જિબુટી (Djibouti) : પૂર્વ આફ્રિકાનો નાનો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન 11° 36’ ઉ. અ. અને 43° 09’ પૂ. રે. તે ‘હૉર્ન ઑવ્ આફ્રિકા’ના ઈશાન કિનારા પર આવેલો છે. સ્વતંત્રતા મળી (1977) તે પહેલાં તેના પર ફ્રેંચોનું આધિપત્ય હતું. ઉત્તરે, પશ્ચિમે તથા નૈર્ઋત્યમાં ઇથિયોપિયાની સીમા તથા દક્ષિણમાં સોમાલિયાની સીમા છે. વિસ્તાર 21,783 ચોકિમી. તથા વસ્તી 8,79,000 (2012) છે. વસ્તીમાં 47 % સોમાલી મૂળના ઇસા તથા 38 % તથા યુરોપી 3 %  ઇથિયોપિયાના મૂળના અફાર લોકો છે અરબ વંશના યમની 6 % છે. બાકીના શરણાર્થીઓ છે. 94 % લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. વસ્તીના  લોકો નગર વિસ્તારમાં તથા ¼ ગ્રામીણ વિસ્તારમાં રહે છે. વસ્તીની ગીચતા 18 પ્રતિ ચોકિમી. છે. અત્યંત ગરમ હવામાન ધરાવતા આ દેશમાં જાન્યુઆરીમાં 28.7° સે. તથા જુલાઈમાં 43.4° સે. તાપમાન રહે છે. દરિયાકિનારાના પ્રદેશમાં વાર્ષિક સરેરાશ વરસાદ 125 મિમી. તથા મેદાની વિસ્તારમાં 500 મિમી. પડે છે. મુખ્ય ભાષા અરબી છે. થોડા પ્રમાણમાં ફ્રેંચ અને કુથિટિક ભાષાઓ બોલાય છે.

દેશના કુલ વિસ્તારમાંથી 60 % વિસ્તારની જમીન સૂકી, નિર્જન, બિનઉપજાઉ અને ઉજ્જડ છે તથા 89 % વિસ્તાર રણથી છવાયેલો છે. 9 % ભૂમિ પર ઘાસ ઊગે છે. કુલ વસ્તીમાંથી 50 % લોકો વિચરતી જાતિના છે, જે ઘેટાં, બકરાં કે ઊંટ જેવાં પ્રાણીઓના ઉછેરમાં રોકાયેલા છે. રણપ્રદેશ અને સૂકી જમીનને લીધે ખેતી તથા ઉદ્યોગોના વિકાસની શક્યતાઓ નહિવત્ છે. દેશનું અર્થતંત્ર મોટા ભાગે વ્યાપાર અને વાણિજ્ય પર નભે છે. જિબુટી બંદર મારફત તથા વ્યાપારમાંથી પ્રાપ્ત થતી આવક એ જ દેશની આંતરિક આવકનો મુખ્ય સ્રોત છે. વિદેશી આર્થિક સહાય જણદીઠ 293 ડૉલર પર પણ દેશને આધાર રાખવો પડે છે. માથાદીઠ આવક 2,800 (વર્ષ 2010) અમેરિકન ડૉલર હતી. કાચી રાષ્ટ્રીય પેદાશમાં ખેતી અને ખેતીજન્ય વ્યવસાયોનો ફાળો માત્ર 5 % છે. કૉફી, મીઠું, ચામડું અને કઠોળ દેશની મુખ્ય નિકાસો તથા યંત્રો, કાપડ અને ખાદ્ય પદાર્થો એ મુખ્ય આયાતો છે. અંબુલી નદી પર પીવાના પાણીનો આધાર છે. આવકમાં ઉદ્યોગોનો ફાળો 15 % છે. બાકીના 80 % સેવા વ્યવસાયો પર આધાર રાખે છે.

જિબુટી દેશનું પાટનગર છે. તે બંદર હોવા ઉપરાંત દેશનું મોટામાં મોટું શહેર છે. આફ્રિકાના ઈશાન કિનારા પર તાજુરા ઉપસાગરમાં એડનના અખાતના વાયવ્ય છેડા પર આવેલું છે. એડન શહેરથી 240 કિમી. અંતરે છે. બાબ-અલ-માન્ડેબ સામુદ્રધુનીના મુખ પર વસેલું હોવાથી લશ્કરી ર્દષ્ટિએ મહત્વનું થાણું છે. ઇથિયોપિયાનો સમગ્ર વ્યાપાર આ બંદર મારફત થાય છે. પશ્ચિમ એશિયાના પ્રદેશો તથા પૂર્વ આફ્રિકામાંથી આવેલા લોકોની મિશ્ર વસ્તી ત્યાં વસે છે. રણનો પ્રદેશ હોવાથી આર્થિક વિકાસની શક્યતા ઓછી છે. નગરનું અર્થતંત્ર બંદરની આવક પર નભે છે. નગરની વસ્તી 5,02,000 (2003 અંદાજ). ફ્રેંચ સોમાલીલૅન્ડના ગવર્નર લૅમાડે 1888માં આ નગર વસાવ્યું હતું. નગરનાં ભવનોમાં પ્રાચીન તથા અર્વાચીન સ્થાપત્યકળાનું મિશ્રણ જોવા મળે છે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેંચોએ આ પ્રદેશ પર પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કર્યું. 1967માં લેવાયેલ સર્વમતસંગ્રહમાં બહુમતી મતદારોએ ફ્રેંચ શાસન હેઠળ ચાલુ રહેવાની સંમતિ આપી, પરંતુ 1977માં દેશને સ્વતંત્ર ઘોષિત કરાયો. ત્યારથી ત્યાં પ્રજાસત્તાક પ્રણાલીએ શાસન ચાલે છે. 1994માં રાષ્ટ્રીય સંયુક્ત જોડાણ ધરાવતી સરકાર સ્થપાઈ. રાષ્ટ્રીય લોકપૃચ્છા (રેફરન્ડમ) પછી 4 સપ્ટેમ્બર, 1992માં નવું બંધારણ માન્ય રાખવામાં આવ્યું. પ્રમુખ છ વર્ષ માટે પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાય છે. સંસદ એકગૃહી છે, પાંચ વર્ષની મુદત ધરાવે છે જે (ઉપરના લખાણનું અનુસંધાન) ‘ચેમ્બર ઑવ્ ડૅપ્યુટીઝ’ નામથી ઓળખાય છે અને 65 સભ્યોથી રચાય છે.

દેશના બે મુખ્ય સમુદાયો – ઇસા અને અફાર વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે, તેને કારણે દેશને રાજકીય સ્થિરતા પ્રાપ્ત થતી નથી. વીસમી સદીના નવમા દાયકામાં ઇથિયોપિયામાંથી આ દેશમાં દાખલ થયેલા હજારો શરણાર્થીઓએ દેશ માટે મોટી સમસ્યા ઊભી કરી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે