જાહેર દેવું

January, 2012

જાહેર દેવું : દેશની સરકાર દ્વારા દેશવિદેશમાંથી ઉછીનાં લીધેલાં નાણાંના કુલ બોજમાંથી પરત ચુકવણીનું બાકી રહેલ દાયિત્વ દર્શાવતી રકમ. તેમાં મૂળ રકમની ચુકવણીના દાયિત્વ ઉપરાંત વ્યાજની રકમ તથા ઋણના નિર્વાહખર્ચ પેટે આકારવામાં આવતી રકમનો પણ સમાવેશ થાય છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ સરકારની આવી જવાબદારીઓમાં જાહેર ક્ષેત્રના ઋણનો તથા સ્થાનિક સંસ્થાઓના ઋણનો પણ સમાવેશ કરે છે.

‘સમતોલ અંદાજપત્રક’(balanced budget)ની વિચારસરણીને વરેલા શિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રાજ્ય માટે જાહેર ઋણ ઊભું કરવાની બાબતને નિષિદ્ધ ગણેલ છે. વ્યક્તિની જેમ રાજ્યે પણ પોતાની આવકની મર્યાદામાં રહીને જાહેર ખર્ચનું સંયોજન કરવું જોઈએ એવો તેમનો મત છે. તેમ છતાં ઘણી વાર રાજ્યને અનિવાર્ય રીતે દેવું કરવું પડે છે; નહિ તો રાજ્ય પ્રજા પ્રત્યેની પોતાની જવાબદારીઓ સુગમતાથી વહન કરી ન શકે. દા.ત., જે સમયગાળામાં રાજ્યની મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધારે હોય અથવા રાજ્ય જ્યારે યુદ્ધ કે પ્રાકૃતિક આપત્તિઓ જેવા સંજોગોનો સામનો કરતું હોય ત્યારે નાછૂટકે તેને દેશવિદેશમાંથી નાણાં ઉછીનાં લેવાં પડે છે. આધુનિક અર્થશાસ્ત્રીઓ જાહેર દેવાના નાણાકીય બોજ કરતાં તેના હેતુઓના સંદર્ભમાં જાહેર ઋણની મુલવણી કરે છે. આ વિચારસરણી મુજબ પ્રજા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ અદા કરવા માટે અથવા વધુ સારી રીતે અદા કરવા માટે ઋણ અનિવાર્ય હોય તો રાજ્યે નિ:સંકોચપણે દેશવિદેશમાંથી નાણાં ઉછીનાં લેવાં જોઈએ. આમ આધુનિક અર્થશાસ્ત્રીઓની વિચારસરણી મુજબ બધા જ સંજોગોમાં રાજ્ય માટે દેવું નિષિદ્ધ ગણાય નહિ.

