જાસોર (જેસોર)

January, 2012

જાસોર (જેસોર) : ગુજરાતના ઈશાન ખૂણે પાલનપુર તાલુકાના ઇકબાલગઢથી 8 કિમી. દૂર આવેલી ડુંગરમાળા. આ ડુંગરોનાં 7 પડો કે હાર હોવાથી તે સાતપુડા તરીકે ઓળખાય છે. ઊંચાઈ 1066 મી. છે. ડુંગરો નાઈસ અને ગ્રૅનાઇટ ખડકો ધરાવે છે. ઢોળાવો તથા તળેટીમાં વાંસ, બાવળ, અર્જુન, ટીમરુ, ખાખરો, અરડૂસો વગેરે પર્ણપાતી વૃક્ષોનું જંગલ છે. શિખરનો ભાગ સપાટ હોઈને પ્રવાસધામ તરીકે વિકસાવી શકાય તેમ છે. અમદાવાદ–દિલ્હી રાષ્ટ્રીય ધોરી માર્ગથી થોડે દૂર 182 ચોકિમી.માં પથરાયેલું રીંછનું અભયારણ્ય છે. અભયારણ્યમાં રીંછ ઉપરાંત હરણ, સસલાં, દીપડા, રોઝ (નીલગાય), શિયાળ વગેરે પ્રાણીઓ છે. અભયારણ્યની એક બાજુ સિપુ તથા બીજી તરફ બનાસ નદી વહે છે. જાસોરને જેસોર નામે પણ ઓળખવામાં આવે છે.

મહેશ મ. ત્રિવેદી