જાની, અંબાલાલ બુલાખીરામ (જ. 18 ઑક્ટોબર 1880, નડિયાદ; અ. 28 માર્ચ 1942, મુંબઈ) : વડનગરા નાગર બ્રાહ્મણ અને નડિયાદના વતની. પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં, માધ્યમિક નડિયાદ-અમદાવાદમાં. ગ્રૅજ્યુએશન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં વિજ્ઞાન વિષયે. 1907માં મુંબઈની પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. 1909માં મુંબઈના ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં સહતંત્રી તરીકે જીવનપર્યંત સેવા આપી. 1914–21નાં વર્ષોમાં ‘સમાલોચક’ માસિકના પણ સહતંત્રી હતા. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના જીવનપર્યંત સહમંત્રી હતા. ત્યાંથી ‘ફાર્બસ ત્રૈમાસિક’નો આરંભ કર્યો ને જીવનના અંત સુધી એના તંત્રી રહ્યા. આરૂઢ પત્રકાર, ગુજરાતી સાહિત્ય પરિષદના પણ વર્ષો સુધી એક મંત્રી અને ત્યાંથી જ એનાં હસ્તલિખિત પુસ્તકોની વિવરણાત્મક માહિતી આપતા બે ગ્રંથોનું સંપાદન કર્યું. ‘અખો અને એની કવિતા’(1907)થી લઈ અનેક લેખો-પુસ્તકો પણ એમણે આપ્યાં. કેશવરામનું ‘કૃષ્ણક્રીડાકાવ્ય’, ભીમનું ‘હરિલીલા-ષોડશકલા’ અને શામળની ‘સિંહાસનબત્રીસી’નાં સંપાદન મધ્યકાલીન કાવ્યોને ક્ષેત્રે એમની નોંધપાત્ર સેવા બની ગયેલ છે.
કે. કા. શાસ્ત્રી