જાવા ફિગ ટ્રી : લૅ. Ficus benjamina. કુળ : Urticaceae. સહસભ્યો : વડ, પીપળો, પીપળ વગેરે.
નાનાં નાનાં પણ ઘટ્ટ રીતે લાગેલાં ચળકતાં પાનથી આ ઝાડ ખૂબ જ ઘટાદાર લાગે છે. આનું ઝાડ ઠીક ઠીક ઝડપથી વધે છે, ઘણું વિશાળ થાય છે અને લાંબા આયુષ્યવાળું થાય છે. બેંગાલુરુમાં લાલ બાગને દરવાજે ટીપુ સુલતાને રોપેલાં બે ઝાડ પૈકી એક ઝાડ હમણાં થોડાં વરસ પહેલાં મરી ગયું. ઝાડની નીચે સારી એવી ઠંડક મળી રહે છે અને એનાં જૂનાં પાન જેમ જેમ ખરતાં જાય તેમ તેમ નવાં પાન આવતાં જાય છે એટલે એ કાયમ લીલુંછમ લાગતું.
ગુજરાતમાં પણ ગાંધીનગરમાં 28મા સેક્ટરના જાહેર ઉદ્યાનમાં આનાં બેએક ઝાડ રોપવામાં આવ્યાં છે અને તે ઠીક ઠીક મોટાં થયાં છે.
મ. ઝ. શાહ