જીવજનન (biogenesis) : માત્ર સજીવો નવા સજીવોને જન્મ આપી શકે છે, આવા મતનું પ્રતિપાદન કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ ક્યારેય નિર્જીવ ઘટકોમાંથી સ્વયંસ્ફુરણથી સજીવ જન્મ પામતા નથી. અગાઉ એવી માન્યતા હતી કે નિર્જીવ ઘટકોમાંથી સ્વયંપરિવર્તન દ્વારા નવા સજીવો જન્મે છે. આ ભ્રામક સિદ્ધાંતને અજીવજનનવાદ (abiogenesis) કહેતા; પરંતુ લૂઈ પાશ્ચરના પ્રયોગોએ અજીવજનનવાદ સાવ નિરાધાર છે તેની સાબિતી આપી. જીવજનનવાદના સમર્થન રૂપે પાશ્ચરે એક ચંબુમાં ખાદ્ય પદાર્થોનું મિશ્રણ કરી તેને લાંબા સમય સુધી ઉકાળ્યું; પણ આ મિશ્રણમાંથી સૂક્ષ્મજીવો ઉત્પન્ન ન થયા. અગાઉ 1668માં એફ. રેડીએ ઇયળો સ્વયંસ્ફુરણથી જન્મ પામતી નથી તેની સાબિતી પ્રયોગો દ્વારા આપી હતી. ત્યાર બાદ લાઝારો સ્પાલ્લાંઝાનીએ સૂક્ષ્મજીવોનું ઉત્પાદન સંવર્ધન માધ્યમ(culture medium)માં અટકાવી શકાય તેના સમર્થન માટે પ્રયોગો કર્યા હતા.
‘જીવજનનવાદ’ શબ્દનો પ્રયોગ જીવજનીનીય (biogenetic) અથવા પુનરાવર્તન (recapitulation) સિદ્ધાંતને સમજાવવા માટે પણ કરવામાં આવે છે. ગર્ભવિકાસ દરમિયાન ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓ પુનરાવર્તન દ્વારા વિવિધ પૂર્વાવસ્થામાંથી પસાર થઈને જાતિવિકાસ(phylogeny)ને અનુસરે છે; દાખલા તરીકે, માનવનો ગર્ભ માછલીની ઝાલર, છિદ્રાવસ્થા, પુચ્છાવસ્થા જેવી વિવિધ અવસ્થામાંથી પસાર થઈને માનવસ્વરૂપના વિકાસને અનુસરે છે.
ગજેન્દ્રવન ના. ગોસાંઈ