‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ) (જ. 9 નવેમ્બર 1888, વરવાડા, જિ. જામનગર; અ. 22 ડિસેમ્બર 1955, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. નાની વયે માબાપ મૃત્યુ પામતાં મોટાં ભાભીને ત્યાં ઊછર્યા. નાટકના શોખીન બનેવી મથુરાદાસ જમનાદાસને નાટક જોવા સાથે લઈ જાય. જામને સૌપ્રથમ ‘કૃષ્ણસુદામા’ નાટક રચ્યું હોવાનું મનાય છે. 16 વર્ષની ઉંમરે લખેલ ‘કુસંગદોષ’ નાટક લઈ મથુરાદાસ ‘જામન’ સાથે રૉયલ નાટકમંડળીના ડાઇરેક્ટર સોરાબજી કાત્રક પાસે ગયા. તે નાટક ‘ભૂલનો ભોગ’ નામે 1921માં રજૂ થયું અને સફળતા પામ્યું. રશિયાના ઢોંગી ધર્મગુરુ રાસ્પુટિનની પાપલીલા પરથી જામને ‘સોનેરી જાળ’ લખ્યું અને વૈષ્ણવ સમાજમાં હાહાકાર મચી ગયો. આ નાટકને કારણે તે ક્રાંતિકારી નાટકકાર ગણાવા લાગ્યા. 1923માં ભજવાયેલું ‘એમાં શું ?’ ઘર ઘરની કથાનું નાટક હોઈ અત્યંત લોકપ્રિય થયું. ‘એ કોનો વાંક’ નાટકે એમને ખૂબ કમાણી કરાવી. ‘વીસમી સદી’માં દીકરીને સાસરામાં પડતું દુ:ખ જોઈ ઘણા પ્રેક્ષકો આંસુ સારતા. ‘કૉલેજિયન’ નાટકમાં ખલનાયક બાબુનું પાત્ર નાટકકાર પ્રાગજી ડોસાએ 26 વર્ષની વયે ભજવ્યું હતું. 1934માં આ નાટક મુંબઈથી ભારત લક્ષ્મી પ્રેસ દ્વારા પ્રગટ થયેલું. વિક્ટર હ્યૂગોની મહાનવલકથા ‘લા મિઝરાબ્લ’ પરથી ‘પ્રવાસી’ નાટક જામને લખ્યું, પણ તે ધારી સફળતા પામ્યું નહિ. તેમણે 1932માં સ્થાપેલી ‘ગુજરાત કલા મંદિર’ નાટક મંડળી 1936માં બંધ થઈ. જામનના પુત્ર વ્રજદાસ, એની પત્ની કુસુમ અને બીજા નાના પુત્ર કૃષ્ણદાસના અવસાનના આઘાતો તેમને 1944ની આસપાસ સહેવા પડ્યા. 1954માં એમના પુત્ર નગીનદાસે પિતાનું ‘સંપત્તિનો સ્વામી’ નાટક ‘એક હતો સસરો’ નામે રજૂ કરેલું.
જામને ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ ઉપર સંખ્યાની ર્દષ્ટિએ ઓછાં પરંતુ એમના સમયને મુકાબલે તાજગીભરી ભાષાવાળાં, નવી શૈલી અને વાસ્તવિક વસ્તુ અને સામાજિક સમસ્યાઓથી ભરપૂર નાટકો લખ્યાં છે. તે એમના જમાનાથી 10 વર્ષ આગળ હતા. એમણે મોટા ભાગનાં નાટકોમાં કલંકિત પાત્રો ચીતર્યાં છે. વ્યવસાયી રંગભૂમિ ઉપર ચીલાચાલુ નાટકોને સ્થાને સમયની માગ મુજબ દ્વિઅંકી નાટિકાઓ રચનાર તે પ્રથમ નાટ્યકાર હતા. એમના પછી વ્યવસાયી નાટ્યકારોએ આ સ્વરૂપને સારી રીતે ખેડ્યું હતું.
દિનકર ભોજક
કૃષ્ણવદન જેટલી