જિરાર્ડિનિયા : જિરાર્ડિનિયા ઝાયલેનિકા નામની આ વનસ્પતિ અર્ટીકેસી કુળમાં આવે છે. નીચા ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. તેનાં પર્ણો 6-18 સેમી. વ્યાસ ધરાવે છે. પહેલાં અંડાકાર અથવા અર્ધગોળ, અર્ધવલયાકાર, આખા અથવા 3-5 ખંડીય જે ઉપર દાહક રોમો આવેલાં હોય છે. પુષ્પો ઑક્ટોબરથી માર્ચ મહિનામાં પરિમિત પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં જોવાય છે. નર અને માદા પુષ્પો જુદાં હોય છે, પણ બંનેમાં દાહક રોમો આવેલાં હોય છે. ફળ આડું, એફીન કે ચર્મફળ 0.25થી 0.3 સેમી. લાંબાં, તિર્યક, વ્યસ્ત આકાર(oblique)નાં અને દબાયેલાં હોય છે. ‘આગિયા’ તરીકે ઓળખાતી દાહક વનસ્પતિ સામાન્યત: ટેકરી ઉપર ઊગી નીકળે છે. ધરમપુર, ડાંગ, પાવાગઢ તથા સૌરાષ્ટ્રમાં તે જોવા મળે છે.
અવિનાશ બાલાશંકર વોરા