સજીવોમાં આવેલા મોટા ભાગના અણુઓ કાર્બોદિતો, લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડોનાં કાર્બનિક સંયોજનો છે.
(ક) કાર્બોદિતો : કાર્બોદિતો મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન અને ઑક્સિજનના બનેલા છે અને તેમનું સામાન્ય સૂત્ર Cn(H2O)y હોય છે. કાર્બોદિતોના એકલકોને મૉનોસૅકેરાઇડ કહે છે. કાર્બોદિતો ઘણું-ખરું શારીરિક પ્રતિક્રિયાઓ માટે અગત્યની કાર્યશક્તિ પૂરી પાડે છે. જોકે કેટલાંક કાર્બોદિતો દેહરચના માટેના અણુઓની ગરજ સારે છે. દાખલા તરીકે વનસ્પતિકોષોમાં આવેલી કોષદીવાલમાં મુખ્ય ઘટક તરીકે સેલ્યુલૉસ કાર્બોદિત આવેલું છે.
(ખ) લિપિડો : મોટા ભાગના લિપિડો હાઇડ્રોકાર્બન શૃંખલાના ઍસિડ કે હાઇડ્રૉક્સિલ સ્વરૂપે આવેલા હોય છે, જે પાણીમાં અદ્રાવ્ય છે. સામાન્યપણે લિપિડો ચરબી અને વાનસ્પતિક તૈલોના બનેલા છે. ફૉસ્ફોલિપિડો અને સ્ટીરૉઇડને પણ અગત્યના લિપિડો તરીકે ઓળખાવી શકાય. અધિવૃક્ક (ઍડીનલ) અને જાતીય અંત:સ્રાવો અને કૉલેસ્ટેરૉલ સ્ટીરૉઇડ છે. મીણ પણ લિપિડનું એક સંયોજન છે.
(ગ) પ્રોટીનો : દેહરચનાના મુખ્ય ઘટકો તરીકે આવેલા પ્રોટીનના એકમો ઍમિનોઍસિડોના બનેલા છે. ઉત્સેચકો તરીકે આવેલાં સંયોજનો ઉદ્દીપકોની ગરજ સારે છે. પરિણામે જેવી પ્રતિક્રિયાઓનો વેગ અત્યંત ઝડપી બને છે. પ્રોટીનો રેસામય હોય કે ગોળાકાર; રેસામય પેશીઓમાં સ્નાયુતંતુ, રેશમ, વાળ, શ્વેત અને પીળા સંયોજક તંતુઓનો સમાવેશ થાય છે; જ્યારે ઉત્સેચકો, અંત:સ્રાવો, વિષકણો (toxins), પ્રતિપિંડો (antibodies) અને વાયુવાહી કણો ગોલકો રૂપે હોય છે.
(ઘ) ન્યૂક્લિઇક ઍસિડો : તે પ્રોટીનોના સંશ્લેષણને લગતી માહિતીનો સંગ્રહ અને સંચારણ કરે છે. ન્યૂક્લિઇક ઍસિડોના એકમોને ન્યૂક્લિયોટાઇડ કહે છે. પ્રત્યેક ન્યૂક્લિયોટાઇડમાં શર્કરા, પ્યુરિન અથવા પિરિમિડીન અણુ અને ફૉસ્ફોરિક ઍસિડ આમ 3 અણુઓ હોય છે. ન્યૂક્લિઇક ઍસિડ ડીઑક્સિરિબૉન્યૂક્લિઇક ઍસિડ (DNA) અને રિબૉન્યૂક્લિઇક ઍસિડ (RNA) – આમ 2 પ્રકારના હોય છે. આનુવંશિક લક્ષણોનાં સંચારણમાં અગત્યના ગણાતા ન્યૂક્લિઇક ઍસિડના અણુઓ જનીન-દ્રવ્ય તરીકે રંગસૂત્રોમાં અગત્યના ઘટકો બને છે અને પ્રજનકોની દેણગી રૂપે સંતાનોમાં ઊતરે છે. તે આનુવંશિક માહિતીનું સંકેતો રૂપે વહન કરે છે. DNAના અણુઓ RNAના અણુઓનું સંશ્લેષણ કરે છે. RNAના અણુઓ કોષરસમાં પ્રસરી સંકેતોને અધીન પ્રોટીનોનું ઉત્પાદન કરે છે.
અન્ય ગ્રહો પર સજીવોનું સંભાવ્ય અસ્તિત્વ : રાસાયણિક ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ પર્યાવરણનાં વિશિષ્ટ ભૌતિક અને રાસાયણિક પરિબળોને અધીન રહીને સજીવોની ઉત્પત્તિ શક્ય બને છે. તેથી વિશ્વના અન્ય ગ્રહો પર પણ સજીવોનું અસ્તિત્વ નકારી શકાય તેમ નથી. અન્ય ગ્રહો પર આવેલ સંભાવ્ય સજીવોના અસ્તિત્વ વિશેના સંશોધનને લગતા વિજ્ઞાનને બાહ્યજીવનશાસ્ત્ર (exobiology) કહે છે.
કદાચ શુક્ર અને મંગળ પર સજીવો રહેતા હશે એવી એક જૂની માન્યતા હતી. પરંતુ 1960ના અરસામાં રશિયા અને અમેરિકાએ કરેલ સંશોધન મુજબ શુક્ર પર આવેલાં પરિબળો એ જૂની પ્રચલિત માન્યતા મુજબના જીવનને પોષી શકે તેવાં નથી. 1976માં અમેરિકાએ વાઇકિંગ I અને II ઉપગ્રહનું ઉતરાણ મંગળ પર કર્યું હતું. આ ઉપગ્રહોએ મોકલેલ સંકેતો મુજબ મંગળની જમીનમાં અત્યંત ઉચ્ચ કાર્યશક્તિવાળાં રાસાયણિક દ્રવ્યો આવેલાં છે જે જીવનના અસ્તિત્વ માટે અનુકૂળ નથી.
બર્નાર્ડના તારા જેવા અન્ય સૂર્યમંડળોના ભાગ રૂપે આવેલા કેટલાક ગ્રહો એવા પણ હશે કે જેનાં પરિબળો સજીવ સૃષ્ટિની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ માટે સાનુકૂળ હોય; પરંતુ અવકાશમાં પૃથ્વીથી અત્યંત દૂર આવેલા એ ગ્રહોથી માનવો સાવ અપરિચિત છે. તેથી તેવા ગ્રહો પર સજીવોનું અસ્તિત્વ છે કે નહિ તે કેવળ અટકળનો વિષય જ છે. પરંતુ એવા કોઈ એક કે વધુ ગ્રહો પર બુદ્ધિશાળી સજીવોના અસ્તિત્વની શક્યતા ધ્યાનમાં રાખી, અત્યંત દૂરથી સંભાવ્ય સંસ્કૃતિ દ્વારા મોકલવામાં આવતા સંદેશાને ઝીલવાના અથાક પ્રયત્નો થઈ રહ્યા છે.
મ. શિ. દૂબળે