જાહેર ખર્ચ : નાગરિકોના રક્ષણ માટે તથા તેમના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે જાહેર સંસ્થાઓ દ્વારા કરવામાં આવતો ખર્ચ. જાહેર સંસ્થાઓમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જાહેર ખર્ચ એ જાહેર વિત્તવ્યવસ્થા કે જાહેર અર્થવિધાનનો અંતર્ગત ભાગ તો છે જ; પરંતુ જાહેર આવકના પાસા કરતાં તે વધારે મહત્વનું ગણાય છે, કારણ કે જાહેર સંસ્થાઓ જાહેર આવક ઊભી કરે તે પહેલાં જાહેર ખર્ચ અંગેના નિર્ણયો લે છે, તે માટેનું અંદાજપત્ર ઘડી કાઢે છે અને પ્રાયોજિત જાહેર ખર્ચને અનુલક્ષીને કરવેરા, જાહેર સાહસોનો નફો, જાહેર દેવું તથા ખાધપૂરક નાણાનીતિ જેવાં સાધનો દ્વારા જાહેર આવક ઊભી કરવાનો પ્રબંધ કરે છે.
જાહેર ખર્ચનું વર્ગીકરણ ભિન્ન ભિન્ન ર્દષ્ટિકોણને આધારે જુદી જુદી રીતે કરવામાં આવે છે. તેમાંનું સૌથી જૂનું વર્ગીકરણ ઍડમ સ્મિથ દ્વારા ત્રણ વિભાગમાં સૂચવવામાં આવ્યું છે : (1) બાહ્ય આક્રમણથી દેશનાં સાર્વભૌમત્વ તથા અખંડિતતાનું રક્ષણ અને આંતરિક શાંતિ અને સુવ્યવસ્થા જાળવી રાખવા પર કરવામાં આવતો ખર્ચ, (2) આંતરિક ન્યાયવ્યવસ્થાની ગોઠવણ તથા તેના સંચાલન પર થતો ખર્ચ અને (3) સમાજ માટે ઉપયુક્ત હોવા છતાં વ્યક્તિગત ધોરણે ઊભી કરી શકાય નહિ તેવી સેવા કે કાર્યો પર થતો ખર્ચ, દા.ત., રસ્તા, પુલો, નહેરો, બંધ કે રેલ લાઇનનું નિર્માણ, તાર-ટપાલનો પ્રબંધ વગેરે. કેટલાક અર્થશાસ્ત્રીઓ જાહેર ખર્ચનું વર્ગીકરણ જુદી રીતે કરે છે : (1) સંરક્ષણ તથા આંતરિક કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેનો ખર્ચ, (2) વ્યાપારી ધોરણે ઊભાં કરવામાં આવતાં જાહેર સાહસો તથા ઉદ્યોગ, વ્યાપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપવા માટેના જાહેર સંસ્થાઓના પ્રકલ્પો પર થતો ખર્ચ અને (3) જાહેર બાંધકામ, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે પર થતો વિકાસલક્ષી ખર્ચ. કેટલાક વિચારકો જાહેર ખર્ચનું વર્ગીકરણ બે વિભાગમાં કરે છે : (1) ઉત્પાદકીય અને (2) બિન-ઉત્પાદકીય. જે ખર્ચ કરવાથી રાજ્ય કે જાહેર સંસ્થાની આવકમાં વધારો થાય છે તે ઉત્પાદકીય ખર્ચ. દા.ત., રેલવે, તારટપાલ ખાતું, નાગરિક વિમાન સેવા, ટેલિફોન સેવા વગેરે દ્વારા તેના પર થતા ખર્ચની રકમની પ્રાપ્તિ ઉપરાંત તેમાંથી રાજ્યને નફો પણ પ્રાપ્ત થાય છે; પરંતુ રાજ્યની જે પ્રવૃત્તિઓથી જાહેર આવકમાં પ્રત્યક્ષ રીતે ઉમેરો થતો નથી તે પ્રવૃત્તિઓ પર થતો ખર્ચ બિનઉત્પાદકીય ગણાય. દા. ત., શિક્ષણ, સ્વાસ્થ્ય, સંરક્ષણ સેવા, પોલીસ તથા અર્ધલશ્કરી દળો પર થતો ખર્ચ. જાહેર ખર્ચનું સાદું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે : (1) નાગરિક (civil) સેવા પર થતો ખર્ચ અને (2) લશ્કરી સેવા પરનો ખર્ચ. જાહેર ખર્ચ કયાં સત્તામંડળો કે ઘટકો દ્વારા કરવામાં આવે છે તેને અનુલક્ષીને તેના ત્રણ વર્ગો પાડી શકાય : (1) કેન્દ્ર સરકાર દ્વારા થતો ખર્ચ, (2) રાજ્ય સરકારો દ્વારા થતો ખર્ચ અને (3) મ્યુનિસિપલ કૉર્પોરેશન, મ્યુનિસિપાલિટી, પંચાયત જેવી સ્થાનિક વહીવટની સંસ્થાઓ દ્વારા થતો ખર્ચ.
જાહેર ખર્ચના વર્ગીકરણના આ પ્રકારો સંપૂર્ણ પણ નથી અને સર્વગ્રાહી પણ નથી. આધુનિક અર્થશાસ્ત્રીઓ તેના બે વર્ગો પાડે છે : (1) જાહેર વસ્તુઓ અને સેવાના ઉત્પાદન માટે રાજ્યને કે અન્ય જાહેર સંસ્થાઓને ઉત્પાદનનાં જે સાધનો તથા ઉત્પાદનસામગ્રી (inputs) ખરીદવાં પડે છે તેના પર થતો ખર્ચ અને (2) જે ખર્ચના લાભાર્થીઓ તેના બદલામાં કોઈ ચુકવણી કરતા નથી, ખાનગી ક્ષેત્રના ઘટકોના એક ખંડ (segment) પાસેથી તે જ ક્ષેત્રના ઘટકોના બીજા ખંડ માટે ખરીદશક્તિનું માત્ર હસ્તાંતર થાય છે તેવો ખર્ચ. દા.ત., સબસિડી, અનુદાન, ભેટસોગાદો, વ્યાજની ચુકવણી વગેરે.
જાહેર ખર્ચના કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો છે : (1) જાહેર ખર્ચ દ્વારા મહત્તમ સામાજિક લાભ કે કલ્યાણ હાંસલ થવાં જોઈએ; (2) જાહેર નાણાંનો દુર્વ્યય ઘટાડવો, નાણાંના દરેક એકમનો ઇષ્ટ તથા કરકસરયુક્ત ઉપયોગ કરવો; (3) ખર્ચ કરતાં પહેલાં અધિકૃત સત્તામંડળની પૂર્વસંમતિ પ્રાપ્ત કરવી, સત્તાવાર રીતે હિસાબ તપાસી લેવા તથા જાહેર ખર્ચ પર સંસદીય/ધારાસભાના નિયંત્રણદેખરેખની જોગવાઈ કરવી; (4) જાહેર ખર્ચમાં પરિવર્તનશીલતાનો ગુણ દાખલ કરવો જેથી બદલાતા સંજોગોમાં જાહેર ખર્ચમાં સહેલાઈથી વધઘટ કરી શકાય; (5) શક્ય હોય ત્યાં સુધી સામાન્ય સંજોગોમાં સમતોલ અંદાજપત્ર(જાહેર આવક = જાહેર ખર્ચ)ની નીતિને અનુલક્ષીને જાહેર ખર્ચની ગોઠવણ કરવી.
વીસમી સદીમાં અને ખાસ કરીને તેના ઉત્તરાર્ધમાં જાહેર ખર્ચમાં સતત વધારો થતો રહ્યો છે; તેના માટે ઘણાં કારણો જવાબદાર છે. જૂના વખતમાં જાહેર સંસ્થાઓ દ્વારા માત્ર ફરજિયાત (obligatory) સ્વરૂપનાં કાર્યો જ હાથ ધરવામાં આવતાં. ઍડમ સ્મિથે જાહેર ખર્ચનું જે રીતે વર્ગીકરણ કર્યું છે તેમાં રાજ્યનાં ફરજિયાત કાર્યો(સંરક્ષણ, આંતરિક શાંતિ અને સુવ્યવસ્થા, ન્યાયપાલિકાનું સંચાલન, સમાજને ઉપયોગી જાહેર બાંધકામનાં અનિવાર્ય કાર્યો)નો જ પડઘો પડે છે; પરંતુ વીસમી સદીમાં જાહેર સંસ્થાઓનાં ફરજિયાત કાર્યો ઉપરાંત તેમાં મરજિયાત કાર્યોનો ઉમેરો થયો છે, એટલું જ નહિ પરંતુ આવાં મરજિયાત કાર્યોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેનો વ્યાપ પણ વધી રહ્યો છે. આધુનિક રાજ્યો ‘પોલીસ સ્ટેટ’ મટીને કલ્યાણલક્ષી ઘટકો બની ગયાં છે. તે હવે શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર આરોગ્ય, રહેઠાણોનો પ્રબંધ, કૃષિ-ઉદ્યોગો તથા વિકાસલક્ષી પૂરક સેવાનું વિસ્તરણ, આર્થિક વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે આર્થિક આયોજન, સામાજિક સલામતી, આર્થિક ન્યાય અને સમાનતા જેવાં અનેક ધ્યેયોને હાંસલ કરવા માટે વિવિધ પ્રકારનાં કાર્યો હાથ ધરે છે; કુદરતી આફત દરમિયાન અસરગ્રસ્તોને મોટા પાયા પર જરૂરી રાહત પહોંચાડે છે; પ્રદૂષણ અટકાવવા તથા પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે વિશાળ પાયા પરના પ્રકલ્પો હાથ ધરે છે; પ્રજાને મનોરંજનનાં સાધનો પૂરાં પાડે છે; પર્યટનને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત, વીસમી સદીના ઉત્તરાર્ધમાં શાસકીય તથા વહીવટી માળખાનું લોકશાહીકરણ થતાં પ્રજાનું, પ્રજા દ્વારા અને પ્રજા માટે કામ કરે તેવું રાજકીય માળખું રચવા માટે ચૂંટણીઓ યોજે છે અને ધારાસભા તથા સંસદ જેવી લોકશાહી સંસ્થાઓ અસરકારક રીતે પોતાનાં કાર્યો કરી શકે તથા બંધારણીય ફરજો અદા કરી શકે તે માટે સગવડો પૂરી પાડે છે. આ બધાં કાર્યો પર જાહેર સંસ્થાઓને જંગી ખર્ચ કરવો પડે છે. ભારત જેવા ત્રીજા વિશ્વના દેશોમાં વસ્તીવિસ્ફોટ, ઝડપી શહેરીકરણ, વધતી ગરીબી અને બેકારીને લીધે ઉદભવતી સમસ્યાઓના નિરાકરણ માટે પણ જાહેર સંસ્થાઓને મોટા પાયા પર ખર્ચ કરવો પડે છે. તાજેતરનાં વર્ષો દરમિયાન ફુગાવાને લીધે પણ જાહેર ખર્ચમાં સતત વધારો થયો છે. વીસમી સદીનાં બે વિશ્વયુદ્ધો અને ત્યારપછીના લગભગ ચાર દાયકા (1945–89) દરમિયાન અમેરિકાના નેતૃત્વ હેઠળના મૂડીવાદી દેશો તથા સોવિયેટ સંઘના નેતૃત્વ હેઠળના સામ્યવાદી દેશોનાં જૂથો વચ્ચેના ઠંડા યુદ્ધને કારણે આ બંને જૂથો હેઠળના દેશોમાં સંરક્ષણ ખર્ચમાં જંગી વધારો કરવામાં આવ્યો હતો. ભારત જેવા વિકાસશીલ દેશને પણ તેની સ્વાધીનતા અને અખંડિતતાના રક્ષણ કાજે મોટા પાયે સંરક્ષણ ખર્ચ અનિવાર્ય રીતે કરવો પડે છે.
જાહેર ખર્ચ અંગેના ઉપર નિર્દિષ્ટ માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જાહેર સંસ્થાઓ ખર્ચનું સંયોજન કરે, જાહેર ખર્ચ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે જ થાય, જાહેર નાણાંનો વ્યય અટકાવવામાં આવે, જાહેર ખર્ચ મૂડીરોકાણ અને રોજગારીના વિસ્તરણનું સાધન બને તો ‘વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ કલ્યાણ’ (greatest good of the greatest number) હાંસલ કરી શકાય. જાહેર ખર્ચનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. તેનાથી ઊલટું, જાહેર નાણાંનો ઉપયોગ બિનઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે, જાહેર સંસ્થાઓના વહીવટી ખર્ચા (non-plan expenditure) વધતા જાય, જાહેર વહીવટમાં ભ્રષ્ટાચાર વધે, જાહેર ખર્ચ પર પ્રજા વતી અસરકારક નિયંત્રણ ન મુકાય તો લોકોના આર્થિક અને સામાજિક કલ્યાણમાં ઘટાડો થશે; ઉપરાંત જાહેર ખર્ચનો લાભ ગરીબો કરતાં તવંગર વર્ગના લોકોને મળે, જાહેર સાહસોમાં મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થાય તો આર્થિક અસમાનતા વધશે, ગરીબો વધુ ગરીબ થશે અને ધનિકો વધુ ધનિક બનતા જશે. તેનાથી ઊલટું, જાહેર નાણાંનો વિનિયોગ ગરીબોના ઉત્કર્ષ માટે કરવામાં આવે, જાહેર સાહસોમાં આર્થિક રીતે નીચલા વર્ગના લોકોની જરૂરિયાતો સંતોષવા માટેની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે તો આર્થિક અને સામાજિક વિષમતાઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે