જિહોવાના સાક્ષીઓ : ચાર્લ્સ ટેઝ રસેલે પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.માં 1872માં શરૂ કરેલા ‘આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થી સંમેલન’માંથી વિકસેલી સંસ્થા. જોકે જિહોવાના સાક્ષીઓ એવું નામાભિધાન તો રસેલના અનુગામી જૉસેફ ફ્રૅન્કલિન રુથરફૉર્ડે કર્યું. તેમના અનુગામી નાથાન હોમર નૉરે ‘વૉચ ટાવર બાઇબલ સ્કૂલ ઑવ્ ગિલ્યાદ’ની સ્થાપના કરી.
અન્ય સંપ્રદાયોમાંથી અને રાજકારણથી તે પોતાને તદ્દન અળગા રાખે છે. કારણ તેમને મતે એ સઘળું આડકતરી રીતે શેતાનની સાથે જોડાયેલું છે. તેમનું એકમાત્ર ધ્યેય ઈશ્વરના રાજ્યની સ્થાપના છે. તેઓ માને છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું રાજ્ય સ્થાપનાર ઈશ્વરના કાર્યકર છે. સાક્ષીઓ કિંગ્ડમ હૉલ નામના આવાસમાં મળે છે. બેવફાઈના કિસ્સાને બાદ કરતાં, છૂટાછેડા તેમજ રક્તદાનનો વિરોધ કરે છે. વાણી અને વર્તનની સ્વતંત્રતા પર ખાસ ભાર મૂકે છે. દરેક સાક્ષીએ અઠવાડિયાના 5 કલાક કિંગ્ડમ હૉલમાં અને 5 કલાક ઘેર ઘેર જઈને એ ઉપદેશ આપવાનો હોય છે. કેટલાક સાક્ષીઓ ખંડસમયના અથવા પૂર્ણ સમયના કાર્યકરો છે. સાક્ષી બનવા માટે સૌપ્રથમ સ્નાનસંસ્કાર નામની બાહ્યક્રિયાનો અને ત્યારબાદ નીતિમય જીવનનો આગ્રહ રાખવામાં આવે છે. તેઓ ઘણું સાહિત્ય પ્રકાશિત કરે છે; તેમાંનાં બે સામયિકો ‘વૉચ ટાવર’ અને ‘અવેક’ બહોળો વાચકવર્ગ ધરાવે છે.
જેમ્સ ડાભી