જાની, ચિન્મય (જ. 4 જાન્યુઆરી 1933) : ગુજરાતી નવલકથાકાર  અને ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. મૂળ નામ ચિનુપ્રસાદ.  પિતાનું નામ વૈકુંઠરામ. માતા લક્ષ્મીબહેન. જન્મસ્થળ પુણે (મહારાષ્ટ્ર). વતન ટીંટોદણ (ઉ.ગુ.). મૅટ્રિક સુધીનો અભ્યાસ પુણેમાં.

ચિન્મય જાની

ફર્ગ્યુસન અને અન્ય કૉલેજોમાં અભ્યાસ કરી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષયો સાથે સ્નાતક થયા. ડિસેમ્બર 1953માં અન્નપૂર્ણાબહેન સાથે લગ્ન. એલએલ.બી.ની પદવી 1954માં મેળવી.  મુંબઈ આવી એલએલ.એમ. થયા (1959).

ગુજરાતી-મરાઠી જાતે શીખ્યા. કિશોરાવસ્થામાં લેખનનો આરંભ. વકીલાત માટે અમદાવાદને બદલે મહેસાણામાં વધુ અનુકૂળતા જોઈ. 1969માં મહેસાણા છોડી અમદાવાદમાં ગુજરાત હાઇકૉર્ટમાં વકીલાત શરૂ કરી. 1973–74 દરમિયાન સરકારી વકીલ તરીકે સેવાઓ બજાવી. 1976માં અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ જજ તરીકે નિયુક્ત થયા. ક્ષેત્ર સાંકડું લાગતાં નોકરી છોડી, ફરી વકીલાત શરૂ કરી. 1990માં ગુજરાત હાઇકૉર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા. 1995માં નિવૃત્ત. ગુજરાત રાજ્ય જાહેર બાંધકામને લગતા લવાદ માટેની આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલના ચૅરમૅન તરીકે નિયુક્ત થયા. 1998માં નિવૃત્ત. ગ્રાહક અદાલતના અધ્યક્ષ નિમાયા. 2000માં નિવૃત્ત.

ઈ. સ. 1950માં પહેલી નવલકથા ‘સૂર્યગ્રહણ’ લખી, જેને તાજેતરમાં હ્યૂમન સોસાયટી ઑવ્ ઇંડિયાએ ક. મા. મુનશી ઍવૉર્ડથી નવાજી છે. ઈ. સ. 1951માં ‘અચ્યુત’ લખેલી. તેનો હિંદી અનુવાદ તાજેતરમાં પ્રસિદ્ધ થતાં હિંદી સાહિત્ય અકાદમીએ તે અનુવાદને પ્રથમ પારિતોષિક આપ્યું. તે પછી જુદી જુદી ચાર નવલકથાઓ લખી. તેમાંની ‘અલકા’ વાર્તામાસિક ‘આરામ’માં પ્રગટ થયેલી, જેનો હિન્દી અનુવાદ ઈ. સ. 2002માં પ્રગટ થયેલો છે. 1968માં ‘તું’ લખી. ઈ. સ. 2002માં ‘મારો દોસ્ત કાન્ટ’ અને ‘ડૉ. વિદ્યા’ પ્રગટ થઈ છે. તેમની કૃતિઓ સામાજિક નિસબતથી અને ચૈતસિક આલેખનથી ભરપૂર હોય છે. પહેલી જ કૃતિ ‘સૂર્યગ્રહણ’માં આર્યો-અનાર્યો વચ્ચેના સંઘર્ષમાં નારીની સ્વતંત્રતા વિશે, ‘અચ્યુત’માં પોતાની આધ્યાત્મિક સફરમાં નગરમાંથી ગામડે, ગામડેથી વનાંચલમાં અને છેવટે બદરી-કેદાર પર યાત્રાએ જઈ સ્થિર થતા યુવાનના માનસિક આવેગો વિશે, ‘ચુડેલ’માં ગામડાના વગર કેળવાયેલા યુવાનની માનસિક મુગ્ધતા અને આવેશો વિશે, ‘અલકા’માં પોતાનો સર્વ આદર અને પ્રેમ પોતાનાથી નાના યુવાન પર ન્યોછાવર કરતી નારી વિશે, ‘મારો દોસ્ત કાન્ટ’માં જર્મનીના દર્શનશાસ્ત્રી કાન્ટને અનુસરતા એક તપસ્વી મહામાનવની જીવનઘટનાઓ વિશે, અને ‘ડૉ. વિદ્યા’માં લાલચો અને મરણના ભયથી જરાય ડર્યા વિના સત્યને વળગી રહેતી નારી વિશેનું મનોવિશ્લેષણ પ્રભાવક બને છે.

ચિન્મય જાની એમના સાહિત્યપ્રેમ અને કાનૂની સેવા માટે પ્રતિષ્ઠિત છે. એમનાં ચિંતનાત્મક લેખો અને સંસ્મરણોમાં એમની કલ્યાણકારી ભાવનાઓ વ્યક્ત થઈ છે. સર્જક તરીકેની એમની સંવેદનશીલતા અને માનવહક્કના જતન વિશેની વૈશ્ર્વિક સમજણ એ એમની મુખ્ય મૂડી છે. ઘણી બધી સંસ્થાઓને એ શુદ્ધ માનદ ધોરણે કાનૂની સલાહ આપે છે. એમની સાત નવલકથાઓના અંશો પસંદ કરી એમનાં સુપુત્રી મિતા રાવળે ‘કથાસપ્તક’ નામે સંપાદન પ્રગટ કર્યું છે.

રઘુવીર ચૌધરી