જિબ્રાન, ખલિલ (જ. 6 જાન્યુઆરી 1883, બ્શેરી, લેબેનન; અ. 10 એપ્રિલ 1931, ન્યૂયૉર્ક) : લેબેનનના વિશ્વપ્રસિદ્ધ અરબી કવિ. મૂળ અરબી નામ જુબ્રાન ખલિલ જુબ્રાન. માતાનું નામ કામિલા રાહમી અને પિતાનું નામ ખલિલ જુબ્રાન. શરૂઆતનાં વર્ષોમાં પોતાના
વતનમાં માતાપિતા પાસે ઘેર જ શિક્ષણ લીધું અને તે દરમિયાન અરબી, અંગ્રેજી અને ફ્રેંચ ભાષા શીખ્યા. બાળપણથી જ ચિત્રકળાની લગની લાગેલી અને ખૂબ જ નાની વયે ઇટાલીના ચિત્રકાર લિયૉનાર્દો દ વિન્ચીનાં ચિત્રોમાં દિલચસ્પી જાગેલી. આ શોખ છેવટ સુધી રહ્યો અને વિશિષ્ટ ભાત પાડતા ચિત્રકાર તરીકે ખ્યાતિ પણ મેળવી.
ખલિલ જિબ્રાનના પૂર્વજો ખ્રિસ્તી રોમન કૅથલિક સંપ્રદાયના અનુયાયી હતા. કવિને 1894માં માતાપિતાની સાથે અમેરિકામાં બૉસ્ટન ખાતે રહેવા જવાનું થયું. થોડોક વખત અમેરિકામાં શિક્ષણ લીધું પણ અરબી ભાષામાં પારંગત થવાની લગની લાગી અને 1896માં કવિએ પોતાના દેશ પરત આવી બૈરુતમાં રહેવાનું પસંદ કર્યું. ત્યાંની મદરેસાત્-અલ્-હિકમતમાં અરબી ભાષા સહિત અન્ય વિષયોનું શિક્ષણ લીધું. ધર્મ, ઇતિહાસ અને સંગીત જેવા વિષયો ત્યાં શીખ્યા. પંદર વર્ષની ઉંમરે પોતાનું યશસ્વી પુસ્તક ‘ધ પ્રૉફેટ’ લખવાની શરૂઆત કરી દીધેલી. સોળમા વર્ષે ત્યાં ‘અલ્ હકીકત’ નામનું માસિક સંપાદિત કરવા માંડ્યું. જુદા જુદા અનેક વિષયોના અભ્યાસને કારણે જીવન વિશેના તેમના ચિંતનમાં પહેલ પડતી ગઈ જેનું પ્રતિબિંબ તેમની અનેક કૃતિઓમાં દેખાય છે.
1901માં કવિ પૅરિસ ગયા અને ત્યાં ચિત્રકળાનો અભ્યાસ શરૂ કર્યો. અરબી ભાષામાં લેખનપ્રવૃત્તિ ચાલુ જ હતી અને સાથે જ ચિત્રકળાની વિશિષ્ટ શૈલીમાં સર્જન પણ પ્રગતિ કરી રહ્યું હતું. ત્યાં તેમના પુસ્તક ‘સ્પિરિટ રિબેલ્યસ’ સામે બૈરુતના પાદરીઓએ ભારે ઊહાપોહ કર્યો અને કવિને દેશવટાની તથા સંપ્રદાયમાંથી બરતરફ કરવાની સજા ફરમાવી. પાદરીઓને આ કૃતિ ક્રાંતિકારી, વિદ્રોહી અને યુવાન માનસને બહેકાવનારી લાગેલી. 1903માં માતાની માંદગી અને નાની બહેન તથા ભાઈનાં મૃત્યુને કારણે અમેરિકા પાછા જવું પડ્યું. ત્યાં તેમની બીમાર માતા આગળ ‘ધ પ્રૉફેટ’નું કાચું લખાણ વાંચી સંભળાવ્યું તેમ મનાય છે. પાછળથી આ કૃતિમાં વારંવાર સુધારાવધારા કરતાં રહીને ઘણાં વર્ષો પછી આ યશસ્વી કૃતિ પ્રસિદ્ધ કરી.
1903થી 1908ના ગાળા દરમિયાન ખલિલ જિબ્રાન બૉસ્ટનમાં જ રહ્યા. 1904માં તેમનાં ચિત્રોનું પ્રદર્શન પણ ત્યાં થયેલું અને લોકોનું ધ્યાન આ નવતર શૈલીના ચિત્રકાર તરફ દોરાયેલું. 1908માં ચિત્રકળાના વધુ અભ્યાસ માટે તે ફરી પૅરિસ ગયા. ત્યાં રહ્યા તે દરમિયાન બે વાર પોતાનાં ચિત્રોનાં પ્રદર્શન યોજ્યાં. આ દરમિયાન સરકારે તેમની સામેનો દેશનિકાલનો હુકમ પાછો ખેંચી લીધો હતો.
