જિલ્લાપંચાયત : ભારતમાં રાષ્ટ્રીય વિકાસ સમિતિની એકપેટા સમિતિ, ‘કમિટી ઑન પ્લાન પ્રૉજેક્ટ્સ’એ 16 જાન્યુઆરી, 1957ના રોજ ‘શક્ય એટલી કરકસર કરવા તથા ઢીલ અને બિનકાર્યક્ષમતાને લીધે થતા બગાડને અટકાવવા’ના ખ્યાલથી સામુદાયિક વિકાસ-યોજનાઓનો અભ્યાસ કરવા એક અભ્યાસજૂથની રચના કરી, જેના અધ્યક્ષ તરીકે બળવંતરાય મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિએ ઘણી જહેમત લઈને પોતાનો અહેવાલ તૈયાર કર્યો અને પોતે કરેલી ભલામણોને આખરી સ્વરૂપ આપીને તેને નવેમ્બર 1957માં કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યો. તેનો કેન્દ્ર સરકારે મે, 1958માં સ્વીકાર કર્યો.
આ સમિતિએ લોકશાહી વિકેન્દ્રીકરણની વિભાવનાવાળા પંચાયતી રાજની સ્થાપના કરવાની ભલામણ કરી. આવા પંચાયતી રાજના ખ્યાલને વધુ સ્પષ્ટ કરતાં સમિતિએ જણાવ્યું કે માત્ર સત્તાની સોંપણી કરવાથી સત્તાનું વિકેન્દ્રીકરણ થતું નથી, કારણ કે જે અધિકારીને સત્તાની સોંપણી કરવામાં આવે છે તેના ઉપરથી સરકારનો અંકુશ ઊઠી જતો નથી; જ્યારે વિકેન્દ્રીકરણ એ એવી પ્રક્રિયા છે જેમાં સરકાર કેટલીક ફરજો અને કાર્યો બીજી સંસ્થાને સુપરત કરે છે. ઉપરાંત એ તદ્દન સાચું છે કે જ્યાં સુધી આવકનાં સાધનો ઉપરનો કાબૂ આ સંસ્થાને સોંપવામાં ન આવે ત્યાં સુધી જવાબદારીની સંપૂર્ણ સોંપણી થતી નથી. અહીં સંપૂર્ણ સોંપણીનો અર્થ એટલો જ કે કાયદા હેઠળ આવકનાં અમુક સાધનોનું વિકેન્દ્રીકરણ કરીને આવી સંસ્થાઓને મજબૂત બનાવી શકાય. કમિટીએ વધુમાં જણાવ્યું કે તાજેતરનાં વર્ષો દરમિયાન રાજ્યના નીચેના સ્તરોએ જવાબદારી અને અધિકારનું વિકેન્દ્રીકરણ થયું નથી. જો તે થાય તો જ આ સંસ્થાઓ પોતાનો વિકાસ સુયોગ્ય રીતે સાધી શકે. મહેતા સમિતિની આ પ્રકારની ભલામણોને લીધે ‘પંચાયતી રાજ’ વ્યવસ્થાનો જન્મ થયો. આ પંચાયતી રાજનું માળખું ત્રિ-સ્તરીય રાખવામાં આવ્યું જ્યાં સૌથી નીચે ગ્રામપંચાયત, વચમાં તાલુકાપંચાયત અને ટોચ ઉપર જિલ્લા-પંચાયત.
આ રીતે જોઈએ તો પંચાયતી રાજના ત્રિ-સ્તરીય માળખામાં જિલ્લાપંચાયત સૌથી ઉપરના સ્તરે આવે છે.
જિલ્લાકક્ષાએ આવેલી (જિલ્લા)પંચાયતનાં કાર્યો અને સત્તા બધાં રાજ્યોમાં એકસરખાં નથી. જિલ્લાપંચાયતની રચના અંગે બે પ્રકારનાં મંતવ્યો રજૂ થયાં છે. એક, જિલ્લાપંચાયતને ટોચના સ્તરની સંસ્થા તરીકે મજબૂત બનાવીને તેને વહીવટી કાર્યો તથા સત્તા સોંપવી, બીજા મંતવ્ય મુજબ જિલ્લાપંચાયતને ફક્ત દેખરેખ અને સંકલનનું કાર્ય સોંપવું, તેને કોઈ વહીવટી અધિકાર સોંપવો નહિ. ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રથમ ર્દષ્ટાંત પૂરું પાડે છે. સમગ્ર દેશમાં સત્તા અને કાર્યની ર્દષ્ટિએ ગુજરાત અને મહારાષ્ટ્રની જિલ્લાપંચાયતો સૌથી સત્તાશાળી ગણાય છે. જ્યારે બીજી બાજુ રાજસ્થાન, તમિળનાડુ, અસમ, મધ્યપ્રદેશ, ઓરિસા અને બિહાર જેવાં રાજ્યોમાં જિલ્લાપંચાયત ફક્ત દેખરેખ અને સંકલનનું કાર્ય કરે છે. જોકે મહેતા કમિટીએ જિલ્લાપંચાયતને માત્ર સંકલન કરનાર સંસ્થા તરીકે કલ્પી હતી.
જિલ્લાપંચાયતને જુદાં જુદાં રાજ્યોમાં જુદાં જુદાં નામથી ઓળખવામાં આવે છે; જેમ કે, જિલ્લાપરિષદ, જિલ્લા વિકાસ સમિતિ જિલ્લા પંચાયત વગેરે. જિલ્લાપંચાયતમાં કેટલીક ફરજિયાત સમિતિઓ હોય છે તો કેટલીક મરજિયાત. જિલ્લાપંચાયતની કુલ કેટલી સમિતિઓ રચવી, જિલ્લાપંચાયતની સમયમર્યાદા, સમિતિઓની સભ્યસંખ્યા કેટલી રાખવી, જિલ્લાપંચાયતના સભ્યોની ચૂંટણી કેવી રીતે કરવી, પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી કરવી વગેરે તમામ બાબતોની રાજ્યસરકાર પોતાની પરિસ્થિતિને અનુકૂળ રહીને જ ગોઠવણ કરે છે. તેવી જ રીતે જિલ્લાપંચાયતના પ્રમુખની તેમજ ઉપપ્રમુખની ચૂંટણી-પદ્ધતિ પણ રાજ્યસરકાર નક્કી કરે છે, તેથી ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં આ બધી બાબતોમાં મોટા પાયા ઉપર તફાવત જોવા મળે છે. જિલ્લાપ્રમુખને પણ જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જિલ્લાપંચાયતમાં કેટલાક સભ્યોની પણ નિયુક્તિ કરવામાં આવે છે.
જિલ્લા પંચાયતને કેટલાંક આવકનાં સાધનો ફાળવવામાં આવેલાં છે તેમજ રાજ્યસરકાર તરફથી અનુદાન મળે છે. લગભગ તમામ પ્રકારની રાષ્ટ્રીય યોજનાઓ અને રાજ્યસરકારે તૈયાર કરેલી યોજનાઓ જિલ્લાપંચાયત દ્વારા ગ્રામસ્તર સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે. તેવી જ રીતે આ યોજનાઓ સફળ થાય તે પ્રકારનું વહીવટી માળખું ગોઠવવામાં આવે છે. તે તેની આવકમાંથી પોતાના ક્ષેત્રની તાલુકાપંચાયતો અને ગ્રામપંચાયતોના વિકાસ માટે નાણાં ફાળવે છે અને જરૂરી માર્ગદર્શન આપે છે. આ જિલ્લા પંચાયતના તમામ વહીવટની નીતિ જિલ્લાપંચાયતના ચૂંટાયેલા સભ્યો નક્કી કરે છે અને જિલ્લાના વિકાસ માટે સહકારથી જિલ્લાપંચાયત પ્રયત્નો કરે છે. સમગ્ર જિલ્લામાં શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થાય, ખેત-ઉત્પાદન વધે, લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે, જાહેર આરોગ્ય, પશુ-સંવર્ધન, યુવાનોને યોગ્ય તક આપી નવી નેતાગીરી તૈયાર કરવી વગેરે વિકાસને લગતી કાર્યવાહી કરે છે. ઉપરાંત કુદરતી આફતોના સમયે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોને જરૂરી સહાય અને માર્ગદર્શન આપી લોકહિતનાં કાર્યો કરે છે. જિલ્લાપંચાયતની રચના માટે જિલ્લામાં મતદાન કરવાની લાયકાત ધરાવતા મતદારો જિલ્લા-પંચાયતના સભ્યોને ચૂંટે છે. ચાર લાખથી વધુ ન હોય તેવી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં પંચાયત 17 સભ્યોની બને છે. ચાર લાખથી વધુ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં દર એક લાખે બે વધારે સભ્યો ચૂંટાય છે. આમ જિલ્લાપંચાયતના સભ્યોની સંખ્યા 17થી 31ની રહે છે. આ સભ્યો પૈકી મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રહે છે. જિલ્લાની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યો માટે બેઠકો અનામત રખાય છે. જિલ્લાપંચાયતની કુલ બેઠકોના 10 ટકા બેઠકો સામાજિક શૈક્ષણિક ર્દષ્ટિએ પછાત વર્ગો માટે અનામત રાખવાની હોય છે. જિલ્લાપંચાયતના કોઈ પણ હિસ્સામાંથી ચૂંટાયેલા વિધાનસભ્ય જિલ્લાપંચાયતના કાયમી નિયંત્રિત સભ્ય ગણાય છે. તેઓ બેઠકોમાં હાજર રહી, ભાગ લઈ, ચર્ચા-વિચારણા કરી શકે છે પણ તેઓ આ બેઠકોમાં મતાધિકાર ધરાવતા નથી.
ગુજરાત રાજ્ય પૂરતી ચર્ચા કરીએ તો જિલ્લાપંચાયતમાં તાલુકા-પંચાયતના પ્રમુખો હોદ્દાની રૂએ સભ્ય બને છે, દરેક તાલુકા-પંચાયતના સભ્યોમાંથી એક ચૂંટાયેલ સભ્ય, દરેક તાલુકામાંથી બે સભ્યો સીધી રીતે ચૂંટાઈને આવી શકે. સ્ત્રીઓ, અનુસૂચિત જાતિઓ, જનજાતિ વગેરે માટે અનામત બેઠકો રાખવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લામાંથી ચૂંટાયેલા લોકસભા અને ધારાસભાના સભ્યો, જિલ્લામાં રહેતા રાજ્યસભાના સભ્ય, જિલ્લા કલેક્ટર વગેરે તેમાં સંબદ્ધ (associate) સભ્ય તરીકે કામ કરે છે.
જિલ્લાપંચાયતમાં નીચે જણાવેલી સમિતિઓ રચવાનું ફરજિયાત છે : કારોબારી સમિતિ, ઉત્પાદન અને સહકાર સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, નાણાસમીક્ષા સમિતિ. આ તમામ સમિતિઓ પોતપોતાનાં ક્ષેત્રોમાં સરકાર દ્વારા વિકેન્દ્રિત થયેલાં અને ખાસ સોંપાયેલાં કાર્યો બજાવવામાં જિલ્લાપંચાયતને મદદરૂપ નીવડે છે. તેમના નિર્ણયો ભલામણના સ્વરૂપમાં હોય છે, જેનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની આખરી સત્તા જિલ્લાપંચાયત ધરાવે છે.
પંચાયતી રાજના ટોચના સ્તરે કામ કરતી આ જિલ્લાપંચાયતમાં જિલ્લાપંચાયત-પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી જિલ્લાપંચાયતના ચૂંટાયેલા સભ્યો કરે છે. તેઓ જિલ્લાવિકાસ અધિકારીની મદદથી જિલ્લાપંચાયતનો વહીવટ ચલાવે છે. પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ તેમની ફરજો બજાવે છે. જિલ્લાપંચાયતના મુખ્ય અધિકારી તરીકે જિલ્લાવિકાસ અધિકારીની નિમણૂક થાય છે, જેઓ આઈ. એ. એસ. કક્ષાના અધિકારી હોય છે. જિલ્લાપંચાયતને સુપરત થયેલાં તમામ કાર્યો તથા જિલ્લાપંચાયતે લીધેલા નિર્ણયો અંગેનાં તમામ વહીવટી પગલાં લેવાં વગેરે જવાબદારી તેમની ગણાય છે. જિલ્લાપંચાયતના મુખ્ય અધિકારી તરીકે તેઓ બીજા અધિકારીઓને અને પદાધિકારીઓને પંચાયતના સંચાલનમાં મદદ કરે છે. તેમની દેખરેખ, અંકુશ અને માર્ગદર્શન મુજબ અહીં જણાવેલ અધિકારીઓ જિલ્લા કક્ષાએ કાર્ય કરે છે : નાયબ જિલ્લાવિકાસ અધિકારી, જિલ્લા ખેતવાડી અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી અને કુટુંબનિયોજન અધિકારી, જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, કાર્યપાલક ઇજનેર, જિલ્લા પશુસંવર્ધન અધિકારી, જિલ્લા સમાજકલ્યાણ અધિકારી, જિલ્લા-શાસનાધિકારી વગેરે હોય છે. આ રીતે જોઈએ તો જિલ્લાપંચાયતનાં કાર્યોની યાદી ઘણી વિશાળ અને વ્યાપક છે. આ કાર્યો પાર પાડવા માટે તેને નાણાકીય સાધનો પણ વિવિધ રીતે મળે છે. બદલાતા પ્રવાહો સાથે પંચાયતો કદમ મિલાવી શકે તે માટે રાજ્યસરકારો દ્વારા પણ પંચાયતી રાજમાં સુધારાવધારા થતા રહે છે.
કેન્દ્રસરકારે ભારતના બંધારણમાં પંચાયતી રાજ અંગેનો 73મો બંધારણીય સુધારો કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે. તેની પાછળનો હેતુ ગ્રામ, તાલુકા અને જિલ્લાસ્તરે આ પંચાયતી સંસ્થાઓને પૂરતા અધિકારો, સત્તાઓ, સાધનો ઉપલબ્ધ બને તે છે. બદલાતા જતા પ્રવાહો સાથે પંચાયતી રાજ કદમ મેળવી શકે તેવો આશય પણ તેમાં રહેલો છે.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા