જાની, ચિનુપ્રસાદ વૈકુંઠરામ ‘ચિન્મય’

January, 2012

જાની, ચિનુપ્રસાદ વૈકુંઠરામ ‘ચિન્મય’ (જ. 4 જાન્યુઆરી 1933, પુણે, મહારાષ્ટ્ર) :ગુજરાતી નવલકથાકાર અને ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. પિતાનું નામ વૈકુંઠરામ, માતા લક્ષ્મીબહેન. વતન ટીંટોદણ (ઉ.ગુ.), મૅટ્રિક સુધીનો અભ્યાસ પુણેમાં.

ચિન્મય જાની

ફર્ગ્યુસન અને અન્ય કૉલેજોમાં અભ્યાસ કરી તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષયો સાથે સ્નાતક થયા. ડિસેમ્બર 1953માં અન્નપૂર્ણાબહેન સાથે લગ્ન. 1954માં એલએલ.બી.ની પદવી મેળવી, 1959માં  મુંબઈ આવી એલએલ.એમ. થયા.

ગુજરાતી-મરાઠી જાતે શીખ્યા. કિશોરાવસ્થામાં લેખનનો આરંભ, વકીલાત માટે અમદાવાદને બદલે મહેસાણામાં વધુ અનુકૂળતા જોઈ. 1956થી 1962 દરમિયાન એકઝામિનર ઓફ બુકસ ઍન્ડ પબ્લિકેશન્સમાં અનુવાદક, 1962થી 1969 સુધી મહેસાણામાં વકીલાત, 1969માં મહેસાણા છોડી અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. 1973-74 દરમિયાન સરકારી વકીલ તરીકે સેવાઓ બજાવી. 1976માં અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ જજ તરીકે નિયુક્ત થયા. ક્ષેત્ર સાંકડું લાગતાં નોકરી છોડી, ફરી વકીલાત શરૂ કરી. 1990માં ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા. 1995માં નિવૃત્ત. ગુજરાત રાજ્ય જાહેર બાંધકામને લગતા લવાદ માટેની આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલના ચૅરમૅન તરીકે નિયુક્ત થયા. 1998માં નિવૃત્ત. ગ્રાહક અદાલતના અધ્યક્ષ નિમાયા. 2000માં નિવૃત્ત.

તેમની પાસેથી ‘અચ્યુત’ (1955), ‘જયેન્દ્ર’ (1961), ‘જલકન્યા’ (1983), ‘તું’ (1992), ‘અલકા’ (1992), ‘અમરવેલ’ (1994), ‘સૂર્યગ્રહણ’ (1995), ‘મહામાયા’ (1996), ‘ચુડેલ’ (2000), ‘મારો દોસ્ત કાન્ટ’ (2002), ‘ડૉ. વિદ્યા’ (2002), ‘ક્ષિતિજની પેલે પાર’ (2007) અને ‘સરસ્વતીચંદ્ર ભાગ પાંચમો’ (2010) નવલકથાઓ મળે છે.

વાર્તાસંગ્રહોમાં ‘અમર અને બીજી વાતો’ (2000), પુનર્જન્મ અને બીજી વાર્તાઓ’ (2011), ‘ખંડિત સુવર્ણ…’ (2011) (વિદેશી વાર્તાઓ) કાવ્યસંગ્રહ, ‘કલધ્વનિ’ (2006), ચિંતનલેખો ‘ગુડમૉર્નિંગથી ગુડનાઇટ’ (1996), ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે’ (2001)નો સમાવેશ થાય છે.

‘ન્યાયની કેડીએ’ ન્યાયતંત્રનાં સંસ્મરણોનું પુસ્તક છે. ‘ન્યાય—પર્વ’ પુસ્તકમાં મહાત્મા ગાંધી, મહમદઅલી ઝીણા, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી જેવા વકીલોનો પરિચય આપ્યો છે.

કાયદાના વિદ્યાર્થીઓ માટે ‘સુખાધિકારનો કાયદો’ (1972) અને ‘નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ’ (1973) જેવાં પુસ્તકો આપ્યાં છે.

ઈ. સ. 1950માં પહેલી નવલકથા ‘સૂર્યગ્રહણ’ લખી. જેને હ્યૂમન સોસાયટી ઑવ્ ઇંડિયાએ ક. મા. મુનશી ઍવૉર્ડથી નવાજી છે. ઈ. સ. 1951માં ‘અચ્યુત’ લખેલી. તેનો હિંદી અનુવાદ તાજેતરમાં પ્રસિદ્ધ થતાં હિંદી સાહિત્ય અકાદમીએ તે અનુવાદને પ્રથમ પારિતોષિક આપ્યું. તે પછી જુદી જુદી ચાર નવલકથાઓ લખી. તેમાંની ‘અલકા’ વાર્તામાસિક ‘આરામ’માં પ્રગટ થયેલી, જેનો હિન્દી અનુવાદ ઈ. સ. 2002માં પ્રગટ થયેલો છે. 1968માં ‘તું’ લખી. ઈ. સ. 2002માં ‘મારો દોસ્ત કાન્ટ’ અને ‘ડૉ. વિદ્યા’ પ્રગટ થઈ છે. તેમની કૃતિઓ સામાજિક નિસબતથી અને ચૈતસિક આલેખનથી ભરપૂર હોય છે. પહેલી જ કૃતિ ‘સૂર્યગ્રહણ’માં આર્યો-અનાર્યો વચ્ચેના સંઘર્ષમાં નારીની સ્વતંત્રતા વિશે, ‘અચ્યુત’માં પોતાની આધ્યાત્મિક સફરમાં નગરમાંથી ગામડે, ગામડેથી વનાંચલમાં અને છેવટે બદરી-કેદાર પર યાત્રાએ જઈ સ્થિર થતા યુવાનના માનસિક આવેગો વિશે, ‘ચુડેલ’માં ગામડાના વગર કેળવાયેલા યુવાનની માનસિક મુગ્ધતા અને આવેશો વિશે, ‘અલકા’માં પોતાનો સર્વ આદર અને પ્રેમ પોતાનાથી નાના યુવાન પર ન્યોછાવર કરતી નારી વિશે, ‘મારો દોસ્ત કાન્ટ’માં જર્મનીના દર્શનશાસ્ત્રી કાન્ટને અનુસરતા એક તપસ્વી મહામાનવની જીવનઘટનાઓ વિશે, અને ‘ડૉ. વિદ્યા’માં લાલચો અને મરણના ભયથી જરાય ડર્યા વિના સત્યને વળગી રહેતી નારી વિશેનું મનોવિશ્લેષણ પ્રભાવક બને છે.

ચિન્મય જાની એમના સાહિત્યપ્રેમ અને કાનૂની સેવા માટે પ્રતિષ્ઠિત છે. એમનાં ચિંતનાત્મક લેખો અને સંસ્મરણોમાં એમની કલ્યાણકારી ભાવનાઓ વ્યક્ત થઈ છે. સર્જક તરીકેની એમની સંવેદનશીલતા અને માનવહક્કના જતન વિશેની વૈશ્વિક સમજણ એ એમની મુખ્ય મૂડી છે. ઘણી બધી સંસ્થાઓને એ શુદ્ધ માનદ ધોરણે કાનૂની સલાહ આપે છે. એમની સાત નવલકથાઓના અંશો પસંદ કરી એમનાં સુપુત્રી મિતા રાવળે ‘કથાસપ્તક’ નામે સંપાદન પ્રગટ કર્યું છે.

રઘુવીર ચૌધરી

દર્શના ધોળકિયા