જાહેર વસ્તુ (public goods) : કિંમત ચૂકવીને જેનો એકાકી ઉપયોગ કે ઉપભોગ થઈ શકતો નથી અને જેના ઉપયોગ કે ઉપભોગ માટેનો બીજાનો હક ડુબાડી શકાતો નથી તેવી સર્વભોગ્ય વસ્તુ. સાધારણ રીતે વસ્તુમાં સેવાનો પણ સમાવેશ થાય છે તેથી જાહેર વસ્તુમાં જાહેર સેવા પણ અભિપ્રેત છે.
જાહેર વસ્તુ સિવાયની વસ્તુ એટલે ખાનગી વસ્તુ/ખાનગી સેવા તરીકે ઓળખાય છે. તેની બજારકિંમત નક્કી કરી શકાય છે અને જે વ્યક્તિ તેવી કિંમત ચૂકવે તેને જ ખાનગી વસ્તુ ઉપલબ્ધ થઈ શકે છે. ખાનગી વસ્તુનું વિભાજન શક્ય છે, તેથી જે વ્યક્તિ તેની કિંમત ચૂકવવા તત્પર કે શક્તિમાન નથી તેને ખાનગી વસ્તુના ઉપયોગથી કે ઉપભોગથી વંચિત રાખી શકાય છે. વસ્તુનું મૂલ્યાંકન અને વિભાજન તથા વસ્તુથી કોઈ વ્યક્તિની વંચિતતા તે ત્રણે પ્રક્રિયાઓ ખાનગી વસ્તુનાં ત્રિવિધ પાસાં છે.
તેથી ઊલટું, જાહેર વસ્તુનું મૂલ્યાંકન બજારનાં પરિબળો દ્વારા નક્કી કરી શકાતું નથી. આવી વસ્તુના ઉપયોગની બાબતમાં જુદા જુદા ગ્રાહકો વચ્ચે જાહેર વસ્તુનું વિભાજન શક્ય નથી અને એક વ્યક્તિ તેની કિંમત ચૂકવે અને બીજી વ્યક્તિ તેની કિંમત ચૂકવવાનો ઇન્કાર કરે છતાં બન્ને વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદક ભેદભાવ કરી શકતો નથી અને કિંમત ચૂકવવાનો ઇન્કાર કરનાર વ્યક્તિને જાહેર વસ્તુના ઉપયોગથી વંચિત રાખી શકાતી નથી.
અવિભાજ્ય અને સર્વભોગ્ય જાહેર વસ્તુનાં લાક્ષણિક ઉદાહરણો સંરક્ષણસેવા, હવાપ્રદૂષણ-પ્રતિકારસેવા અને જાહેર રસ્તાઓ છે. વિદેશી આક્રમણ સામે રાજ્ય સંરક્ષણ પૂરું પાડે અથવા હવાનું પ્રદૂષણ રોકવા રાજ્ય કે જાહેર સંસ્થા ઘટિત પગલાં લે અથવા જાહેર રસ્તાઓ બનાવે ત્યારે આ પ્રકારની જાહેર સેવાઓ(જાહેર વસ્તુઓ)નો દરેક નાગરિકને ઓછોવધતો લાભ મળે છે જ અને તેમની કિંમત ચૂકવવાનો ઇન્કાર કરનાર અથવા અશક્તિમાનને જાહેર વસ્તુના ઉપયોગથી વંચિત રાખી શકાતો નથી. વળી નાગરિક પોતે પણ આ જાહેર વસ્તુની પોતાને જરૂર નથી તેવી દલીલ કરીને તેના ઉપયોગથી વંચિત રહી શકતો નથી. જો કોઈ વસ્તુની કિંમત આંકી શકાતી હોય અને તેનું વિભાજન શક્ય હોય તો વ્યક્તિ તેની બજારકિંમત ચૂકવીને તેનો ઉપયોગ કરે છે; પરંતુ વસ્તુ અનાયાસે મળતી હોય તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ તેની સ્વૈચ્છિક કિંમત ચૂકવવા તૈયાર થતી નથી અને પોતાના સિવાયની અન્ય વ્યક્તિઓ વસ્તુના ઉત્પાદનખર્ચનો બોજ ઉઠાવશે તેવું વલણ અપનાવે છે. જાહેર વસ્તુનો મફતમાં ઉપયોગ કરવાનું વ્યક્તિનું સ્વાર્થી વલણ ખુદાબક્ષ મુસાફરીના વલણ તરીકે ઓળખાય છે. દરેક વ્યક્તિ જાહેર વસ્તુનો મફતમાં વણઅટકાવ્યો ઉપયોગ કરે છે અને બજારનાં પરિબળો દરેક વ્યક્તિની વાસ્તવિક જરૂરિયાત નક્કી કરવામાં નિષ્ફળ નીવડે તેવી દ્વિધાવાળી પરિસ્થિતિમાં જાહેર વસ્તુનો ઉત્પાદનખર્ચ વસૂલ કરવાનું એકમાત્ર સાધન ફરજિયાત કરવેરા છે.
વિભાજ્ય ખાનગી વસ્તુની કિંમત આંકીને વસૂલ કરી શકાય છે. તેથી ખાનગી વસ્તુ તરફ ગ્રાહક રુચિ કે અરુચિ વ્યક્ત કરીને તે વસ્તુની માગ દ્વારા તેના ઉત્પાદનનું પરોક્ષ નિયંત્રણ કરી શકે છે; પરંતુ અવિભાજ્ય જાહેર વસ્તુની કિંમત બજારનાં પરિબળો નક્કી કરી શકતાં નથી તેથી જાહેર વસ્તુના ઉત્પાદન ઉપર ગ્રાહકનું નિયંત્રણ શક્ય નથી. તેથી તેના ઉત્પાદનના જથ્થાનો અને ઉત્પાદન માટે જરૂરી નાણાંનો નિર્ણય સમાજે લેવો પડે છે. આવા નિર્ણયોમાં સર્વસંમતિ અસંભવિત હોવાથી તેવા નિર્ણયો સમાજ વતી ઘણું કરીને સરકારે લેવા પડે છે.
કિંમત આંકી શકાય તેવી વિભાજ્ય વસ્તુને શુદ્ધ ખાનગી વસ્તુ અને કિંમત આંકી ન શકાય તેવી અવિભાજ્ય વસ્તુને શુદ્ધ જાહેર વસ્તુ કહેવાય છે. જાહેર વસ્તુ અવિભાજ્ય છે તેથી દરેક નાગરિકને જાહેર વસ્તુનો સરખેસરખો લાભ મળે છે તેવો અર્થ અભિપ્રેત નથી. ઉદાહરણ તરીકે સરહદ ઉપર રહેતા નાગરિકોને દેખીતાં કારણોસર સાપેક્ષ ઓછું રક્ષણ મળે છે અને જાહેર બગીચા નજીક રહેતા નાગરિકોને સાપેક્ષ વધુ લાભ મળે છે. સર્વભોગ્યતા શુદ્ધ જાહેર વસ્તુના અવિભાજ્યપણાની સાચી કસોટી છે અને તેનું ઉત્પાદન બજારનાં પરિબળો ઉપર આધારિત નહિ હોવાથી તે જાહેર ખર્ચ દ્વારા થવું જોઈએ. શુદ્ધ ખાનગી વસ્તુનું ઉત્પાદન જાહેર ક્ષેત્રમાં કે ખાનગી ક્ષેત્રમાં થવું જોઈએ, તે અંગે મતભેદ પ્રવર્તે છે અને તે વિશે નિર્ણય લેવામાં ત્રણ ઘટકો — (1) જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની દક્ષતાનો સ્તર તથા ઉત્પાદકીય સ્રોતોની ઉપલબ્ધતા, (2) અર્થતંત્રમાં ખાનગી ઇજારાશાહીના પ્રભુત્વ પ્રતિ રાજકીય અને સામાજિક અભિગમ અને (3) શુદ્ધ જાહેર વસ્તુ અને શુદ્ધ ખાનગી વસ્તુની વિશિષ્ટ લાક્ષણિકતાઓ – અગત્યનો ભાગ ભજવે છે. શુદ્ધ જાહેર વસ્તુની બધી લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તુ પણ જવલ્લે જ જોવા મળે છે. સાધારણ રીતે દરેક વસ્તુમાં જાહેરપણા અને ખાનગીપણાનાં તત્વો સંકળાયેલાં હોય છે. તેથી જે વસ્તુમાં જાહેરપણાની લાક્ષણિકતાઓનું પ્રાધાન્ય હોય તેને જાહેર વસ્તુ અને ખાનગીપણાની લાક્ષણિકતાઓનું પ્રાધાન્ય હોય તેને ખાનગી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે.
જયન્તિલાલ પો. જાની