જાહેર ઉત્તરદાયિત્વ : સામાજિક હેતુઓની સિદ્ધિ માટે જાહેર નાણાંનો ઉપયોગ કરીને અસ્તિત્વમાં આવેલા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (undertakings) સંબંધે વિધાનમંડળ દ્વારા જનતા તરફ ઉત્તરદાયિત્વ (જવાબદારી). કોઈ પણ સાહસના સંચાલકો તેના માલિકો પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે. ખાનગી કંપનીઓના સંચાલકોનું ઉત્તરદાયિત્વ તેમના માલિકો એટલે કે શેરધારકો પ્રત્યે હોય છે. ઉત્તરદાયિત્વનો પ્રશ્ન સરકારની માલિકીનું મોટું જાહેર ક્ષેત્ર ધરાવતા ભારત જેવા દેશમાં વિશેષ મહત્વ ધારણ કરે છે. જાહેર સાહસોના સંચાલનમાં ઉત્તરદાયિત્વનો પ્રશ્ન હંમેશાં વિવાદાસ્પદ રહ્યો છે. આ પ્રકારનાં સાહસોને અમુક અંશે સંચાલનની સ્વાયત્તતા આપવી પડે છે. આ સ્વાયત્તતાનું પ્રમાણ કેટલું રાખવું એ અર્થશાસ્ત્રીઓ માટે વૈચારિક મતભેદનો પ્રશ્ન રહ્યો છે. જાહેર ઉત્તરદાયિત્વની તરફેણ કરનારાની રજૂઆત એવી છે કે જાહેર સાહસોની સ્થાપના સરકારી નાણાંથી એટલે કે છેવટે તો જાહેર પ્રજાના પરસેવાની કમાણીમાંથી થાય છે. આથી તેઓ પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંસદને જવાબદાર હોવા જોઈએ એ તર્કસંગત હકીકત છે. જાહેર સાહસોએ સરકાર, સંસદ અને પરોક્ષ રીતે જાહેર પ્રજાને એ હકીકતની ખાતરી આપવી જોઈએ કે તેમનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થઈ રહ્યું છે, તેમણે ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવું જોઈએ અને સુમેળભર્યા ઔદ્યોગિક સંબંધો અને યોગ્ય કર્મચારી-સંચાલન દ્વારા હડતાળો અને તાળાબંધી જેવાં દૂષણો દૂર રાખીને, તે જે હેતુસર સ્થાપવામાં આવ્યાં હોય તે સિદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ. અંગત હિતનું તત્વ ન હોવાથી જાહેર સાહસોના વહીવટકર્તા સાહસોની કામગીરીમાં યોગ્ય રસ ન લે એ સંભવ ઘણો વધારે છે. વારંવાર થતી બદલીઓ, સરકારની નીતિના પરિવર્તન ઉપરાંત ખુદ સરકારમાં થતાં પરિવર્તનોને કારણે જાહેર સાહસોના સંચાલકોની કામગીરી શિથિલ કે મુશ્કેલ બની જાય છે અને સરકાર કે સંસદ માટે પણ ઉત્તરદાયિત્વ નક્કી કરવાનું કામ અઘરું, તો કેટલીક વાર અશક્ય, બની જાય છે. આમ એક બાજુ ઉત્તરદાયિત્વ અનિવાર્ય હોય, તો બીજી બાજુ તેના વ્યવહારુ અમલમાં અનેક મુશ્કેલીઓ હોય. આમ છતાં એ હકીકત નિર્વિવાદ છે કે જાહેર સાહસો પર જાહેર અંકુશ એક અથવા બીજા સ્વરૂપે અનિવાર્ય છે. ભારતમાં પબ્લિક ઍકાઉન્ટ્સ કમિટી, કૉમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલનું કાર્યાલય વગેરે દ્વારા જાહેર સાહસોની કામગીરીનું મૂલ્યાંકન થતું રહે છે. જાહેર હિતને લગતા અને અપવાદરૂપ કિસ્સામાં વિશિષ્ટ સંસદીય તપાસ સમિતિ નીમીને પણ જાહેર સાહસોને પ્રજાને જવાબદાર બનાવાય છે. ઉત્તરદાયિત્વના પ્રશ્ન સાથે સ્વાયત્તતાનો પ્રશ્ન સંકળાયેલો છે. જાહેર સાહસોના કાર્યક્ષમ સંચાલન માટે ઝડપી નિર્ણયો લેવા આવશ્યક હોય છે. આવી સ્થિતિમાં જાહેર સાહસોના સંચાલકોની સત્તા અને તેમનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરવાં પડે છે. પોતાની સત્તાની મર્યાદામાં રહીને તે જે નિર્ણયો લે તે સરકારે માન્ય રાખવા જોઈએ. આ રીતે સ્વાયત્તતાના પ્રશ્નથી ઉત્તરદાયિત્વનો પ્રશ્ન અલગ કરી શકાય નહિ. આ પ્રશ્ન લોકશાહી સમાજોના અનુશાસન સાથે સંકળાયેલા અનેક પ્રશ્નોની માફક એક સમતુલા જાળવવાનો પ્રશ્ન છે. જે રીતે એક કુશળ ચાલક વાહન ચલાવતી વખતે બ્રેક પર ધ્યાન રાખીને એક્સિલરેટર દ્વારા વાહનને ગતિ આપતો રહે છે તે જ રીતે સરકારે વહીવટી અધિકારીઓને શક્ય તેટલી વધારે સ્વતંત્રતા આપી તેમને જાહેર પ્રજાને જવાબદાર બનાવવાની આવશ્યકતા સ્વયંસ્પષ્ટ છે.
આર. કે. શાહ