જાહેર નિગમ : સંસદ કે વિધાનસભાના ખાસ ધારાથી અલગ વ્યક્તિત્વ અને આંતરિક સ્વાયત્તતા ધરાવતી અને જાહેર હેતુ માટે રચવામાં આવેલી પેઢી. જેમ કે નૅશનલ ટેક્સ્ટાઇલ કૉર્પોરેશન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન, ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશન, લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા વગેરે જાહેર નિગમો છે.

ખાસ કાયદાથી સ્થાપના, રાજ્યની માલિકી, આંતરિક સ્વાયત્તતા, નાણાકીય સ્વાયત્તતા, ઉત્તરદાયિત્વની જોગવાઈ, સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વનો સમન્વય, વ્યાવસાયિક અભિગમની શક્યતા, બાહોશ વ્યક્તિઓને સ્થાન, સેવાનો ઉદ્દેશ, પોતાનો આગવો કર્મચારીવર્ગ, સેવાનું સાતત્ય વગેરે જાહેર નિગમનાં લક્ષણો છે.

જાહેર નિગમના લાભાલાભ : સ્વાયત્તતા, ઝડપી નિર્ણયોની શક્યતા, ખાનગી સાહસોનાં દૂષણોનો અભાવ, મોટા પાયા પરની પ્રવૃત્તિનો લાભ, વધુ મૂડી, નોકરીની આકર્ષક શરતો, નીતિનું સાતત્ય, સંચાલનમાં બધાનાં હિતોનું પ્રતિનિધિત્વ, જાહેર અને ખાનગી સાહસનાં સારાં તત્ત્વનો સમન્વય, પરિવર્તનશીલતા, સ્વતંત્ર સંચાલકમંડળ, સરકારી પીઠબળ, ઉત્તરદાયિત્વ વગેરે જાહેર નિગમના સામાજિક લાભ છે. સરકારી દરમિયાનગીરી, સંચાલનમાં શિથિલતા, સત્તાના દુરુપયોગનો સંભવ, પક્ષીય રાજકારણની અસર, કાર્યક્ષમતાનો માપદંડ અનિશ્ચિત વગેરે જાહેર નિગમના ગેરલાભ છે.

જાહેર નિગમના ગેરલાભ અટકાવવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો : (1) સરકારે નિગમના આંતરિક વહીવટમાં દરમિયાનગીરી કરવી જોઈએ નહિ. નીતિ અને માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કરી બાકીની બાબતોમાં નિગમને સ્વાયત્ત રહેવા દેવું જોઈએ. (2) સરકારે નિગમની પ્રવૃત્તિઓ પર ઢાંકપિછોડો કરવો જોઈએ નહિ. નિગમની સિદ્ધિઓ સાથે તેની નબળાઈઓ અને ગેરરીતિઓ પણ જાહેરમાં લાવવી જોઈએ, જેથી નિગમ પર લોકમતનો અંકુશ રહે. (3) નિગમમાં થતી કોઈ ગેરરીતિ બદલ જવાબદાર વ્યક્તિઓને સજા થવી જોઈએ. (4) નિગમના બોર્ડમાં ધંધાકીય અને વહીવટી કુશળતાને ધોરણે વ્યક્તિઓની નિમણૂક થવી જોઈએ, રાજકીય ધોરણે નહિ. (5) નિગમનું સંચાલકમંડળ પ્રમાણમાં નાનું છતાં જુદાં જુદાં હિતોનું પ્રતિનિધિત્વ ધરાવતું હોવું જોઈએ. (6) નિગમની હિસાબપદ્ધતિ વ્યવસ્થિત અને વ્યવસાયી ઢબે રખાવી જોઈએ. (7) નિગમને વધુ પડતી છૂટછાટો ન મળવી જોઈએ કે તેના પર બિનજરૂરી નિયંત્રણો પણ ન હોવાં જોઈએ. (8) જાહેર હિત પ્રત્યે પૂરતું લક્ષ આપવાની સાથોસાથ નિગમે નફો વધારવાનો પ્રયાસ કરવો જોઈએ અને તે માટે વહીવટી કાર્યક્ષમતાનું ધોરણ ઊંચું લાવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. (9) નિગમના સંચાલકોની ન્યૂનતમ લાયકાત કાયદા દ્વારા જ નક્કી થવી જોઈએ. (10) સંચાલકમંડળે પૂરતી ચર્ચાવિચારણા કરી નિગમની નીતિ અને વિધિ ઘડી કાઢવાં જોઈએ તેમજ તેની માહિતી સંબંધિત પ્રધાનને અને તેની સાથે સંકળાયેલા બધા વર્ગોને આપવી જોઈએ. આથી નિગમ રાજકીય પ્રભાવ અને ભ્રષ્ટાચારથી મુક્ત રહી શકશે.

જાહેર નિગમમાં જુદા જુદા પ્રકારનાં સારાં તત્વોનો સમન્વય થતો હોય છે. જેમ કે, નિગમમાં સરકારી ખાતાનાં અને ખાનગી માલિકીની કંપનીનાં સારાં તત્વોનો સમન્વય; જાહેર સાહસની સત્તાનો ખાનગી સાહસની ચપળતા સાથે સંગમ; જાહેર સાધનોની વિપુલતાનો ખાનગી માલિકીની કંપનીની કરકસરવૃત્તિ સાથે સમન્વય; જાહેર માલિકી, જાહેર ઉત્તરદાયિત્વ અને વ્યાવસાયિક અભિગમનો ત્રિવેણીસંગમ; ધારાકીય સત્તા, એ સત્તાના ઉપયોગથી ઊભી થતી જવાબદારી અને અપેક્ષિત ઉત્તરદાયિત્વનો સમન્વય; નિગમની માલિકીની મૂડી સરકારી હોય અને તેની ઉછીની મૂડી સરકારી કે અન્ય પ્રાપ્તિસ્થાનોમાંથી મેળવેલી હોય એ પ્રકારનું સંમિશ્રણ અને નિગમનાં પોતાનાં આવકજાવકનાં સાધનોનું સંમિશ્રણ.

જાહેર નિગમની રચના : (રાષ્ટ્રીય નિગમ હોય તો) સંસદ કે (રાજ્ય નિગમ હોય તો) વિધાનસભાના ખાસ ધારાથી થાય છે. ધારાથી નિગમને અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. નિગમ, ધારાથી મળેલા નામ અને મહોરથી ઓળખાય છે. સ્વતંત્ર વ્યક્તિત્વને કારણે નિગમને વ્યક્તિની જેમ વ્યવહારો તથા કરારો કરવાની, નાણાં ઉછીનાં લેવાની અને વાપરવાની, મિલકતનું ખરીદ-વેચાણ કરવાની, ન્યાયાલયમાં દાવો માંડવાની વગેરે સત્તા મળે છે. આ સત્તાનો ઉપયોગ નિગમના સંચાલકો દ્વારા થાય છે. સંચાલકો કોણ રહેશે અને તેઓ શી રીતે કાર્ય કરશે તે પણ ધારાથી નક્કી થાય છે. ધારા દ્વારા નિગમને વહીવટી અને નાણાકીય બાબતોમાં આંતરિક સ્વાયત્તતા પ્રાપ્ત થાય છે. આ સ્વાયત્તતાની મર્યાદા પણ ધારામાં જ નક્કી થયેલી હોય છે. આ નિશ્ચિત મર્યાદાઓમાં રહીને, નિગમને પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ કરવા માટે મોકળાશ મળે છે. ધારો પસાર કરતી વખતે રાજકર્તા પક્ષે પ્રજાને આપેલાં ચૂંટણીવચનો, કયા જાહેર હિતના સંવર્ધન માટે નિગમની રચના કરવામાં આવે છે, તેના પર સંસદ અને પ્રધાનમંડળનું કેટલું નિયંત્રણ રહેશે વગેરે બાબતોનો વિચાર કરવામાં આવે છે. ધારા દ્વારા નિગમનું કાર્યક્ષેત્ર, તેનાં અધિકારો અને ફરજો નિશ્ચિત થાય છે. આ બધી બાબતોની પ્રધાનો, સંસદસભ્યો અને નાગરિકોને જાણ થાય છે. પ્રજા આ બાબતો ખ્યાલમાં રાખીને નિગમ સાથે વ્યવહારો કરે છે. વળી, પ્રધાનો કે અન્ય રાજદ્વારી વ્યક્તિઓ નિગમના સંચાલનમાં હસ્તક્ષેપ કરી શકતાં નથી. વસ્તુત: વ્યવહારમાં એમ ન બનતું હોવાનો પણ સંભવ છે. વળી, કેન્દ્ર સરકાર જાહેર નિગમ બ્યૂરો દ્વારા જાહેર નિગમો પર નિયંત્રણો રાખે છે.

પિનાકીન ર. શેઠ