વિશ્વના ભારત જેવા અલ્પવિકસિત અથવા વિકાસશીલ દેશોના સંદર્ભમાં વિચારીએ તો ગરીબીનિવારણ તથા રોજગારીનું વિસ્તરણ કરવા માટે આવા દેશોમાં આર્થિક વૃદ્ધિના દરમાં વધારો કરવો અનિવાર્ય હોય છે, તથા આર્થિક વિકાસની પ્રક્રિયામાં રાજ્યની સક્રિય ભાગીદારી જરૂરી ગણાય છે, કારણ કે અર્થતંત્રનાં જે ક્ષેત્રોમાં વિશાળ પાયા પર મૂડીરોકાણ કરવું પડે છે, તેમાં જોખમનું પ્રમાણ વધારે હોય છે અને તેનો પરિપક્વતાનો ગાળો (gestation period) સાપેક્ષ રીતે લાંબો હોય છે. આવાં ક્ષેત્રોનો વિકાસ મર્યાદિત સાધનોવાળા ખાનગી ક્ષેત્ર દ્વારા થઈ શકે નહિ અને તેથી જાહેર ક્ષેત્રને સક્રિય થવું પડે છે. ખાનગી અર્થતંત્ર અને જાહેર અર્થતંત્રમાં મૂળભૂત તફાવતના જે કેટલાક મુદ્દાઓ છે તેમાં જાહેર વિત્તવ્યવસ્થાની નાણાકીય સાધનો ઊભાં કરવાની વિશાળ શક્તિનો ઉલ્લેખ કરવામાં આવે છે. જાહેર વિત્તવ્યવસ્થાની વિત્તીય સાધનો ઊભાં કરવાની શક્તિ ઘણી મોટી હોય છે અને તેમાં જાહેર દેવાનો સમાવેશ કરવામાં આવે છે. દા.ત., ભારતમાં આર્થિક આયોજનના પ્રથમ ચાર દાયકા (1951–91)માં પંચવર્ષીય યોજનાઓ પૂરી કરવાના ઇરાદાથી ભારત સરકારે દેશવિદેશમાંથી વ્યાપક પ્રમાણમાં નાણાં ઉછીનાં લીધાં છે. ઉપરાંત, જે દેશોમાં આર્થિક અસમાનતાઓનું પ્રમાણ વિશેષ હોય છે અને/અથવા જે દેશોનું અર્થતંત્ર ફુગાવાથી દૂષિત હોય છે તેમાં આર્થિક અસમાનતાઓ નિવારવા માટે તેમજ ફુગાવાનાં પરિબળોને અંકુશમાં લેવા માટે જાહેર દેવાનું સાધન ઊભું કરવામાં આવે છે. ધનિક વર્ગના લોકોને જાહેર ઋણમાં નાણાં રોકવા માટે પ્રોત્સાહિત કરી તે નાણાં દ્વારા ગરીબ વર્ગના લોકોનાં આર્થિક કલ્યાણ માટેનાં કાર્યો હાથ ધરવામાં આવે તો આર્થિક વિષમતાઓ હળવી કરી શકાય છે. તેવી જ રીતે ફુગાવાની પરિસ્થિતિમાં નવી લોનો બહાર પાડી લોકો પાસેની ખરીદશક્તિ પાછી ખેંચીને વપરાશ પર અંકુશ મૂકવાથી તથા બિનજરૂરી જાહેર ખર્ચ પર કાપ મૂકવાથી ફુગાવાને નિયંત્રિત કરી શકાય છે. આમ જાહેર દેવું કેટલાક સંજોગોમાં આશીર્વાદ રૂપ નીવડી શકે છે.

જાહેર દેવાના વિવિધ પ્રકારો છે : (1) વ્યાજ વહન કરતું અને વ્યાજ વગરનું જાહેર દેવું, (2) ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું જાહેર દેવું, (3) કાયમી યાને નિધિક અને અનિધિક (funded and unfunded) જાહેર દેવું, (4) ઉત્પાદક અને અનુત્પાદક જાહેર દેવું તથા (5) આંતરિક અને બાહ્ય અથવા વિદેશી દેવું.

જાહેર દેવાના બોજ વિશે બે મુદ્દાઓના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવે છે : (1) આંતરિક દેવું બોજારૂપ હોતું નથી એવો મત કેટલાક અર્થશાસ્ત્રીઓ ધરાવતા હતા. તેમની મુખ્ય દલીલ એ હતી કે આંતરિક દેવામાં જે લેવડદેવડ થાય છે તે એક જ અર્થતંત્રના એકબીજા સાથે સંકળાયેલા અને પરસ્પરાવલંબી એવા વિભાગો રાજ્ય અને જાહેર ઋણમાં નાણાં રોકનાર દેશના નાગરિકો વચ્ચે થતી હોવાથી તેને લીધે દેશની સંપત્તિ દેશમાં જ રહે છે અને તે દેશમાંથી બહાર જતી નથી. ઉપરાંત, આંતરિક દેવાનો પોતાના પરનો નાણાકીય બોજ હળવો કરવા માટે રાજ્ય પાસે કેટલાક વિકલ્પો હોય છે. દા.ત., જૂના દેવાની ચુકવણી માટે નવી લોનો બહાર પાડવી, લોન પાકે ત્યારે તેની પરત ચુકવણી કરવા માટે પ્રજાના જુદા જુદા વર્ગો પાસેથી કરવેરા દ્વારા જરૂરી રકમ પ્રાપ્ત કરવી, ખાધપૂરક નાણાનીતિનું અવલંબન કરવું, જૂની લોનોની શરતોમાં ફેરફાર કરવા વગેરે.