1910માં ખલિલ જિબ્રાન અમેરિકા પાછા ફર્યા અને ન્યૂયૉર્કને મરણપર્યંત પોતાનું નિવાસ બનાવ્યું. વસવાટનાં તમામ વર્ષો ઘર-નં. 51 વેસ્ટ ટેન્થ સ્ટ્રીટમાં એક સાદા નિવાસસ્થાને કવિએ પસાર કર્યાં; અને ભાષા અને ચિત્રકળાના માધ્યમ દ્વારા સત્ય અને સૌંદર્યને પ્રગટ કરવાની મથામણ કરતા રહ્યા. આ નિવાસસ્થાને જ તેમણે ‘ધ પ્રૉફેટ’ને આખરી ઓપ આપ્યો. ‘ધ પ્રૉફેટ’ છેવટે 1923ની સાલમાં અંગ્રેજીમાં પ્રકાશિત થયું અને જોતજોતાંમાં તે દુનિયાભરમાં પ્રસિદ્ધિ પામ્યું. ‘ધ પ્રૉફેટ’ માટે જિબ્રાને બાર વિશિષ્ટ પ્રકારનાં ચિત્રો તૈયાર કર્યાં. તેમાંનું એક અલ મુસ્તફાનો ચહેરો અને બીજું સર્જક હાથ એ બે ખૂબ જાણીતાં છે. શબ્દથી ન વર્ણવી શકાય તેવા ભાવો સંજ્ઞા રૂપે અત્યંત નાજુકાઈથી રજૂ કરવાની તેમની વિશેષતા તમામ ચિત્રોમાં તરી આવે છે. ‘ધ પ્રૉફેટ’ની ભાષાશૈલી બાઇબલની શૈલી જેવી છે. તદ્દન નવા પ્રકારના વિચારો સરળ, મધુર અને અર્થગંભીર શબ્દોમાં અત્યંત કલાત્મક રીતે રજૂ થયેલા હોવાથી તેને ઉત્તમ કીર્તિ મળી છે. દુનિયાની અનેક ભાષાઓમાં તે કૃતિ અનૂદિત થઈ છે. અનુપમ માધુર્યથી તેમાં જ્ઞાન ભરેલું છે. જીવનના શાશ્વત વિષયો પ્રેમ, લગ્ન, હર્ષ, શોક, બાળકો, શ્રમ, વેપાર, શિક્ષણ અને ધર્મ ઉપર તેમાં કવિનું ચિંતન છે.
અવસાન-સમયે તેમની ઉંમર 48 વર્ષની હતી. તેમના પાર્થિવ દેહને લેબેનનમાં પોતાના વતન બ્શેરી લઈ જવામાં આવ્યો અને જે ચર્ચે તેમને બહિષ્કૃત કરેલા તે જ ચર્ચમાં તેના પાદરીઓએ અત્યંત સન્માનથી તેની અંત્યેષ્ટિક્રિયા કરી.
જિબ્રાને અંગ્રેજી અને અરબી બંને ભાષાઓમાં સર્જન કર્યું છે. અંગ્રેજી ભાષામાં લખાયેલી કૃતિઓ ‘ધ મૅડ મૅન’ (1918), ‘ધ ફોરરનર’ (1920), ‘ધ પ્રૉફેટ’ (1923), ‘સૅન્ડ ઍન્ડ ફોમ’ (1926), ‘ટિયર્સ ઍન્ડ લાફ્ટર’ (1927), ‘જીસસ – ધ સન ઑવ્ મૅન’ (1928), ‘ધ અર્થ ગૉડ્ઝ’ (1931), ‘ધ વૉન્ડરર’ (1932) અને ‘ધ ગાર્ડન ઑવ્ ધ પ્રૉફેટ’ (1933) મુખ્ય છે.
તેમની અરબી ભાષામાં લખાયેલ કૃતિઓ અંગ્રેજીમાં અનૂદિત થઈને વિશ્વના અનેક દેશોમાં વિચારવંત વાચકોને આકર્ષતી રહી છે. આ કૃતિઓમાં મોખરે છે ‘ધ બ્રોકન વિંગ્ઝ’ (નવલકથા), ‘પ્રોસેશન્સ’ (વર્ણનાત્મક કાવ્ય) અને ‘ધ ટેમ્પેસ્ટ્સ’ (ગદ્યકાવ્યો) તથા ‘નિમ્ફ્સ ઑવ્ ધ વૅલી.’ તેમની સુવિખ્યાત કૃતિ ‘સ્પિરિચ્યુઅલ સેઇંગ્ઝ’માં ભારતીય સંસ્કૃતિ વિશે પ્રશંસાત્મક પ્રતિભાવ તેમણે પ્રગટ કર્યો છે. તેના ઉપરથી ભારતીય સંસ્કૃતિ વિશેનો તેમનો અહોભાવ છતો થાય છે. તેમના ‘ધ પ્રૉફેટ’નું ગુજરાતીમાં ભાષાંતર કિશોરલાલ મશરૂવાળાએ સૌપ્રથમ કરેલું. તે પછી ધૂમકેતુએ તેમના જીવન અને કવનને લગતાં લખાણો કરેલાં છે.
સાદું પણ ભાવનાપ્રધાન જીવન જીવનાર જિબ્રાન સ્વદેશપ્રેમી, કુશાગ્ર બુદ્ધિના અને વિદ્યાવ્યાસંગી હતા. તેમનાં ગહન ચિત્રોની શૈલી અને ચિંતનાત્મક લખાણોએ સાંપ્રત યુગના અનેક વિદ્યાવ્યાસંગીઓનાં ચિત્તમાં અહોભાવ પ્રગટાવ્યો હતો. જિબ્રાનની કૃતિઓમાં પ્રગટેલું કવિત્વ અને વિચારસૌંદર્ય ઉત્તમ કોટિનું હોવાથી તે વિશ્વસાહિત્યમાં શાશ્વત સ્થાન ધરાવે છે.
પંકજ જ. સોની