જીદ, આન્દ્રે (જ. 22 નવેમ્બર 1868, પૅરિસ; અ. 19 ફેબ્રુઆરી 1951 પૅરિસ) : 1947નું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રસિદ્ધ ફ્રેંચ નવલકથાકાર, નાટ્યકાર, વિવેચક અને ડાયરીલેખક. પિતા યુનિવર્સિટી પ્રોફેસર અને કાકા ચાર્લ્સ જીદ રાજકારણ અને અર્થશાસ્ત્રના અભ્યાસી. નાનપણથી જ નાજુક તબિયતના હોવાથી તેમને અભ્યાસમાં પણ ખૂબ અડચણ પડેલી. અત્યંત શ્રીમંત કુટુંબમાં ઊછરેલા તેથી રોજીરોટીની ચિંતા વિના લેખનપ્રવૃત્તિને જીવનનું લક્ષ્ય બનાવી શક્યા. 1891માં તેમનું સર્વપ્રથમ પુસ્તક ‘‘ ‘લા કૅશિયર્સ દ’ આન્દ્રે વૉલ્ટર’’ લેખકના નામ વિના પ્રગટ થયું તે પુસ્તકથી જ માલાર્મે અને વૅલરી જેવા પ્રતીકવાદી લેખકોની તેમના ઉપરની અસર છતી થાય છે; 1896માં ‘લા પૉલ્યુડ્ઝ’ (અંગ્રેજી અનુવાદ ‘માર્શલૅન્ડ્ઝ’, 1953) લખાયું તેમાં સાહિત્યમાં પ્રણાલિકાવાદ સામે તેમણે ભારે કટાક્ષો કર્યા છે.
1893થી 1896 દરમિયાન ઉત્તર આફ્રિકાની મુલાકાત પછી તત્કાલીન સામાજિક, નૈતિક અને જાતીયતા અંગેની રૂઢિઓ ભેદીને તેમાંથી મુક્ત થવાનો તેમનો નિર્ધાર મક્કમ બનતો ચાલ્યો. આ સમય દરમિયાન ઑસ્કર વાઇલ્ડ અને આલ્ફ્રેડ ડગ્લાસના સંસર્ગમાં તેઓ આવ્યા અને તેમના પ્રભાવ નીચે નૈતિકતાનાં આવરણોને ફગાવી દઈ સ્વેચ્છા મુજબનું મુક્ત જીવન જીવવાની વિચારધારા વધુ પુષ્ટ બની. ઉછેર ચુસ્ત પ્રૉટેસ્ટન્ટ કુટુંબમાં હોવાથી ચોક્કસ પ્રકારનાં નૈતિક મૂલ્યોના આગ્રહો સામે ઝઝૂમતા રહીને તેના વાડાને ભેદી કશોક નવો વિચાર પ્રગટ કરવાની મથામણ પોતે જીવનભર કરતા રહ્યા. તેને કારણે ભારે વિવાદના વંટોળમાં જીદ ફંગોળાતા રહ્યા.
1895માં આન્દ્રે જીદ મૅડેલીન રૉન્ડૉક્સ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. પણ પત્ની ચુસ્ત ખ્રિસ્તી મૂલ્યોની આગ્રહી અને પતિ મુક્ત જીવનની તીવ્ર ઝંખનાવાળા હોવાથી દાંપત્યજીવન સંઘર્ષમય બનતું ચાલ્યું. તેમાંય આન્દ્રે જીદના સજાતીય સંબંધોના વલણને કારણે બળતામાં ઘી હોમાયું. આ પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડતો તેમનો નિબંધ ‘મૅડેલીન’ વાચકોનાં હૃદયને હચમચાવી નાખે તેવો છે.
1897માં જીદે લખેલી અને 1949માં ‘ફ્રૂટ્સ ઑવ્ ધ અર્થ’ શીર્ષક હેઠળ અંગ્રેજીમાં અનૂદિત થયેલી કૃતિમાં કાલ્પનિક યુવાનને લક્ષમાં રાખી લખાયેલ ઊર્મિસભર લખાણો નોંધપાત્ર છે. તેમાં યુવાનને ખ્રિસ્તી અપરાધભાવથી છુટકારો મળે તે માટે તેને સમજાવવાનો પ્રયાસ અને તેમાં પ્રામાણિકતા અને સ્વતંત્રતાનો ખ્યાલ પુષ્ટ કરવાની સતત મથામણનું નિરૂપણ છે. તેમની બીજી કૃતિ ‘લા નૉવેલે નૉરીચ્યુર્સ’ (1935) પણ આ જ વિષયવસ્તુને નિરૂપે છે.
વીસમી સદીની શરૂઆતમાં જીદે ત્રણ વિશિષ્ટ કૃતિઓનું સર્જન કર્યું જેને તે ‘રિસાઇટ્સ’ તરીકે ઓળખાવે છે : (1) ‘ધ ઇમ્મૉરાલિસ્ટ’ (1902), (2) ‘સ્ટ્રેઇટ ઇઝ ધ ગેઇટ’ (1909) અને (3) ‘ઇસાબેલા’ (1911). આ ત્રણ વક્રોક્તિયુક્ત લઘુનવલો છે જેમાં એક પાત્રના ર્દષ્ટિબિંદુથી કથન આગળ વધે છે. ‘સ્ટ્રેઇટ ઇઝ ધ ગેઇટ’માં નાયક અને નાયિકા તેમના પ્રેમનો પરિતોષ પામી શકતાં નથી, કારણ કે ધાર્મિક સિદ્ધાંતો તેમને તેમ કરતાં રોકે છે. આ ત્રણ કૃતિઓમાં પ્રસ્થાપિત નૈતિક મૂલ્યો સામે વિદ્રોહની વાત છે.
પોતાની કૃતિઓમાં જીદના સામ્રાજ્યવાદ, સામ્યવાદ, સજાતીય સંબંધો, સાંપ્રત ન્યાયપ્રણાલી વગેરે અંગેના વિચારો વિવાદાસ્પદ અને પ્રણાલિકાગ્રસ્ત સમાજને આંચકો આપે તેવા રહ્યા છે. તેમનાં લખાણોમાં પોતાના અંતરમાં ચાલી રહેલ આસ્તિકતા અને નાસ્તિકતા વચ્ચેનો સંઘર્ષ તથા નિત્શેની વિચારધારા અને બાઇબલના વિચારો બંને માટે અહોભાવનું દ્વંદ્વ પ્રગટ થતું રહ્યું છે. આંતરિક જીવનનાં આ બે ધ્રુવબિંદુઓ વચ્ચેની ખેંચતાણ અને તેમાંથી જન્મતો તણાવ તેમનાં લખાણોમાં પ્રતિબિંબિત થયો છે.
પ્રથમ વિશ્વયુદ્ધ પછીનાં તેમનાં લખાણોમાં આત્મનિરીક્ષણ વધુ જણાય છે. ધાર્મિક માન્યતાઓને પડકારવાની વૃત્તિમાંથી છેવટે તે નાસ્તિકતા તરફ ઢળે છે. 1919માં લખાયેલ કૃતિ ‘કૉરિડૉન’ અને 1926માં લખાયેલ ‘ધ કાઉન્ટરફીટર્સ’માં તેનું પ્રતિબિંબ છે. 1926માં જીદે ફ્રેંચ ઇક્વેટૉરિયલ આફ્રિકાની મુલાકાત લીધી. આ મુલાકાત તેમનો ર્દષ્ટિકોણ વિશાળ કરવામાં અને બહારના વિશ્વના સામાજિક પ્રશ્ર્નો પરત્વે તેમનું ધ્યાન દોરવામાં મહત્વની ગણાય છે. ત્યાંથી પાછા ફરીને તેમણે ‘વૉયેજ ઑવ્ કાગા’ (1927) અને ‘રીટૂઅર ટૂ ચાડ’ (1928) લખી. બંનેમાં ફ્રેંચ સામ્રાજ્યવાદ અને આફ્રિકન પ્રજાના શોષણ અંગે ભારે ટીકા છે. જીદનો સામ્યવાદ સાથે થોડોક સમય નાતો જોડાયેલો પણ 1936માં રશિયાની મુલાકાત દરમિયાન નિર્ભ્રાન્ત થઈને તે તેમાંથી છૂટા પડેલા.
જીદની અત્યંત નોંધપાત્ર કૃતિ ‘જર્નલ’ (1939–50) પોતાના 80 વર્ષના જીવનકાળ દરમિયાન થયેલા અનુભવો, તેમના પ્રતિભાવ વગેરે અંગેના લેખોનું સંકલન છે. તેમાં પ્રગટ થયેલાં લખાણોમાં જીવનનાં જુદાં જુદાં પાસાં અંગેનું તેમનું ચિંતન અને જીવન તરફનો તેમનો ર્દષ્ટિકોણ પારદર્શક રીતે જોઈ શકાય છે. આ પ્રતિભાશાલી સાહિત્યસ્વામીનું નિધન 1951માં થયા પછી 1952માં તેમનાં લખાણોનું ‘જર્નલ’ની પ્રતિ રૂપે મરણોત્તર પ્રકાશન કરવામાં આવેલું.
‘ધ યુથ ઑવ્ આન્દ્રે જીદ’ (1963) અંગ્રેજીમાં લખાયેલું (મૂળ ફ્રેંચમાં) માનવશાસ્ત્રીય વિશ્લેષણ કરતું જીવનચરિત્ર છે. જસ્ટિન ઓ’બ્રિયને ‘પોટ્રેટ ઑવ્ આન્દ્રે જીદ’ (1977 – દ્વિતીય આવૃત્તિ) પ્રસિદ્ધ કર્યું છે.
પંકજ જ. સોની
વિ. પ્ર. ત્રિવેદી