તેનાથી ઊલટું, વિદેશી દેવાને લીધે વ્યાજની ચુકવણી કે કરજવ્યવસ્થા (servicing of debt) મારફત દેશનાં ઉપલબ્ધ આર્થિક સાધનોના જથ્થામાં પ્રત્યક્ષ રીતે ઘટાડો થતો હોય છે. વિદેશી દેવાની શરતો ઋણ-દાતા દેશ પોતાના પક્ષમાં નિર્ધારિત કરે અને જો તે શરતો દેવાદાર દેશ માટે આર્થિક કે રાજકીય ર્દષ્ટિએ પ્રતિકૂળ સાબિત થાય તો તેટલે અંશે દેવાદાર દેશ માટે વિદેશી દેવાનો વાસ્તવિક બોજ વધતો હોય છે. પ્રતિકૂળ લેણદેણની તુલા ધરાવતા દેશો જેવા કે અલ્પવિકસિત કે વિકાસશીલ દેશો વિદેશી હૂંડિયામણની અછતની પરિસ્થિતિમાં સતત જીવતા હોવાથી તેમના માટે વિદેશી દેવાની ચુકવણી કાયમ માટે સમસ્યારૂપ બનતી હોય છે. વિદેશી દેવું જ્યારે બિનઉત્પાદકીય હેતુ માટે ઊભું કરવામાં આવે છે ત્યારે તેનો નાણાકીય અને વાસ્તવિક બોજ દેવાદાર દેશ માટે અસહ્ય બની જાય છે અને કાળક્રમે આવા દેશો ‘ઋણ-જાળ’(debt-trap)માં ફસાઈ જતા હોય છે. આંતરિક દેવાની પતાવટ માટે રાજ્ય પાસે કરવેરા કે ખાધપૂરણી જેવા વિકલ્પો હોય છે; પરંતુ આવા વિકલ્પો વિદેશી દેવાની પતાવટ માટે કામ આવી શકે નહિ. આમ એક વિચારસરણી મુજબ આંતરિક દેવું બોજારૂપ હોતું નથી. (2) જાહેર દેવાને લીધે વર્તમાન પેઢી પર બોજ પડે છે કે ભવિષ્યની પેઢી પર તેના વિશે પણ મતભેદ છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મત મુજબ જાહેર દેવાને લીધે વર્તમાન પેઢીનાં સાધનોમાં ઘટાડો થાય છે. જાહેર દેવામાં નાણાં રોકનારા લોકો તેમની વર્તમાન વપરાશમાં નહિ પરંતુ બચતોમાં ઘટાડો કરીને સરકારની લોનોમાં નાણાં રોકે ત્યારે ભાવિ પેઢીને સહન કરવાનું થાય છે. આમ કરવાથી ભવિષ્યની પેઢીને વારસામાં મળી શકે તેવાં મૂડીસાધનોના જથ્થામાં ઘટાડો થાય છે અને તેને લીધે તે પેઢીની ઉત્પાદકીય ક્ષમતામાં ઘટાડો થતાં તેને આર્થિક રીતે સહન કરવું પડે. રાજ્ય પોતાના વર્તમાન જાહેર ખર્ચને પહોંચી વળવા માટે જાહેર દેવાનો સહારો લેવાને બદલે વર્તમાન પેઢી પર કરવેરા લાદે તો વર્તમાન પેઢીની બચતો ઘટવાને બદલે તેની વર્તમાન વપરાશમાં ઘટાડો થશે અને તે દ્વારા જાહેર દેવાના સંભવિત બોજમાંથી ભવિષ્યની પેઢીને બચાવી શકાય. એક દલીલ એવી પણ છે કે જાહેર દેવામાં નાણાં રોકનાર વર્તમાન પેઢી સ્વેચ્છાથી તેમ કરતી હોય છે અને તેથી તેના પર કોઈ બોજ પડતો નથી; પરંતુ જ્યારે કોઈ લોન ભવિષ્યમાં પાકે ત્યારે તેની મુદ્દલ અને તેના પરની વ્યાજની રકમની પરત ચુકવણી માટે ભવિષ્યની પેઢી પર જો કરવેરા લાદવામાં આવે તો તેટલે અંશે તે ભવિષ્યની પેઢી માટે બોજારૂપ ગણાય. અલબત્ત, આ બધી દલીલોની યથાર્થતાનો નિર્ણય જાહેર ખર્ચને જુદું પાડીને કરી શકાય નહિ. દા.ત., જાહેર દેવા દ્વારા ઊભાં કરવામાં આવેલાં નાણાંનો ઉપયોગ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે કે આર્થિક વિકાસ માટે કરવામાં આવે ત્યારે તે બોજારૂપ નહિ પરંતુ લાભદાયી સાબિત થઈ શકે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે