જાધવ, ખાશાબા (જ. 14 જાન્યુઆરી 1924, કરાડ; અ. ઑગસ્ટ 1984, કરાડ) : ભારતના અગ્રણી કુસ્તીવીર અને ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ભારતને હૉકીની રમત બાદ કરતાં પ્રથમ પદક મેળવી આપનાર વિજેતા. જન્મ કરાડ નજીકના ગોળેશ્વર ગામડામાં. શરૂઆતનું શિક્ષણ કરાડ ખાતે. ઑલિમ્પિક અને ભારતમાં થતી કુસ્તી-સ્પર્ધાઓમાં સતત સક્રિય હોવાને કારણે કુસ્તીમાંથી નિવૃત્ત થયા બાદ કૉલેજશિક્ષણ પૂરું કર્યું. તેમના પિતા અને મોટા ભાઈ બંને કુસ્તીમાં નિપુણ હતા, જેમની પાસેથી બાળપણથી જ ખાશાબાને કુસ્તીની સઘન તાલીમ મળી. કુસ્તી ઉપરાંત તેમણે તરણ, મલખંભ, જિમ્નૅસ્ટિક, કબડ્ડી જેવી રમતોમાં પણ પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું હતું. શાલેય કારકિર્દી દરમિયાન કુસ્તીની સ્પર્ધાઓમાં વિજેતા બનતાં તેમાં ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં. કૉલેજમાં હતા ત્યારે કૉલકાતા ખાતે આયોજિત કુસ્તી-સ્પર્ધામાં નિરંજનદાસ નામના રાષ્ટ્રીય સ્તરના કુસ્તીવીરને પરાજય આપેલો જેને લીધે તે અરસામાં લંડન ખાતે આયોજિત થનાર ઑલિમ્પિક સ્પર્ધાઓ માટે ખાશાબાની પસંદગી થઈ. ઑલિમ્પિકમાં યોજાતી કુસ્તી-સ્પર્ધાઓ મૅટ પર રમવામાં આવે છે, જેનો ખાશાબાને અનુભવ ન હોવાથી લંડન ઑલિમ્પિકની કુસ્તી-સ્પર્ધાઓમાં તેમને છઠ્ઠો ક્રમ પ્રાપ્ત થયો હતો. ત્યાંથી પાછા આવ્યા પછી તેમણે કુસ્તીમાં આંતર કૉલેજ અને આંતર-યુનિવર્સિટી સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક પારિતોષિકો મેળવ્યાં. 1950માં અમૃતસર અને 1951માં બેંગાલુરુ ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્તરની કુસ્તી-સ્પર્ધાઓમાં ખાશાબાએ ચૅમ્પિયનશિપ મેળવી. પરિણામે 1952માં હૅલસિંકી ખાતે પ્રયોજાયેલી ઑલિમ્પિક સ્પર્ધાઓ માટે ભારત તરફથી તેમની પસંદગી કરવામાં આવી. કોલ્હાપુરના રાજવી શાહુ મહારાજે તેમના ખર્ચની જોગવાઈ કરી આપી. ઉપર્યુક્ત ઑલિમ્પિક સ્પર્ધાઓમાં કુસ્તીની સ્પર્ધાના પાંચ રાઉન્ડમાં ખાશાબાએ વિજય મેળવ્યો અને છેલ્લા રાઉન્ડમાં રશિયન કુસ્તીબાજને પરાજય આપી ભારત માટે ઑલિમ્પિક સ્પર્ધાઓમાં સર્વપ્રથમ કાંસ્યપદક મેળવી આપ્યો. એ રીતે ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ભારત માટે હૉકીની રમતને બાદ કરતાં પ્રથમ વાર કોઈ પદક મેળવવાનું માન ખાશાબા જાધવને ફાળે જાય છે.
કુસ્તીની એક સ્પર્ધામાં ભાગ લેતી વેળાએ ઘૂંટણમાં ઈજા થવાથી ખાશાબાને રમતગમત-ક્ષેત્રમાંથી કાયમ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી પડી હતી. ત્યાર બાદ તેમણે અધૂરું રહેલું કૉલેજશિક્ષણ પૂર્ણ કર્યું અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે મહારાષ્ટ્ર રાજ્ય-સરકારની નોકરીમાં જોડાયા અને ત્યાં પણ તેમણે નામના મેળવી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે